લખાણ પર જાઓ

આપણા મલકના માયાળુ માનવી

વિકિસ્રોતમાંથી
આપણા મલકના માયાળુ માનવી
લોકગીત



આપણા મલકના માયાળુ માનવી

હે….. હેતાળાં ને મમતાળાં જ્યાં માનવ જોને વસતાં,
હે…..મહેમાનોને માન દઇને હેતથી હૈયું ધરતાં;
પંડ તણાં પાથરણાં થઇ જ્યાં હરખાતાં નર-નારી,
હે…….જગમાં જ્યાં મહેમાનગતિની વાત જ સૌથી ન્યારી.

આપણા મલકના માયાળુ માનવી,
માયા રે મેલીને વહ્યાં આવો મારા મેરબાન,
રિયોને આપણા મલકમાં….કે હાલો….

સાંજ પડેને ગામને પાદર, ગાયો પાછી વળતી;
દુર ભલેને વસતા તોયે, યાદ આવે આ ધરતી;
ગામને કૂવે પાણી સીંચન્તી, પનિહારી નખરાળી;
સરખી સૈયર વળતી ટોળે, વાત કરે મલકાતી.

આપણા મલકમાં ઓઢણ ઓરડા,
ઉચાળા ભરી ઘોડે ચડજો મારા મેરબાન,
રિયોને આપણા મલકમાં….કે હાલો….

વર્ષા માથે ધરતી રૂડી, ઓઢણી લીલી ઓઢે;
પેટિયું રળવા અમ જેવાના, મલક રૂડો છોડે;
વાર-તહેવારે ગામવચાળે, રાસની રંગત જામે;
બાળપણાની ગોઠડી મીઠી, યાદ આવે હૈયાને.


આપણા મલકમાં નવણ કોડિયું,
નાવણિયાં કરી ઘોડે ચડજો મારાં મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

રોજ પરભાતે દરના ટાણે, ઘરમાં ગીત ગવાતા;
રાત પડેને માવલડીના, હાલરડાં સંભળાતા;
છાશને રોટલો પ્રેમથી દેતી, રોજ શિરામણ ટાણે;
અમૃત જેવાં લાગે એ તો, માવલડીના હાથે.

આપણા મલકમાં ભોજન લાપસી,
કે ભોજનિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….

પંખીડાં રે સૌ સાથે રે બેસી, ગીતડાં રૂડાં ગાતાં;
ગીતડાં સુણી માનવીયુંના, હૈયાં રે હરખાતાં;
ભરવસંતે ટહુકે ઓલી, કાળવી કોયલ રાણી;
ઘડિક માથે મોરલો બેસી, બોલતો મીઠીવાણી.

આપણા મલકમાં ઓઢણ ઢોલિયા,
ઓઢણિયાં કરી ઘોડે ચડજો મારા મેરબાન;
રિયોને આપણા મલકમાં….કે હાલો….