આદર્શ બાલમંદિર

વિકિસ્રોતમાંથી
આદર્શ બાલમંદિર
મોહનદાસ કરમચંદ ગાંધી



આદર્શ બાલમંદિર


બાળકોની કેળવણીનો વિષય સહેલામાં સહેલો હોવો જોઈએ પરંતુ તે કઠણમાં કઠણ થઈ ગયો જણાય છે, અથવા કરી મૂકવામાં આવ્યો છે. અનુભવ તો એમ શીખવે છે કે બાળકો આપણી ઈચ્છા-અનિચ્છાએ પણ કંઈક, સારી કે ખરાબ કેળવણી પામી રહ્યાં છે. આ વાક્ય ઘણા વાંચનારને વિચિત્ર લાગશે પણ બાળક કોને કહીએ, કેળવણી એટલે શું, અને બાળકેળવણી કોણ આપી શકે એ વિચારી લઈએ તો કદાચ ઉપરના વાક્યમાં કંઈ નવાઈ જવું ન લાગે. બાળક એટલે દસ વર્ષની અંદરનાં છોકરા-છોકરીઓ અથવા એવી ઉંમરનાં લાગતાં બાળકો.

કેળવણી એટલે અક્ષરજ્ઞાન નહીં. અક્ષરજ્ઞાન એ કેળવણીનું સાધન માત્ર છે. કેળવણી એટલે મન સુદ્ધાં બાળકની બધી ઈન્દ્રિયોનો સદુપયોગ કરતાં બાળક જાણે તે. એટલે કે બાળક પોતાના હાથ, પગ ઈત્યાદિ કર્મેન્દ્રિયોનો અને નાક, કાન ઈત્યાદિ જ્ઞાનેન્દ્રિયોનો ખરો ઉપયોગ જાણે. હાથ વતી ચોરવું નહીં જોઈએ, માખીઓ નહીં મારવી જોઈએ, પોતાના ભેરુને કે નાના ભાઈબહેનને ન મારવાં જોઈએ એવું જ્ઞાન જે બાળક પામે છે તેની કેળવણીનો આરંભ થઈ ચૂક્યો. જે બાળક પોતાનું શરીર, પોતાના દાંત, જીભ, નાક, કાન, આંખ, માથું, નખ ઈત્યાદિ સાફ રાખવાની આવશ્યકતા સમજે છે અને રાખે છે તેણે કેળ વણીનો આરંભ કર્યો છે એમ કહી શકાય. જે બાળક ખાતાંપીતાં અડપલાં કરતું નથી, એકાંતમાં કે સમાજમાં ખાવાપીવાની ક્રિયાઓ રીતસર કરે છે, રીતસર બેસી શકે છે અને શુદ્ધઅશુદ્ધ ખોરાકનો ભેદ જાણી શુદ્ધની પસંદગી કરે છે, અકરાંતિયાપણે ખાતું નથી, જે જુએ તે માગતું નથી, ન મળે તોયે શાંત રહે છે, એ બાળકે કેળવણીમાં સારી પ્રગતિ કરી છે. જે બાળકના ઉચ્ચાર શુદ્ધ છે, જે પોતાની આસપાસ રહેલા પ્રદેશનાં ઈતિહાસ-ભૂગોળ તે શબ્દોનું નામ જાણ્યા વિના આપણને બતાવી શકે છે, જેને દેશ શું એનું ભાન થયું છે એણે પણ કેળવણીને માર્ગે ઠીક મજલ કરી છે. જે બાળક સાચજૂઠનો, સારાસારનો ભેદ જાણી શકે છે અને સારું અને સાચું પસંદ કરે છે, નઠારાનો અને જૂઠાનો ત્યાગ કરે છે એ બાળકે કેળવણીમાં બહુ સારી પ્રગતિ કરી છે.

