ગાંધીજીનો અક્ષર દેહ - ૧/લૉર્ડ રિપનને અરજી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
← દાદાભાઈ નવરોજીને પત્ર-૨ ગાંધીજીનો અક્ષરદેહ
લૉર્ડ રિપનને અરજી
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
દાદાભાઈ નવરોજીને પત્ર-૩ →


૩૫. લૉર્ડ રિપનને અરજી

[પોતાની आत्मकथाમાં ગાંધીજી કહે છે કે હિંદીઓ માટેના મતાધિકાર બાબતની આ અરજી ઘડવામાં તેમણે ખૂબ મહેનત લીધી હતી અને એક પખવાડિયા જેટલા ટૂંકા ગાળામાં તેના પર ૧૦,૦૦૦થીયે વધારે સહીઓ મેળવી હતી. નાતાલ સંસ્થાનની સરકારના વડા પ્રધાને આ અપીલ નામંજૂર કરવાની ભલામણના સમર્થનમાં કારણો દર્શાવતા પત્ર સાથે તે ગવર્નરને મોકલી આપી હતી.]

[ડરબન,

જુલાઈ ૧૭, ૧૮૯૪][૧]


હિઝ એકસેલન્સી ધિ રાઈટ ઑનરેબલ માર્કિવસ ઑફ રિપન, હર મૅજેસ્ટીઝ
પ્રિન્સિપલ સેક્રેટરી ઑફ સ્ટેટ ફોર ધિ કૉલોનીઝ.
નાતાલ કૉલોનીમાં હાલ રહેતા
નીચે સહી કરનાર હિંદુસ્તાનીઓની

ઘણી નમ્રતાપૂર્વક અરજ એ છે કે :

૧. આપ નામદારના અરજદાર હિંદુસ્તાની બ્રિટિશ રૈયત છે અને નાતાલ કૉલોનીના જુદા જુદા ભાગમાં વસે છે.

૨. આપ નામદારના કેટલાક અરજદાર વેપારી છે, જેઓ કૉલોનીમાં આવીને વસ્યા છે. વળી, કેટલાક પ્રથમમાં બંધાઈને આવેલા ને હાલ કેટલીક મુદત (વળી ૩૦ વર્ષ) થયાં છૂટા થયેલા છે. કેટલાક હાલ બંધાયેલા છે. કેટલાક કૉલોનીમાં જન્મેલા ને કેળવાયેલા છે અને જુદા જુદા ધંધામાં રોકાઈ રહેલા છે, જેવા કે વકીલના ક્લાર્ક, કંપાઉન્ડર, કંપોઝીટર, ફોટોગ્રાફર, મહેતાજી વગેરે. વળી, કેટલાક અરજદારો કૉલોનીમાં જમીનદાર છે અને ઑનરેબલ લેજિસ્લેટિવ ઍસેમ્બલીના મેમ્બરોની ચૂંટણી કરવામાં મત આપવાનો હક ધરાવે છે અને થોડાક જોકે જમીનદાર હોવાથી મત આપવાના હકદાર છે છતાં કંઈ કારણોસર પોતાનું નામ વોટરના લિસ્ટ પર દાખલ કરાવી શકયા નથી.

૩. આપ નામદારના અરજદાર ફ્રૅન્ચાઈઝ લૉ ઍમેન્ડમેન્ટ બિલના સંબંધમાં આપ નામદારને આ અરજી કરે છે. તે બિલ પ્રાઈમ મિનિસ્ટર ઑનરેબલ સર જૉન રૉબિન્સને ગયા સેશનમાં દાખલ કર્યું હતું તે ઑનરેબલ લેજિસ્લેટિવ ઍસેમ્બલીમાં ત્રીજી વાર વંચાઈ ગયું છે અને મહારાણી રદ કરી શકે તેવી રીતે તે નામદાર ગવર્નરે કબૂલ રાખ્યું છે.

૪. બિલનો હેતુ એવો છે કે કૉલોનીમાં પાર્લમેન્ટરી ઇલેકશન વખતે વોટ કરવાના હકમાંથી એશિયાના લોકને બાતલ કરવા જેઓ હાલ વોટરોના લિસ્ટ ઉપર છે તેને બિલ બાદ કરે છે.

૫. કૉલોનીમાં સત્તાધિકારીઓની પાસેથી ન્યાય મેળવવાને સારુ જે હિલચાલ થઈ તેનો ટૂંક હેવાલ આપવા અરજદાર રજા માગે છે.

