કિલ્લોલ/શિવાજીનું હાલરડું

વિકિસ્રોતમાંથી
← રાત પડતી હતી કિલ્લોલ
શિવાજીનું હાલરડું
ઝવેરચંદ મેઘાણી
૧૯૨૯
અષાઢી સાજનાં અંબર ગાજે →


શિવાજીનું હાલરડું


આભમાં ઉગેલ ચાંદલો ને
જીજીબાઈને આવ્યાં બાળ,
બાળૂડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે!
શિવાજીને નીંદરૂં નાવે
માતા જીજીબાઈ ઝૂલાવે.

પેટમાં પોઢીને સાંભળેલી બાળે
રામ લખમણની વાત,
માતાજીને મુખ જે દિ'થી
ઉડી એની ઉંઘ તે દિ'થી.

પોઢજો રે મારાં બાળ !
પોઢી લેજો પેટ ભરીને આજ,
કાલે કાળાં જુદ્ધ ખેલાશે
સૂવા ટાણું ક્યાંય નૈ રે'શે.


ધાવજો રે મારાં પેટ!
ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ,
રે'શે નહિ રણઘેલૂડા!
ખાવા મુઠી ધાનની વેળા.

પે'રી ઓઢી લેજો પાતળા રે!
પીળાં લાલ પીરોજી ચીર,
કાયા તારી લોહીમાં ના'શે
ઢાંકણ તે દિ' ઢાલનું થાશે.

ઘુઘરા, ધાવણી, પોપટ-લાકડી
ફેરવી લેજો આજ!
તે દિ' તારે હાથ રે'વાની
રાતી બંબોળ ભવાની.

લાલ કંકુ કેરા ચાંદલા ને
ભાલે તાણજો કેસર-આડ્ય!
તે દિ'તો સીંદુરીઆ થાપા
છાતી માથે ઝીલવા બાપા!


માતા પિતા ચોડે ચૂમીઓ રે બાળા!
ઝીલજો બેવડ ગાલ
તે દિ' તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે.

આજ માતાજીની ગોદમાં રે
તૂંને હુંફ આવે આઠ પો'ર
તે દિ' કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે.

આજ માતા દેતી પાથરી રે
કૂણાં ફુલડાં કેરી સેજ,
તે દિ' તારી વીર–પથારી
પાથરશે વીશ ભૂજાળી.

આજ માતાજીને ખોળલે રે
તારાં માથડાં ઝોલે જાય,
તે દિ' તારે ઓશીકાં
મેલાશે તીર બંધૂકાં.


સૂઈ લેજે મારા કેસરી રે!
તારી હિંદવાણું જોવે વાટ,
જાગી વે'લો આવ બાળૂડા!
માને હાથ ભેટ બંધાવા.

જાગી વે'લો આવજે વીરા!
ટીલું માના લોહીનું લેવા!

શિવાજીને નીંદરૂં નાવે
માતા જીજીબાઈ ઝૂલાવે.

બાળૂડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.