આ વસ્તુને હવે લંબાવવાની જરૂર રહેતી નથી. બીજા રંગો વાંચનાર પોતાની મેળે પૂરી શકે છે. માત્ર એક વાત સ્પષ્ટ કરવી જોઈએ. આમાં ક્યાંયે અક્ષરજ્ઞાનની કે લિપિજ્ઞાનની આવશ્યકતા નહીં જોવામાં આવે. બાળકોને લિપિજ્ઞાનમાં રોકવાં એ તેમનાં મન ઉપર અને તેમની બીજી ઈન્દ્રિયો ઉપર દબાણ મૂકવા બરોબર છે, તેમની આંખનો અને તેમના હાથનો દુરુપયોગ કર્યા બરોબર છે. ખરી કેળવણી પામેલું બાળક અક્ષરજ્ઞાન યોગ્ય સમયે સહેજે મેળવી શકે અને તે રસપૂર્વક પામે. આજે બાળકોને એ જ્ઞાન બોજારૂપ થઈ પડે છે. આગળ વધવાના સારામાં સારા કાળનો નકામો ક્ષેપ થાય છે, અને અંતે તેઓ સુંદર અક્ષર કઢવાને બદલે માખીના ટાંગા જેવા અક્ષર કાઢે છે. તે ઘણું ન વાંચવાનું વાંચે છે અને વાંચે છે તે પણ ઘણી વેળા ખોટી રીતે વાંચે છે. આને કેળવણી કહેવી એ કેળવણીની ઉપર અત્યાચાર કર્યા બરોબર છે. બાળક અક્ષરજ્ઞાન પામે તેના પહેલાં તેને પ્રાથમિક કેળવણી મળી જવી જોઈએ. આમ કરવાથી આ ગરીબ મુલકમાં અનેક વાચનમાળા અને બાલપોથીના ખર્ચમાંથી અને ઘણા અનર્થમાંથી બચી જવાય. બાળપોથી હોવી જ જોઈએ તો તે શિક્ષકોને સારુ જ હોય, મારી વ્યાખ્યાનાં બાળકોને સારુ કદી નહીં. જો આપણે ચાલુ પ્રવાહમાં ન તણાઈ રહ્યા હોઈએ તો આ વાત દીવા જેવી સ્પષ્ટ લાગવી જોઈએ. આગળ આલેખેલી કેળવણી બાળક ઘરમાં જ પામી શકે અને માતાની જ મારફતે. એટલે જેવી તેવી કેળવણી તો બાળકો માતાની પાસેથી પામે છે. જો આજે આપણાં ઘર છિન્નભિન્ન થઈ ગયાં છે, માબાપ બાળકો પ્રત્યેનો પોતાનો ધર્મ ભૂલી ગયાં છે તો બાળકની કેળવણી જ્યાં સુધી બને ત્યાં સુધી એવા સંજોગોમાં અપાવી જોઈએ કે જ્યાં બાળકોને કુટુંબના જેવું જ વાતાવરણ મળે. આ ધર્મ માતા જ બજાવી શકે, તેથી બાળકેળવણી સ્ત્રીના જ હાથમાં હોવી જોઈએ. જે પ્રેમ અને ધીરજ સ્ત્રી બતાવી શકે એ સામાન્ય રીતે આજ લગી પુરુષ નથી બતાવી શક્યો. આ બધું સાચું હોય તો બાળકેળવણીનો પ્રશ્ન ઉકેલતાં સહેજે સ્ત્રીકેળવણીનો પ્રશ્ન આપણી સામે ખડો થાય છે અને જ્યાં લગી સાચી કેળવણી આપવા લાયક માતા તૈયાર નથી થતી ત્યાં લગી બાળકો સેંકડો નિશાળોમાં જવા છતાં કેળવણી વિનાનાં જ રહે છે એમ કહેતાં મને સંકોચ નથી થતો.

