કિલ્લોલ/પ્રકાશકના બે બોલ

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← અર્પણ-ગીત કિલ્લોલ
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯પ્રકાશકના બે બોલ

'બલિદાન' તથા 'વેણીનાં ફુલ' ગુજરાતનાં સન્નારી વૃંદને ખોળે ધર્યા પછી ભાઈ ઝવેરચંદ મેઘાણી આજે 'કિલ્લોલ' દ્વારા ગુજરાતની યુવતીઓને કલ્લોલતી કરવા માગે છે. જે ભાવ ભર્યો સત્કાર એમની કૃતિઓ ગુજરાતી આલમમાં સર્વદા મેળવી રહી છે, તેવો જ હૂંફાળો આવકાર આ લધુ પુસ્તક પણ પામશે એ નિઃસંદેહ છે.

કાઠિયાવાડમાં બાળાઓ Street Songs - શેરીના ગીતો દ્વારા આનંદ ઉલ્લાસની મસ્તી અનુભવે છે. એ ગીતોના ઉન્નત કરેલા ભાવો ગૂંથીને, તેને ઉખાણાથી માંડીને હાલરડાં સુધીની વિવિધતા અર્પીને, તથા લોકના માનીતા સૂરોમાં ઢાળીને નીતારેલા 'કિલ્લોલ'નાં ગીતો શાળામાં ભણતી કન્યાઓને તેમ જ શેરીઓમાં રમતી તરુણીઓને કંઠે ચડી જશે એવી આશા છે.

'વનરાજનું હાલરડું', 'સોણલાં' તથા 'શિવાજીનું હાલરડું' ગુર્જર સાહિત્યમાં જે નવો અને અણખેડાએલો પ્રદેશ ખુલ્લો કરે છે તેમાં નવગુજરાતના સર્જક કવિઓ સ્વતંત્ર વિહાર કરવાને પ્રેરણા મેળવે એ સંભવિત છે. તેમ થશે તો ગુજરાતની ઉગતી પ્રજાનું કલ્યાણ થશે.

ભાઈ મેઘાણીના બ્હેનો પ્રત્યેના આ બંધુકૃત્ય બદલ બ્હેનો વતી એમનો આભાર માનવાની અમે રજા લઇએ છીએ.

સેવકો,

સૌ. વિનોદિની યાજ્ઞિક
શ્રી મહિલા વિદ્યાલય
બળવંતરાય મહેતા
ભાવનગર
મંત્રીઓ, ભાવનગર સ્ત્રી કેળવણી મંડળ
૨૫:૭:૨૯