આ તે શી માથાફોડ !/૧. રડતું છાનું રાખવું
← આમુખ | આ તે શી માથાફોડ ! ૧. રડતું છાનું રાખવું ગિજુભાઈ બધેકા |
૨. વાંચ્યા, તું શું વાંચતો'તો → |
: ૧ :
રડતું છાનું રાખવું
૧“સાંભળ્યું કે ? આ હું તો હીંચકાવી હીંચકાવીને થાકી. મારા તો હાથ દુખવા આવ્યા, રોયાં છોકરાંયે કાંઈ થયાં છે ? દિ' બધો તો કવરાવે પણ રાતે ય સૂવા ન દે. લ્યો હવે આ દોરી તાણો; હું તો આ સૂતી. ને ન તાણો તો રહેવા દ્યો. સવાર સુધી થાકીને ઊંઘી જશે.”
ભાનુલાલે ઘોડિયાની દોરી હાથમાં લીધી. પોતે ભલા માણસ હતા. છોકરાને હીંચોળવા માંડ્યા.
નાનો ચીનુ જરાક છાનો રહે ને પાછો ચીસ પાડી રડે. વળી ભાનુલાલ જરાક મોટા મોટા હીંચકા નાખે એટલે સહેજ જંપે ને વળી પાછો રડવા લાગે.
ભાનુલાલ પણ થાક્યા. તે કહેઃ “કોણ જાણે શું થયું છે ! છોકરો કોઈ દિ’ આમ રાત આખી નથી રોતો. ચાલ જરા ઘોડિયું તો જોઉ.”
ભાનુલાલે દીવો લઈને ઘોડિયું જોયું. ખોયામાં માંકડ ઊભરાયેલા. પાર વિનાના માંકડ ! બિચારા ચીનુને ફોલી ખાતા હતા.
ભાનુલાલે ચીનુને એની બાના પડખામાં આપ્યો. ચીનુ પટ કરતો ને ઊંઘી ગયો; બા ઊંઘી ગઈ, બાપા પણ ઊંઘી ગયા.
સાંજ પડી દીવાટણું થયું. વર્ષ દહાડાની વિજુડી રોવા માંડી.
બા કહેઃ “એ વિજુડીએ સાંધ્યું ! આ રોજ તે કેમ ખમાય ?”
માશી કહેઃ “એ તો સાંજ પડે ત્યારે છોકરાં કજિયે ચડે; એમ રોજ અકળાયે કાંઈ છોકરાં ન ઉછેરાય.”
બાપા કહેઃ “કોઈને છોકરાં રાખતાં આવડે તો કે ! જરાક ઘૂઘરો ખખડાવો; પેલી ચૂસણી આપો. છાની કેમ ન રહે ?”
નાની બેન કહેઃ “મોટાભાઈ, તમે શું કામ મૂંઝાઓ છો ? ઈ તો રોજ રોવે છે. બે ઘડી રોઈને એની મેળે થાકી જશે.”
વિજુડી રોતી રહે નહિ. ઘૂઘરો વગાડ્યો પણ સાંભળે ત્યારે ના ? રમકડું બતાવ્યું પણ જુએ ત્યારે ના ? એ તો આંખ ચોળતી જાય ને રોતી જાય.
બાપા કહેઃ “કાલે એને ડૉક્ટરને બતાવવી જોશે.”
બા કહેઃ “ડાક્તર શું કરવાનો હતો, રાંડ કજિયાળી છે એમાં ?”
માશી કહેઃ “આ હજી પહેલું છોકરું થયું છે ત્યાં આ હાલ થાય છે, તો મારી જેમ ચારપાંચ થશે ત્યારે કરશો શું ?”
ત્યાં તો માજી દર્શન કરીને આવ્યાં.
બાપા કહેઃ "બાડી, આ વિજુડી લ્યોને જરા, ક્યારની રહેતી નથી.”
માજી કહેઃ "આવો બાપા, વિજુલા, આવો મારા દાદા!”
માજીએ વિજુને તેડી. ખંભા ઉપર માથું ઢાળ્યું, વાંસા ઉપર હાથ થાબડ્યો ને" હા, હા, હા ! સૂઈ જા મારા સાવજ! સૂઇજા મારા દાદા!” એમ કર્યું.
ત્યાં તો વિજુડી રોતી રહી ગઈ ને સૂઈ ગઇ.
માજી કહેઃ "છોકરી કજિયે તો કાંઈ નો'તી ચડી. ઊંઘ આવતી'તી તે રોતી'તી. ઈ તો સાંજે છોકરાં ઊંઘટ્યા થાય એટલે રૂવે છે. દૂધ પીવું હો તો પાઈને જરાક આમ કરીને સુવાડી દઈએ તો સૂઈ જાય.”