રચનાત્મક કાર્યક્રમ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
રચનાત્મક કાર્યક્રમ
મોહનદાસ કરમચંદ ગાંધી


રચનાત્મક કાર્યક્રમ
રચનાત્મક કાર્યક્રમ

રચનાત્મક કાર્યક્રમ

તેનું રહસ્ય અને સ્થાન




મોહનદાસ કરમચંદ ગાંધી








નવજીવન પ્રકાશન મંદિર

અમદાવાદ-૩૮૦ ૦૧૪









ત્રણ રૂપિયા

© નવજીવન ટ્રસ્ટ, ૧૯૪૧
પહેલી આવૃત્તિ, પ્રત ૫, ૦૦૦, ૧૯૪૧
ચોથી (સુધારેલી) આવૃત્તિ, પ્રત ૩,૦૦૦, ૧૯૪૬
પાંચમું પુનર્મુદ્રણ, પ્રત ૫,૦૦૦, એપ્રિલ, ૧૯૯૩
કુલ પ્રત : ૩૫,૦૦૦


ISBN 81 7229 038 1

મુદ્રક અને પ્રકાશક
જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ
નવજીવન મુદ્રણાલય, અમદાવાદ-૩૮૦ ૦૧૪

આમુખ


૧૯૪૧માં रचनात्मक कार्यक्रम - तेनुं रहस्य अने स्थान નામની જે ચોપડી મેં પહેલવહેલી લખી હતી તેની આ પૂરેપૂરી સુધારેલી આવૃત્તિ છે. રચનાત્મક કાર્યક્રમને અંગે જે બાબતો એમાં ગણાવવામાં આવી છે તેમનો કોઈ ખાસ ક્રમ રાખ્યો નથી; દરેકના મહત્ત્વના ક્રમમાં તો તેમને નથી જ ગણાવી. પૂર્ણ સ્વરાજની રચનાની દૃષ્ટિથી મહત્ત્વની હોય તેવી કોઈ બાબત આ કાર્યક્રમમાં સમાવવામાં આવી નથી એમ વાચકને લાગે તો તેણે એમ ન માની લેવું કે તેને જાણી જોઈને પડતી મૂકવામાં આવી છે. એવી કોઈ બાબત સૂઝે તો વાચકે બેધડક મેં ગણાવેલી બાબતોમાં તેને ઉમેરી લેવી ને મને ખબર આપવી. મેં જે યાદી બનાવી છે તેમાં રચનાકાર્યની એકેએક બાબત આવી જાય છે એવો મારો દાવો નથી; મારી યાદી કેવળ દાખલા રૂપે છે. વાચક જોશે કે આ આવૃત્તિમાં મેં પોતે કેટલીક નવી બાબતો અસલ યાદીમાં ઉમેરી છે.

વાચકો જાતે કાર્યકર્તાઓ અથવા સયંસેવકો હોય કે ન હોય; પણ તે બધાએ એક વાત બરાબર સમજી લેવી જોઈશે કે રચનાત્મક કાર્યક્રમ એ પૂર્ણ સ્વરાજ મેળવવાનો સત્ય ને અહિંસાનો રસ્તો છે. હું એમ કહું કે રચનાત્મક કાર્યક્રમનો પૂરેપૂરો અમલ એ જ પૂર્ણ સ્વરાજ છે. આપણા રાષ્ટ્રનું ઠેઠ પાયામાંથી ઘડતર કરવાને જે રચનાત્મક કાર્યક્રમ અહીં બતાવવામાં આવ્યો છે તે આખાયે કાર્યક્રમના અમલમાં આપણી ચાળીસે કરોડની વસ્તી લાગી ગઈ છે એવા ચિત્રની કલ્પના કરી જુઓ. પછી પૂર્ણ સ્વરાજનો ગમે તે અર્થ કરો, પરદેશી અમલને અહીંથી કાઢવાનો છે તે અર્થ પણ તેમાં સમાવી લો, એ બધાયે અર્થમાં આ જ પૂર્ણ સ્વરાજ છે એ વાતમાં કોઈથી તકરાર ઉઠાવી શકાશે ખરી? આ કાર્યક્રમની ટીકા કરનારા લોકો જ્યારે રચનાત્મક કાર્યક્રમ તે જ સ્વરાજ એ મારી વાતને હસી કાઢે છે ત્યારે તેમના કહેવાનો અર્થ એટલો જ હોય છે કે આ કાર્યક્રમના અમલને માટે જે