હવે હું બાળકેળવણીની કંઈક રૂપરેખા દોરી લઉં. ધારો કે એક માતારૂપી સ્ત્રીના હાથમાં પાંચ બાળકો આવ્યાં છે. આ બાળકોને નથી બોલવાનું કે નથી ચાલવાનું ભાન; નાકમાંથી લીંટ વહે છે તે હાથ વતી લૂછીને પગ ઉપર કે પોતાનાં કપડાં ઉપર લગાડે છે; આંખમાં ચીપડા છે; કાન અને નખમાં મેલ ભર્યો છે’ બેસવાનું કહેતાં પગ પસારીને બેસે છે; બોલે છે તો ફૂલખરણી ઝરે છે; ‘શું’નો ‘હું’ કહે છે અને ‘હું’ ને બદલે ‘અમે’નો ઉપયોગ કરે છે. પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણનું તેમને ભાન નથી. શરીરે મેલા ડગલા પહેર્યા છે. ખીસું હોય તો તેમાં કંઈક મેલી મીઠાઈ ભરેલી છે, એ વખતોવખત કાઢીને ચાવ્યા કરે છે, તેમાંથી થોડું કંઈ જમીન ઉપર વેરે છે અને ચીકણા હાથને વધારે ચીકણા કર્યે જાય છે. આ પાંચ બાળકોને સંભાળનારી સ્ત્રીના મનમાં માતાની ભાવના પેદા થાય તો જ તે તેમને શીખવી શકશે. પહેલો પાઠ તેમને ઢંગમાં લાવવાનો જ હશે. માતા તેમને પ્રેમથી નવરાવશે, કેટલાક દહાડા સુધી તો તેમની સાથે માત્ર વિનોદ જ કરશે, અને અનેક રીતે જેમ આજ લગી માતાઓએ કર્યું છે એમ, જેમ કૌશલ્યાએ બાળરામના પ્રત્યે કર્યું તેમ, માતા બાળકોને પોતાના પ્રેમપાશમાં બાંધશે અને જેમ નચાવવા માગે તેમ નાચતાં બાળકોને શીખવી દેશે. આટલી ચીજ માતાએ ન મેળવી હોય ત્યાં સુધી વછૂટી ગયેલાં વાછરડાંની પાછળ બેબાકળી થઈને જેમ ગાય આમતેમ દોડ્યા કરે છે તેમ આ માતા પેલાં પાંચ બાળકોની પાછળ ટળવળ્યા કરશે. જ્યાં લગી એ બાળકો સહેજે સાફ થતાં નથી; તેમનાં દાંત, કાન, હાથ, પગ જોઈએ તેવાં નથી થતાં, તેમનાં ગંધાતાં કપડાં જ્યાં સુધી બદલાયાં નથી, અને જ્યાં સુધી ‘હું’નો ‘શું’ નથી થયો, ત્યાં સુધી તે જંપ વાળીને બેસવાની નથી.

આટલો કાબૂ મેળવ્યા પછી માતા બાળકને પહેલો પાઠ રામનામનો આપશે. તે રામને કોઈ રામ કહેશે, કોઈ રહેમાન કહેશે. જેનો જે ધર્મ હોય તે. વસ્તુ એક જ હોય. ધર્મ પછી અર્થ તો હશે જ, તેની માતા અંકગણિતનો આરંભ કરશે. બાળકોને પોતે જ્યાં રહેતાં હોય તે જગ્યાનું ભાન હોવું જ જોઈએ તેથી તે તેમની આસપાસનાં નદીનાળાં, ટેકરા, મકાનો બતાવશે, ને તેમ કરતાં દિશાનું ભાન તો કરાવી જ દેશે. અને બાળકોની ખાતર તે પોતાના વિષયનું જ્ઞાન વધારશે. આ કલ્પનામાં ઈતિહાસ અને ભૂગોળ નોખા વિષય કદી ન હોય. બંનેનું જ્ઞાન વાર્તા રૂપે જ અપાય. આટલેથી માતાને સંતોષ તો ન જ થાય. હિંદુ માતા બાળકોને સંસ્કૃતનો ધ્વનિ બચપણથી જ સંભળાવે તેથી તેમને ઈશ્વરસ્તુતિના શ્લોકો મોઢે કરાવે ને બાળકની જીભ શુદ્ધ ઉચ્ચારણને સારુ વાળે. રાષ્ટ્રપ્રેમી માતા હિંદીનું જ્ઞાન તો આપે જ. તેથી બાળકની સાથે તે હિંદીમાં વાત કરે, હિંદી પુસ્તકોમાંથી કંઈ વાંચી સંભળાવે ને બાળકોને દ્વિભાષી બનાવે. બાળકને તે અક્ષરનું જ્ઞાન હમણાં નહીં આપે પણ તેના હાથમાં પીંછી તો મૂકે. તે ભૂમિતિની આકૃતિઓ કઢાવે, સીધી લીટી, વર્તુળ વગેરે કઢાવે. જે બાળકો ફૂલ ન કાઢી આપે, અથવા લોટાનું ચિત્ર ન કરી આપે કે ત્રિકોણ ન કાઢી આપે તે કેળવણી પામેલ છે એમ માતા માને જ નહીં. અને સંગીત વિના તો બાળકોને તે ન જ રાખે. બાળકો મધુર સ્વરથી, એકસાથે રાષ્ટ્રગીતો, ભજનો વગેરે ન ગાઈ શકે તે સહન જ ન કરે. તેમને તાલબદ્ધ ગાતાં શીખવે, ભલી થાય તો તેમના હાથમાં એકતારો મૂકે, તેમને ઝાંઝ આપે, ડાંડિયા-રાસ શીખવે. તેમનાં શરીર કસવા સારુ તેમને કસરત કરાવે, દોડાવે, કુદાવે અને બાળકોને સેવાભાવ શીખવવો છે ને હુન્નર પણ શીખવવો છે તેથી તે તેમને કાલાં વીણવા, ફોલવા, પીંજવા ને કાંતવાની ક્રિયાઓ શીખવે ને બાળકો રોજ રમતાં ઓછામાં ઓછો અરધો કલાક કાંતી નાખે.

