ઋતુગીતો/મિત્રવિરહના મરશિયા/ધરણસર માતરધણી

વિકિસ્રોતમાંથી
← (૪) સતણ–વીસણ સંભરે ઋતુગીતો
ધરણસર માતરધણી
ઝવેરચંદ મેઘાણી
(૬) સકજ સાંગણ સંભરે →




ધરણ સર માતર–ધણી !

[આ બબ્બે માસની અક્કેક ઋતુને વર્ણવીને મરસિયા રચ્યા છે. રચનાર ઉમાભાઈ કહાનજી મહેડુ નામના ગુર્જર ચારણ છે. માતર તાલુકાના ઠાકોર હિમ્મતસિંહજીના વિરહમાં એ ગવાયા છે.]

:દોહા:

[૧]કવ્ય પાળી મોટા કિયા, આપ સમોવડ અંગ;
તે બદલો આલું, તને, સમજે હિમ્મતસંગ !
સહલ બગીચાંરી છટા, ખટરત[૨]વાળો ખેલ,
[૩]નરખેવા આજમનગર, આવ્ય [૪]ઘરાં અલબેલ!

[કવિઓને પાળીને તે તારા સમોવડિયા બનાવ્યા તેનો હે હિમ્મતસંગ ! તને આ બારમાસી અર્પીને બદલો દઉં છું.

આવી સેલગાહ લાયક ફૂલવાડીની રમ્યતા; આવો છ ઋતુનો ઉત્સવ; તે બધું જોવા હે અલબેલા ! તું આજમનગર પાછો ઊતર.]

શરદ

આ કાતિક સરદ અળ્ય, ઠાઠ નવલ્લા ઠીક,
અધપત હિમ્મત આવિયેં, [૫]માણેવા [૬]મછરીક.

:છંદ-સારસી:

[૭]અળ શરદ [૮]રાકા ચંદ ઉજજળ, [૯]મુકત ઝળહળ જળ મહીં,
[૧૦]નીરજ સકોમળ, આભ નરમળ, ચિત્ર ધવળં અળ ચહી;
કેકાણ ધજબળ સજે અણકળ, કીપ ઝળહળ [૧૧]સર દણી,'
રઢ રાણ હિમ્મત ! વળ્યે અણરત, ધરણ સર માતર–ધણી
જી ! ધરણ સર માતર–ધણી !

[આસો અને કાર્તિક માસની શરદ ઋતુ પૃથ્વી પર મંડાઈ; નવલા ઠાઠમાઠ થયા; માટે હે અધિપતિ હિમ્મતસંગ ! તારા ચૌહાણ વંશનો કિતાબ સાંભળવા તું પાછો આવ !

પૃથ્વી પર શરદ આવી; પૂર્ણિમાનો ચંદ્ર ઉજ્જવળ લાગે છે. જળની અંદર મુક્તા (છીપનું મોતી) ઝળહળાટ કરે છે. સુકોમળ કમળો ખીલે છે. આકાશ નિર્મળ છે. આખી પૃથ્વીનું ચિત્ર ધવલ લાગે છે. બળિયા લોકો ઘોડાને સજે છે. પૃથ્વીના પટ પર દીવા ઝળહળે છે. માટે ઓ રઢાળા હિમ્મતસંગ ! આવી ઋતુમાં તું ધરણી પર પાછો વળ, હે માતરના ધણી! ]

હેમન્ત

[૧૨]અગહન પોષ ઉલટ્ટિયા, હદ શીતળ હેમન્ત;
સુરતા કર મહેલાં સરે, કુળવંતીરા કંત!

અગહન વ્રતંગં, શીત અંગં, હેમ દંગં હલ્લ હી,
તરણી અતંગં, તરણ તંગં, સેજ રંગં બરસહી;

કર લેપ [૧૩]ચંગ, [૧૪]મદ કુરંગ, [૧૫] કત, સંગં કામણી,
રઢરાણ હિમ્મત વળ્યે અણરત, ધરણ સર માતર–ધણી !

[અગ્રહાયન (માગશર) અને પોષ માસ ઊમટ્યા. શીતળ હેમન્ત ત્રતુ આવી. હે કુલવંતી રમણીના કંથ ! તું હવે તો તારા મહેલ પર નજર કર !

અગ્રહાયન વર્તવા લાગે. અંગે શીત લાગે છે. હેમન્તનું પરિબળ હાલ્યું જાય છે. (આ પછીની પંક્તિ સમજાતી નથી.) કામિનીઓ કંથની સાથે કસ્તૂરીના સરસ લેપ કરે છે. એવી ઋતુમાં...]