પ્રજાકીય પુરુષાર્થની અપેક્ષા રાખવામાં આવે છે તેમાં ચાળીસે કરોડ મળીને સહકાર કરે એ વાત જ બને તેવી નથી. ટીકાકારો રચનાત્મક કાર્યક્રમની આ જાતની ઠેકડી ઉડાવે છે તેમાં બેશક ઘણું તથ્ય છે. પણ એ ઠેકડીનો મારો જવાબ એ છે કે એ બધી વાત સાચી હોય તો પણ આટલો પુરુષાર્થ કરી જોવા જેવો છે. અંતરથી ને ઊલટથી કામ કરનારા કાર્યકર્તાઓનો એક સમૂહ જો દૃઢ સંકલ્પ કરીને એ કાર્યક્રમના અમલમાં લાગી જાય તો જણાશે કે એ બીજા કોઈ પણ કાર્યક્રમના જેવો જ, અને ઘણાખરાના કરતાં તો વધારે વહેવારુ છે. એ ગમે તે હો; સ્વરાજની લડતનો કાર્યક્રમ આપણે અહિંસાના પાયા પર ઘડવો હોય તો રાષ્ટ્રની આગળ આની અવેજીમાં મૂકવાને બીજો કાર્યક્રમ મારી પાસે નથી.

વ્યક્તિગત કે સમુદાયિક સવિનયભંગ અથવા સત્યાગ્રહ રચનાત્મક કાર્યને મદદરૂપ થાય છે અને સશસ્ત્ર બળાવાની અવેજીમાં બરાબર તેના જેટલું કામ આપે તેવો ઇલાજ છે. જેમ સશસ્ત્ર બળવાને માટે તાલીમની જરૂર છે તેવી જ સત્યાગ્રહને માટે પણ તાલીમની જરૂર છે. અલબત્ત, બન્ને તાલીમના રસ્તા જુદા છે. બન્નેમાં જ્યારે પ્રસંગ આવે ત્યારે જ કાર્ય થાય છે. લશ્કરી પદ્ધતિથી બળવો કરવાનો અર્થ એવો થાય કે આપણે બધાએ હથિયારો વાપરતાં શીખવું; અને હવે તો કદાચ ઍટમ બૉમ્બનો ઉપયોગ કરતાં પણ શીખવું. સત્યાગ્રહ કરવાનો અર્થ એવો થાય કે આપણે બધાએ રચનાત્મક કાર્યક્રમનાં જુદાં જુદાં અંગોનો અમલ કરવો.

તેથી એ વાત સાબિત થાય છે કે, કાર્યકર્તાઓ સત્યાગ્રહ કરવાને માટે કદી પ્રસંગો ખોળ્યા ન કરે. ખુદ રચનાકાર્યને અટકાવવાનો કે તેને વિફળ કરવાનો પ્રયાસ થાય, તેવે પ્રસંગે સત્યાગ્રહ કરવાને માત્ર તેમણે તૈયાર રહેવું જોઈશે. સત્યાગ્રહ કયે પ્રસંગે કરવો જોઈએ ને કયે પ્રસંગે ન કરવો જોઈએ એ બાબતો એકબે દાખલા પરથી સમજાશે. આપણે જાણીએ છીએ કે રાજકારણના ક્ષેત્રમાં અમુક પ્રકારના કરારો થતા અટકાવવામાં આવ્યા છે, અને થતા અટકાવી શકાય એમ બને; પરંતુ વ્યક્તિ વ્યક્તિ વચ્ચે મૈત્રી બંધાય તેને ન અટકાવી શકાય;

