એશિયાનું કલંક યાને કોરીયાની કથા/કેસરીયાં

વિકિસ્રોતમાંથી
← છુપાં શસ્ત્રો એશિયાનું કલંક યાને કોરીયાની કથા
કેસરીયાં
ઝવેરચંદ મેઘાણી
ભીષ્મ પ્રતિજ્ઞા →




પ્રકરણ ૮ મું.

કેસરીયાં

એક વખતનું ચુપચાપ પાડોશી જાપાન આસ્તે આસ્તે કોરીયાનું સલાહકાર બન્યું. વળી ધીરે રહીને મુરબ્બી બની બેઠું. જોતજોતામાં તો મુરબીશ્રીએ તોપો–તલવારો બતાવીને પોતાના આશ્રિતને પગ તળે ચાંપી દીધું. જગતને તો જાપાને એમ જ સમજાવ્યું કે આ બાપડી અજ્ઞાન પ્રજાને આબાદ કરવા, સંસ્કારી બનાવવા હું મહેનત લઉ છું.

આપણે જોયું કે એમ શાંતિથી, વિના બોલ્યે આ વીરપ્રજા વશ નથી થઈ ગઈ. ૧૯૦૭ ના ઘા જાપાન કદી નહિ ભૂલે. એ વરસમાં કોરીયાની સેનાને વિખેરી નાખતી વેળા, વીશ હજાર જાપાની યોધ્ધાઓની સામે, કોરીયાના સૈનિકો ઝુઝ્યા હતા, અને એક પણ સૈનિક રહ્યો ત્યાંસુધી પીઠ બતાવી નહોતી. લડવાનાં પૂરાં શસ્ત્રો પણ નહોતાં. એ વીશ હજાર અમાનુષી જાપાનીઓને એકેએક સૈનિકે પોતાનું લોહી પોવરાવેલું.

એ ઝપાઝપી તો છેક ૧૯૨૦ ની સાલ સુધી ચાલેલી. એ ‘ધર્મ સેના’ ની વાત આપણે વાંચી ગયા. કોરીયાની ભુજાનો જાપાનને અચ્છો પરિચય થઈ ચુક્યો હતો.

પણ કોરીયામાં એક ડાહ્યો વર્ગ મનન કરતો બેઠો હતો. એ શાણા પ્રજાજનો સમજતા હતા કે શસ્ત્રહીન કોરીયા જાપાનની તોપો–બંદુકો સામે ન ટકી શકે. એની મુરાદ તો એ હતી કે જાપાની તોપો–બંદુકો ઉખેડી નાખતા પહેલાં, જાપાની સંસ્કૃતિનું વિષ દેશના કાળજામાંથી કાઢવું પડશે, કોરીયાની પુરાતન સંસ્કૃતિની જગતને પિછાન દેવી પડશે, દેશે દેશના હૈયામાં અનુકમ્પા જગાડવી પડશે.

આ ધૈર્યવાન પુરૂષોએ આત્મ–બળ સજવા માંડ્યું.

મહાયુધ્ધે જગતમાં કઈ પ્રજાને નથી જગાડી ? વરસેલ્સના માંચડા પરથી છુટી નીકળેલા, અમેરિકન હાકેમના સ્વાધીનતાના સંદેશા કયા ગુલામને નથી પહોંચ્યા ? કોરીયાના મનોરથો પણ વીલ્સનનાં વાક્યોએ જગાડ્યા. કોરીયા પોતાને ઇન્સાફ મળવાની આશાએ આતુર બનીને બેઠું.

૧૯૧૮ માં દુનિયાએ હથિયાર હેઠાં મેલ્યાં, એટલે જાપાને કોરીયાની સમગ્ર પ્રજાની અંદર એક પત્રિકા ફેલાવી, અને તલવારની અણી બતાવી એ ઉપર સહી કરવા કહેવામાં આવ્યું. એ પત્રિકામાં શું હતું ? કોરીયાની પ્રજા તરફથી સુલેહની સભાને મોકલવાની એ એક અરજી હતી. કોરીયા તરફથી એમાં જણાવવાનું હતું કે “જાપાનની કૃપાળુ રાજસત્તાના અમે અહેશાનમંદ છીએ. અમે બન્ને મહાપ્રજાઓ અમારા નૃપતિ મીકાડોના છત્ર તળે એક બની ઉભાં છીએ. અમારે જુદી સ્વતંત્રતા નથી જોઈતી. અમને એ સિદ્ધાંત લાગુ પાડશો નહિ !”