૬. ઑનરેબલ લેજિસ્લેટિવ ઍસેમ્બલીમાં બિલ બીજી વાર વંચાયું ત્યાર પછી પહેલી વખતને વાસ્તે અરજદારે ઑનરેબલ ઍસેમ્બલીને અરજી કરી. બીજી વંચાવણી પછી બે દિવસમાં


કમિટીમાં બિલ પસાર થયું ને ત્યાર બાદ એક દિવસે ત્રીજી વંચાવણી થશે એમ જયારે અરજદારને

ખબર મળ્યા ત્યારે ત્રીજી વંચાવણી મુલતવી ન રહે તો અરજી દાખલ કરવી એ અશકય જણાયું તેથી મુલતવી રાખવાની અરજી[૨] તારથી ઑનરેબલ લેજિસ્લેટિવ ઍસેમ્બલીને કરી. બહુ મહેરબાની લાવી ઑનરેબલ ઍસેમ્બલીએ એક દિવસ સારુ ત્રીજી વંચાવણી મુલતવી રાખી. એક દહાડામાં લગભગ ૫૦૦ હિંદુસ્તાનીઓએ સહી કરી ને તે અરજી બીજે દહાડે દાખલ થઈ. મારિટ્સબર્ગમાં પ્રૅમિયર ને ઍટર્ની જનરલ સુધ્ધાં કેટલાક ઑનરેબલ મેમ્બરોને અરજદારનું ડેપ્યુટેશન મળ્યું. ડેપ્યુટેશનને મેમ્બરોએ આવકાર આપ્યો ને તેમની વાત ધીરજથી સાંભળી, ઘણા મેમ્બરોએ અરજદારની ઑનરેબલ ઍસેમ્બલીને કરેલી અરજી વાજબી હતી એમ કબૂલ કર્યું, પણ બધાએ કહ્યું કે અરજી મોડી દાખલ થઈ. ઑનરેબલ પ્રાઈમ મિનિસ્ટરે અરજી ધ્યાનમાં લેવા સારુ બીજી વંચાવણી ચાર દહાડા મુલતવી રખાવી. વળી, વેરુલેમ, રિચમન્ડ રોડ વ. જગ્યાઓથી ઉપરની અરજી કબૂલ છે તેવી તારથી અરજીઓ ઑનરેબલ લેજિસ્લેટિવ કાઉન્સિલની આગળ ગઈ હતી. પણ તે અરજીઓ ઑનરેબલ કાઉન્સિલના મેમ્બરની મારફતે દાખલ નહોતી થઈ તે કારણસર કાઢી નાખવામાં આવી હતી. જુદી જુદી અરજીઓ અરજદાર આ અરજીની સાથે ટાંકતા નથી કેમ કે તે બધી અરજીઓ બિનશક ગવર્નમેન્ટ આપ નામદારને મોકલશે.

૭. અરજી દાખલ થયા પછી ચોથે દહાડે એટલે જુલાઈની બીજી તારીખે, ૧૮૯૪, આપના અરજદાર ધારતા હતા તેથી વિરુદ્ધ અને તેઓને અતિ દિલગીરી ઊપજે તેમ બિલ ત્રીજી વાર વંચાયું.

૮. પછીને મંગળવારે આપના અરજદારે ઑનરેબલ લેજિસ્લેટિવ કાઉન્સિલને એક અરજી મોકલી. તે ઑનરેબલ મિસ્ટર કેમ્પબેલની મારફત રજૂ થઈ પણ તે અરજીમાં ઑનરેબલ લેજિસ્લેટિવ ઍસેમ્બલીને લગતી વાત આવવાથી નિયમમાં નથી એમ ગણી રદ કરી અને બિલ બીજી વાર વંચાયું. જેવી અરજદારોને આ વાતની જાણ થઈ કે તુરત અરજદારે બીજી અરજી બનાવી તે ગુરુવારે મોકલાઈ અને તે જ ઑનરેબલ મેમ્બરની મારફતે શુક્રવારે રજૂ થઈ. દરમ્યાન બીજી વંચાવણી પછી એક દહાડામાં બિલ કમિટીમાં પસાર થયું. ઑનરેબલ મિ. કેમ્પબેલે ત્રીજી વંચાવણી અરજી ધ્યાનમાં લેવા સારુ મુલતવી રાખવા દરખાસ્ત કરી. પણ અરજી બહુ મોડી પહોંચી એવા કારણથી તે દરખાસ્ત રદ થઈ. આપ નામદારના ધ્યાનમાં રહેશે કે બિલ ભાગ્યે ચાર દહાડા ઑનરેબલ કાઉન્સિલ પાસે રહેલું. વળી, હિંદુસ્તાનીઓના મુખ્ય માણસોનું એક ડેપ્યુટેશન નામદાર ગવર્નરને મળ્યું હતું. તેની અરજી નામદાર ગવર્નરે ધ્યાન દઈ સાંભળી. બન્ને હાઉસના ઓનરેબલ મેમ્બરોના અભિપ્રાય જાણવા સારુ હિંદુસ્તાનીઓની એક કમિટીએ દરેક ઑનરેબલ મેમ્બરને એક સરકયુલર [૩] મોકલ્યો જેમાં વિનંતી કરી કે તેઓ અમુક સવાલના જવાબ આપે તે બંને કાગળિયાં આ અરજીની સાથે રજૂ છે. હજુ સુધી તો એક જ ઑનરેબલ મેમ્બરે જવાબ મોકલ્યો છે. તેણે પણ સવાલના જવાબ નથી આપ્યા.

