ખબરદાર ! મનસૂબાજી…

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ખબરદાર ! મનસૂબાજી…
ધીરો


પદ ૧૫ રાગ એજ.

ખબરદાર ! મનસૂબાજી, ખાંડાની ધારે ચડવું છે
હિંમત હથિયાર બાંધી રે, સત્ય લડાઈએ લડવું છે
ખબરદાર ! મનસૂબાજી… ટેક

એક ઉમરાવને બાર પટાવત, એક એક નીચે ત્રીસ ત્રીસ
એક ધણીને એક ધણિયાણી એમ, વિગતે સાત ને વીશ
સો સરદારે ગઢ ઘેર્યો રે, તેને જીતી પાર પડવું છે—ખબરદાર. ૧.

પાંચ પ્યાદલ તારી પૂંઠે ફરે છે, ને વળી કામ ને ક્રોધ
લોભ, મોહ ને માયા, મમતા એવા, જુલમી જોરાવર જોધ
અતિ બલિષ્ઠ સવારી રે, એ સાથે આખડવું છે—ખબરદાર ૨.


પ્રેમપલાણ ધરી જ્ઞાનઘોડે ચડી, સદ્ ગુરુ શબ્દ લગામ
શીલ સંતોષ ને ક્ષમા ખડ્ગ ધરી, ભજન ભડાકે રામ
ધર્મઢાલ ઝાલી રે, નિર્ભે નિશાને ચઢવું છે— ખબરદાર. ૩.

સૂરત નૂરત ને ઇડા પિંગળા, સુષુમણા ગંગાસ્નાન કીજે
મન પવનથી ગગનમંડળ ચઢી, ’ધીરા’ સુરારસ પીજે
રાજ ઘણું રીઝે રે; ભજન વડે ભડવું છે— ખબરદાર ૪.