સૈનિકોએ ખુલ્લી તલવારે આ અરજીખત ઉપર નામાંકિત પ્રજાજનોની સહી લીધી. પણ પેલા જરાગ્રસ્ત, જર્જરિત, અને આશાહીન રાજાએ કહ્યું કે “મારી નાખો, સહી કરીને મ્હારી પ્રજાને નહિ વેચી મારૂં ?” ૧૯૦૫ માં પોતે પોતાના પ્રાણ પ્રજાને ખાતર ન આપી શક્યો, એ વાત સંભારી સંભારીને રાજા રડતો હતો. એના મનમાં હતું કે “આજ તો એ મહાપાપનું પ્રાયશ્ચિત કરવા માટે પ્રાણનું બલિદાન આપી દઉં !”

જાપાનીઓએ રાજાને ઝેર દઈ તેનો જીવ લીધો. અપમાનથી ખરડાયેલો અને ઝીંદગીને હારી ગએલો વૃદ્ધ રાજા મૃત્યુને તો જીતી ગયો. જનની કોરીયા ! એનું અને એની બહાદૂર રાણીનું તર્પણ શું એળે જશે ?

રાજાના મરણની બીજી પણ એક વાત ચાલી હતી. કોરીયાનું વ્યક્તિત્વ આંચકી લેવા ખાતર જાપાને પોતાની કુમારી કોરીયાના યુવરાજની સાથે પરણાવવાનું કહેણ મોકલ્યું. યુવરાજ તો આનંદથી નાચી ઉઠ્યો. બુઢ્ઢો રાજા વિચારે છે કે હું હમણાંજ મરી જાઉં તો કોરીયાના રીવાજ પ્રમાણે ત્રણ વરસ સુધી વિવાહ નહિ થાય. અને ત્રણ વરસમાં શું કોઈ નહિ જાગે ? એમ સમજીને એણે વિષપાન કરી પ્રાણ કાઢી નાખ્યા. બેમાંથી ગમે તે વાત સાચી હોય, પણ રાજાનું મૃત્યુ તો ઉજ્જવળ બની ગયું.

રાજાજીના મરણના સમાચાર તો આગના ભડકાની માફક ચોમેર વિસ્તરી ચૂક્યા. ઝીંદગાનીની અંદર જે રાજા પ્રજાની પ્રીતિ ખોઈ બેઠો હતો તેના આવા પ્રાણ દાનથી પ્રજાનું અંતર પ્રેમમાં તરબોળ બની ગયું. જાપાની સરકારે તો રાજાના મૃત્યુની એના સરકારી છાપામાંયે નોંધ ન લીધી. શોકનો દિવસ પણ ન પાળ્યો, અને જાપાની રીત પ્રમાણે એનું દફન કરવાનું ઠરાવ્યું.

પ્રજા પૂછે છે, “અરેરે !એનું મડદું પણ અમને નહિ સોંપો ?”

જાપાની સત્તા કહે છે, “નગરના ગઢની બહાર કાઢ્યા પછી એ મુડદું તમને સોંપાશે.”

જીવતા જીવનું અપમાન ઓછું સાલે, પણ મુડદાનું અપમાન કોઈ પ્રજા નથી સાંખી શકતી. મૃત્યુની પવિત્રતા, ને ભવ્યતા કયા માનવીને અંતરે વસેલી નથી હોતી ?

