લખાણ પર જાઓ

એશિયાનું કલંક યાને કોરીયાની કથા/રણવાસમાં રક્તપાત

વિકિસ્રોતમાંથી
← ઘરના ઘા એશિયાનું કલંક યાને કોરીયાની કથા
રણવાસમાં રક્તપાત
ઝવેરચંદ મેઘાણી
તૈયારીની તક ગુમાવી →




પ્રકરણ ૪ થું.

રણવાસમાં રક્તપાત.

જાપાનની જૂની રાજધાની ક્યોટો નગરમાં કોઈ પરદેશી જાય તો એ શું નિહાળી રહે છે ? એ શહેરની એક શેરીમાં એક સ્મરણ–સ્થંભ ઉભો છે. એનું નામ “નાક કાનનો સ્મરણ સ્થંભ” ! હજારો કોરીયાવાસીઓનાં નાક કાન કાપીને એ સ્થંભ નીચે જાપાનીઓએ દાટેલાં છે. પોતાના જ અત્યાચારના સ્મરણસ્થંભો બીજી કોઈ પણ પ્રજાએ ઉભા કર્યા છે કદી ?

૧પ૯૨ ની સાલનો પુરાણો આ સ્મરણસ્થંભ છે. જાપાનના નામાંકિત રીજંટ હીડેજોશીએ એ વરસમાં એક જબ્બર સેના કોરીયાને કિનારે ઉતારેલી. પચાસ હજાર કોરીયન સૈનિકોએ એની મહેમાની કરેલી. ચીન કોરીયાની કુમકે પહોંચ્યું, ને જાપાનીઓને નસાડ્યા. નાસતા નાસતા એ દુશ્મનો કોરીયાના મહામૂલા પ્રદેશો લૂંટતા ગયા. લૂંટી જવાયું નહિ તે બધાને આગ લગાડતા ગયા, કળાના અમૂલ્ય નમુનાઓનો નાશ કરતા ગયા, અને આશરે ત્રીશ લાખ મનુષ્યોની કતલ કરતા ગયા, જેની અંદર ર૭ લાખ તો નિર્દોષ, નિઃશસ્ત્ર બચ્ચાં, બૈરાં અને પુરૂષો હતાં. સાત વરસ સુધીની ઝપ્પાઝપ્પીનું આ પરિણામ આવ્યું.

કોરીયાની આ મહેમાની ચાખી ગયેલું જાપાન બીજાં ૩૦૦ વરસ સુધી ફરી ન ડોકાયું. ચીન પોતાના એ ન્હાના મિત્ર કોરીયાને પોતાની પાંખમાં લઈને બેઠેલું. જાપાનની લોલુપ આંખો તો આઘે આઘેથી પણ ટાંપીનેજ બેઠેલી.

૧૮૭૬ ના વરસમાં જાપાનના કેટલાએક માણસો કોરીઆને કિનારે ઉતર્યા. કોરીઆવાસીઓ કહે કે અમારા દેશમાં નહિ ઉતરવા દઈએ. ઝપ્પાઝપ્પી જામી. જાપાનીઓના લોહી રેડાયાં. જાપાની સરકારનો કોપ ફાટી નીકળ્યો. એ કહે કે કાં તો લડાઈ કરો, નહિ તો અમારા વેપારને માટે થોડાં બંદરો ખુલ્લાં મૂકો. કોરીયાએ કબૂલ કર્યું. તહનામાની શરતો લખાણી. કોરીયાએ તો માગણી કરી નહોતી, તો પણ જાપાનીઓએ એ તહનામાની અંદર ‘કોરીઆ સર્વ દેશોથી સ્વતંત્ર એક દેશ છે’ એવી કલમ ઉમેરી. જાપાનનો ગુપ્ત ઇરાદો એવો હતો કે ગમે તેમ કરીને ચીનને કોરીઆનું મુરબ્બીવટ કરતું અટકાવવું.

અમેરિકાનો કોલ.

પોતાનાં દ્વાર બંધ કરીને જ આ એકાકી સાધુસરખો દેશ (Hermit Kingdom) બેઠો રહ્યો. એની પ્રજા જાણતી હતી કે પારકા સાથે પિછાન કરવાથી ઠાલી મારામારી જાગવાની. પણ આખરે, અમેરિકાને ટકોરે, એણે ભરોસે ભૂલી બારણાં ખોલ્યાં. ૧૮૮૨ માં કોરીઆએ અમેરિકાને વેપારના કેટલાએક કિમતી હક્કો વેચી માર્યા. અમેરિકાએ એક કાગળના ટુકડા ઉપર લખી આપ્યું “કે તમને બીજી કોઈ પ્રજા રંજાડશે તો અમે તમારા રક્ષણ માટે અમારી વગ ચલાવીશું” અમેરિકાનો આપેલો કોલ ! કોરીયા નિર્ભય બનીને સૂતું.

