ઇંગ્લાંડની મુસાફરીનું વર્ણન/પારિસ

વિકિસ્રોતમાંથી
ઇંગ્લાંડની મુસાફરીનું વર્ણન
પારિસ
મહિપતરામ રૂપરામ નીલકંઠ
ગ્રંથ :'ઇંગ્લાંડની મુસાફરીનું વર્ણન', પ્રકટ ૧૮૬૪
આ પ્રકરણને આપ અહીં સાંભળી પણ શકો છો.


પ્રકરણ ૧૦ મુ.

ઈ.સ. ૧૮૬૧ના માર્ચ મહિનાની ૮મી તારીખે રાત્રે દશ કલાકે હું પારિસમાં દાખલ થયો. શહેરસુધારાના ખરચને કાજે કેટલાક માલ ઉપર શહેરમાં પેસતાં જકાત લે છે. એ જકાત લેનારાઓએ મારી તથા મારી સાથે આવેલા સઘળા ઉતારૂઓની પેટીઓ ઉઘાડીને જોઈ. મારી સિરોઈ જોઈને અજબ થયા. મારા એક સાથીએ ફ્રેંચભાષામાં તેમને કહ્યું કે, એમાં પાણી છે. તેઓએ પહેલું તો ન માન્યું, ને કહ્યું કે પાણી લાવવાનું શું કામ છે, પારિસમાં બહુ પાણી છે. તેમાંના એકની હથેળીમાં મેં પાણી રેડ્યું તે તેણે ચાખ્યું ત્યારે માન્યું, પણ તેમનું અચરજ ઓછું થયું નહીં. ફ્રેંચ ભાષા બોલતાં આવડે નહીં, માટે લંડનથી જ એક મિત્ર પાસે નોટબુક ઉપર પારિસની એક અંગ્રેજી બોલનારા હોય એવી સારી હોટલનું નામ લખાવી લીધું હતું; તેનું નામ "હોટેલ ડિ લિલિ એન્ડ આલબીઓન". સ્ટેશન પાસે ભાડાની બગીઓ હતી ત્યાં જઈ એક બગીવાળાને તે દેખાડ્યું. વાંચી તેણે અમારો સામાન બગીમાં મૂકી અમને પણ બેસાડી લીધા. બધું કામ ઇશારતે ચાલ્યું. થોડી મિનિટમાં તે હોટેલમાં પહોંચાડ્યા. આંગણામાં પેઠા એટલે હોટેલના બે આદમીએ આવી ગાડીનાં બારણાં ઉઘાડ્યાં, ને મારો સામાન ઉપાડ્યો. બગીમાંથી ઉતરી તેના કહેવા પ્રમાણે બગીનું ભાડું આપ્યું. ભાગાટુટા અંગ્રેજીમાં તેણે અમારૂં નામ તેમના રજિસ્ટરમાં લખવાનું કહ્યું, ને સુવા બેસવાના ઓરડા બતાવ્યા. સુવાનો પલંગ, તળાઈ વગેરે બહુ જ સરસ હતાં. બેસવાના ઓરડાનાં શા વખાણ કરું ! કાચનાં બારણાંવાળાં કબાટ, આરસીઓ, ચિત્ર, સુંદર ગલીચા, ગાદીવાળા કોચ, તકીઆ, રૂપાળી ખુરશીઓ, ટેબલ વગેરે જે જોઈએ તે હતું. મારી પાસે જેમના ઉપર ભલામણપત્રો હતા તેમને બીજે દિવસે મળવા ગયો. ઑક્સફોર્ડના સંસ્કૃત વિદ્યાગુરૂ માનીએર ઉવીલ્યમ્સ સાહેબે પારિસના એક સંસ્કૃત ભણેલા, તથા એક હિંદુસ્તાની ને ફારસી ભણેલા પંડિતો ઉપર પત્રો આપ્યા હતા તેમને મળ્યો. એ સંસ્કૃત વિદ્વાનનું નામ અ. રેગનીરી અને હિંદુસ્તાની પંડિતનું નામ ગારસિન ડિ તાસી. અંગ્રેજીમાં જેમ સદ્‍ગૃહસ્થોના નામને મિસ્તર લગાડે છે, તેમ ફ્રાંસીસ અથવા ફ્રેંચમેનના નામને મસ્યુર લગાડાય છે. એ બંને સાહેબે મારા ઉપર ઘણી મહેરબાની કરી. તેઓનાં ભાષણો સાંભળવા મને તેડી ગયા, તથા તેઓના મિત્રો સાથે ઓળખાણ કરાવ્યું. ઇન્સ્ટિટ્યુટ ડિ ફ્રાંસ નામે સભા છે, તેના પ્રમુખ મુ. જુલીસ મોહલ જોડે મુલાકાત કરાવી, તે સારા ખપમાં આવી. એણે મારા ઉપર ઘણી માયા કરી, પોતાના કુટુંબ જોડે ઓળખાણ કરાવ્યું, તથા પારિસમાં રહ્યો તેટલા દિવસમાં ઘણીવાર મને પોતાને ઘેર તેડતો. એક સાંજના પારિસના થોડાક મુખ્ય પંડિતોને પોતાને ઘેર તેડ્યા, ને મને તેમની જોડે મેળવ્યો. તેમાંના જેને અંગ્રેજી બોલતાં આવડતું હતું તેમની સાથે હું વાત કરી શક્યો. તેઓમાં એક રૂશીઅન પંડિત પણ હતો. તે અંગ્રેજી બહુ સારું બોલતો હતો. તે પંડિતોની સ્ત્રીઓ પણ આવી હતી. તે રાત્રે મને ઘણો આનંદ થયો. જો હું ફ્રેંચભાષા સમજતો હોત તો વધારે ખુશી થાત.

