આ રહી સનમ આ રહી સનમ !

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

આતુર થઈને કાં પૂછતાં, ક્યાં છે સનમ ? ક્યાં છે સનમ ?
ઢૂંઢો નહિ, જાઓ રસોડે, બેઠી છે કે નહિ સનમ ?

નહિ કોઈના સહવાસમાં, પણ આપના સહવાસમાં !
રાંધીને જમાડે છે નહિ ? નજરે ચડી કે નહિ સનમ ?

કાં અજાણ્યા થઈ પૂછો, જાણ્યા છતાં ક્યાં છે સનમ !
શૈયા કરે ઉત્સુક બની, આ રહી સનમ આ રહી સનમ !

ગઝલે નહિ, નહિ કુન્જમાં, છૂપાયેલી ઘેલી સનમ !
ઘરમાં તમારે પિંજરે, પુરાયેલી આ રહી સનમ !

કબરે નહિ, નહિ સૂળીએ, કાબે નહિ, કાશી નહિ,
‘જૈસી તૈસી કાલૂડી !’ અહિંયા ઊભી આ રહી સનમ !

શાણા દિવાનાની સનમ, શયદા તણી લયલી સનમ !
મિસ્કીનની સાશૂક સનમ: આ રહી સનમ આ રહી સનમ !