કોરીયામાં એક દુષ્કાળ ફાટી નીકળ્યો. વ્હેમી કોરીયાવાસીઓએ માન્યું કે, વિદેશીઓ આપણી ભૂમિ પર આવ્યા છે માટે દેવતા કોપાયા છે. પરિણામે તેઓએ ફરીવાર કેટલાએક જાપાનીઓને માર્યા, ને જાપાની એલચી માંડમાંડ કિનારે પહોંચ્યો.

ફરીવાર જાપાન ખળભળ્યું–લોહીને બદલે લોહી લઈએ, નહિ તો નાણાં લઈએ: એ જ એની માગણી. ચીનમાંથી દસ હજારની સેના કોરીયાની મદદે પહોંચી. પણ લડાઇની ધમકીથી કાયર થયેલું શાંતિપ્રિય કોરીયા જાપાની પ્રજાને ચાર લાખ યેનનો દંડ, તથા વેપારના વધુ કસદાર હક્કો આપીને છૂટ્યું.

એટલેથી જાપાનના પેટની જ્વાળા બુઝે તેમ નહોતું. કોરીયાનાં લશ્કરની અંદર એણે કાવતરાં રચ્યાં, કાવતરાં પકડાયાં. ફરીવાર કોરીયાવાસીઓએ જાપાની એલચીખાતા ઉપર હુમલો કર્યો. જાપાની લોહી છંટાયું, ને જાપાનની અંદર ફરીવાર ચુદ્ધનો સાદ પડ્યો. પણ સરકાર જાણતી હતી કે કોરીયાની સાથે યુદ્ધ કરવું એનો અર્થ એ કે ચીન સાથે યુદ્ધ. આવી જાદવાસ્થળી માટે જાપાન તૈયાર નહોતું.

જાપાનનું બખ્તર ખણખણ્યું. ૧૮૮૫ માં જાપાને શસ્ત્રો સજ્યાં. જાપાન ચીનને કહે કે “જુઓ ભાઈ ! આ બિચારા કોરીયાની છાતી ઉપર આપણે આપણાં સૈન્યો ચાંપી રહ્યા છીએ એ ઠીક નહિ. તમે પણ સૈન્ય ઉઠાવી લ્યો. અમે પણ અમારૂં સૈન્ય ઉઠાવી લઈએ, પણ ખબરદાર ! પહેલેથી કોરીચાને ખબર દીધા વિના કદી સૈન્ય મોકલવું નહિ.”

ભોળા ચીનાઓ ચાલ્યા ગયા. જાપાને કોરીયાવાસીઓની અંદર અંદર જ ઉશ્કેરણી કરી હુલ્લડ જગાવ્યું પોતાના દેશનો ધ્વંસ તો દેશીઓજ કરી શકે.

ચીનને આ માલૂમ પડ્યું. જાપાનની સાથે પવિત્ર સંધિમાં બંધાયેલું ચીન એમને એમ તો લશ્કર શી રીતે મોકલી શકે ? એણે કોરીયાના નૃપતિને પૂછાવ્યું કે લશ્કર મોકલું ?”

ચીન પૂછાવતું રહ્યું ત્યાં તો દસ હજાર જાપાની સૈનિકો શીયુલ નગરમાં દાખલ થયા.

જાપાની એલચીએ દસ હજાર જાપાની બંદુકો તરફ માંગળી બતાવીને કોરીયા નરેશની આગળ એક કાગળ મૂક્યો. એ કાગળમાં નીચે પ્રમાણે શરતો હતી.

૧–ચીનનું મુરબ્બીપણું છોડી દો.
ર–વેપાર વાણિજ્યના મોટા મોટા હક્કો આપો.
૩–રેલ્વે બાંધવા દો.
૪–સોનાની ખાણોનો ઇજારો આપો.
પ–ત્રણ દિવસની મુદત આપીને જાહેર કરો કે ચીનાઇ સેના કોરીયા ખાલી કરી જાય.

ચીન જાપાનની તલવારો અફળાણી. જાપાને શીઉલ નગરનો કબજો લીધો. કોરીયા–નરેશે બધી શરતો ઉપર સહી કરી. જાપાને પચાસ જાપાની સલાહકારોને કોરીયાના દરબારમાં બેસાડી દીધા. આખા દેશ ઉપર કબજો લેવાયો, અને લડાઇ ખતમ થતાં તો કોરીયાનો તમામ વેપાર જાપાને હસ્તગત કરી લીધો.

નમાલો નૃપતિ આ બધો તમાશો ટગર ટગર જોતો રહ્યો. એશિયાના દેશોમાં રાજા એટલે શું ? રાજાની એક આંગળી ઉંચી થાત તો કોટિ કોટિ પ્રજાજનો–પુરૂષો અને રમણીઓ બાલકો ને બાલિકાઓ–જાપાની બંદુકની સામે પોતાની છાતી ધરીને ઉભાં રહેત. પણ રાજા તો વિચાર કરતોજ રહ્યો, જીવન–મરણના સરવાળા બાદબાકી ગણતો રહ્યો.

