ગાંધીજીનો અક્ષર દેહ - ૧/હિંદી મતાધિકાર
← મિ. ચેમ્બરલેનને અરજી-૨ | ગાંધીજીનો અક્ષરદેહ - ૧ હિંદી મતાધિકાર મોહનદાસ કરમચંદ ગાંધી |
નાતાલમાં શાકાહાર → |
૬૭. હિંદી મતાધિકાર
દક્ષિણ આફ્રિકામાં વસતા દરેક અંગ્રેજને વિનંતી
હિંદી મતાધિકારના પ્રશ્નને અખબારો સાથેનો એનો સંબંધ છે તેટલા પૂરતું આખા સંસ્થાનને, ખરું પૂછો તો આખા દક્ષિણ આફ્રિકાને ખળભળાવી મૂકયું છે. એટલા માટે આ અપીલ અંગે ક્ષમાયાચના કરવાનું બિનજરૂરી બની જાય છે. દક્ષિણ આફ્રિકામાં વસતા દરેક અંગ્રેજ આગળ હિંદી મતાધિકારનું હિંદી દૃષ્ટિબિંદુ, શકય એટલું ટૂંકામાં રજૂ કરવાનો આ એક પ્રયાસ છે.
હિંદીઓને મતાધિકારથી વંચિત કરવાની તરફેણ કરતી કેટલીક દલીલો આ રહી :
(૧) હિંદીઓ હિંદુસ્તાનમાં મતાધિકાર ભોગવતા નથી.
(૨) દક્ષિણ આફ્રિકામાંના હિંદીઓ, સૌથી નીચલા વર્ગના હિંદીઓના પ્રતિનિધિ છે;
હકીકતમાં, તેઓ હિંદુસ્તાનના ઉતાર છે.
(૩) મતાધિકાર શી ચીજ છે તે હિંદીઓ સમજતા નથી.
(૪) હિંદીઓને મતાધિકાર એટલા ખાતર મળવો નહીં જોઈએ કે સ્થાનિક દેશી લોકો
જેઓ હિંદીઓના જેટલા જ બ્રિટિશ પ્રજાજનો છે તેમને મતાધિકાર અપાયો નથી.
(૫) સ્થાનિક દેશી વસ્તીનાં હિતો જોતાં હિંદીઓને મતાધિકારથી વંચિત રાખવા જોઈએ.
(૬) આ સંસ્થાન ગોરાઓનો દેશ થશે, અને રહેશે અને નહીં કે કાળા માણસોનો; અને
હિંદી મતાધિકાર તો યુરોપિયનોના મતને પૂરેપૂરો ગળી જશે અને હિંદીઓને રાજ
દ્વારી દૃષ્ટિએ સર્વોચ્ચ સ્થાન આપશે.
હું આ વાંધાઓની એક પછી એક ચર્ચા કરીશ.
૧
વારંવાર એવું કહેવામાં આવ્યું છે કે હિંદીઓ હિંદમાં ભોગવતા હોય તેના કરતાં વધારે ઊંચા ખાસ હકોનો દાવો કરી નહીં શકે અને તેમણે તે કરવો નહીં જોઈએ તેમ જ એમને હિંદમાં કોઈ પણ જાતનો મતાધિકાર મળેલો નથી.
હવે, પ્રથમ વાત એ છે કે હિંદીઓ તેઓ હિંદમાં જે ખાસ હકો ભોગવે છે તેના કરતાં વધારે ઊંચા એવા ખાસ હકો અહીં મેળવવાનો દાવો કરતા નથી. એ વાત ખ્યાલમાં રહેવી જોઈએ કે હિંદમાંની સરકાર અહીં જે ઢબની સરકાર છે તે ઢબની નથી. એટલા કારણસર એ વાત ચોખ્ખી જ છે કે બંનેની વચ્ચે કશી સરખામણી હોઈ ન શકે. આના જવાબમાં કદાચ એવું કહેવામાં આવે કે હિંદીઓએ, તેમને હિંદુસ્તાનમાં અહીં છે તેવા પ્રકારની સરકાર મળે ત્યાં સુધી થોભી જવું જોઈએ, પરંતુ આ જવાબ ચાલી શકે એવો નથી. એ જ સિદ્ધાંત મુજબ, એવી દલીલ કરી શકાય કે, નાતાલ આવતા કોઈ પણ માણસને તો જ મતાધિકાર મળી શકે જો તે જે દેશમાંથી આવ્યો હોય તે દેશમાં એ જ રીતે અને એ જ સંજોગો નીચે મતાધિકાર ભોગવતો હોય, એટલે જો તે દેશનો મતાધિકાર કાનૂન નાતાલના મતાધિકાર કાનૂન જેવો જ હોય. જો આ જાતનો સિદ્ધાંત સાર્વત્રિક રીતે લાગુ પાડવામાં આવે તો એ વાત સમજવી સહેલી છે કે ઇંગ્લંડમાંથી આવનાર કોઈને પણ નાતાલમાં મતાધિકાર મળી નહીં શકે. જર્મની કે રશિયા કે જ્યાં વધતેઓછે અંશે એકહથ્થુ સરકાર ચાલે છે ત્યાંથી આવનારને તો એનાથી પણ ઘણે અોછે અંશે એ હક મળી શકે. એટલા માટે એકમાત્ર અને સાચી કસોટી એ નથી કે હિંદીઓ પાસે હિંદુસ્તાનમાં મતાધિકાર છે કે નહીં, પણ તેઓ પ્રતિનિધિત્વવાળી સરકારનો સિદ્ધાંત સમજે છે કે નહીં એ છે.
