લખાણ પર જાઓ

એવો કેજો રે સંદેશો ઓધા

વિકિસ્રોતમાંથી
એવો કેજો રે સંદેશો ઓધા
મોરાર સાહેબ




એવો કેજો રે સંદેશો ઓધા


કે જો રે સંદેશો ઓધા ! શ્યામને…તમે છો મોયલા આધાર રે‚
નીરખ્યા વિના રે મારા નાથ‚ સૂનો આ લાગે સંસાર રે…
કે જો રે સંદેશો…

દિન દિન દુઃખડાં અતિ ઘણા‚ જોબન વહ્યાં વહ્યાં જાય રે ;
ગોવિંદા વિના રે ઘેલી ગોપીયું‚ અગની કેમ રે ઓલાય રે…
કે જો રે સંદેશો…

રતું રે પલટિયું વનડાં કોળિયા‚ બોલે બાપૈયા રૂડા મોર રે ;
પિયુ પિયુ શબદ સોહામણા‚ ચિત્તડું નો રિયે મારૂં ઠોર રે…
કે જો રે સંદેશો…

જીવન ઓધાજી ! મારું જે થકી‚ અળગા કેમ રે રે વાય રે ;
જળ રે વિછોઈ જેમ માછલી‚ જળમાં રિયે તો સુખ થાય રે…
કે જો રે સંદેશો…

બળેલાંને શું બાળીએ ? કાનજી વિચારો મનડા માંય રે ;
દરદીને દુઃખડાં તું દઈશ મા‚ દરદ સહ્યાં નવ જાય રે…
કે જો રે સંદેશો…

આ રે સંદેશો વ્રજનારનો‚ વાંચીને કરજો વિચાર રે ;
દરશન દેજો મોરારને‚ સાનમાં સમજી લેજો સાર રે…
કે જો રે સંદેશો…