કોરીયાવાસીઓના દિલ પર બહુ આઘાત થયો. પ્રજાએ વિચાર્યું કે દફનને દિવસે કાંઈક નવાજૂની તો કરવી જોઈએ. એક સમુદાય બોલ્યો કે “હવે તો હદ થઈ. આવો, જાપાનના એકે એક આદમીને રેંસી નાખીએ. દેશમાં અક્કેક જાપાનીનો જીવ લેવા સાઠ સાઠ દેશજનો જીવતા છે. એક વાર કતલ કરી નાખીએ. પછી ચાહે તે થાજો !”

પણ બીજો ડાહ્યો ને દયાવંત વર્ગ બોલ્યો, “આવી કતલથી તમે જગબત્રીશીએ ચડશો. જાપાન વધુ દારૂગોળો, ને વધુ નવા જુલ્મો લાવવાનું વ્યાજબી ઠરાવશે. આપણને જેર કરી નાખશે. આપણી આગળ હથિયાર કયાં ?”

સલાહ સ્વીકારાણી.

સ્વાધીનતાનું જાહેરનામું તૈયાર થયું. દેશના તેત્રીશ નાયકોએ એના ઉપર સહી કરી. એની નકલો ગામડે ગામડે ચુપચાપ પહોંચી, વંચાણી, ને મંજુર થઈ. દફનને દિવસેજ એ સંદેશો ગામેગામમાં પ્રગટ થવાનો હતો. ચુપાચુપ, બે કરોડ માણસોની અંદર આ તૈયારી થતી હતી. બે કરોડમાંથી એક બાલક પણ આ વાતથી અજાણ્યું નહોતું. છતાં આખા દેશમાં અદ્ભુત શાંતિ ! જાપાની કાગડો પણ ન જાણે કે શું થઈ રહ્યું છે.

જાપાનીઓને જરાક ગંધ આવી કે દફનને દિવસે કાંઈક થવાનું છે. દફનને દિવસે સભા ભરવાની જ મનાઈ થઈ. પ્રજાના આગેવાનોએ સોમવારને બદલે શનિવાર ઠરાવ્યો. જાપાની કૂતરૂં પણ આ વાત જાણી ન શક્યું. યશસ્વી શનિવાર આવી પહોંચ્યો. પેલા તેત્રીશ મરણીયા સરદારોમાંથી બે તો બહારની દુનિયાને ખબર પહોંચાડવા શાંગાઈ પહોંચેલા. બાકીના ત્રીશ બહાદુરો એક નામાંકિત હોટેલમાં છેલ્લી વારને માટે ભેળા બેસી ખાણું ખાવા મળ્યા, ને મુખ્ય જાપાની અધિકારીઓને પણ ભોજન લેવા નોતર્યા.

જાપાનીઓ એમ જ મલકાઈ ગયા કે આખરે કોરીયાવાસીનો ગર્વ ગળ્યો ખરો–આખરે તેઓ ઠેકાણે આવ્યા ખરા. રાત્રીના બારના સમયની તૈયારી હતી. એક સુશોભિત ટેબલ પર પથરાએલ વિપુલ અન્નપાનની સામગ્રીને જાપાની અધિકારીઓ ન્યાય આપી રહ્યા છે, એટલામાં બારનો ટકોરો થયો. અને કોરીયનોનો અગ્રેસર અચળ શાંતિપૂર્વક વદન ઉપર મધુર હાસ્ય ફરકાવતો ઉભો થયો. એક કાગળ કાઢી તેમાંનું લખાણ વાંચવા તૈયારી કરી. આખું મંડળ સ્વસ્થ થઇ ગયું. સઘળે શાંતિ છવાઈ ગઈ.

‘અમારી–મ્હેમાનોની સ્તુતિ–પ્રશંસા કરવાનો પણ કાર્યક્રમ રાખ્યો જણાય છે.” જાપાની અધિકારીઓ ખુશ થવા લાગ્યા, અને બોલનારના શબ્દો ઝીલવા શ્રવણઇંદ્રિયને સતેજ કરી.

અદ્‌ભૂત ગંભીરતાથી, અપૂર્વ સ્વસ્થતાપૂર્વક કોરીયન અગ્રેસરે ગર્જના કરી,

“આજે, આ સ્થળેથી, અમે કોરીયાનિવાસીઓ અમારી પ્રજાની સ્વાધીનતા જગત્‌ને જાહેર કરીએ છીએ.”

