પૃષ્ઠ:Van Vruksho.pdf/૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઝાડ ! પાતળાં ઊંચાં થડ અને રાતાં રાતાં પાંદડાં. સાગના વનમાંથી ગાડી પસાર થઈ ત્યાં સુધી મેં તો તેની સામે જોયું જ કર્યું. મોટા જંગલમાંથી જતા હોઈએ એમ મને લાગ્યું.

આવડી મોટી ભૂગોળ ભણેલો પણ ગુજરાતમાં સાગમાં ઝાડ થાય છે એમ કોઈએ ભણાવેલું નહિ ! એવું ઉપયોગી તો ઘણું યે નહિ જાણતો હોઉં; ને કદાચ ભૂગોળમાં ય એવું નહિ લખ્યું હોય. ભૂગોળવાળા તો ગામડાં, ડુંગર ને નદીઓ લખી જાણે.

ભૂગોળમાં નદીઓ કાંઠેનાં શહેરોની વાત લખે છે તેને બદલે સાગ પચાસ હાથ ઊંચું થાય છે, સાગનું ઝાડ જલદી સડી જતું નથી કારણ કે તે કડવું હોય છે, એવું કોઈએ લખ્યું નથી. કોઈ કહેશે : " એવી બધી વાતો તે ભૂગોળમાં ક્યાં લખવા બેસીએ ? અને એ વાતો ભૂગોળમાં શાની આવે ? "

હું કહીશ કે " ભૂના ગોળ ઉપર ઊગેલાં ઝાડવાંની વાત ભૂગોળમાં ન આવે તો શું આકાશની વાતમાં એ (ખગોળમાં) આવે ?"

મને હમણાં જ ખબર પડી કે સાગને ફળ થાય છે અને તે તૂરાં ને જરાક કડવાં હોય છે; એની છાલ પણ જરાક તૂરી અને જરાક મીઠી હોય છે.

ખરી રીતે આપણે ઝાડની છાલનો સ્વાદ કેવો આવે છે, તેની કદી દરકાર જ કરતા નથી.

આજદિવસ સુધી તો આપણે એમ ને એમ ચલાવ્યું, પણ હવે તો આપણે ફૂલેફૂલની વાસ લઈએ, છાલેછાલને ચાખી જોઈએ, પાનેપાન ચાવી જોઈએ, તો આપણને ઘણી યે ખબર પડે.