૯. ફ્રૅંચાઈઝ બિલની ટીકા કરવાનું શરૂ કર્યા પહેલાં એક બાબત જે આપના અરજદારની વિરુદ્ધ વાપરવામાં આવી છે તે વિષે અરજદાર થોડું કહી જવા રજા માગે છે તે બાબત એ છે કે ઑનરેબલ ઍસેમ્બલીને બહુ મોડી અરજી કરી. આના સંબંધમાં અરજદાર એટલું જ કહે


છે કે તેઓ કાયદેસર મોડા નહોતા અને બિલમાં આવેલ બાબત એટલી બધી અગત્યની હતી

અને છે અને તે ઇન્ડિયન બ્રિટિશ રૈયતની સાથે એવો સંબંધ રાખે છે કે ગવર્નમેન્ટ અથવા તો ઑનરેબલ કાઉન્સિલ કે ઑનરેબલ ઍસેમ્બલીએ ત્રીજી વંચાવણી થવા દીધા પહેલાં પોતાના ઠરાવોનો ફરી વિચાર કરી આપ નામદારના અરજદારની હકીકત બરાબર તપાસી હોત તો ખોટું ન કહેવાત.

૧૦. ભાષણોમાં તેમ જ બિલની શરૂઆતમાં એમ કહેવામાં આવ્યું છે કે એશિયાની કોમોએ કદી ફ્રૅંચાઈઝનો હક ભોગવ્યો નથી અને વળી ભાષણમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે એશિયાની કોમો ફ્રૅંચાઈઝને સારુ લાયક નથી. તે વખતે એશિયાના લોકોને વોટ ન કરવા દેવા સારુ આ બે મુખ્ય કારણો અપાતાં હતાં. આપના અરજદાર ધારે છે કે આ બે વાંધાનું નિરાકરણ તો પૂરતી રીતે ઑનરેબલ ઍસેમ્બલીને આપેલી અરજીથી થઈ જાય છે.

૧૧. હિંદુસ્તાનીઓને ફ્રૅંચાઈઝ રહેવા દેવા સામેના બે વાંધા તૂટી પડયા એમ જોકે ખુલ્લી રીતે કબૂલ કરવામાં નહોતું આવ્યું તોપણ એમ થયું એ ચૂપકીથી કબૂલ થયું દેખાયું. કેમ કે બિલની બીજી વંચાવણી વખતે ઑનરેબલ ઍસેમ્બલીમાં વધારે ખુલ્લી રીતે જણાવવામાં આવ્યું હતું કે ઇન્ડિયનને વોટમાંથી બાતલ કરવા એ પૉલિસીના કારણથી વાજબી છે. બીજી સુનાવણી વેળા તે વધારાનો બચાવ ન્યાય તથા નીતિને આધારે કરતા હતા. ત્રીજી સુનાવણી વેળા એમ કહેવામાં આવ્યું કે જો ઈન્ડિયનને વોટ દેવામાં આવશે તો યુરોપિયન વોટ ઢંકાઈ જશે ને દેશીનું રાજ્ય ઇન્ડિયનના હાથમાં જશે.

૧૨. બંને હાઉસને બહુ માન સહિત આપના અરજદાર કહે છે કે આ બીક પાયા વિનાની છે. આજ પણ યુરોપિયનના પ્રમાણમાં ઘણા જ થોડા ઇન્ડિયન ઇલેક્ટર છે. જે ઇન્ડિયનો બંધાઈને આવે છે તેઓને બાંધણી નભે ત્યાં સુધી ને ત્યાર બાદ ઘણાં વર્ષ સુધી વોટને સારુ પૂરી મિલકતની લાયકાત પણ ન હોઈ શકે. વળી, એ પણ જાણીતી વાત છે કે પોતાને પૈસે જેઓ આવે છે તેઓ થોડાં વર્ષ રહી ઘેર જાય છે ને તેની બદલીએ બીજા આવે છે. એટલે વેપારી વર્ગના વોટ તો ઘણું કરી હમેશાં તેટલા જ રહે. વળી, બીજી વાત પણ ભૂલવી ન જોઈએ તે એ કે જેટલે દરજજે યુરોપિયન કોમ કૉલોનીના રાજ્યપ્રકરણી કામમાં ધ્યાન રાખે છે તેટલે દરજ્જે ઇન્ડિયન કોમ નથી રાખતી. એમ જણાય છે કે ૪૫,૦૦૦ યુરોપિયન છે ને તેટલાં ઇન્ડિયન છે. આ વાત જ બતાવે છે કે યુરોપિયન તથા ઇન્ડિયન વોટ વચ્ચે કેટલો તફાવત છે. અને અરજદાર કહે છે કે ઘણા કાળ સુધી ઇન્ડિયન નાતાલ પાર્લમેન્ટમાં બેસે એવું બનવાનું જ નથી. આને વાસ્તે કંઈ પુરાવાની જરૂર હોય એવું પણ જણાતું નથી.

૧૩. અને જો આપ નામદારના અરજદાર વોટનો હક ધરાવવાને નાલાયક ન હોય ને કૉલોનીના રાજયમાં તેને મુખ્યત્વે કરીને પોતાની ઉપરના રાજ્યમાં કંઈ ભાગ મળે તો કંઈ હરકત ખરી?