સાત આકાશ જાણે સામટા તૂટી પડ્યા હોય, વિદ્યુતનો કોઇ પ્રબળ પ્રહાર થયો હાય તેમ, જાપાની અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા, ગભરાઇ ગયા. આગળ શું થાય છે તે જોતાં બેસી રહ્યા.

કોરીયન અગ્રેસરે આગળ ચલાવ્યું,

“છેલ્લા પાંચ હજાર વર્ષના સ્વાધીનતાના અમારા ઈતિહાસના અનુભવબળે, અને અમારી બે કરોડ પ્રજાના સંપૂર્ણ સમર્થનથી આજે આ જાહેરાત અમે જગત્‌ સન્મુખ કરીએ છીએ. નવીન યુગની નવજાગૃતિને અનુરૂપ સ્વતંત્રતા અમારી સંતતિને બક્ષવા આ પગલું અમે લઈએ છીએ. સ્વાધીનતા એ કર્તાની કરણીનો ઉદ્દેશ છે, વર્તમાન યુગના આચાર્યોનો ઉપદેશ છે અને માનવજાતિનો અધિકાર છે. સ્વાધીનતા એવી વસ્તુ નથી કે જે દાબી દબાવી શકાય, ચગદી ચગદી શકાય કે ઝુંટવી ઝુંટાઈ શકાય.

હજારો વર્ષસુધી પ્રજાકીય સ્વાધીનતાનો ઉપભોગ કયા બાદ આજે જ્યારે જગત્ નવીન યુગમાં પ્રવેશ કરે છે ત્યારેજ પેલી જરીપૂરાણી જોહૂકમીના અને પશુબળ તેમજ લૂંટફાટની જ્વાળાના અમે શિકાર થઈ પડ્યા છીએ. છેલ્લા દશકાથી પરદેશી જૂલમની વેદનાથી અમે પીડાઈએ છીએ–જીવવાનો અમારો અધિકારજ જાણે ઝુંટવી લેવામાં આવ્યો છે; અમારા  વિચારસ્વાતંત્ર્ય ઉપર અંકુશ મૂકવામાં આવેલ છે અને પ્રજાકીય જીવનની અમારી પ્રતિષ્ઠાને લૂંટી લેવામાં આવેલ છે.

ભૂતકાળની ભૂલો સુધારવી હોય, અમારી વર્તમાન વેદના વિદારવી હોય, અમારા ઉપરના ભાવી જૂલ્મો જો જતા કરવા હાય, અમને વિચારસ્વાતંત્ર્ય બક્ષવું હોય, અમારા વ્યવહારમાં સ્વતંત્રતા સાચવવા દેવી હોય, અમને સહજ પણ પ્રગતિના માર્ગે પ્રયાણ કરવા દેવું હોય, દુઃખ અને નામોશીભર્યાં ગુલામીના વારસામાંથી અમારી સંતતિને મુક્ત કરવા દેવી હોય અને તેમને માટે સુખ અને સંતોષ મૂકી જવા દેવા હોય, તો એ સર્વ માટે એકજ વસ્તુ આવશ્યક છે–અમને સ્વાધીન રહેવા દ્યો.

જે સમયે સત્ય અને ન્યાય માટે જગતનું જીગર તલપી રહ્યું છે, ત્યારે અમારામાંનો દરેક પોતાનું અંતર મજબૂત કરે તો બે કરોડની પ્રજા શું શું ન કરી શકે ? શા શા બંધનો ન તોડી શકે ? શા શા મનોરથો સિદ્ધ ન કરી શકે ?

