લખાણ પર જાઓ

કાંટાની અણી

વિકિસ્રોતમાંથી
કાંટાની અણી
ગિજુભાઈ બધેકા



કાંટાની અણી


એક કાંટાની અણી.

તે પર વસે ત્રણ ગામ : બે ઉજ્જડ ને એક વસેલ જ નહિ, વસેલ જ નહિ.

એમાં વસ્યા ત્રણ કુંભાર, બે અણઘડ ને એક ઘડે જ નહિ, ઘડે જ નહિ.

તેણે ઘડી ત્રણ તોલડી : બે કાચી ને એક સાજી જ નહિ; સાજી જ નહિ.

એમાં રાંધ્યા ત્રણ મગ : બે કાચા અને એક ચડે જ નહિ, ચડે જ નહિ.

ત્યાં આવ્યા ત્રણ મહેમાન; બે ઉપવાસી ને એક જમે જ નહિ, જમે જ નહિ.

એને દીધા ત્રણ રૂપિયા, બે ખોટા ને એક સાચો જ નહિ, સાચો જ નહિ.

ત્યાં આવ્યા ત્રણ પારેખ; બે આંધળા ને એક દેખે જ નહિ, દેખે જ નહિ.

* * *