ઇન્સ્ટિટ્યુટ ડિ ફ્રાંસ નામે એક પ્રસિદ્ધ અને વખણાએલી મહાવિદ્વાનોની મંડળી પારિસમાં છે. તેમનું મકાન મોટા મહેલ જેવું છે. એક ભાગમાં ગ્રંથોનો સંગ્રહ છે. લાખો પુસ્તકો, પ્રાચીન અર્વાચીન લેખો, નકશા વગેરે ભરેલા છે; ને નવા ગ્રંથો પ્રગટ થાય છે તે ઉમેરાતા જાય છે. જે ઓરડામાં સભા ભરાય છે તે શોભિતો કરેલો છે. બેસવાને સારુ મખમલ જડેલાં બાજઠો તથા ખુરશીઓ છે. એ સભા આખા યુરોપમાં બહુ માન પામે છે. એના સભાસદ થવું એ મોટી આબરૂ ગણાય છે. વિદ્યા હુન્નરની શોધ કરવાથી, સારા ગ્રંથો રચવાથી અથવા જ્ઞાની હોયાથીજ એ સભામાં પેસાય છે. દરેક સભાસદને ફ્રાન્સના રાજ્ય તરફથી પગાર મળે છે. સભાસદો જેને ઠરાવે તે જ દાખલ થઈ શકે છે. પરદેશના વિદ્વાનોને પણ આબરૂને સારૂ સભાસદો કરે છે. મુકરર વખતે હંમેશ સભા ભરાય છે. તે વેળા કોઈ નવી શોધ વિશે કોઈએ લખી મોકલ્યું હોય તે, અને આ સભામાંથી કોઈ લખી લાવ્યું હોય તે વંચાય છે, અથવા કોઈને મોઢે કહેવું હોય તો તે કહી સંભળાવે. પછી તે વિશે ઘણા જ વિવેકથી વાદવિવાદ કરે છે. આપણા શાસ્ત્રીઓની સભા થાય છે તેવી આ ન સમજવી. કોઈનું માન ભંગ કરવું, જીત્યા કહેવડાવવું, પંડિતપણાનું ડોળ દેખાડવું, લઢી ઉઠવું, આગળ બેસવાને ધસારો કરવો, એક એક ઉપર પડવું, બૂમો પાડવી, વગેરે જે આપણા પંડિતોની સભામાં જંગલી ને શરમ ભરેલા બનાવ બને છે તેવા અહીં નથી બનતા. અહીં તો શાણા વિચારવંત મહાપુરૂષો એકઠા મળી એક એકના વિચાર સાંભળે છે, પોતપોતાના મત જાહેર કરે છે, નોંધી લેવા લાયક હોય તો નોટબુકમાં લખી લે છે. અરસપરસ જ્ઞાન આપે છે ને લે છે. એ લોકની વાતચીતમાં સાધારણ ભણેલાને તો સમજણ ન પડે. હું પારિસમાં હતો ત્યારે એક વાર એ મંડળીની બેઠક થઈ હતી, ને હું તેના પ્રમુખ જોડે તે જોવા ગયો હતો. સભાનું કામ આરંભ થયા પહેલાં પ્રમુખ સાહેબે મને કેટલાએક ફ્રેંચ વિદ્વાનોનું ઓળખાણ કરાવ્યું. ગીઝો નામે મહાપંડિત તથા ફ્રાંસના મરહુમ પાદશાહ લુઈફિલિપના મુખ્ય પ્રધાન જોડે મારે સૌથી વધારે વાતચીત થઈ, કેમકે તેને અંગ્રેજી બોલતાં ઠીક આવડે છે. સભાસદો આવી રહ્યા, એટલે મુ. મોહલ પ્રમુખસ્થાને બિરાજ્યા. મહા વિદ્વાન પરદેશી એ સભામાં આવે છે ત્યારે