અંગ્રેજ, ચલે જાઓ!

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
અંગ્રેજ, ચલે જાઓ!
સરદાર વલ્લભભાઈ પટેલ
[તા. ૭-૮-૧૯૪૨ ને રોજ મુંબઈ ખાતે ભરાયેલી અખિલ હિન્દ મહાસભા સમિતિની બેઠકમાં 'અંગ્રેજ ચલે જાઓ'વાળા ઠરાવ ઉપર આપેલું ભાષણ]


મહાત્માજી, રાષ્ટ્રપતિ અને જવાહરલાલજી બોલી ગયા પછી મારે બહુ જ થોડું કહેવાનું છે. આજે ત્રણ ત્રણ અઠવાડિયાંથી વર્ધાનો ઠરાવ દેશ સામે પડ્યો છે, દુનિયા સામે પણ પડ્યો છે, જગતભરમાં એની ચર્ચા થઈ છે. તે પર ટીકાઓ પણ પુષ્કળ થઈ છે. એ ચર્ચા ઉપર પણ આ વખતની વર્કિંગ કમિટીએ પૂરો વિચાર ચલાવ્યો છે અને તે પછી જ આજનો આ ઠરાવ તમારી સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે.

સોળમી જુલાઈના વર્ધા-ઠરાવને દુનિયાના બીજા દેશોમાં જેટલી પ્રસિદ્ધિ મળી છે, તેનો સરકાર અને સરકારના આડતિયા-મળતિયાઓ તરફથી જેટલો પ્રચાર કરવામાં આવ્યો છે તેટલો પ્રચાર આપણાથી ગમે તેટલા પૈસા ખર્ચતાં પણ ન થાત. હજી તો આપણે ઠરાવ જ કર્યો છે, કોઈ પણ પગલું હજી કૉંગ્રેસે ભર્યું નથી. એટલે આપણે પગલું ભરીશું ત્યારે આનાં કરતાં કેટલી વધુ જાહેરાત આપણને મળશે તે તમે ગણી લેજો. અગાઉના વખતમાં પૈસા ખરચતાં ન મળતી એવી પ્રસિદ્ધિ કૉંગ્રેસને હવે અનાયાસે મળે છે. કામ અને કુરબાનીનો એવો મહિમા છે.

છેલ્લા થોડા દિવસ થયાં હિન્દ સાથે અસંખ્ય લોકોને એકાએક મહોબત થઈ આવી છે. જેમને હિન્દ સાથે કશુંય સ્નાનસૂતક નથી, કશી લેવાદેવા નથી, તેવા પણ જાણે ઉમરભરની મહોબત હોય તેમ હિન્દી સવાલમાં એકાએક રસ લેવા લાગ્યા છે.

આપણે આઝાદીની આખરી લડત ઉપાડવાના છીએ તે સામે કોઈ ટીકાકારો ધાકધમકી બતાવે છે અને કહે છે કે તમે લડત ઉપાડશો તો તમારા પર મુસીબતો આવી પડશે. કોઈ શિખામણ આપીને શાણપણ બતાવે છે કે એથી તો મિત્રરાજ્યોના યુદ્ધપ્રયાસોને હાનિ પહોંચશે. આ બધી ધાકધમકીઓના ને સલાહશિખામણોના જવાબો અમારી પાસે છે પણ અમે તેમને કેવી રીતે જવાબ આપીએ? તે દેશોમાં અમારાં અખબારો નથી, રેડિયો પર અમારી સત્તા નથી. સરકારે તો સેન્સરના ચોકીપહેરા મૂકી દીધા છે. તે જેટલી વાત અહીંથી બહાર જવા દેશે તેટલી જ બહાર જશે. અમારા દિલની સાચી વાત તો બીજા દેશમાં જવા નહિ પામે.

સરકારનો પ્રચાર પરદેશમાં એવો છે કે કૉંગ્રેસ સાથે છે કોણ? એ તો મુઠ્ઠીભર માણસોની બનેલી છે, જે રોજ ઊઠીને આ બધી ધાંધલ આ કરે છે. નવ કરોડ મુસ્લિમો કૉંગ્રેસ સાથે નથી, સાત કરોડ હરિજનો નથી, અને સાત કરોડ રાજસ્થાનીઓ પણ કૉંગ્રેસ સાથે નથી. ડાહ્યાડમરા ગણાતા વિનીતો નથી. રૅડિકલો, ડેમોક્રેટો ને કૉમ્યુનિસ્ટો પણ નથી. હું કહું છું કે અમારી સાથે કોઈ જ નથી પણ પોતાને શરીફ કહેવડાવતા અંગ્રેજો તો છેને? અમારે તેમનું જ કામ છે.