શિશિર–વસન્ત

માઘ ફાગ ખત્રિયાં-મણિ! શશિયર [૧૬]બણી સોહાગ;
તણ રત વળ્ય [૧૭]પીથલ તણા ! રાણ [૧૮]પ્રખણ [૧૯]ખટરાગ !

શશિયર સુહાવે, રંગ છાવે; હુલસ ગાવે હોરિયાં,
ફગવા મગાવે, રમત ફાવે, ગમત ભાવે ગોરિયા,
બાજે બજાવે, ચરિત ચ્હાવે, બસંત દરસાવે બણી,
૨ઢરાણ હિમ્મત ! વળ્યે અણરત, ધરણ સર માતર–ધણી!

[માહ અને ફાગણ માસ હે ક્ષત્રિયોના મણિ ! શિશિર ઋતુનો સોહાગ જામ્યો છે. એવી ઋતુમાં હે પૃથ્વીરાજ (પીથલ) ના પુત્ર ! હે છયે રસને પારખનારા રાજા ! તું પાછો આવ !

શિશિર સોહે છે, રંગ છવાય છે, ઉલ્લાસથી લોકો હોરીઓ ગાય છે. હુતાશનીના દિવસોમાં ફગવા (ચણા, તલ, મગ વગેરેનાં ખાદ્યો) મગાવીને ગોરીઓ રમત રમત ગમત કરે છે. વાજિંત્રો બજાવે છે. વસંત એવા રંગો બતાવે છે. એવી ઋતુમાં.......]

વસંત–ગ્રિષ્મ

ચૈત્ર વૈશાખે ચોતરફ, ફહેરે બસંત ફોહાર;
અણ રત તખતેં આવિયેં, વખતાહર અણવાર !

મધુ–કુંજ ફહેરે, અંબ મહેરે, મહક દહે રે મંજરા,
કોકિલ કહેરે, શબદ શહેરે, કુંજ લહેરે મધુકરાં;
સર કુસુમ બહેરે, ઉર ન સહે રે, પ્રીત ઠહેરે પદમણી,
૨ઢરાણ હિમ્મત વળ્યે અણ રત ધરણ સર માતર–ધણી !

[ચૈત્ર વૈશાખમાં ચોમેર વસંતની ફોરમો ફોરે છે. એવી ઋતુમાં હે વખતસંગના પૌત્ર ! તખ્ત પર આવો!

મધુભરી કુંજો ફોરે છે. આંબા મહોર્યા છે. મંજરીઓ મહેક દઈ રહી છે. સરવા શબ્દે કોયલો કિલ્લોલ કરે છે. કુંજોની અંદર ભમરા લહેરાઈ રહ્યા છે. માથા પર કુસુમો વેરાય છે. પદ્મણીઓનાં ઉરમાં પ્રીતિ ઠેરાતી રોકાતી નથી. એવી એવી ઋતુમાં......]

ગ્રીષ્મ

જેઠ અષાઢ ઝળૂંબિયા, [૨૦]ભુવણ પ્રળમ્બે ભાણ;
ગ્રીખમ સુરતા ગેહરી, ચિન્ત ધર્યે ચહુઆણ.

ચહુવાણ [૨૧]મિન્તં, ધર્યે ચિન્તં, [૨૨]પ્રાગ નીત પ્રગ્ગળં,

બાગાં બણીતં, હોજ હીતં, નીર સીતં [૨૩]ત્રમ્પળે;

પટ ઝીણુ પ્રીતં, [૨૪]વ્રે વ્રજીતં, સરસ રીતં શામણી,
રઢરાણ હિમ્મત વળ્યે અણુ રત, ધરણ સર માતર–ધણી !

[જેઠ અને આષાઢ ઝળૂંબ્યા. ભાનુ (સુર્ય) પૃથ્વી પર લાંબો સમય રહે છે. (દિવસ લાંબા થાય છે.) હે ચૌહાણ ! ગ્રીષ્મની આવી ગાઢ પ્રીતિને ચિત્તમાં ધારણ કરજે !

હે ચહુવાણ મિત્ર ! આટલું ચિત્તમાં ધરજે ! પુષ્પોના પરાગ નિત્ય ફોરે છે, બાગબગીચાનો ઠાઠ બન્યો છે. હોજમાં નિર્મળ શીતળ પાણી છલકે છે, ઝીણાં પટકૂળ પર પ્રીતિ જન્મે છે. શ્યામાઓ સરસ રીતે વિરહ ત્યજે છે. એવી ઋતુમાં...]

