લખાણ પર જાઓ

અનાસક્તિયોગ/૧૭. શ્રદ્ધા-ત્રય-વિભાગ-યોગ

વિકિસ્રોતમાંથી
←  ૧૬. દૈવાસુર-સંપદ્-વિભાગ-યોગ અનાસક્તિયોગ
૧૭. શ્રદ્ધા-ત્રય-વિભાગ-યોગ
ગાંધીજી
૧૮. સંન્યાસયોગ →


૧૭

શ્રદ્ધાત્રયવિભાગ યોગ


શાસ્ત્રને એટલે કે શિષ્ટાચારને પ્રમાણ ગણવો એમ સાંભળતાં અર્જુનને શંકા થઈ કે જે શિષ્ટાચારને કબૂલ ન કરી શકે પણ શ્રધ્ધાથી વર્તે તેની કેવી ગતિ છે. પણ શિષ્ટાચારરૂપી દીવાદાંડી છોડ્યા પછીની શ્રધ્ધામાં ભય રહ્યા છે તે બતાવીને ભગવાને સંતોષ માન્યો છે. અને તેથી શ્રધ્ધા અને તેની ઓથે થતાં યજ્ઞ, તપ,દાનાદિના ગુણ પ્રમાણે ત્રણ વિભાગ કરી બતાવ્યા છે અને અંતે ૐ તત્ સત્ નો મહિમા ગાયો છે.

૫૦

अर्जुन बोल्याः

હે કૃષ્ણ! શાસ્ત્રવિધિ એટલે શિષ્ટાચારને જતો કરી જે કેવળ શ્રધ્ધાથી જ પૂજાદિ કરે છે તેની વૃત્તિ કેવી ગણાય? સાત્ત્વિક, રાજસી કે તામસી? ૧.

श्रीभगवान बोल्याः

માણસને એના સ્વભાવ પ્રમાણે ત્રણ પ્રકારની શ્ર્ધ્ધા હોય છેઃ સાત્ત્વિકી, રાજસી ને વળી તામસી; તે તું સાંભળ. ૨.

હે ભારત!બધાની શ્રધ્ધા તેમના પોતાના પ્રકૃત્તિ-સ્વભાવને અનુસરે છે, મનુષ્યને કંઈક ને કંઈક શ્રધ્ધા તો હોય જ, જેવી જેની શ્રધ્ધા તેવો તે થાય છે. ૩.

સાત્ત્વિક લોકો દેવોને ભજે છે, રાજસ લોકો યક્ષોને અને રાક્ષસોને ભજે છે, બાકી રહેકા તમાસ લોકો ભૂતપ્રેતાદિને ભજે છે. ૪.

દંભ અને અહંકારવાળા તેમ જ, કામ અને રાગના બળથી પ્રેરાયેલા જે લોકો શાસ્ત્રીય વિધિ વિનાનું ઘોર તપ કરે છે, તે મૂઢ લોકો શરીરને વિશે રહેલાં પંચમહાભૂતોને, તેમ જ અંતઃકરણમાં રહેલા મને પણ કષ્ટ આપે છે. આવાને આસુરી નિષ્ઠાવાળા જાણ. ૫-૬.

આહાર પણ મનુષ્યને ત્રણ પ્રકારે પ્રિય હોય છે. તેમ જ યજ્ઞ, તપ તથા દાન પણ ત્રણ પ્રકારે પ્રિય હોય છે. તેમનો આ ભેદ તું સાંભળ. ૭.

આયુષ્ય, સાત્ત્વિકતા, બળ, આરોગ્ય, સુખ અને રુચિ વધારનારા, રસદાર, ચીકણા, પૌષ્ટિક, ને ચિત્તને સંતોષ આપનારા આહાર સાત્ત્વિક લોકોને પ્રિય હોય છે. ૮.

તીખા, ખાટા, ખારા, બહુ ગરમ, તમતમા, લૂખા, બાળે એવા આહાર રાજસ લોકોને ગમે છે, [જોકે] તે દુઃખ, શોક ને રોગ પેદા કરનારા છે. ૯.

પહોર લગી પડી રહેલું, ઊતરી ગયેલું,ગંધાતું, રાતવાસી, એઠું, અપવિત્ર ભોજન તમાસ લોકોને પ્રિય હોય છે. ૧૦.

જેમાં ફળની અપેક્ષા નથી, જે વિધિપૂર્વક કર્તવ્ય સમજી, મનને તેમાં પરોવીને થાય છે તે યજ્ઞ સાત્વિક છે. ૧૧. હે ભરતશ્રેષ્ઠ! જે ફળના ઉદ્દેશથી ને વળી દંભથી થાય છે તે યજ્ઞને રાજસી જાણ.૧૨.

