લખાણ પર જાઓ

આકાશ તથા કાળ વિશેની ગરબી

વિકિસ્રોતમાંથી
આકાશ તથા કાળ વિશેની ગરબી
દલપતરામ




આકાશ તથા કાળ વિશેની ગરબી


જોયા બે જૂના જોગી રે, કહે સૈયર તે કોણ હશે ?
નથી નિર્બળ કે કાંઈ રોગી રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧
અબઘડી થાતા નથી અળગા રે, કહે સૈયર તે કોણ હશે ?
એમ એકબીજાને વળગ્યા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૨
મન ધારી પરસ્પર માયા રે, કહે સૈયર તે કોણ હશે ?
બંનેની એક જ કાયા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૩
એક સ્થિર રહે એક દોડે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ જણાય જોડેજોડે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૪
મણિઓની પહેરી માળા રે, કહે સૈયર તે કોણ હશે ?
દીસે છે રુડારૂપાળા રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૫
વળી વસ્ત્ર ધર્યાં વાદળિયા રે, કહે સૈયર તે કોણ હશે ?
બે ગોળ ધર્યા માદળિયાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૬
વસ્તીમાં વળી વદડામાં રે, કહે સૈયર તે કોણ હશે ?
ગિરિરાજ તણી ગુફામાં રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૭
છે પવન-પાવડી પાસે રે, કહે સૈયર તે કોણ હશે ?
અંતરિક્ષે પણ એ ભાસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૮
પાતાળે પણ તે પેસે રે, કહે સૈયર તે કોણ હશે ?
જઈ સ્વર્ગ નરકમાં બેસે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૯
એની ઉમ્મર કંઈક ગણે છે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ ભૂલી ફરી ગણે છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૦
કંઇ ઉપજે અને ખપે છે રે, કહે સૈયર તે કોણ હશે ?
પણ એ તો એના એ છે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૧
કોણ જાણે જનમ્યા ક્યારે રે, કહે સૈયર તે કોણ હશે ?
ક્યાં સુધી કાયા ધારે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૨
એનો આદિ અંત ન આવે રે, કહે સૈયર તે કોણ હશે ?
સખી કોણ મુજને સમજાવે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૩
અચરજ સરખું આ ઠામે રે, કહે સૈયર તે કોણ હશે ?
દિલે દીઠું દલપતરામે રે, જ્યાં જોઉં ત્યાં વાસ વસે. ૧૪