પૃષ્ઠ:Mangal Prabhat by Gandhiji.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કરી કે તેલ ચોળી અથવા હજામત કરી કરાવી નાહીએ છીએ તો તે કેવળ આરોગ્યની દૃષ્ટિએ. મૃતદેહનો સ્પર્શ કરે કે તેલ ચોળી ચોળાવી ન નહાય તે ભલે ગંદો કહેવાય; તે પાતકી નથી, પાપી નથી. એમ તો ભલે માતા બચ્ચાનું મેલું ઉપાડ્યા પછી સ્નાન ન કરે અથવા હાથપગ ન ધૂએ ત્યાં લગી અસ્પૃશ્ય હોય. પણ બચ્ચું ગેલ કરતું તેને અડશે તો તે નથી અભડવાનું કે નથી તેનો આત્મા મલિન થવાનો. પણ જે તિરસ્કારરૂપે ભંગી, ઢેડ, ચમાર ઇત્યાદિ નામે ઓળખાય છે એ તો જન્મે અસ્પૃશ્ય ગણાય છે. ભલે તેણે સેંકડો સાબુથી વર્ષો લગી શરીર ચોળ્યું હોય, ભલે તે વૈષ્ણવનો પોશાક પહેરે, માળાકંઠી રાખે, ભલે તે ગીતાપાઠ રોજ કરે ને ધંધો લેખકનો કરે તોયે તે અસ્પૃશ્ય છે. આમ જે ધર્મ મનાય કે અચરાય તે ધર્મ નથી, અધર્મ છે ને નાશને યોગ્ય છે. આપણે અસ્પૃશ્યતાનિવારણને વ્રતનું સ્થાન આપીને એમ માનીએ છી કે અસ્પૃશ્યતા હિંદુધર્મનું અંગ નથી, એટલું જ નહિ પણ એ હિંદુધર્મમાં પેસી ગયેલો સડો છે, વહેમ છે, પાપ છે, ને તેનું નિવારણ કરવું પ્રત્યેક હિંદુનો ધર્મ છે, તેનું પરમ કર્તવ્ય છે. તેથી જે તેને પાપ માને છે તે તેનું પ્રાયશ્ચિત કરે, અને કંઈ નહિ તો પ્રાયશ્ચિતરૂપે પણ ધર્મ સમજીને સમજદાર હિંદુ પ્રત્યેક અસ્પૃશ્ય ગણાતા ભાઈબહેનને અપનાવે. તેનો હેતે સેવાભાવે સ્પર્શ કરે, સ્પર્શ કરી પોતાને પાવન થયેલ માને, 'અસ્પૃશ્ય'નાં દુઃખો દૂર કરે, વર્ષો થયાં તેમને કચડી નાખવામાં આવેલ છે તેથી તેમનામાં ને અજ્ઞાનાદિ દોષો પેસી ગયા છે તે ધીરજપૂર્વક દૂર કરવામાં તેમને મદદ કરે, અને આમ બીજા હિંદુને કરવા મનાવે, પ્રેરે.