જેમાં વિધિ નથી, અન્નની ઉત્પત્તિ અને સંતર્પણ નથી, મંત્ર નથી, ત્યાગ નથી, શ્રધ્ધા નથી તે યજ્ઞ તામસ યજ્ઞ કહેવાય છે.૧૩.

દેવ, બ્રાહ્મણ, ગુરુ અને જ્ઞાનીની પૂજા, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા એ શારીરીક તપ કહેવાય છે.૧૪.

દુઃખ ન દે એવું, સત્ય, પ્રિય, હિતકર વચન અને ધર્મગ્રંથનો અભ્યાસ એ વાચિક તપ કહેવાય છે. ૧૫.

મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મસંયમ, ભાવનાશુધ્ધિ એ માનસિક તપ કહેવાય છે. ૧૬.

સમભાવી પુરુષો જ્યારે ફલેચ્છાનો ત્યાગ કરીને પરમ શ્રધ્ધાપૂર્વક આ ત્રણ પ્રકારનું તપ કરે છે, ત્યારે તેને ડાહ્યા લોકો સાત્ત્વિક તપ કહે છે. ૧૭.

જે સત્કાર, માન અને પૂજાને અર્થે દંભપૂર્વક જે થાય છે તે અસ્થિર અને અનિશ્ચિત તપ રાજસ કહેવાય છે.૧૮.

જે તપ પીડાઈને, દુરાગ્રહથી અથવા પારકાના નાશને અર્થે થાય છે તે તામસ તપ કહેવાય છે. ૧૯.

આપવું યોગ્ય છે એવી સમજથી, તેમ જ બદલો મળવાની આશા વિના, દેશ, કાળ અને પાત્ર જોઈને જે દાન થાય છે, તેને સાત્ત્વિક દાન કહ્યું છે. ૨૦.

જે દાન બદલો મળવાને અર્થે અથવા વળી ફળનો ખ્યાલ રાખીને અને દુઃખે દેવામાં આવે છે તે રાજસી દાન કહેવાયું છે. ૨૧.

દેશ, કાળ અને પાત્રનો વિચાર કર્યા વગર ખોટે સ્થાને, કટાણે અને કુપાત્રને આપેલું અથવા માન વિના, તિરસ્કારથી આપવામાં આવેલું દાન તામસી કહેવાય છે.૨૨.

૫૧

બ્રહ્મનું વર્ણન ૐ તત્ સત્ એમ ત્રણ રીતે થયેલું છે, અને એ વડે પૂર્વે બ્રહ્મણો, વેદો અને યજ્ઞો નિર્મિત થયા.૨૩.

તેથી બ્રહ્મવાદીઓની યજ્ઞ, દાન અને તપરૂપી ક્રિયાઓ હંમેશાં ૐનું ઉચ્ચારણ કરીને વિધિવત્ થાય છે. ૨૪.

વળી, 'તત્' એમ ઉચ્ચાર કરી ફલની આશા રાખ્યા વિના મોક્ષેચ્છુ યજ્ઞ, તપ અને દાનરૂપી વિવિધ ક્રિયાઓ કરે છે. ૨૫.

સત્ય તેમ જ કલ્યાણના અર્થમાં સત્ શબ્દનો પ્રયોગ થાય છે. અને હે પાર્થ! શુભ કર્મોમાં પણ સત્ શબ્દ વપરાય છે. ૨૬.

યજ્ઞ, તપ અને દાનને વિશે દ્‍ઢતાએ પણ સત્ કહેવાય છે. તેમને અર્હે જ કર્મ છે એવો સંક્લ્પ એ પણ સત્ કહેવાય છે. ૨૭.

નોંધઃ ઉપલા ત્રણ શ્લોકોનો ભાવાર્થ એ થયો કે પ્રત્યેક કર્મ ઈશ્વરાર્પણ કરીને જ કરવું, કેમ કે ૐ એ જ સત્ છે, સત્ય છે. તેને અર્પેલું જ ઊગે.

હે પાર્થ! જે યજ્ઞ, દાન, તપ કે બીજું કાર્ય શ્ર્ધ્ધા વિના થાય છે તે અસત્ કહેવાય છે. તે નથી અહીંના કામનું કે નથી પરલોકના કામનું. ૨૮.

ૐ તત્સત્

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવા શ્રી ભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'શ્ર્ધ્ધા - ત્રય - વિભાગ - યોગ' નામનો સત્તરમો અધ્યાય અત્રે પૂરો થાય છે.