૧૪ અરજદાર અરજી કરે છે કે બિલ દેખીતી રીતે પાછળપડતું ને ગેરવાજબી છે.

૧૫. જેઓ વોટરના લિસ્ટ ઉપર છે તેઓને રહેવા દેવાના છે તે વાત જ આ૫ના અરજદારના નમ્રતાપૂર્વક મત પ્રમાણે ફ્રૅંચાઈઝની જવાબદારી ને તેના હક સમજવાની શક્તિ અરજદારમાં છે એમ કબૂલ કરે છે ભાષણ વખતે કહેવામાં આવ્યું હતું તે પ્રમાણે અરજદાર નાલાયક છે છતાં પણ તેને રહેવા દેવાના છે એવું આપના અરજદાર કદી માનશે નહીં. ૧૬. વળી, એમ પણ કહેવાયું છે કે બીજી કલમથી પૂરો ન્યાય થાય છે. અરજદાર અરજ કરે છે કે તેમ નથી. તેને બદલે જેઓ લિસ્ટ ઉપર છે તેઓની અને જેઓ નથી તે બંનેની લાગણી તે કલમ દુખાવે છે.

૧૭. પોતે મત આપી શકે પણ પોતાના છોકરા ગમે તેવા હોશિયાર ને કેળવાયેલા થાય તો પણ વોટ ન આપી શકે એ વાતથી જેઓ લિસ્ટ ઉપર છે તેને થોડો જ દિલાસો મળે. હિંદુસ્તાની માબાપો, જે કૉલોનીમાં વસે છે તેઓમાંથી પોતાના છોકરાઓને ઊંચી કેળવણી આપવાનો મજબૂતમાં મજબૂત કાંટો જો બિલ કાયદો થાય તો જતો રહેશે. તેઓને પોતાના છોકરાને મંડળીના ભંગિયા તરીકે ને જિદગીમાં કંઈ સારા લોભ વિના જોવાનું ભાગ્યે જ ગમશે. જો માણસને મંડળીમાં કોઈ સ્થિતિ ન મળે તો પૈસો પણ નકામો થઈ પડે છે. એટલે જે ધારણાથી માણસો પૈસો એકઠો કરે છે તે ધારણાને તો ઊગતી જ ડામવામાં આવે છે.

૧૮. વળી, બીજી કલમથી જેઓ કૉલોનીમાં આવી વસ્યા છે તે એમ જાણી ચિડાય છે કે જ્યારે પોતાના ભાઈઓ માત્ર દૈવયોગે વોટ આપવાનો હક રાખી શકે છે ત્યારે પોતે કોઈ રીતે હલકા ન હોય છતાં પોતાથી ન ચાલતાં લિસ્ટ ઉપર ન આવી શકયા હોય તેટલા જ સારુ વોટ ન કરી શકે. આ પ્રમાણે એક જ વર્ગની ઇન્ડિયન બ્રિટિશ રૈયત વચ્ચે અનાયાસે બનેલી બીનાના આધારથી બિલ અણઘટતો તફાવત રાખે છે.

૧૯. એમ પણ કહેવામાં આવ્યું છે કે બીજી કલમથી જે ન્યાય કરવામાં આવ્યો છે તેને સારુ અરજદારે ઉપકાર નથી માન્યો. પણ તે કલમ દાખલ કરવામાં ગવર્નમેન્ટના ન્યાયી ઇરાદાને બહુ માન આપી અરજદારને કહેવું પડે છે કે તેઓ તેમાં ન્યાય જોઈ શકયા નથી. આ કેટલાક ઑનરેબલ મેમ્બરોએ પણ કબૂલ કર્યું હતું કેમ કે તેઓ બોલેલા કે બીજી કલમ હોય યા ન હોય તેની કંઈ ફિકર નહીં, કેમ કે તે વોટ તો થોડી મુદતમાં ઊડી જવાના. આ તો ખુલ્લું દેખાય છે.

૨૦. સાઉથ આફ્રિકાના દેશીઓની સાથે આપ નામદારના અરજદારનો મુકાબલો કરવાની જે ઊલટભેર કોશિશ કરવામાં આવી છે તે અરજદારે દિલગીરી ને શરમપૂર્વક જોઈ છે. વારંવાર કહેવામાં આવતું હતું કે ઇન્ડિયન બ્રિટિશ રૈયત છે, તેટલા જ સારુ તેને વોટ આપવો જોઈએ તો તે હક્ક દેશીને વધારે છે તે મુકાબલાનું વિવેચન અરજદાર કરવા માગતા નથી, પણ આપ નામદારનું ૧૮૫૮ના રાણીના ઢંઢેરા તરફ ને આપના પોતાના ઇન્ડિયન પ્રજાના અનુભવ તરફ ધ્યાન ખેંચે છે. ઇન્ડિયન અને નેટિવ બ્રિટિશ રૈયતના રાજ્યકારભારમાં જે દેખીતો તફાવત છે તે બતાવવાની ભાગ્યે જ જરૂર છે..