જાપાને અમારા તરફ અઘટિત વર્તન ચલાવ્યું છે, અમારી સંસ્કૃતિને તેણે ધિક્કારી કાઢી છે, અથવા તો અમારા ઉપર તેણે જૂલ્મ કર્યો છે, તે સંબંધી અમારે કશું જ કહેવાનું નથી.  જ્યાં અમારા પોતામાંજ દોષો ભરપૂર ભર્યાં હોય, ત્યાં પારકાના અવગુણ ગાવામાં અમારો કિમ્મતી સમય કાં વ્યર્થ વીતાવવો ? જ્યારે ભવિષ્યના કાર્યક્રમમાં અમારે મશગૂલ થવું ઘટે છે, ત્યારે ગઇગૂજરી શા અર્થે સંભારવી ? અમારા અંતરાત્માની આજ્ઞાનુસાર ભવિષ્યના તમામ અનર્થો દૂર કરી અમારો માર્ગ સાફ કરવા આજે અમને ઘટે છે. ભૂતકાળના દુઃખો અથવા તો વૈરવિરોધના પ્રસંગો સ્મરણમાં લાવી અમારા અંતર્‌માં ક્રોધ કે કડવાશ ઉત્પન્ન કરવા અમે નથી માગતા. અમારૂં ગુરૂ કાર્ય તો આજે એજ છે કે પશુબળની પૂરાણી પ્રથાને વશ બનેલ, વિશ્વનિયમ અને ઔચિત્યબુદ્ધિથી વિરૂદ્ધ વર્તેલ જાપાનની સરકારને અમારે સમજાવી દેવું કે તેણે હવે સુધરવું જ જોઇશે—સત્ય અને ન્યાયને માન આપવું જ પડશે. અમારે તો જાપાની સરકારનું હૃદય પીગળાવવું છે. આજ એ હૃદયની અંદર પશુબળની પુરાણી વૃત્તિ વસી રહી છે. અમારાં લોહી આપીને અમે એ રાક્ષસી હૃદયને પલટાવીશું; પછી જાપાન નીતિ, ધર્મ અને સત્યને પંથે પળશે.

કોરીયાને તમે જાપાન સાથે જોડી દેશો તેનું શું પરિણામ ? તમારી અને અમારી પ્રજાનાં હૃદયો વચ્ચે તો ઝેરવેરની ખાઈઓ ખોદાતી જશે, પ્રતિદિવસ ઉંડી ને ઉંડી ખોદાતી જશે. બ્હેતર રસ્તો તો એ છે કે સાચી હિંમત વાપરી પાક દાનતથી તમારાં પુરાણાં પાપોનું નિવારણ કરો, મહોબત અને મિત્રતા આદરો, કે જેને પરિણામે નવો યુગ મંડાશે, અને બન્ને પ્રજાઓને સરખું સુખ મળશે.

કોરીયાની સ્વાધીનતા અમને જ માત્ર જીવન આપશે એમ નથી. એ સ્વાધીનતા તમને પણ પાપના માર્ગ પરથી ઉગારી લેવાની, એશિયાના સંરક્ષકની પ્રતાપી પદવીએ તમને સ્થાપવાની–પરિણામે ચીન પણ તમારાથી ત્રાસતું બચશે. તમારા પરના દુર્બળ કોઈ ગુસ્સાની અંદરથી આ વિચારો નથી પ્રગટતા, પણ વિશ્વકલ્યાણ અને વિશ્વપ્રેમની મહાન્ મુરાદોની અંદરથી ઉઠી રહ્યા છે.

અમારી દૃષ્ટિ સન્મુખ આજે નવીન યુગ ઉભો થયો છે. પશુબળનો યુગ તો હવે ભૂતકાળના ઈતિહાસની વાત થઈ ગઇ. જૂના જગત્‌ના દુઃખભર્યા અનુભવે આપણને નવું જ્ઞાન અને નવો પ્રકાશ આપ્યા છે. સર્વને સર્વનું સુપ્રત કરી દેવાનો આ યુગ છે. આવા આ યુગના મધ્યાહ્નકાળે અમારી સ્વાધીનતા ખરી કરવા આજે અમે મેદાને પડીએ છીએ. અમે હવે વિશેષ વિલંબ કરતા નથી. કોઇપણ હવે અમને ડરાવી કે દબડાવી શકશે નહિ.

