અંતિમ પ્રાર્થના

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
અંતિમ પ્રાર્થના
અજ્ઞાત


આટલું તો આપજે ભગવાન, મને છેલ્લી ઘડી
ના રહે માયા તણા, બંધન મને છેલ્લી ઘડી.... ટેક

આ જીંદગી મોંઘી મલી પણ જીવનમાં જાગ્યો નહિ;
અંતસમય મને રહે, સાચી સમજ છેલ્લી ઘડી. ૧

જ્યારે મરણ શય્યા પરે, મીંચાય છેલ્લી આંખડી;
તું આપજે ત્યારે પ્રભુમય, મન મને છેલ્લી ઘડી. ૨

હાથપગ નિર્બળ બને ને, શ્વાસ છેલ્લો સંચરે;
ઓ દયાળુ આપજે, દર્શન મને છેલ્લી ઘડી. ૩

હું જીવન ભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં
તું આપજે શાંતિ ભરી, નિદ્રા મને છેલ્લી ઘડી. ૪

અણિત અધર્મો મેં કર્યા, તન મન વચન યોગે કરી
હે ક્ષમા સાગર ! ક્ષમા, મને આપજે છેલ્લી ઘડી. ૫