લખાણ પર જાઓ

અખંડ હજો સૌભાગ્ય

વિકિસ્રોતમાંથી
અખંડ હજો સૌભાગ્ય
લોકગીત



અખંડ હજો સૌભાગ્ય

હવે આવોને માયરામાં દીકરી અવસર દોહ્યલા,
જીવનસાથી જુઓ તમારા દીસે કેવા ફૂટડા !

મંગલ ફેરા ફરો તમે બેટી ઘડી ધન્ય આ,
સદા સુખે પતિ સંગે રહો બની પ્રેમદા.

મામા હેતે પધરાવે આજ ભાણી એની લાડલી,
હરખ હૈયે તોય આંખે આંસુ ભરે માવડી !

દીકરી વ્હાલાં દાદાનાં ઘર પરાયાં પછી લાગશે !
યાદે તમારી તોયે માત ઝબકી રાત જાગશે !

બંધુ બિચારો બની જો મૂંઝાતો મન એકલડો,
નાની બેની ના સમજે અવસર આ આનંદનો !

અંતર આર્દ્ર પિતાનું છે ઘેલી ઘેલી માવડી,
દોરી દેવી વિદેશે આજ વ્હાલી એની ગાવડી !

સખી સાથ હસે-રડે મૂંઝવણ કેવી મીઠી રે !
ખેલ્યાં કૂદ્યાં જેની સંગે વળાવી તેને દેવી છે !

સૌ દીકરીની એક દી વિદાય-ઘડી આવતી,
જવું રે’વું ના સમજાય તો યે મન એ ભાવતી !

સજી શણગાર સોળે બેટી આવો હવે માયરે,
ધન્ય જીવનની શુભ ઘડી જુઓ વીતી જાય રે.

સુખે સંચરજો શ્વસુરગૃહે કરો સદા પ્રભુ મંગલમ્
અખંડ હજો સૌભાગ્ય બેટી સૌનાં આશિષ છે શુભ.