તેને પ્રમુખની પાસે ખુરશી આપે છે. એ મોટું માન ગણાય છે. મેં ત્યાં બેસવાની ના કહી, કેમકે મેં કહ્યું, હું કાંઈ વિદ્વાન નથી. એ મહાપુરૂષોની સભામાં બેઠાથી હું તે દિવસે કૃતાર્થ થયો. મને તેમની ભાષા બોલતાં આવડતી હોત તો કેવું સારું થાત ! ગીઝો સાહેબે પારિસની પાઠશાળાઓ, તથા ફ્રાન્સની નિશાળો દેખાડવાનું કહ્યું, પણ મેં આગબોટની ચીઠી કરાવી હતી, તેથી દિલગીર થયો કે, પારિસમાં વધારે રહેવાઈ શકાયું નહીં ! પારિસમાં હું આઠ દહાડા રહ્યો. તેમાં ખાવાના તથા ઉંઘવાના વખત સિવાય જરાએ પગવાળીને બેઠો નથી, ફર ફર કર્યા કીધું. પારિસ સુંદરપણામાં, તથા શોભાયમાન બાંધણીમાં લંડનથી ઘણું ચઢતું છે. એવું કહેવાય છે કે આખી પૃથ્વી ઉપર એના જેવી શોભા બીજા કોઈ શહેરમાં નથી. હાલ વસ્તી આશરે પંદર લાખની ગણાય છે. યુરોપના ધનવાન લોકોને મોજ ભોગવવી હોય છે ત્યારે પારિસ આવીને રહે છે. ત્યાં સારો મઝાનો તડકો પડે છે, ટાઢનું દુઃખ નથી, ઉદ્યોગ ઘણો છે, પણ લોકો મોજી ઘણા છે, તેથી જ્યાં જોઈએ ત્યાં આનંદ થતો દેખાય છે. કારખાનાં અને જમવાની દુકાનો ઠેર ઠેર છે. શહેરની રચનામાં કાંઈ કસર નથી, જે જોઈએ તે સાનંદાશ્ચર્ય પમાડે છે. પહેલાં તો ધોરી રસ્તા જોઈને ખુશી થઈ જઈએ છીએ. ચાર ગાડીઓ બીનહરકતે જોડે દોડે એટલા પહોળા માર્ગો પથ્થરના બાંધેલા છે. ઘોડા તથા ગાડીઓને માટે રસ્તો વચમાં રાખ્યો છે; તેની બંને બાજુએ ઝાડો ખીલી રહ્યાં છે. બન્ને બાજુએ ઝાડો અને ઘરોની વચ્ચે પગે ચાલનાર લોકને સારૂં પહોળા રસ્તા છે. ઘરને તળીએ સુંદર દુકાનો કાડેલી છે. સુંદર રંગેલા તથા કારીગરીથી શોભિતાં ઊંચાં મકાન સામસામે આવી રહ્યાં છે.

“સપ્ત ભૂમિના ભવન તે ભાસે, જોતાં ભૂખ તરશ તે નાસે; બહુ કળશ ધજાઓ બિરાજે, જોતાં અમરાપુરી તો લાજે. શોભે છજાં ઝરૂખાં ને માળ, મણીમય થંભ ઝાકઝમાળ; વાંકિ બારી ને ગોખે જાળી, નિલા કાચ મુક્યા છે ઢાળી. લીંપી ભીંતે સોનાની ગાર, ચળકે કામ તે મીનાકાર; ભલાં ચૌટાં શેરી ને પોળ, સામાસામી હાટની ઓળ. ઘેર ઘેર તે વાટિકા કુંજ, કરે ભ્રમર તે ગુંજાગુંજ; થાય ગાનના ઘોષ તે કાળે, રસ જામ્યો વાજિંત્રને તાળે. શકે અવાસ અડશે વ્યોમ, જાણે વૈકુંઠ આણ્યું ભોમ.”