જો મહાસભાને દેશનો સાથ જ નથી તો તમને એની આટલી ભડક પણ શા માટે લાગે છે? જળમાં, સ્થળમાં, વસ્તીમાં, વેરાનમાં બધે એને જ કેમ જુઓ છો? હું તો કહું છું કે આ લડાઈમાં ચાલીસ કરોડ હિન્દી જનતાનો સાથ તેમને નહિ હોય તોપણ વિજય તેમને જ મળશે એમ બ્રિટન અને અમેરિકન પ્રજા સમજતી હોય તો તે બેવકૂફ છે. વિજય તો ત્યારે જ મળે જ્યારે તમામ પ્રજાના દિલમાં વસી જાય કે આ તેમનું યુદ્ધ છે. પોતાના વતન અને આઝાદી માટે ખપી જવાની તમન્ના લોકોના દિલમાં જાગ્રત થઈ નથી ત્યાં સુધી અખબારો ને રેડિયો પર ભલે જોઈએ તેટલો પ્રચાર ચલાવો, બધો પ્રચાર નિરર્થક છે.

આપણે તો ત્રણ ત્રણ વર્ષ બેસી રહ્યા. ગાંધીજીએ કૉંગ્રેસને કહ્યું કે બ્રિટન મુસીબતમાં આવી પડ્યું છે તેને કનડગત કોણ પહોંચાડે? તેમના યુદ્ધપ્રયાસોમાં કશી પણ નડતર ઊભી ન થાય તે માટે ગાંધીજીએ જીવ તોડી તોડીને કાળજી રાખ્યાં કરી, પરન્તુ હવે એમની પણ ધીરજ ખૂટી ગઈ છે. યુદ્ધ હિન્દનાં બારણાં ખખડાવી રહ્યું છે. હિન્દનું રક્ષણ કરવાનો દાવો બ્રિટિશરો કરે છે, પરન્તુ બ્રહ્મદેશને પણ તેઓ આવું જ કહેતા હતા એ આપણે ક્યાં નથી જાણતા? ગમે તેટલો દાવો કરે પણ આખી હિંદી પ્રજાના દિલોજાનીભર્યા સહકાર વગર બ્રિટિશરો હિન્દનો કશોય બચાવ કરી શકે એમ નથી એ હવે સ્પષ્ટ થઈ ગયું છે. બ્રિટન તો બરમાનો બચાવ કરવા પણ મેદાનમાં ક્યાં નહોતું પડ્યું? પણ બરમા તો ચાલ્યું ગયું. તેવી જ રીતે હિન્દ પણ જાપાનીઓના હાથમાં ચાલ્યું ન જાય તે માટે જ આપણી આ લડત છે. બચાવ ને રક્ષણની વાતો દરેક વખતે એમણે ક્યાં નથી કરી? મલાયામાં માર ખાતા હતા ત્યારે કહેતા હતા કે આવવા દો સિંગાપુર આગળ! ત્યાં અમે બતાવી આપીશું. સિંગાપુરનો કિલ્લો તો અભેદ્ય હતો. એની પાછળ કરોડો પાઉન્ડનો ધુમાડો કરવામાં આવ્યો હતો. એમેરી સાહેબ વખતોવખત કહેતા હતા કે એનો બચાવ તો થશે જ થશે. એ ગઢનાં વખાણથી દુનિયાના કાન થકવવામાં આવેલા. પણ બન્યું એવું કે દુનિયાના કોઈ પણ કિલ્લા કરતાં જલદી એ જ સિંગાપુરનો અજબ, અલૌકિક, અભેદ્ય કિલ્લો ગંજીપાના ગઢની જેમ ગબડી પડ્યો!

(અપૂર્ણ)

['સરદાર વલ્લભભાઈ'નાં ભાષણોમાંથી]