કોણનો જવાબ

વિકિસ્રોતમાંથી
← કોણ? કોણનો જવાબ
શામળ
આ કાવ્યને આપ અહીં સાંભળી પણ શકો છો.



કોણનો જવાબ

મહીથી મોટું દાન, અણુથી લોભી નાનો;
પવનથી પહેલું મન, વિવેક દેવોથી દાનો;
ચન્દ્રથી નિર્મળ ક્ષમા, ક્રોધ અગ્નિથી તાતો;
દૂધથી ઉજળો યશ, અમલ મદીરાથી માતો;
છે તેજ તરિણિથી નેત્રનું, ગરજ સાકરથી ગળી;
શામળ કહે ઉત્તર લખ્યો, પહોંચી તેની મન રળી.

તૃણથી જાચક તુચ્છ, મણિથી સદ્-ગુણ મોંઘો;
સ્વર્ણથી શોભે સપૂત, ગરીબ કુશકાથી સોંઘો;
કીર્તિ બરાસથી બહેક, કપૂત કાજળથી કાળો;
સૂમ લોહથી કઠણ, અજ્ઞ બાલકથી બાળો;
દુર્વચન વીંછીથી વેદના, મિષ્ટ વાણી સહુથી ગળી;
છે કલંક મેલું મેશથી, પહોંચી તેની મન રળી.