કિલ્લોલ/નિવેદન

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← અર્પણ-ગીત કિલ્લોલ
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯

નિવેદન

ચોપડીનું નામ પાડવું એ આ યુગમાં તો છોકરાંનાં નામ પાડવા કરતાં પણ વધુ મુંઝવનાર વાત થઈ પડી છે. આ ચોપડીને માટે પણ નામોની હારમાળા તૈયાર થઈ હતી. એકંદર અંદરના ઘણાંખરાં ગીતો માતા અને બાલક વચ્ચેની ઉર્મિઓ ઝીલવા મથતાં હોવાથી મિત્રોએ 'હૂલામણાં' એવું સૂચક મથાળું પસંદ કર્યું. પણ એ શબ્દ આ ચોપડી જેટલો હળવો ન લાગ્યો. સમગ્રપણે જોતાં આ ગીતો મને પક્ષીઓના પ્રભાત-કિલ્લોલ જેવાં જણાયાં. એમાં કાગડો, કાબર, મોરલા ને પોપટ તમામની બોલીની મનસ્વી મેળવણી જેવું દેખાયું. 'કિલ્લોલ' શબ્દ પણ જીભને ટેરવે અયત્ને ઉછળતો લાગ્યો. કુટુંબ-કિલ્લોલનો ધ્વનિ એ શબ્દ બરાબર વહેતો દેખાયો. છતાં 'કિલ્લોલ' અને 'હુલામણાં' વચ્ચેનો મતભેદ હજુ શમ્યો નથી. વાચક પોતાની પ્રત પર મનગમતી છેકભુંસ કરશે તો કર્તાને વાંધો નથી.

કુલ ૨૦ વિષય - અને પેટાગીતો ગણતાં ૨૫ ગીતો: એમાં ૧૫ જેટલાં હાલરડાં છે. બાકીનાંમાં પણ માતા અથવા નાનાં ભાઈબ્હેનોના મનોભાવ ગુંજવવાનો પ્રયાસ છે. 'પીપર' અને 'ગલૂડાં' દ્વારા એ કુટુંબ-ભાવનાને ફળી અને શેરી સુધી પહોળાવવાનો આશય છે. જોશું તો તે બન્નેનો ગર્ભિત ધ્વનિ 'માતા અને બાલક' જ છે. 'રાત પડતી હતી' એ ગીત પ્રકૃતિનું એક કરુણાભીનું દર્શન હોવા છતાં તેની અમૂક ઉપમાઓ 'ભાઈ, બ્હેન, બા અને બાપુ'નાં હેતમાંથી જ વહે છે. જ્યાં જ્યાં દાંપત્યનો સ્પર્ષ થયો છે ત્યાં ત્યાં વચ્ચે બાલકને કડીરૂપ બનાવીને જોડાણ કર્યું છે. માત્ર એક જ ગીત "સાગર રાણો"નો મેળ આ સંગ્રહમાં મળતો નથી. એ ગીત આંહી અસ્થાને છે. ગફલતથી પેસી ગયું છે. નવી આવૃત્તિમાં કાં તો એ નહિ હોય, અથવા તો એની ઊણપ પૂરાએલી હશે.

'કિલ્લોલ'નાં કેટલાંક ગીતો બાલકોને ન યે સમજાય. એનું કારણ છે. ગીતો મુખ્યત્વે માતાને ધ્યાનમાં રાખીને લખાયાં છે. લખનારનાં કલ્પના લોચન સામે માતાપદ પામી ચુકેલી અથવા તો માતૃત્વના ભુવનમાં ધીરેધીરે પગલાં માંડતી તરુણી જ નિરંતર ખડી હતી. એટલે ગીતો બાલકો વિષેનાં હોવા છતાં બધાં જ કંઈ બાલ-ઉપયોગનાં નથી. ખાનપાનમાં રસ પામવા માટે મ્હોંની અંદર અમીનું જે સ્થાન છે, તેવું જ કંઈક સ્થાન, આગીતોને, વાત્સલ્યનાં માધુર્ય અનુભવવામાં મળે એવી કર્તાની ધારણા છે.

ઢાળો વિષે પણ એમજ સમજવાનું છે. એ બધા બાલ-ઢાળો નથી. 'પા ! પા ! પગલી'થી માંડી 'શિવાજીનું હાલરડું' સુધી એનું કૂણું વિક્રમશીલ વૈવિધ્ય પથરાએલું છે.

કેટલાંએક ગીતોની ટુંકો લંબાયે જ ગઈ છે. લોકગીતોનું રમકડા સમ ટુંકાણ અને નાજુક કદ આણવાનું કામ વિકટ છે : ખાસ કરીને નવયુગી કાવ્યભાવો પણ ગુંથવાની જવાબદારી અદા કરવાની હોવાને કારણે. પરંતુ જ્યાં જ્યાં એવી અતિશયતા જણાય ત્યાં ત્યાં વધારાની લાગતી ટુંકો પર ચોકડી મારવાનો વાચકને હક્ક છે.

'વેણીનાં ફુલ'માં ઘણું એવું હતું કે જે 'કિલ્લોલ'માં નથી; એજ રીતે આમાં નીપજી શકેલું એવું કેટલુંક એમાં નથી. બન્નેને અન્યોન્યનાં પૂરક લેખું છું. વાચકને પણ એમજ લેખવા વિનતિ કરૂં છું.

પૂઠા પરનું ચિત્ર આપનાર તો આ વખતે પણ ભાઈશ્રી રવિશંકર રાવળ જ છે. એમાં એમણે પોતાનાં ગરવાં માતાજીના વાત્સલ્યનું અદ્યાપિ પર્યંત જે પાન કરેલું છે તેનો જાણે કે મીઠોને મ્હેકતો ઓડકાર ઠલવ્યો છે. એનો આભાર પ્રદર્શિત કરવાની આ આચાર-શિષ્ટતાના અંતરમાં જે સચ્ચાઇ ભરેલી છે, તે તો તેઓ જ જાણી શકે, કે જેઓએ પોતાનાં લખાણને અનુરૂપ ચિત્રો ચિતરાવવાની આપદાઓ વીતી હોય.

ને 'માનાં હેત'નું મુખચિત્ર ખાસ 'કિલ્લોલ'ને ખાતર જ વાપરવા આપનાર ભાઈશ્રી રસિકલાલનું ઋણ પણ સાભાર સ્વીકારૂં છું. એવી કૃતિનો ફાલ ગુજરાતમાં વિરલ જ ઉતરે છે. એ ચિત્રની અંદર એવું કંઈક અબોલ તત્ત્વ ગુંજે છે કે જે આ જગતને થોડુંક ઉંચે લે છે. ખેતરમાં ઉદ્યમ કરતી કરતી સાડલાનું ઘોડિયું બાંધીને બાળક સુવાડતી ખેડુ-માતા એ અર્ધનગ્ન દશામાં અને ઘાસના ભારામાં રહેલા જીવન-દૈન્યને એક સંધ્યાકાળે કોઈ અપૂર્વ ગૌરવભરી તિરસ્કાર આપી રહી છે.

કોઈક ખેતરની વચ્ચે ભાઈ રસિકલાલને થએલું આ દર્શન અત્યંત પાવનકારી છે.

સૌરાષ્ટ્ર સાહિત્ય-મંદિર
રાણપુર
અષાઢી પૂર્ણિમા : ૧૯૮૫
}
કર્તા