અનંત દર્શન
Appearance
અનંત દર્શન ન્હાનાલાલ |
અનંત દર્શન
ન્હાનાલાલ
આવો, આવો વીરા રે! આ આંખડી પરોવો અનંતમં જો જી!
ગિરિવરને જરુખે રે, ઊભો'તો હું એકલો હોજી,
જોતો 'તો એ પાથર્યા જગતના પગથાર,
સાગરના સીમાડા રે,વનની ઝૂલતે વેલીઓ હોજી!
આથમતાં કંઈ જહાજો એ ક્ષિતિજની પાર. આવો આવો૦.
આભને ઝરૂખે રે, ઊભો 'તો હું એકલો હો જી!
જોતો 'તો એ નવલખ તારલિયાની માળ;
તેજ તેજના ગોળા રે, ગગનોમાં ઘૂમતા હો જી!
દીઠા મેં ત્યાં રૂમઝૂમતા દીનદયાળ: આવો આવો૦.
અંતરને ઝરુખે રે, ઊભો 'તો હું એકલો હો જી!
જોતો 'તો એ ઊંડા ઊંડા વિશ્વના ઉર,
દિશ દિશ ભરતાં પ્રગટ્યાં તે કંઈ કિરણો આતમદેશમાં હો જી!
ભાસ્યાં મુજને સૂનાં બ્રહ્માંડો ભરપૂર: આવો આવો૦.