કિલ્લોલ/પા ! પા ! પગલી

વિકિસ્રોતમાંથી
કિલ્લોલ
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯




પા ! પા ! પગલી
[બાળકને બે હાથ ઝાલી તાલમાં ચાલતાં શીખવવાનુ.]


પા ! પા ! પગલી
ફુલની ઢગલી
ઢગલીમાં ઢેલડ
જીવે મારી બેનડ !

પા ! પા ! પગલી
બાગમાં બગલી
બગલી બોલાવે
ડોક ડોલાવે
નીર ઝુલાવે

તીર તળાવે.

પા ! પા ! પગલી
નાજૂક ડગલી
ડગલી ભરતાં
દડ વડ દડતાં
બેની મારી પડતાં !

પા! પા ! પડિયાં
થોડુંક રડિયાં
આંસુડાં દડિયાં
ભાઈ સાથે લડિયાં
ભાઈ ભરે બકી
જાણે ચકો ચકી !

પા ! પા ! પાલર
ઝૂલે છે ઝાલર
ઝાલર જડિયો
બેનીબાનો ચણિયો
જાણે નાનો દરિયો !

પા ! પા ! પૂજન

આંબે કૂજન

કૂ ! કૂ ! કરતી
જંગલ ભરતી
કોયલ ફરતી.

પા ! પા ! પાણી
નદી છલકાણી
પાણીમાં પડિયાં
ઉંડાં ઉતરિયાં
તગ ! તગ ! તરિયાં
નીર નીતરિયાં
નાવણ કરિયાં
બેડલાં ભરિયાં

પા ! પા ! પૂનમ
તારા ટમટમ
ચાંદો ચમચમ
રાત્રિ રમઝમ
સાગર ઘમમમ !

પા ! પા ! પોળી

ઘીમાં ઝબોળી

બોળીને ખાજો
ગલુ ભાગ દેજો !

પા ! પા ! પલકે
વીજળી વ્રળકે
મેહુલો મલકે
મોર મીઠી હલકે
કેહુ ! ગેહુ ! ગળકે
નીર ધારા ખળકે.

પા ! પા ! પરીઓ
ઠેકે દરિયો
દરિયો ડોલે
હીંચે હીંડોળે
છલછલ છોળે.

પા ! પા ! પોપટ
લીલો લટપટ
લળી લળી ચાલે

લીંબુની ડાળે

સરોવર પાળ્યે
પાંખો પલાળે
કાંઠલે કાળે
પ્રેમે બેની પાળે.

પા ! પા ! પંખી
મા મરે ઝંખી
મા ગુંથે માળા
સાફ સુંવાળા
ધોળાને કાળા
બાળ રૂપાળા.

પા ! પા ! પોઢણ
આભનાં ઓઢણ
ઓઢીને ઉંઘો
સ્વપનાં સુંઘો
ઝટ પાછાં જાગો

પ્રભુ પાસે માગો !

પા ! પા ! પ્રભુજી !
એક જ અરજી
ઝટ દ્યો પગ જી !

પગે ઝાડ ચડશું
પહાડે રખડશું
વેરી સાથે લડશું
મા કાજે મરશું
ફરી અવતરશું !