૨૧. જો બિલ કાયદો થાય તો હાલ ઘણા કેળવાયેલા ઇન્ડિયનો છે કે જેમાંના કેટલાકની સહી આ અરજીમાં છે અને જે પાર્લમેન્ટરી ઇલેકશનમાં વોટ નહીં આપી શકે, અરજદારને પૂરી ખાતરી છે કે આપ નામદાર જે બિલથી આવો અન્યાય રાણીની રૈયતના કોઈ પણ ભાગને થાય તેવું બિલ મંજૂર કરવાની સલાહ નહીં આપો.

૨૨. ૧૮૯૪ના [૨૭મી] માર્ચ માસના नाताल गवर्नमेन्ट गॅजेटમાં ૧૮૯૩ના ઇન્ડિયન ઈમિગ્રેશન સ્કૂલ બોર્ડના રિપોર્ટમાંથી માલૂમ પડે છે કે ૧૮૯૩ની સાલમાં ૨૬ નિશાળ અને ૨,૫૮૯ ઇન્ડિયન છોકરાઓ ભણતા હતા. આ છોકરાઓ જેમાંના ઘણાખરા કૉલોનીમાં જન્મેલા છે તેઓ યુરોપિયન ઢબ પ્રમાણે ઉછેરાય છે, આગળ જતાં યુરોપિયન કોમના સંબંધમાં ઘણે ભાગે આવે છે અને તેથી યુરોપિયન જેટલા જ ફ્રૅંચાઈઝને વાસ્તે લાયક થાય છે. તેઓમાં મૂળથી જ યુરોપિયનની સાથે કેળવણીમાં હરીફાઈ કરવાની ખામી હોય તો જુદી વાત છે. પણ તેઓમાં ખામી નથી એવું તો સરસમાં સરસ જાણનારાઓથી બિનશક સાબિત થયું છે. હિંદુસ્તાન ને ઇંગ્લંડમાં ઇંગ્રેજી ને ઇન્ડિયન નિશાળિયા વચ્ચેની હરીફાઈનાં પરિણામ હિંદુસ્તાનીની સરખી હોશિયારીની પૂરતી સાબિતી છે. પાર્લમેન્ટરી કમિટીમાંથી કે સારા લખનારાઓમાંથી ફકરા જાણીજોઈને અરજદાર નથી ટાંકતા કેમ કે તે તો ભર્યે ભાણે ઘી પીરસવા જેવું થાય. ત્યારે જો આ છોકરાઓ જયારે ઉંમરલાયક થાય ત્યારે તેઓને વાસ્તે વોટની માગણી થાય તો તે એક સુધરેલા દેશમાં સાધારણ માણસનો હક માગ્યા જેટલું નથી? કે જે હક કોઈ લઈ લેવા માગે તો તે માણસ વાજબી રીતે તેની સામે થાય. અરજદાર ખાતરીપૂર્વક માને છે કે લૌકિક રાજ્યમાં એક શહેરીનો અતિ સાધારણ હક આ છોકરાઓની પાસેથી છીનવી તેનું અપમાન થાય તેમ આપ કદી નહીં થવા દો.

૨૩. અરજદાર ઑનરેબલ મિ. ડેન અને ઑનરેબલ મિ કેમ્પબેલના ઉપકારી થયા કે તેઓએ જેઓ પોતાને પૈસે આવે છે તેવા ઇન્ડિયનોનો વોટ લઈ લેવો એ અન્યાય છે એમ જોયું ને ટીકા કરી. પણ તેઓની નજરમાં પણ એમ જ આવ્યું કે જેઓ બંધણીમાં આવે છે તેને તો કદી વોટ ન જ મળવા જોઈએ. આપના અરજદાર કબૂલ કરે છે (જો બીજી લાયકાત હોય તો ગરીબાઈ એ ગુનો ન હોવો જોઈએ)કે બંધણીવાળા જ્યાં સુધી બંધણીમાં રહે ત્યાં સુધી વખતે હક ન ભોગવે પણ વિનંતી કરે છે કે આ માણસોને પણ જો તેઓ આગળ જતાં લાયક થાય તો પછી હમેશને સારુ નાલાયક ન ઠરાવવા જોઈએ. આવા માણસો જે અહીં આવે છે તેઓ ઘણું કરીને પુષ્ટ ને યુવાન હોય છે. તે યુરોપિયનોના સહવાસમાં આવે છે અને બંધણીમાં હોય છે તે દરમિયાન તે[ને?] વધારે તો છૂટા થયા પછી યુરોપિયન સુધારો ગ્રહણ કરે છે ને પૂરા કૉલોનિસ્ટ થાય છે. તેઓ બહુ ઉપયોગી છે એમ કબૂલ કરવામાં આવે છે. ખરું જોતાં અમૂલ્ય લોકો છે કે જે સુલેહશાંતિમાં રહે છે. ટીકા કરવાની જરૂર છે કે ઘણાખરા સિવિલ સર્વિસમાં જે ઇન્ડિયનો છે તે ને બહારના વકીલના કલાર્ક મહેતાજી વ. છે તે પ્રથમ બંધણીમાં આવેલા, તેઓને કે તેના છોકરાઓને વોટ ન આપવા દેવો એ ખરેખર ઘાતકી દેખાશે એમ અરજદારની અરજી છે. માણસ માત્ર એશિયાટિક છે અથવા તો બંધણીમાં આવ્યો છે તેટલા જ સારુ તેની સામે વોટનું બારણું જો તે બીજી વાતે લાયક હોય તો બંધ ન કરવું જોઈએ એમ વિનંતી છે.

