લખાણ પર જાઓ

ઋતુના રંગ : ૮ :

વિકિસ્રોતમાંથી
← ઋતુના રંગ : ૭ : ઋતુના રંગ
ઋતુના રંગ : ૮ :
ગિજુભાઈ બધેકા
ઋતુના રંગ : ૯ :  →



ઋતુના રંગ : ૮ :


ભાવનગર.

તા. ૧૧ - ૩ - ૩૬

વહાલાં બાળકો !

લ્યો, આજે તો હું પાકેપાકાં વસંતનાં વધામણાં આપું છું. જુઓ, બાલમંદિરમાંથી બહાર નીકળો અને નજર તો નાખો ? જુઓ, આ આપણા આંબાને મોર આવ્યો છે. ગોપાળભાઈના આંબાને, નાનાભાઈના આંબાને, મસ્તરામભાઈના આંબાને ઢગલેઢગલા મોર આવવા માંડ્યા છે. થોડા વખતમાં આંબા મોરે લચી પડશે. આ લીમડો જુઓ, આ પીપર જુઓ, આ આપણાં બધાં ઝાડ જુઓ; કેવાં કૂંપળ ફૂટ્યાં છે ! ઝાડે ઝાડે કૂંપળ ફૂટ્યાં છે અને પક્ષીના કંઠે કંઠે ગાન ફૂટ્યાં છે. સક્કરખોરો ગળાની ઘૂઘરી વગાડતો ધરાતો નથી. દરજીડો ટ્‌વી ટ્‌વી કરીને આ લીમડા-પીંપરની ઘટાને ભરી દે છે; ટણિંગ ટણિંગ કરતું ટુકટુક ઘંટી ટાંકવા મંડી પડ્યું છે; કોયલનું કુહુ કુહુ પણ સંભળાવા માંડ્યું છે.

આ તો વસંત છે. પક્ષીઓ લહેરમાં આવી ગયાં છે. હોલાં ઘૂઘવે છે; કાબરો અને મેનાઓ નિરાંતે મધૂર કંઠે જાતજાતની બોલીઓ કરે છે; કબૂતરોએ છાપરાનાં નેવાં નીચે, ઘરના ગોખલામાં અને કૂવામાં બેસી ઘૂઘવાટ શરૂ કર્યો છે. વળી ચકલોચકલી માળો બાંધવાની ખટપટમાં પડ્યાં છે. આપણા કલામંદિરના ચોકની વાડમાં હોલીએ બે ઇંડાં મૂક્યાં છે; એમાંથી એક તો ફૂટ્યું પણ ખરું અને એમાંથી એક બચ્ચું નીકળ્યું છે; બીજામાંથી આજકાલ બીજું બચ્ચું નીકળશે. હવે ધીરે ધીરે બધાં પંખીઓ પોતાનાં ઇંડાં મૂકવા માંડશે.

હુતાશની ગઈ. ટાઢ તાપીને હવે ગઈ લાગે છે; છતાં જતાં જતાં નિસાસા નાખતી જાય છે. આજકાલ ઝાડને વીંઝી નાખે તેવો પવન નીકળ્યો છે. ટાઢને જવું ગમતું નથી અને ગયા વિના ચાલે તેમ નથી; એમ બેચાર માસ એક ઠેકાણે રહ્યા પછી જલદી પાછા જવું કેમ ગમે ? હવે તો તડકો પડશે ને જમીન તપશે. જમીન તપશે એટલે ભેજ માત્ર ચાલ્યો જશે; અને જમીનમાં શક્તિ આવશે. હવે વસંતની રાતી પગલી પાછળ ધમધમતો ઉનાળો આવશે અને લૂ લૂ લૂ પાથરશે. પણ હજી એને વાર છે.

બાળી નાખે તેવો તડકો પડે તે પહેલાં પાંચ દિવસ હવાની મજા રહેશે. સવારે સૂરજ કેસરી રહેશે; સાંજે વાદળાં આછા રંગોભર્યાં રહેશે. હમણાં બાગે બાગે પતંગિયાં પાછળ નાના નીલકંઠ પણ પડશે; પતંગિયાનું જીવન જેટલું લાંબું એટલું ટૂંકું કરી નાખશે.

હમણાં કૂતરાંઓ બહુ હાંફતાં નથી; વસંતનો કુમળો તડકો ખાવા માટે તડકામાં જ પડ્યાં રહે છે.

આજકાલ લીમડાના થડની છાલ ફાટવા લાગી છે. લાગે છે કે એ ફાટીને ઊખડી જશે અને નીચેથી નવી છાલ આવશે. ઊમરાની ડાળીઓ ઉપરથી એની છાલ ભૂકો ભૂકો થઈને ખરવા લાગી છે; એની પાછળ લીલી નવી છાલ તગતગી રહી છે.

શિયાળો ગયો છે એટલે આળસુના પણ મેલ એની મેળાએ ઊખડવા લાગશે. કહેવત છે કે ફાગણ મહિને ફૂવડનો ય મેલ જાય, એ સાચું છે. જેના મેલ ફાગણે નહિ જાય તેના ચૈત્રે તો જશે જ; જેના ચૈત્રે મેલ ન જાય તે એક ડગલું આગળ : તે ફૂવડ નહિ ફૂવડો ! લ્યો ત્યારે વસંતના વા ખાતાં મજા કરો. આજે તો તમે ફરવા જાઓ છો, ખરું ? ત્યારે ચારે કોર વસંત જોજો.

લિ. તમારો શુભેચ્છક

ગિજુભાઈ