લખાણ પર જાઓ

ગાંધીજીનો અક્ષર દેહ - ૧/લૉર્ડ એલ્જિનને અરજી

વિકિસ્રોતમાંથી
← લૉર્ડ રિપનને અરજી-૨ ગાંધીજીનો અક્ષરદેહ
લૉર્ડ એલ્જિનને અરજી
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
નાતાલ કાઉન્સિલને અરજી-૨ →



પ૩. લોર્ડ એલ્જિનને અરજી[]
[મે, ૧૮૯૫ ]

નામદાર ધિ રાઈટ ઑનરેબલ ધિ અર્લ ઑફ એલ્જિન,

પી. સી., જી. એમ. એસ. આઈ., જી. એમ. આઈ. ઈ.
હિંદના વાઈસરોય અને ગવર્નર-જનરલ
કલકત્તા
દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયમાં રહેતા  નીચે સહી કરનારા હિંદીઓની અરજી

નમ્રપણે દર્શાવે છે કે,

દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યમાંની હિંદી કોમના પ્રતિનિધિની હેસિયતથી તમારા અરજદારો દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યમાંના નેક નામદાર શહેનશાહબાનુના હિંદી બ્રિટિશ પ્રજાજનોની બાબતમાં તમો નમદારને આ વડે અરજ ગુજારવાનું સાહસ કરે છે.

જેના પર દસ હજારથીયે વધારે બ્રિટિશ હિંદીઓએ સહીઓ કરી છે અને જે ધિ રાઈટ ઑનરેબલ સંસ્થાનોના સેક્રેટરી ઑફ સ્ટેટને મોકલવામાં આવી હતી તે આના જેવી બીજી અરજમાં[] સમાવવામાં આવેલી હકીકતો તેમ જ દલીલો ફરી વાર રજૂ કરવાને બદલે તમારા અરજદારો આની સાથે પરિશિષ્ટો સાથેની તેની નકલ આમેજ કરવાની અને તેને જોઈ ધ્યાન પર લેવાની વિનંતી કરવાની તમો નામદારની રજા ચાહે છે.

પુખ્ત વિચારણા બાદ તમારા અરજદારો એવા નિર્ણય પર આવ્યા છે કે નેક નામદાર શહેનશાહબાનુના પ્રતિનિધિ અને આખાયે હિંદુસ્તાનના વાસ્તવિક શાસક તરીકે તમારું રક્ષણ અમે નહીં શોધીએ અને તે રક્ષણ બક્ષવાની કૃપા નહીં થાય તો દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યમાંના નહીં, બલકે આખાયે દક્ષિણ આફ્રિકામાંના હિંદીઓની દશા તદ્દન અસહાય બની જશે.


  1. લૉર્ડ રિપનને સાદ૨ ક૨વામાં આવેલી અરજીની સાથે આ અરજી સર જૅકોબસ દ વેટે કેપટાઉન મુકામે રહેતા હાઈ કમિશનરને ૧૮૯૫ની સાલના મે માસની ૩૦મી તારીખે રવાના કરી હતી.
  2. લોર્ડ રિપનને અ૨જી, જુઓ પાછળ પા. ૧૪૨

અને દક્ષિણ આફ્રિકામાંના સાહસિક હિંદીઓ પોતાના કંઈ પણ વાંકગુના વગર દક્ષિણ આફ્રિકાના આદિવાસી વતનીઓની સ્થિતિમાં ફરજિયાત ધકેલાઈ જશે.]

દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યની મુલાકાતે આવનારા કોઈ અજાણ્યા હોશિયાર માણસને જણાવવામાં આવે કે અહીં દક્ષિણ આફ્રિકામાં રહેનારી પ્રજામાં એક એવા વર્ગના લોકો છે જે સ્થાવર મિલકત ધારણ કરી શકતા નથી, જેઓ રાજયમાં પરવાના વગર ગમે ત્યાં હરીફરી શકતા નથી, આ મુલકમાં વેપાર કરવાને સારુ દાખલ થતાંની સાથે જેમને એકલાને ખાસ નોંધણી ફીની ત્રણ પાઉંડ ને દસ શિલિંગની રકમ ભરવી પડે છે, જેમને વેપાર કરવાને સારુ લાઇસન્સ મળતાં નથી; અને જેમને ટૂંક વખતમાં ફરમાવવામાં આવશે કે તમારે શહેરો ને કસબાઓથી આઘેની જગ્યાઓએ જઈને રહેવું, માત્ર ત્યાં જ વેપાર કરવો ને તમારાં રહેઠાણોમાંથી નવ વાગ્યા પછી બહાર નીકળી હરવુંફરવું નહીં, અને તે અજાણ્યા મુલાકાતીને પૂછવામાં આવે કે એ લોકોની આવી જાતની ખાસ ગેરલાયકાતનાં કારણો તમે કયાં ધારો છો તો જવાબમાં તે શું એમ નહીં કહે કે એ લોકો પાકા મવાલી, અરાજકવાદી અને રાજ્ય તેમ જ સમાજને માટે મોટા રાજદ્વારી જોખમરૂપ હોવા જોઈએ? અને છતાં તમારા અરજદારો તમો નામદારને ખાતરી આપવા રજા ચાહે છે કે ઉપર ગણાવેલી બધી ગેરલાયકાતોનો ભોગ બનનારા હિંદીઓ મવાલીઓ નથી, કે અરાજકવાદીઓ નથી, પણ દક્ષિણ આફ્રિકામાં ને ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યમાં કાયદાને વધારેમાં વધારે તાબે થઈને ચાલનારી અને વધારેમાં વધારે શાંતિ ચાહનારી કોમો પૈકીની એક છે.

કેમ કે ખુદ જોહાનિસબર્ગમાં એક બાજુ પર યુરોપિયન કોમોના એવા લોકો છે જેઓ રાજ્યને સારુ ખરેખર ખતરાનું મૂળ છે, હમણાં તાજેતરમાં જ જેમને કારણે પોલીસદળમાં વધારો કરવાની જરૂર ઊભી થઈ છે, અને જેમણે છૂપી પોલીસ પરના કામના બોજમાં ઘણો વધારે પડતો બોજો નાખ્યો છે ત્યારે બીજી બાજુ પર હિંદી કોમે એ બાબતમાં રાજ્યને ફિકર રાખવાને કોઈ કારણ આપ્યું નથી.

ઉપરના નિવેદનના આધાર માટે તમારા અરજદારો અદબ સાથે તમો નામદારને આખાયે દક્ષિણ આફ્રિકાના પ્રદેશનાં અખબારો જોવાને વિનંતી કરે છે.

હિંદી કોમને અંગે જેના પરિણામરૂપે આજની સ્થિતિ ઊભી થઈ છે તે સક્રિય આંદોલને પણ હિંદીઓની વિરુદ્ધ આવા પ્રકારના કોઈ આરોપો મૂકવાની ઇચ્છા રાખી નથી. જે એકમાત્ર આરોપ રજૂ કરવામાં આવ્યો છે તે એ છે કે હિંદીઓ સ્વચ્છતાનું બરોબર પાલન કરતા નથી. તમારા અરજદારોને વિશ્વાસ છે કે નામદાર ધિ રાઈટ ઑનરેબલ માર્કવિસ ઑફ રિપનને મોકલવામાં આવેલી અરજીમાં એ આરોપ પાયા વગરનો છે એવું ચોક્કસપણે બતાવવામાં આવ્યું છે. પણ માની લો કે એ આરોપમાં કંઈક તથ્ય છે તોયે એટલું સાફ છે કે સ્થાવર મિલકત ધારણ કરતાં અથવા તેમની સ્વતંત્રતા પર કોઈ પણ જાતના અંકુશ વિના દેશમાં હરવાફરવાને હિંદીઓને રોકવાનું એ કારણ ન હોઈ શકે. અને ત્રણ પાઉંડ ને દસ શિલિંગની ખાસ રકમ ભરવાને હિંદીઓને પાત્ર ઠરાવવાને પણ તે કારણ ન હોઈ શકે.