જૂની દુનિયાના અંધકારભર્યા આવાસોમાંથી હવે અમે પ્રકાશને પંથે ચડ્યા છીએ. સત્યને અમારો સાથી બનાવીને, સ્વાશ્રયનો જ માત્ર આધાર રાખીને, સંપૂર્ણ નિશ્ચયબળથી, એકદિલે અને એકચિત્તે અમારો અર્થ સાધવા આજે અમે બહાર પડીએ છીએ. શિયાળાના બરફ અને ઝાકળથી ઠરી ગયેલી કુદરત સૂર્યદેવના આછા કિરણોથી અને વસંતઋતુની મધુર લહરીથી આજે જાગૃત થઈ છે. તે સાથે અમે પણ આજે જાગૃત થયા છીએ. અમારા પિતૃદેવો સ્વર્ગમાં રહ્યા રહ્યા અમને સહાય કરો ! જગત્‌ના સર્વ શુભ બળો અમારી કુમકે આવો ! અને અમારા નિશ્ચયના આ દિવસથી જ સ્વાધીનતાની પ્રાપ્તિ અમોને થઇ જાઓ ! એવી જ્વલંત આશા સાથે આજે અમે અમારૂં કાર્ય શરૂ કરીએ છીએ.”

જાપાની અધિકારીઓ હજી તો પોતાની વિસ્મય–નિદ્રામાંથી જાગૃત ન્હોતા થયા, ત્યાં તો ઢંઢેરો વાચનાર અગ્રેસરે શહેરના મુખ્ય પોલિસ અધિકારીને ટેલીફોન ઉપર બોલાવી તેમને સર્વને પકડી જવા આમંત્રણ કર્યું. તેને કહેવરાવ્યું કે ‘તમારા મહેમાન થવા અમે સજ્જ થઈ બેઠા છીએ–કેદીનું પાંજરૂં મોકલાવો !’

પોલીસ મોટર આવી પહોંચી. ત્રીસ શૂરાઓ બંદીખાને ઘસડાયા. માર્ગમાં લોકોની મેદિની માતી નથી. વાવટાનું જાણે કોઇ જંગલ ખડું થયું. ત્રીસ શૂરાઓને કાને ડગલે ડગલે પ્રચંડ ધ્વનિ સંભળાય છે કે “અમર રહો મા કોરીયા !”

ગામડે ગામડે લોકોએ કેસરીયાં કર્યાં છે, સ્વાધીનતાનો સંદેશ વંચાય છે, વાવટા ઉડે છે, અને ગર્જના ઉઠે છે કે “અમર રહો મા કોરીયા !”

પ્રજા પાગલ નથી બની, ભાન નથી ભૂલી. તે સારી રીતે સમજે છે કે, બીજી પ્રભાતે એનાં પ્રત્યેકનાં માથાં ઉડવાનાં છે. પણ આજ તો ખોવાયેલી માતા મળી છે. જનેતાની છાતીમાંથી સ્વતંત્રતાના ધાવણની ધારાઓ છૂટી છે. આજ એ તરસ્યાં સંતાનો મોતનો ભય ભૂલ્યાં છે. પોલીસો કમર પરના પટ્ટા ફેંકી દે છે, બાલકો ને બાલિકાઓ નિશાળો ખાલી કરે છે, અને નિર્ભય નાદે ગરજી ઉઠે છે કે “અમર રહો મા ! અમર રહો મા ! અમર રહો માતા કોરીયા !”

આવા નિર્ભય અને પ્રતાપવંત જાહેરનામાની નીચેજ ત્રણ કલમો ટાંકેલી.

૧. સત્ય, ધર્મ અને જીવનને ખાતર, સમસ્ત પ્રજાના આદેશ અનુસાર, પ્રજાની સ્વતંત્રતાની ઈચ્છાને અમે જાહેર કરીએ છીએ. સાવધાન ! કોઇને પણ કશું પીડન દેવાનું નથી.

૨. જે અમારો સાચો સાગરિત હશે તે તો સદાને માટે; પ્રત્યેક કલાકે અને પ્રત્યેક પળે, આનંદની સાથે અહિંસક બની રહેશે.

