એકલો જાને રે
Appearance
એકલો જાને રે રવિન્દ્રનાથ ટાગોર |
અનુવાદક : મહાદેવ હરિભાઈ દેસાઈ |
એકલો જાને રે
રવિન્દ્રનાથ ટાગોર, અનુવાદક : મહાદેવ હરિભાઈ દેસાઈ
તારી જો હાક સૂણી કોઇ ના આવે,
તો એક્લો જાને રે,
એકલો જાને, એકલો જાને, એકલો જાને રે ...
જો સૌનાં મ્હોં શીવાય, ઓ રે ઓ રે ઓ અભાગી
સૌનાં મ્હોં શીવાય,
જ્યારે સૌએ બેસે મ્હોં ફેરવી, સૌએ ફરી જાય,
ત્યારે હૈયું ખોલી, અરે તું મ્હોં મુકી
તારા મનનું ગાણું,
એકલો ગાને રે ...
જો સૌએ પાછાં જાય, ઓ રે ઓ રે ઓ અભાગી
સૌએ પાછાં જાય,
જ્યારે રણવગડે નીસરવા ટાણે, સૌ ખૂણે સંતાય,
ત્યારે કાંટા રાને, તારે લોહી નીકળતે ચરણે ભાઇ
એકલો જાને રે ...
જ્યારે દીવો ના ધરે કોઇ, ઓ રે ઓ રે ઓ અભાગી
દીવો ના ધરે કોઇ,
જ્યારે ઘનઘોરી તુફાની રાતે બાર વાસે તને જોઇ,
ત્યારે આભની વીજે સળગી જઇ, સૌનો દીવો
તું એકલો થાને રે ...