પૃષ્ઠ:Van Vruksho.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દર વર્ષે આશરે ચારસો નાળિયેર બેસે છે. એક નાળિયેરનાં પાંચસો નાળિયેર! નાળિયેરીના રાનમાં આટલાં બધાં નાળિયેર થતાં હશે ત્યારે જ એવા લોભિયાઓને ત્યાં જઈને મફત લેવાનું મન થયું હશે ને ? એ લોભિયાની વાર્તા પણ જાણતા હશો.

નાળિયેરીનાં પાદડાં તમે માપશો તો તે સોળ સોળ ફૂટ લાંબાં જણાશે. તમે જોશો તો દેખાશે કે તેનાં પાંદડાં ચિરાયેલાં છે. એનું કારણ તો એમ છે કે જો પાંદડાં ચિરાયેલાં ન હોત તો નાળિયેરી પવનથી નીચે પડી જાત. પણ આ ચિરાડોને લીધે પવન પાંદડાંમાંથી સોંસરો ચાલ્યો જાય છે ને નાળિયેરી બચી જાય છે.

તમને થશે કે નાળિયેરી વિષે ઘણી વાતો કહી. અને તમે પૂછશો : "ત્યારે ખજૂરી વિષે કંઈક કહો ને ?"

લ્યો ત્યારે ખજૂરી વિષે.