૩. આપણે કામ લેવાનું છે તે એવી તો સભ્યતાપૂર્વક ને વ્યવસ્થાપૂર્વક કે આખર સુધી આપણું આચરણ નિર્મળ અને માનવંત બની રહે.

જગત આખું તાજ્જુબ બન્યું. પરદેશીઓને તો લાગ્યું કે ગગનમાંથી જાણે કોઈ વજ્ર પડ્યું. પરદેશીઓ જાણતા હતા કે જાપાની રાજસત્તાનો જાપતો કેવો ભયાનક હતો. કોરીયાના એકેએક આદમીનું નામ સરકારને ચોપડે નોંધાતું, દરેકને એક નંબર મળતો, અને પોલીસ આ નંબર જાણતી. પરગામ જતી વેળા પોલીસની પોથીમાં કોરીયાવાસીએ પોતાના કામકાજની વિગત લખાવવી પડે. પોલીસ એ બીજે ગામ તારથી તપાસ કરાવે છે એ વાત સાચી હતી કે ખોટી. નોંધાવ્યા મુજબ હકીકત ન નીકળે તો કોરીયાવાસીનું આવી બનતું.

પ્રત્યેક માણસનું નામ અમુક વિભાગમાં નોંધાતું. કોરીયાવાસી જરા આગળ પડતો થાય કે એનું નામ [અ] વિભાગમાં ચડી ચૂક્યું હોય. પછી એની પછવાડે છૂપી પોલીસ ફરે. ન્હાસી જનારા માણસને તો પોલીસ પૂરો જ કરી નાંખે. ફરી એ ઘેર આવે નહિ.

આવા સખ્ત ચોકીપહેરાની વચ્ચે, આવા ઘોર કાયદાની ઉઘાડી આાંખ સામે, ને છુપી પોલીસથી ઘેરાયેલા આવા દેશની અંદર, આખરની ઘડી સુધી જાપાની કાગડો પણ એક મહાન્‌ ઝુમ્બેશને જોઈ ન શકે, એ વાતની અજાયબી તો આખી દુનિયાના મનમાંથી હજુ મટી નથી.

ઘણા વરસોનો અબોલ બની ગએલો પેલો ચાન્ગો નગરનો પ્રાચીન ઘંટ રણકી ઉઠ્યો શીઉલ નગરને પાદરે ઉભેલો “સ્વાધીનતાનો દરવાજો” ફરી શણગારાયો અને નામસાનના શિખર પરની જ્વાળા સ્વાધીનતાનો સંદેશો ફેલાવતી ઝળહળી ઉઠી. ગલીએ ગલીએ, ને ઘેરે ઘેરે ગર્જના થાય છે કે “અમર રહો, માતા કોરીયા !” સ્ત્રી, પુરૂષ કે બાલકના હાથમાં એક જ ચીજ છે–કોરીયાનો વિજયધ્વજ.

બંદીખાનાઓની અંદર બંદીવાનો બેઠા બેઠા શું કરે છે ? — માતા કોરીયાના વાવટા તૈયાર કરી રહ્યા છે.

આખી ઝુંબેશને અદ્ભૂત બનાવી દેનાર તો લોકોની શાંતિ હતી. તોફાનનો એક ઇસારો પણ નહિ, મારપીટનો એક પણ કિસ્સો નહિ !

પહેલું જાહેરનામું કાઢનારા તેત્રીસ નેતાઓ ગિરફ્તાર થયા. નવાઓએ તેની જગ્યા પૂરી. તત્કાળ જાહેરનામું કાઢ્યું કે

“ધન્ય છે તમારી પ્રતાપભરી શાંતિને ! હે બંધુજનો ! એ શાંતિને બરાબર જાળવજો. મારપીટ કરનારો માણસ, માતા કોરીયાનો વેરી બનશે !”


કોરીઅન હડતાળનો એક દેખાવ:–
સજ્જડ બજારોમાં જાપાની સેના પહેરો ભરે છે. [પા. ૧૫]

કોરીયાનો જયઘોષ કરનારને ઠાર કરવા ઉભેલી જાપાની સેના. [પા. ૬૫]