આ ક્રમમાં હાલ આપણને જે પાઠ્યપુસ્તકો મળે છે તેમાંનાં ઘણાં નકામાં છે. દરેક માતાને પોતાનો પ્રેમ નવાં પુસ્તકો આપી દેશે. કેમ કે ગામેગામ નવાં ઈતિહાસ-ભૂગોળ હશે, અંકગણિતના દાખલા પણ નવા જ રચાય. ભાવનાવાળી માતા રોજ તૈયાર થઈને શીખવે ને પોતાની નોંધપોથીમાંથી નવી વાતો, નવા દાખલા વગેરે રચે ને બાળકોને શીખવે.

આ પાઠ્યક્રમને વધારે લંબાવવાની જરૂર ન હોવી જોઈએ. આમાંથી દરેક ત્રણ માસનો ક્રમ ઘડી શકાય. કેમ કે બાળકો જુદા જુદા વાતાવરણમાં ઊછરેલાં હોય છે તેથી આપણી પાસે એક જ ક્રમ હોઈ ન શકે. પ્રસંગે પ્રસંગે મળેલાં બાળકોને જોઈને જ ક્રમ ઘડી શકાય. કેટલીક વેળા તો બાળકો ઊલટું શીખી આવ્યાં હોય તેમને તે ભુલાવવું પડે. છ-સાત વર્ષનું બાળક જેવા-તેવા અક્ષર કાઢી જાણતું હોય, અથવા તેને ‘મા ભૂ પા’ વાંચવાનું વ્યસન પડી ગયું હોય તો તેની પાસે ભુલાવે. બાળક વાંચીને જ્ઞાન મેળવે એ ભ્રમ તેના મનમાંથી ન નીકળે ત્યાં સુધી આગળ વધે નહીં. અક્ષરજ્ઞાન જેણે જિંદગીભરમાં ન મેળવ્યું હોય તે વિદ્વાન બની શકે એ સહેજે કલ્પનામાં આવી શકે તેવું છે.

આ લેખમાં મેં ક્યાંયે ‘શિક્ષિકા’ શબ્દનો ઉપયોગ નથી કર્યો. શિક્ષિકા તો માતા છે. જે માતાનું સ્થાન ન લઈ શકે તે શિક્ષિકા થાય જ નહીં. બાળક કેળવણી લે છે એવું બાળકને લાગવું ન જોઈએ. જે બાળકની માતાની આંખ ફર્યા જ કરે છે તે બાળક ચોવીસે કલાક કેળવણી જ લઈ રહેલ છે. નિશાળમાં છ કલાક બેસી આવનાર બાળક કંઈ જ કેળવણી ન લેતું હોય. આ અસ્તવ્યસ્ત થઈ ગયેલ જીવનમાં સ્ત્રીશિક્ષિકાઓ કદાચ ન મળી શકે. પુરુષો મારફતે જ બાળશિક્ષણ હાલ સંભવે એમ ભલે હોય. તો પુરુષ શિક્ષકે માતાનું મહાપદ મેળવવું પડશે ને છેવટે તો માતાએ તૈયાર થવું પડશે. પણ જો મારી કલ્પના યોગ્ય હોય તો ગમે તે માતા, જેને પ્રેમ છે તે થોડી મદદથી તૈયાર થઈ શકે છે. અને પોતાને તૈયાર કરતી વખતે તે બાળકોને પણ તૈયાર કરી શકે છે.