આવો તો આનંદ થાય

વિકિસ્રોતમાંથી
આવો તો આનંદ થાય
રામો બાવો
સંત વેલનાથના ચેલા રામનું ભજન



આવો તો આનંદ થાય


આવો તો આનંદ થાય
નાવો તો પત જાય રે;
ગરવા વાળા નાથ વેલા !
આરે અવસર આવજો !

અનહદ વાજાં વાગિયાં સ્વામી !
જોઉં તમારી વાટ રે;
હું સુવાગણ સુંદરી
મારે તમારો વિશ્વાસ રે. - આવો તો૦

કાયામાં કાળીંગો[૧] વ્યાપ્યો
થોડે થોડે ખાય રે;
ભવસાગરમાં બેડી બૂડતાં
બાવે પકડેલ બાંય રે. - આવો તો૦

સામસામાં[૨] નિશાન ઘુરે ધણી !
ઘારે પડઘાયે જાગ રે,
ખડગ ખાંડું હાથ લીધું
ભાગ્યો કાળીંગો જાય રે. - આવો તો૦

વેલનાથ તમારા હાથમાં
બાજીગરના ખેલ રે;
વેલા ચરણે બોલ્યા રામૈયો
ફેર મનખ્યો[૩] લાવ્ય રે. - આવો તો૦


  1. કળિયુગ
  2. વેલાને ખડગ લઈ કલિની સાથે લડતો કલ્પેલ છે.
  3. મનુષ્યાવતાર