કાનુડે કવરાવ્યા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

કાનુડે કવરાવ્યાં ગોકુળિયામાં
કાનુડે કવરાવ્યાં...

સૂતેલા બાળ મારે વ્હાલે જગાડ્યા
રમતાંને રોવડાવ્યા રે ગોકુળિયામાં
કાનુડે કવરાવ્યાં...

ધીમેથી વાછરું વ્હાલાજીએ છોડ્યાં
વણદોહ્યાં ને ધવરાવ્યાં રે ગોકુળિયામાં
કાનુડે કવરાવ્યાં...

શીકેથી માટ મારે વ્હાલે ઉતાર્યા
ઝાઝા ઢોળ્યાં ને પીધાં થોડા ગોકુળિયામાં
કાનુડે કવરાવ્યાં...

પુરુષોત્તમ વ્હાલા પ્રાણ અમારા
તમે જીત્યા ને અમે હાર્યા રે ગોકુળિયામાં
કાનુડે કવરાવ્યાં...