૨૪. બિલ નીચામાં નીચાઈથી કરતાં પણ હિંદુસ્તાનીઓને નીચા ગણે છે એ અઘટિત વાત પણ આપના ખ્યાલમાં રાખવા જેવી છે, કેમ કે નીચામાં નીચાઈથીને પણ જો તે લાયક થાય તો વોટનો હક મળે પણ ઇન્ડિયન બ્રિટિશ રૈયતની પાસેથી તો મતનો હક એવી રીતે છીનવી લેવાનો છે કે તે ગમે તેવો લાયક હોય અથવા પાછળથી થાય તોપણ તેને તો મત કદી આપવા દેવાય જ નહીં.

૨૫. તે બિલ એવું તો જલદ ને આકરું છે કે તેથી આખી હિંદી પ્રજાને અપમાન થાય છે કેમ કે કદી હિંદનો ઉત્તમમાં ઉત્તમ માણસ આવીને કૉલોનીમાં રહ્યો તો તેને પણ વોટનો હક નહીં મળે કેમ કે કૉલોનિયલ વિચાર પ્રમાણે તે લાયક ન હોવો જોઈએ એમ અનુમાન થશે. આ અડચણ બંને હાઉસમાં કબૂલ થઈ હતી અને ઑન[રેબલ] ટ્રેઝરરે તો ત્યાં સુધી કહ્યું કે ખાસ કેસોનો પાર્લમેન્ટ ભવિષ્યમાં વિચાર કરે. ૨૬. ઉપરની દલીલ વધારે ચોખ્ખી કરવા પ્રથમ માજી ઑન[રેબલ] લેજિસ્લેટિવ કાઉન્સિલમાં ઇન્ડિયન વોટ બાબત તકરાર થયેલી તે સંબંધી કાગળિયાં અને गवर्नमेन्ट गॅझेट ઉપર અરજદાર આપ નામદારનું લક્ષ ખેંચે છે. નાતાલ સંબંધી બ્લુ બુક(સી-૩૭૯૬)માં પાને ૩ કૉલોનિયલ ઓફિસ ઉપર મિ. સોન્ડર્સનો પત્ર છે તેમાંથી નીચેનું લેવા અરજદાર રજા માગે છે.

આ સહીઓ પૂરી ઇલેકટરના જ હરફમાં ને યુરોપિયન લિપિમાં હોવી જોઈએ એટલો ધારો ઇંગ્રેજી વોટ ઇન્ડિયનથી દબાતાં સારી રીતે અટકા[વ]શે.

આ પ્રમાણે મિ. સોન્ડર્સ જોકે એશિયાટિકની સામે હતો છતાં આથી વધારે આગળ ન જઈ શકયો. તે જ પત્રમાં તે વળી કહે છે,

ઊંચી જાતના હિંદુસ્તાનીઓ નવા કુલી ને પોતાનામાં તફાવત છે એમ જુએ છે.

એ ઉપરથી એ તો સ્પષ્ટ દેખાય છે કે તે વખતનું ગવર્નમેન્ટ હિંદુસ્તાની ને હિંદુસ્તાની વચ્ચે તફાવત રાખવા ખુશી હતું. હવે દુર્ભાગ્યે વધારે છૂટ મળેલા રાજયમાં બંધાયેલ, છૂટા થયેલ ને અસલથી જ છૂટા એવા બધા હિંદુસ્તાનીઓને એક જ કાટલે જોખવા કોશિશ થઈ છે. અરજદાર એટલું કહેવા રજા માગી લે છે કે મિ. સોન્ડર્સનું બિલ આ બિલના પ્રમાણમાં તો બહુ જ નરમ હતું. તેમ છતાં તે બિલને પણ રાણી સરકારે ટેકો આપ્યો નહીં ત્યારે આ ફ્રૅંચાઈઝ બિલને તો ટેકો શેનો જ મળવો જોઈએ?

તે જ ચોપડીને પાને ૭ ઇમિગ્રાંટ પ્રોટેકટર મિ. ગ્રેઈઝ કહે છે,

મને લાગે છે કે જો તે હિંદુસ્તાનીઓ કે જેણે હિંદુસ્તાન જવાનો મફત ભાડાનો હક પોતાને તથા પોતાના કુટુંબને વાસ્તે છોડી દીધો છે તેઓને જ મત આપવાનો હક वाजबी रीते મળવો જોઈએ.