વર્ષા

શ્રાવણ ભાદ્રવ સાલળે, ધરણ વ્રખા રણધીર;
વેળ સમંદર કર વળણ, હિમ્મત હેળ્ય હમીર !

વરખા સમાજં, બુંદ વાજં, અભ્ર છાજં અંબરં,
બિરહી અવાજં, રહત બાજં, વીર ગાજં વમ્મરં,
કર લે સુકાજં, અમર આજં, નીર તાજં નરખણી,
રઢરાણ હિમ્મત વળ્યે અણ રત, ધરણ સર માતર–ધણી !

[શ્રાવણ અને ભાદરવો ભરપૂર વરસે છે. હે રણધીર ! ધરતી પર વર્ષા આવી છે. હે હિંમ્મતસંગ ! સમુદ્રની વેળ્ય(ભરતી)ની માફક તું પાછો આવ !

વર્ષાનાં બિન્દુઓ વરસે છે. આકાશમાં આભલાં (વાદળાં) જાણે (છાપરાની માફક) છજાઈ ગયાં છે. વિરહીઓના અવાજો બાજી (ગાજી) રહ્યા છે. વ્યોમ (આકાશ) વીર-ગર્જના કરી રહ્યું છે. એવી ઋતુમાં આજ તું આવીને કંઈક સુકૃત કરી લે. આજનાં તાજાં નીર નીરખી લે ! એવી ઋતુમાં ..]

  1. ૧. કવિ.
  2. ૨. વાળો: નો ( છઠ્ઠી વિભક્તિ)
  3. ૩. નીરખવા.
  4. ૪. ઘેરે.
  5. ૧.માણવા.
  6. ૨. મછરીક–ચોહાણવંશનો કિતાબ.
  7. ૩. અળ–પૃથ્વી.
  8. ૪.રાકા (ચંદ્ર)-પૂર્ણિમાનો.
  9. ૫.“મુક્ત ઝળહળ જળ મહીં”: સરખાવો બીજી એક બારમાસીની કડી:–
    “મછ છીપ તણી રત જામત મોતીએ

    ઠીક ઝળોમળ નંગ થિયા,
    અજમાલ નથુ તણ કુંવર આલણ !

    સોય તણી રત સંભરિયા !”

    અથવા તો આગળ આવેલા ઋતુગીત માંહેલું:—

    “નવનધ પાકે દન નવા, વ્રખા સોંત વ્રપન્ત,
    “છીપે મોતી સંચરે ચંચળ નવે ચડન્ત.”

    એટલે કે આસો માસમાં સમુદ્રની અંદર છીપમાં મોતી બંધાય છે તેને એ માસનું એક લક્ષણ ગણ્યું છે.

  10. ૬. નીરજ=(નીરમાં જન્મેલું ) કમળ.
  11. ૭. સર દણી (દણીશર)=પૃથ્વી પર.
  12. ૧. માગશર માસ પ્રાચીન સમયમાં ‘અગ્રહાયન’ કહેવાતા તે સંબંધેનું સ્પષ્ટીકરણ લોકમાન્ય ટિળક પોતના ‘ગીતા રહસ્ય’માં, मासानां मार्गशीर्षोऽहं પદ સમજાવતાં આ રીતે કરે છે:

    “મહિનાઓમાં માર્ગશીર્ષને પહેલું સ્થાન આપ્યું છે તે તે વખતે બાર માસની ગણના કરતાં મૃગશીર્ષને પહેલો ગણવાનો વહીવટ હતો તેથી છે...... મૃગશીર્ષ નક્ષત્રનું આગ્રહાયણી અથવા વર્ષના આરંભનું નક્ષત્ર એવું નામ છે. મૃગાદિ નક્ષત્રગણના જ્યારે પ્રચારમાં હતી ત્યારે મૃગ નક્ષત્રને પહેલું અગ્રસ્થાન મળ્યું, ને તે પછી માર્ગશીષ માસને અગ્રસ્થાન મળ્યું હશે. ઈત્યાદિ વિચાર અમે અમારા ‘ઓરાયન’ ગ્રંથમાં કરેલો. છે તે જુઓ.”
  13. ચંગો: સારો.
  14. મદકુરંગ (કુરંગ + મદદ)-કસ્તુરી
  15. કંત-કંથ
  16. બની
  17. ‘પૃથ્વીરાજને ટુંકાવેલો શબ્દ.
  18. પરખણ (પરખનાર).
  19. છ જાતના રસો.
  20. ભુવન.
  21. મિત્ર.
  22. પરાગ.
  23. નિર્મળ.
  24. ૧. વિરહ.