પૃષ્ઠ:Van Vruksho.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આકારનું કાળા રંગે રંગેલું અને રૂપાની કે સોનાની બેઠકવાળું વાસણ હોય છે, તે આ કાચલી છે. દરબાર લોકો હોકાને બહુ સરસ રીતે શણગારે છે.

તમારે નાળિયેરી ઉપર ચડવું હોય તો ચડતાં શીખવું પડશે. રોજના ચડવાવાળાઓ તો વાંદરા જેમ તેના ઉપર ચડી જાય છે; કેડે ચામડાનો પટ્ટો બાંધીને અગર પગને બે દોરડેથી બાંધી સરક સરક કરતા તેઓ ઉપર ચડી જાય છે. ઉપર ચડવાનું તમે તેમની પાસેથી શીખી લેજો.

તમને દાદર થઈ હોય તો કાચલીને સળગાવી થાળીમાં મૂકી તેના ઉપર ભરેલ પાણીની બીજી થાળી ઢાંકજો. ઢાંકેલી થાળીની પાછળ ચોંટેલો રસ દાદરે લગાડજો; પણ જ્યારે એકદમ બળવા લાગે ત્યારે 'ઓયવોય' ન કરતા !

તમે આજકાલનાં ગ્યાસલેટિયાં તેલોના શોખીન ન હો તો ચોખ્ખું કોપરેલ તેલ જ માથામાં નાખજો. સૂકાં ટોપરાંમાંથી કોપરેલ તેલ કાઢવામાં આવે છે.

તમારે ત્યાં ઢોર હોય તો તમારા બાપુને કહેજો કે ટોપરાનો ખોળ પણ થાય છે. આપણે ત્યાં તલનો ખોળ ઢોરને મળે છે, અને મલબાર વગેરે દેશોમાં ટોપરાનો ખોળ અપાય છે. તેલ કાઢી લીધા પછી જે કૂચો રહે તેનું નામ ખોળ કહેવાય છે, તે તો તમે જાણતા જ હશો.

તમારે નાળિયેરી વાવવી હોય તો તમે શું કરશો? સારું મજાનું પાકું ત્રોફા સહિતનું નાળિયેર લઈને પ્રથમ કેટલા ય દિવસ સુધી કૂવાના પાણીમાં પલાળજો. કોઈ કૂવામાં સાચાં નાળિયેર તરતાં જુઓ ત્યારે તે વાવવા માટે છે એમ સમજજો.

લાંબો વખત પલાળેલું નાળિયેર જમીનમાં વાવજો એટલે નાળિયેરી ઊગશે. ધીમે ધીમે વધતાં પાંચછ વર્ષે ઝાડ ઊંચું થશે, અને વધતાં વધતાં ચાળીશ પચાસ હાથ જશે. પછી એક દિવસ નાળિયેરો બેસશે. સારી એવી નાળિયેરીને