પૃષ્ઠ:Van Vruksho.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


ખીજડો

ખીજડો સીમમાં તેમ જ ગામની અંદર ઊગે છે.

અમારી શેરીના એક દવેના ફળિયામાં ખીજડો ઊગ્યો હતો.

નાનપણમાં છોકરીઓ લોકગીતો ગાતી હતી તેમાં નીચેની લીટી આવતી હતી :--

"ખીજડે ચડીને વાટ જોઈશ
મોરી સંગલાલ."

છોકરાઓ ખીજડે ચડવાના શોખીન હોય છે. ખીજડા ઉપર શીંગો થાય છે તેને સાંગરો કહે છે; સાંગરો ખાવામાં ફિક્કીગળી લાગે છે.

છોકરીઓ છાણ વીણવા જાય છે ત્યારે ખીજડા નીચે છાણના સૂંડલા મૂકી ખીજડે ચડી સાંગરો ખાય છે. નાની છોકરીઓ ખીજડો હલાવીને નીચે પડેલી સાંગરો વીણે છે; ઉપર ચડેલી છોકરીઓ ખોળો ભરી સાંગરો નીચે લાવે છે. અને ભાંડરડાં માટે ઘરે લઈ જાય છે.

દિશાએ જવા નીકળેલા છોકરાઓ સાંગરો ખાવા ચડી જાય છે, તેમ નિશાળમાંથી નાસી આવેલા છોકરાઓ પણ સાંગર ઉડાવવા આવે છે.

ખીજડાનું ઝાડ બહુ આકર્ષક કે રળિયામણું નથી. પાંદડાં ઝીણાં અને લીલાં ભૂખરાં હોય છે. ડાળો બટકણી હોય છે. થડની છાલ થોડાં થોડાં તડિયાં તડિયાંવાળી હોય છે.