પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પોતાનાં બાળકોના જાણ્યા વિના, તેઓને ન જણાવવાને ખાતર, છાનોમાનો કંઈ વસ્તુ ખાઈ જાય છે. આશ્રમનો કોઠાર આપણો બધાંનો છે એમ કહેવાય; પણ તેમાંથી છાનેમાને જે ગોળની ગાંગડી પણ લે છે તે ચોર છે. એક બાળક બીજાની કલમ લે છે તે ચોરી કરે છે. ભલે સામેનો માણસ જાણે, છતાં કંઈ વસ્તુ તેની રજા વિના લેવી એ પણ ચોરી છે. વસ્તુ કોઈની નથી એમ માનીને લેવી એમાં પણ ચોરી છે; એટલેકે રસ્તે જડી ગયેલી વસ્તુના આપણે માલિક નથી પણ તે પ્રદેશનો રાજા અથવા તે પ્રદેશનું તંત્ર છે. આશ્રમની નજીક મળેલી કંઈ પણ વસ્તુ આશ્રમના મંત્રીને સોંપવી જોઈએ. મંત્રી, જો તે આશ્રમની ન હોય તો, સિપાઈને હવાલે કરે.

આટલે લગી તો સમજવું પ્રમાણમાં સહેલું જ છે. પણ અસ્તેય આથી બહુ આગળ જાય છે. કોઈ વસ્તુ લેવાની આપણને આવશ્યકતા નથી, છતાં તે જેના કબજામાં હોય તેની પાસેથી તેની ભલે રજા મેળવીને પણ, લેવી એ ચોરી છે. ન જોઈતી એક પણ વસ્તુ લેવી ન જોઈએ. આવી ચોરી જગતમાં વધારે ને વધારે ખાવાના પદાર્થો વિષે થાય છે. મને અમુક ફળની હાજત નથી છતાં લઉં છું, અથવા જોઈએ એ કરતાં વધુ લઉં છું તો તે ચોરી છે. કેટલી હાજત વસ્તુતઃ છે એ માણસ હમેશાં જાણતો નથી, ને લગભગ આપણે બધાં આપણી હોવી જોઈએ એના કરતાં વધારે હાજત કરી મૂકીએ છીએ. તેથી આપણે અજાણપણે ચોર બનીએ છીએ. વિચાર કરતાં આપણે જોઈશું કે આપણી ઘણી હાજતો આપણે સંકેલી શકીએ છીએ. અસ્તેયનું વ્રત પાળનાર ઉત્તરોત્તર પોતાની હાજત ઓછી કરશે. આ જગતમાં ઘણી કંગાલિયત અસ્તેયના ભંગથી પેદા થઈ છે.