એટલે કે અટકાવવાનો પ્રયાસ થાય તો તેની સામે સત્યાગ્રહ કરવો પડે. આ પ્રકારની નિ:સ્વાર્થ અને સાચી મૈત્રી જ રાજકીય કરારોના પાયારૂપ થવી જોઈએ. એવી જ રીતે ખાદીના એકકેન્દ્રી ઉત્પાદનને સરકાર રોકી શકે; ખાદીના વ્યક્તિગત એટલે કે સૌ સૌના ઉપયોગ પૂરતા ઉત્પાદનને ને તેવા જ વપરાશને અટકાવવાની કોઈ સત્તાની તાકાત નથી. એટલે ખાદીની પેદાશનું કાર્ય અને તેને વાપરવાની ફરજ લોકો પર જબરદસ્તીથી ઠોકી બેસાડવાનું બરાબર નહીં થાય; આપણી મુક્તિની લડતના એક અંગ લેખે લોકોએ તેને સમજપૂર્વક ને રાજીખુશીથી આપમેળે સ્વીકારવી જોઈશે. આપણે આપણાં ગામડાંને આપણી વ્યવસ્થાનો ને રચનાનો છેવટનો ઘટક ગણતા થઈએ તો જ ઠેઠ નીચેથી રચનાત્મક કાર્યક્રમના ખાદીના અંગનો અમલ થાય તેવો છે. આ જાતના કાર્યક્રમનો અમલ શરૂ કરનારા ને તેને માટે નવો ચીલો પાડનારા લોકોને પણ રોકવાનો પ્રયાસ થાય એમ બને. આખી દુનિયામાં નવો ચીલો પાડવા નીકળનારા લોકોને મુસીબતોની તાવણીમાંથી પસાર થવું પડ્યું છે. પણ કષ્ટો વેઠ્યા વિના સ્વરાજની પ્રાપ્તિ છે ખરી? હિંસાને રસ્તે સત્યને સૌથી પહેલાં અને સૌથી વધારે વેઠવું પડે છે; અહિંસાને માર્ગે તેનો સદૈવ વિજય થાય છે. ઉપરાંત આજે જે લોકોની સરકાર બનેલી છે, એટલે કે જે લોકો તેનું તંત્ર ચલાવે છે તેમને આપણા દુશ્મન માની લેવાની જરૂર નથી. તેમને દુશ્મન ગણીને ચાલવું એ અહિંસાથી ઊલટી વાત થાય. આપણે એ લોકોથી છૂટા થઈ જવું છે; પણ બે મિત્રો જુદા પડે તેમ જુદા થવું છે.

રચનાત્મક કાર્યક્રમ રજૂ કરતાં પહેલાં મેં ઉપર જે વાત કરી છે તે જો વાચકના દિલમાં વસી હશે તો એ કાર્યક્રમમાં અને તેના અમલના કાર્યમાં અખૂટ રસ રહેલો છે એ વાત તેને સમજાશે; એટલું જ નહીં, રાજકારણને નામે જે પ્રવૃત્તિ ઓળખાય છે, અને સભાઓમાં ભાષણો ઝૂડવાની જે પ્રવૃત્તિ છે તેના જેટલો જ ઊંડો રસ આ પ્રવૃત્તિમાં પણ પડે તેમ છે. કંઈ નહીં તો આ રચનાત્મક પ્રવૃત્તિ ખસૂસ વધારે મહત્ત્વની ને વધારે ઉપયોગી છે.

પૂના, ૧૩-૧૧-૧૯૪૫
મો૦ ક૦ ગાંધી
 

રચનાત્મક કાર્યક્રમ-કેટલીક સૂચનાઓ

બાબુ રાજેન્દ્રપ્રસાદ

ગાંધીજીના ‘રચનાત્મક કાર્યક્રમ’ના મુદ્દાઓના અમલ અંગે વિગતવાર સૂચનાઓ અને માર્ગદર્શન આપતા આ પુસ્તક વિશે ગાંધીજીએ કહ્યું છે : શ્રી રાજેન્દ્રબાબુના વિવેચનમાં વાચકને ઘણી રસ અને જ્ઞાન વધારવાની સામગ્રી મળશે. એમના લેખમાં એવી વિગતો છે, જે મોરામાં નથી. કાર્યકર્તાઓએ બંને સંઘરવી ઘટે છે.

કિં રૂ. ૦.૩૦



હિંદ સ્વરાજ

ગાંધીજી

પુસ્તક વિશે ગાંધીજીએ પ્રસ્તાવનામાં કહ્યું છે :

‘જ્યારે મારાથી નથી રહેવાયું ત્યારે જ મેં લખ્યું છે. બહુ વાંચ્યું, બહુ વિચાર્યું, . . . મારાથી બન્યા તેટલા હિંદીની સાથે વિચાર કર્યા, બન્યા તેટલા અંગ્રેજોને પણ મળ્યો. જે મારા વિચાર છેવટના લાગ્યા તે વાંચનારની પાસે મૂકવા એ મારી ફરજ સમજો.’

કિં રૂ. ૫..૦૦


નવજીવન ટ્રસ્ટ, અમદાવાદ-૩૮૦ ૦૧૪

અન્ય ભાષામાં[ફેરફાર કરો]

  • Constructive Programme (અંગ્રેજી ભાષામાં, વિકિલિવર્સ પર)


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.
રૂપક કૃતિ