લખાણ પર જાઓ

એક ઊંચો તે વર ના જોશો રે દાદા

વિકિસ્રોતમાંથી
એક ઊંચો તે વર ના જોશો રે દાદા
અજ્ઞાત



એક ઊંચો તે વર ના જોશો રે દાદા

એક તે રાજને દ્વારે રમંતા બેનીબા
દાદે તે હસીને બોલાવિયાં

કાં કાં રે દીકરી તમારી દેહ જ દુબળી
આખંલડી રે જળે તે ભરી

નથી નથી દાદા મારી દેહ જ દુબળી
નથી રે આંખલડી જળે ભરી

એક ઊંચો તે વર ના જોશો રે દાદા
ઊંચો તો નિત્ય નેવાં ભાંગશે

એક નીચો તે વર ના જોશો રે દાદા
નીચો તો નિત્ય ઠેબે આવશે

એક ધોળો તે વર ના જોશો રે દાદા
ધોળો તે આપ વખાણશે

એક કાળો તે વર ના જોશો રે દાદા
કાળો તે કુટુમ્બ લજાવશે

એક કેડે પાતળિયો ને મુખે રે શામળિયો
તે મારી સૈયરે વખાણિયો

એક પાણી ભરતી તે પાણીઆરીએ વખાણ્યો
ભલો તે વખાણ્યો મારી ભાભીએ

    આ લગ્નગીતનુ અન્ય એક લઘુ સંસ્કરણ નીચે પ્રમાણે મળે છે.

એક ભર રે જોબનીયામાં બેઠાં બેનાબેન
દાદા એ હસીને બોલાવિયાં (૨)

કેમ રે દીકરી તમારા દિલડાં દૂભાયા
કેમ રે આંખોમાં આસૂં આવીયા (૨)

એક ધોળો તે વર ના જોશો રે દાદા
ધોળાને નિત નજરૂ લાગશે. (૨)

એક કાળો તે વર ના જોશો રે કાકા
કાળો તે કુટુમ્બ લજાવશે (૨)

એક નીચો તે વર ના જોશો રે વીરા
નીચો તો નિત્ય ઠેબે આવશે (૨)


સાંજી