પરંતુ ઇતિહાસ એક વાત બધા દેશોમાં બોલી ગયો છે. દેશની અંદર પુરૂષજાત જ્યારે નિર્બળ બની જાય, ત્યારે અબળાઓનુ છૂપું જોશ ભભૂકી નીકળે. કોરીયાના અંતઃપુરમાં પણ એ રાજ–રમણીનું–રાણીનું હૃદય ખળભળી ઉઠ્યું. એ ચકોર નારી ચેતી ગયેલી કે જાપાનના આ કાવાદાવાની અંદર શી શી તલવારો સંતાઈ રહી છે. રાજ્યના ડાહ્યા ડમરા પ્રધાનો જે વાતનો નિકાલ દસ મહિને નહોતા લાવી શકતા એનો નિર્ણય આ અબળા દસ મીનીટમાં લાવી મૂકતી. રાજાને એણે મેણાં માર્યાં. એ વીરાંગના બોલી ઉઠી કે “શુ મ્હારી પ્રજાનું ભાગ્ય પેલા જંગલી જાપાનીઓ આવીને ઘડી આપશે ? રાજા ! આપણા રાજ્યમાં જાપાનીઓનો પગ ન હોય.”

જાપાનીઓને સમાચાર પહેાંચ્યા કે કોરીયાના રણવાસમાં એક રમણીનો પ્રાણ જાગૃત છે. જાપાની અમલદારો રાણીની પાસે ગયા, એને ફોસલાવી, ધમકી આપી, રૂશ્વત અને ખુશામતના રસ્તાઓ પણ અજમાવ્યા. મહારાણીનું એક રૂંવાડું પણ ફરક્યું નહિ, જાણે ખડક ઉપર મોજાં વ્યર્થ પછડાઈને પાછાં વળ્યાં.

પછી જાપાને એના અંતરના અંધકારમાં ઘોર મનસૂબો કર્યો. પોતાના પાડોશી રાજ્યનો રાણીનો પ્રાણ લેવો એ અલબત જાપાન જેવી સમજુ સત્તાને ગમે તો નહિ ! પણ જાપાનના હાથમાં બીજો કશો ઇલાજ નહોતો. જાપાનને તો “મહાન જાપાન” બનવાની મહત્વાકાંક્ષા હતી. એ મનોરથની આડે જે આવે તેણે ઉખડીજ જવું જોઈએ !

જાપાની એલચીએ જાપાનથી મારાઓ બોલાવ્યા. મારાઓ મ્હેલમાં દાખલ થયા, રાણીને ઠાર કરી, અને રણવાસને આગ લગાડી. વાહ રે વીર્યશાળી જાપાન ! આખી એશિયા માતા જુગજુગાન્તર સુધી એ રમણીના ખૂન ઉપર ગુપ્ત આક્રંદ કરતી રહેશે, ને તને દુવા દેશે !

રાણીનું ખૂન થતાં થઈ ગયું, પણ જાપાન મ્હોંમાં આંગળી ઘાલી મુંઝાતું ઉભું. એ સમાચાર દબાવી રાખવા જાપાની અમલદારોએ કોશીશ કરી. અમેરિકાના એક વર્તમાનપત્રનો ખબરપત્રી તે કાળે કોરીયામાં હતો તેણે અમેરીકા તાર કર્યો, પણ જાપાની સત્તાએ તાર અટકાવ્યો, ને એ ગૃહસ્થને નાણાં પાછા મળ્યાં.

ગમે તે પ્રકારે પણ એ ખબર યુરોપ અમેરિકાને કિનારે પહોંચી ગયા. સુધરેલી દુનિયાને ફોસલાવી લેવા ખાતર એ ખૂન કરાવનારા અધિકારી ઉપર જાપાને કામ ચલાવવાનો તમાશો કર્યો. આરોપી છુટી ગયો. મરેલી એ રાણીને જાપાની સત્તાએ ખૂબ વગોવી. પિશાચને પુજનારૂં જાપાન મૃત્યુની પવિત્રતાને શી રીતે પિછાને ?

રાણી મરાણી, ને રાજા પકડાયો. પરંતુ બંદીવાન રાજાએ ન્હાસીને રૂશીઆનો આશરે લીધો. રૂશીયન રીંછની સામે થવાની જાપાનમાં હિમ્મત નહોતી, એટલે ફરીવાર રૂશીઆ, કોરીયા, અને જાપાન વચ્ચે શરતો થઈ.

રાજા ગાદી પર આવ્યો, લશ્કર અને પોલીસખાતું પાછા કોરીયાને સોંપાયાં. જાપાને વચન આપ્યું કે કોરીયાની ખીજાચેલી પ્રજા જરા શાંત બની જશે એટલે અમારૂં લશ્કર અમે પાછું ખેંચી લેવાના.