તેણે વળી વાજબી રીતે બતાવ્યું કે સહી કસોટી જે મિ. સોન્ડર્સે બતાવી તે યુરોપિયનને લાગુ નહોતી પડતી. તે જ પાને તે વખતના એટર્ની જનરલ પોતાના રિપોર્ટમાં કહે છે :

એમ જોવામાં આવશે કે મેં બનાવેલા બિલમાં સિલેકટ કમિટીએ કરેલી ભલામણ કબૂલ રાખવામાં આવી છે જેમાં મિ. સોન્ડર્સના કાગળમાં બતાવેલી બીજી યુક્તિ પાર પડે એવો રસ્તો કાઢયો છે. પણ પરદેશીને ચોખ્ખી રીતે ખાસ કરીને બાતલ કરવા એ સલાહકારક માનવામાં આવ્યું નથી.

એ જ વિદ્રાને ગૃહસ્થનો પાને ૯[૧]મે રિપોર્ટ છે તે તરફ આપ નામદારનું ધ્યાન અરજદાર ખેંચે છે.

તે જ ઍટર્ની જનરલના બીજા રિપોર્ટમાંથી ફકરો ટાંકવાની લાલચ બહુ મોટી છે. પાને ૧૪મે તે કહે છે :

દરેક બાબતમાં જેઓ કૉલોનીના કૉમન લૉની અંદર નથી આવી જતા એવા બધાને ગમે તે નાતના હોય તેને ફ્રૅંચાઈઝમાંથી બાતલ કરવા બાબત જે દરખાસ્ત થઈ છે તે દેખીતી રીતે કૉલોનીની ઈન્ડિયન અને ક્રીઑલ રૈયત સામે તાકે છે. મેં નં. ૧૨ના મારા બિલ સંબંધમાં કહ્યું છે તે પ્રમાણે आवा बिलनी जरुर के तेवो न्याय हुं जोई शकतो नथी.

૨૭. એટલે એવું બને છે કે કૉલોનીમાં વધારે છૂટવાળા ધોરણની એ (અને કૉલોનીમાં આવતા અરજદાર પણ આવી જવા જોઈએ) પહેલી રિસ્પોન્સિબલ મિનિસ્ટ્રીએ આપના અરજદારને ઓછા સ્વતંત્ર કરવા એટલે તેઓની પાસેથી મત આપવાનો હક છીનવી લેવા યત્ન કર્યું[કર્યો] છે એ ઓછી દિલગીરીની વાત નથી. માજી રાજકારભારમાં આપના અરજદારના હકો ઉપર દાબ મેલવાને થયેલી ઓછી હિંમતવાળી કોશિશને ઉત્તેજન સરકાર તરફથી ન મળ્યું તો આપના અરજદારને પૂરી ઉમેદ છે કે આ યત્નની પણ એ જ દશા થશે ને આપના અરજદારને ન્યાય મળશે.

૨૮. ફ્રૅંન્ચાઈઝ બિલની સાથે છેટો સંબંધ રાખનારાં બીજાં દુ:ખદાયક પરિણામો એટલાં તો છે કે બધાંનું વર્ણન [ન?] થઈ શકે તોપણ અરજદાર થોડાં અહીં એકઠાં કરી તેનું વિવેચન કરશે.

૨૯. એ તો જાણીતી વાત છે કે કૉલોનીમાં યુરોપિયન અને ઇન્ડિયન કોમ વચ્ચે મોટો ફાંટો છે. યુરોપિયન ઈન્ડિયનને ધિક્કારે છે ને છેટો રાખે છે [ને] તેને ઘણી વાર જરૂર વિના ઈજા કરવામાં ને કનડવામાં આવે છે. અરજદાર અરજ કરે છે કે ફ્રૅંચાઈઝ બિલથી એ લાગણી વધારે તીખી થશે, તેનાં ચિહ્‍નો આજથી જ દેખાવા લાગ્યાં છે. આ ખરું છે એમ સાબિત કરવા અરજદાર ચાલતી તારીખના ન્યૂસપેપર અને બંને હાઉસમાં[નાં] ભાષણો તરફ આપ નામદારનું ધ્યાન ખેંચે છે.

૩૦. બીજી વંચાવણી વખતે કહેવામાં આવેલું કે ઇન્ડિયન ઉપર જે અટકાવ મૂકવામાં આવશે તેથી કાયદા કરનારા ઉપર વધારે મોટી જવાબદારી આવી પડશે અને હિંદુસ્તાનીઓના હક તેઓને અટકાવ ન હોય ને સચવાય તેના કરતાં વધારે સારી રીતે સચવાશે. અરજદારની વિનંતી છે કે આ વાત આજ સુધીના અનુભવથી વિરુદ્ધ છે.

૩૧. કેટલાક ઑન[રેબલ] મેમ્બરોએ એમ ધાર્યું કે ઇન્ડિયનને મ્યુનિસિપલ ઇલેકશનમાં પણ વોટ ન જોઈએ. જવાબદાર ઠેકાણે એમ પણ કહેવામાં આવેલું કે તે વાત ઉપર તુરત જ ભવિષ્યમાં ધ્યાન અપાવાશે. ફ્રૅંચાઈઝ બિલ તો અંગૂઠો છે [તે] મળશે તો પહેાંચો લઈ લેતાં વાર નહીં લાગે. આવી લાગણી જોવામાં આવી.