એ રીતે કવિ પ્રેમાનંદ ભટ્ટે દ્વારિકાનું વર્ણન કર્યું છે. જો તેણે હાલનું પારિસ શહેર જોયું હોત તો દ્વારિકાને એથી વધારે સારી બનાવત તથા તેને વૈકુંઠને બદલે પારિસની ઉપમા આપત. પારિસની શોભા અને પારિસની મઝાથી ભૂખ અને તરસ થોડી વાર લગી ખરેખાત વિસરી જવાય છે. એ નગરનું ખરેખરું બ્યાન કરવાને પ્રેમાનંદ સરખા પુરુષોની જ શક્તિ પહોંચે. બધા મુસાફરો, મિત્ર અને શત્રુ સર્વે, કહે છે કે, પારિસ અતુલ્ય છે. આપણા કવિએ કલ્પના કરી છે તે કરતાં સરસ મેં નજરે દીઠું. સીન નદી શહેરની વચમાં વહી ખૂબ બહાર આપે છે. અંગ્રેજી બોલનાર ભુમિયાને લઈને આઠ દહાડા સુધી આખા શહેરમાં હું ફર્યો. કોઈ વાર તો રાત્રે બાર વાગે મુકામે આવતો. મેં પેહેલે દહાડે શહેરના ધોરી રસ્તા, શીન નદીના પૂલો, નાત્રદામ નામે મંદિર, તથા બીજાં કેટલાંક સુંદર દેવળો જોયાં. એ દેવળોને માંહેથી શણગારેલાં છે, તે જોઈને મને બહુ અચંબો થયો. મેં જે દેવળો જોયાં તે કાથલિક પંથનાં હતાં. તેમાંની મૂર્તિઓ તથા જે ક્રિયા ચાલતી હતી તે જોઈ મને હિંદુ દેવસ્થાનો સાંભર્યાં. નવાઈનું એટલું હતું કે, ખૂણા ઉપર ઉપદેશક તથા કેટલીક બાઈડીઓ બેઠેલી હતી. તેઓ વારાફરતી પોતાનાં કરેલાં માઠાં કામ ગુરૂના કાનમાં કહેતી હતી. બારણા આગળ એક માણસ વાસણમાં પવિત્ર પાણી લેઈને બેઠો હતો, અને દેવળમાં જનારા લોક તેને પૈસો આપી તેમાંથી ચાંગળું લેઈ જીભ પર મૂકતાં, તથા આંખે અડકાડતાં. એ દેવસ્થાનોની માંહેની શોભા તથા ગાયન સાંભળી મારો જીવ ઘણો આનંદ પામ્યો, પણ ત્યાંના વહેમી કામોથી હું નાખુશ થયો. એવાં સુંદર દેવળો ઇંગ્લાંડ કે બીજાં કોઈ ઠેકાણે મારા જોવામાં આવ્યાં નહોતાં. પારિસમાં સરકારી ઈમારતો ઘણી જ છે. તે બધી જોવામાં મેં પાંચ દિવસ ગાળ્યા, પણ પૂરી થઈ નહીં, ને જેમાં એકવાર જઈ આવ્યા કે મનમાં એમ થયા કરે કે, ક્યારે તેમાં બીજીવાર જઈશું. નાટકશાળાઓ અને રાજસભાને બેસવાનાં મકાન જોઈ વખાણ કર્યા જ કરીએ. મહારાજાના મહેલોની કાંઈ વાત જ નથી કહી જતી; તેમાંના અતિ સુંદર ગાલીચા, સોને રસેલાં બહુજ રૂપાળાં છજાં, ગોખ, બારીઓ, ખુરશીઓ, કૉચો, આરશીઓ, ઝૂમરો, ચિત્રો વગેરે શણગારો તથા અનેક નવાઈની વસ્તુઓ, આરસનું અને મીનાકારીનું કામ, ઇત્યાદિ જોઈ મારી અક્કલ ગુમ થઈ ગઈ. જેણે એવું ઘણું જોયું હોય તેને તો ઘણું સાનંદાશ્ચર્ય ન લાગે, પણ મારા જેવા પહેલીવાર જોનારને તો વખતે ભ્રાંતિ પડે કે, આ ખરેખરું છે કે સ્વપ્ન હશે, હું પૃથ્વી ઉપર છું કે પરલોકમાં છું. મેં જે જે સંગ્રહસ્થાનો, પુસ્તકશાળાઓ, જનાવરશાળાઓ, દુકાનો, યંત્રનાં કારખાનાં, હુન્નર બનાવવાનાં ઠેકાણાં, બાગ, બગીચા, છોકરાંને રમાડવાની જગો, કીર્તિસ્તંભો, ફરવાનાં રમણીય સ્થળો વગેરે જે અદ્‍ભૂત રચના જોઈ તેઓનું વર્ણન પારિસમાં ઘણા જ મહિના રહ્યા વિના થઈ શકે નહિ, અને ત્યારે પણ ઘણાં જ પરભાષાના શબ્દો વાપરવા પડે....... પૃષ્ઠ:Englandni Musafarinu Varnan.pdf/૧૩૪ પૃષ્ઠ:Englandni Musafarinu Varnan.pdf/૧૩૫