એમ કહેવામાં આવે એવો સંભવ છે કે દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજયે અમુક કાયદાઓ મંજૂર કરી દીધા છે, અને ઑરેન્જ ફ્રી સ્ટેટના વડા ન્યાયાધીશે પોતાનો લવાદી ચુકાદો આપી દીધો છે અને એ વાત નેક નામદાર શહેનશાહબાનુની સરકારને બંધનકર્તા છે. તમારા અરજદારો નમ્રપણે માને છે કે સાથે જોડવામાં આવેલી અરજીમાં આ વાંધાઓનો જવાબ આપવામાં આવ્યો છે. લંડનનો કરાર નેક નામદાર શહેનશાહબાનુના બધાયે બ્રિટિશ પ્રજાજનોના હકોને ખાસ રક્ષણ આપે છે. આ સ્વીકારાયેલી હકીકત છે, નેક નામદાર શહેનશાહબાનુની સરકારે એ કરારથી ફંટાઈને ચાલવાને તેમ જ લવાદીને स्वच्छतानां कारणोसर પોતાની સંમતિ આપી હતી. અને તમારા અરજદારોને માહિતી આપવામાં આવી છે કે એ કરારની સમજૂતીથી જુદી રીતે ચાલવાને આપવામાં આવેલી સંમતિ તમો નામદારના હોદ્દા પર તમારી આગળના આવી ગયેલા નામદાર સાથે સલાહમસલત કર્યા વગર આપવામાં આવી હતી. આમ, તમારા અરજદારો આગ્રહપૂર્વક કહેવાનું સાહસ કરે છે કે, હિંદની સરકારને લાગેવળગે છે ત્યાં સુધી એ સંમતિ બંધનકર્તા નથી. હિંદી સરકાર સાથે સલાહમસલત થવી જોઈતી હતી એ બીના આપમેળે સાબિત થાય એવી છે. અને આ તબક્કે માત્ર આ એક કારણસર તમો નામદાર તમારા અરજદારોની વતી આ મામલામાં વચ્ચે પડવા રાજી ન હો તોપણ જે કારણો બતાવી આ સંમતિ આપવાને સમજાવવામાં આવ્યું તે કારણો મોજૂદ નહોતાં અને નથી એટલી હકીકત તેમ જ નેક નામદાર શહેનશાહબાનુની સરકારને ખોટી રજૂઆતો વડે ગેરરસ્તે ચડાવી દેવામાં આવી છે તે હકીકત તમો નામદારને દરમિયાનગીરી કરવાને અરજ કરવાનું અને તે અરજ મંજૂર રાખવાનું વાજબી કારણ પૂરું પાડે છે એમ તમારા અરજદારો નમ્રપણે સૂચવવા ચાહે છે.

અને આ મામલામાંથી ઊભા થતા મુદ્દાઓ એવા ગંભીર મહત્ત્વના તેમ જ આખાયે સામ્રાજ્યને લગતા છે કે જાહેર સુખાકારીને અંગે મૂકવામાં આવતા આરોપો સામે તમારા અરજદારોએ ભારપૂર્વક પણ નમ્રતાથી લીધેલા વાંધાને ખ્યાલમાં લઈ, તમારા અરજદારો નમ્રતાપૂર્વક સૂચવવા ચાહે છે કે, પૂરેપૂરી તપાસ કર્યા વગર આ સવાલનો નિવેડો આવી શકે તેવો નથી અને તેવી તપાસ વગર નિવેડો લાવવાથી દક્ષિણ આફ્રિકાના પ્રજાસત્તાક રાજ્યમાં રહેતાં નેક નામદાર શહેનશાહબાનુનાં પ્રજાજનોને અન્યાય થયા વગર રહે નહીં.

તમો નામદારનો મૂલ્યવાન સમય હવે વધારે ન લેતાં આની સાથે જોડવામાં આવેલી અરજી પર એકાગ્રતાથી ધ્યાન આપવાને તમો નામદારના અરજદારો ફરીને વિનંતી કરે છે અને છેવટમાં અંતરથી આશા રાખે છે કે દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદી બ્રિટિશ પ્રજાજનોને તમો નામદારનું રક્ષણ ઉદારપણે બક્ષવામાં આવશે.

અને ન્યાયના તેમ જ દયાના આ કાર્યને સારુ તમારા અરજદારો હંમેશ બંદગી ગુજારશે.

[મૂળ અંગ્રેજી]

છાપેલી નકલની છબી પરથી