૩૨. આપ નામદારની જાણ બહાર નથી કે જે ઇન્ડિયન બંધણીમાં આવે છે તેની ઉપર જો તેઓ કૉલોનીમાં રહેવા માગે તો રહેવાનો કર મૂકવાનો ઇરાદો છે. એમ કહેવામાં આવ્યું હતું કે કર એવો નાખવામાં આવશે કે જેથી તેઓ કૉલોનીમાં ન જ રહી શકે અથવા તો કૉલોનિસ્ટ સાથે હરીફાઈ ન કરી શકે, જો આપના અરજદારના મત આપવાના હક લઈ લેવાય તો પછી અરજદારના હક વધારે સારી રીતે કેમ સચવાશે તેનો આ વળી એક બીજો દાખલો છે.

૩૩. સિવિલ સર્વિસ બિલ ઉપર ભાષણો થયાં તેમાં એમ કહેવામાં આવેલું કે જયારે ઇન્ડિયન પાસેથી વોટ લઈ લેવાના છે ત્યારે પછી તેને સિવિલ સર્વિસમાં દાખલ થવાને હક પણ ન રહેવા દેવો. આવી દરખાસ્ત પણ થયેલી તે માત્ર ગવર્નમેન્ટની હોશિયારીથી તેઓએ હાઉસના વોટ લેવા માગ્યા ને ઑન[રેબલ] સ્પીકરના કાસ્ટિંગ વોટથી તે દરખાસ્ત રદ થઈ. અરજદાર પૂરેપૂરું કબૂલ કરે છે કે આ બાબતમાં ગવર્નમેન્ટે ઇન્ડિયન તરફ ભલાઈની વર્તણૂક ચલાવી તોપણ આ બીનાઓનાં વલણ ને અર્થ ન ભુલાય એવાં છે, ફ્રૅંચાઈઝ બિલે તે દરખાસ્તને વાસ્તે તક આપી.

૩૪. આપ નામદારના અરજદાર સમજે છે કે જાતના કે ભાતના ભેદ કેપ કૉલોનીમાં નથી.

૩૫. અરજદાર માનપૂર્વક બતાવવા રજા માગે છે કે જો બિલ કાયદો થશે તો તેની અસર સાઉથ આફ્રિકાના બીજા ભાગમાં ઇન્ડિયન બ્રિટિશ રૈયતના હકમાં અતિ ખરાબ થશે. ટ્રાન્સવાલમાં તેઓ કચડાયેલા તો છે જ તેમાં પછી તો તેઓની સ્થિતિ સહન ન થાય તેવી થશે. જો જરાયે ભેદભરેલી રીતે ઇન્ડિયન બ્રિટિશ રૈયતના તરફ બ્રિટિશ કૉલોનીમાં ચાલવામાં આવશે તો એવો વખત આવશે કે કંઈ પણ માનનો ખ્યાલ રાખતા હોય તેવા ઇન્ડિયન કૉલોનીમાં નહીં રહી શકે અને તેથી તેઓના ધંધારોજગારમાં બહુ વાંધો આવશે અને રાણીની ઇન્ડિયન રૈયતમાંના સેંકડો રોજગાર વિનાના થઈ રહેશે.

૩૬. છેવટમાં અરજદાર ઉમેદ રાખે છે કે ઉપરની વાતો અને દલીલોથી ફ્રૅંચાઈઝ લૉ ઍમેન્ડમેન્ટ બિલ અન્યાયી છે એમ આપને ખાતરી થશે અને રાણીની રૈયત એક ભાગથી બીજા ભાગ ઉપર નકામી રીતે વચ્ચે પડવું એ આપ નહીં થવા દો.

અને આવા દયાના અને ન્યાયના કામ સારુ ફરજ સમજી આપ નામદારની અરજદાર હમેશાં બંદગી કરશે ઇ. ઇ.

હાજી મહમદ હાજી દાદા

અને સોળ બીજા

[ મૂળ ગુજરાતી ]

નાતાલના ગવર્નર સર વૉલ્ટર હેલી-હચિન્સનના સંસ્થાન ખાતાના પ્રધાન લોર્ડ રિપન પરના ૧૮૯૪ની સાલના જુલાઈ માસની ૩૧મી તારીખના ખરીતામાંનું બિડાણ નં. ૬૬

સંસ્થાનોની કચેરીનું દફતર નં. ૧૭૯, પુ. ૧૮૯.
ઉપર આપેલો તરજુમો ખુદ ગાંધીજીનો કરેલો છે.

  1. ૧. પાછળના પા. ૮પ પર અરજીના થયેલા ઉલ્લેખને આધારે.
  2. ૧. અા મળી શકતી નથી.
  3. ૨, धारासभाना सभ्योने माटे सवालो, જુલાઈ ૧, ૧૮૯૪, પાછળ પા. ૭૫-૬ જોવું.