પણ હિંદુસ્તાનમાં તેમને મતાધિકાર जरुर मळेलो છે. એ સાચું છે કે તે અત્યંત મર્યાદિત છે, આમ છતાં તે છે તો ખરો જ. ત્યાંની વિધાન પરિષદો હિંદીઓની પ્રતિનિધિત્વવાળી સરકારને સમજવાની અને તેની કદર કરવાની લાયકાતનો સ્વીકાર કરે છે. આ વિધાન પરિષદો હિંદીઓની પ્રતિનિધિત્વવાળી સંસ્થાઓ માટેની યોગ્યતાની કાયમની સાક્ષી છે. હિંદી વિધાન પરિષદોના થોડા સભ્યો ચૂંટવામાં આવે છે અને થોડા નીમવામાં આવે છે. હિંદુસ્તાનની વિધાન પરિષદોની પરિસ્થિતિ નાતાલની જૂની વિધાન પરિષદોની પરિસ્થિતિથી બહુ ભિન્ન નથી. અને હિંદીઓને એ પરિષદોના સભ્યો થતા રોકવામાં નથી આવતા. તેઓ યુરોપિયનો જોડે એકસરખી શરતો પર ચૂંટણી લડે છે.
મુંબઈની વિધાન પરિષદના સભ્યોની છેલ્લી ચૂંટણી વખતે મતદારમંડળોમાંના એકમાં એક યુરોપિયન અને એક હિંદી એમ બે ઉમેદવારો ઊભા હતા.
હિંદમાંની બધી જ વિધાન પરિષદમાં હિંદી સભ્યો -મોજૂદ છે. આ ચૂંટણીઓ વખતે હિંદીઓ મત આપે છે તેમ જ યુરોપિયનો પણ આપે છે. બેશક મતાધિકાર મર્યાદિત છે. એ અટપટો પણ છે, દાખલા તરીકે મુંબઈનું મ્યુનિસિપલ કૉર્પોરેશન વિધાન પરિષદ ઉપર એક સભ્ય ચૂંટે છે, અને એ કૉર્પોરેશન મોટે ભાગે હિંદી કર ભરનારાઓ મારફતે ચૂંટાયેલા સભ્યોનું બનેલું છે.
મુંબઈમાં મ્યુનિસિપલ ચૂંટણી માટેના હિંદી મતદારોની સંખ્યા હજારોની છે, એ મતદારોના વર્ગમાંથી અથવા એના જેવા જ વર્ગમાંથી સંસ્થાનમાંના મોટા ભાગના હિંદી વેપારીઓ આવેલા છે.
એ ઉપરાંત સૌથી વધારે મહત્ત્વવાળી અધિકારની જગ્યાઓ હિંદીઓ માટે ખુલ્લી મૂકી દેવામાં આવેલી છે.એ શું એવું બતાવે છે ખરું કે તેઓ પ્રતિનિધિત્વ ધરાવતી સરકાર કેવી હોય તે સમજવાને નાલાયક ઠર્યા છે? એક હિંદીએ વડા ન્યાયાધીશનું પદ ધારણ કર્યું છે, જે પદનો વાર્ષિક પગાર ૬૦,૦૦૦ રૂપિયા અથવા ૬૦૦૦ પાઉંડ છે. માત્ર તાજેતરમાં જ, અહીંના મોટા ભાગના વેપારીઓ જે વર્ગમાંથી આવ્યા છે તે વર્ગના એક હિંદીને મુંબઈમાં ન્યાયની વડી અદાલતમાં ઉપ-ન્યાયાધીશ તરીકે નીમવામાં આવ્યા છે. એક તામિલ ગૃહસ્થ જેમની જ્ઞાતિના કેટલાક હિંદીઓ ગિરમીટ નીચે છે, તે મદ્રાસમાં વડી અદાલતના ઉપ-ન્યાયાધીશ છે. એક હિંદીને બંગાળમાં રેવન્યુ કમિશનરની ઘણી જ જવાબદારીભરી ફરજો સોંપવામાં આવી છે.
મુંબઈમાં અને કલકત્તામાં હિંદીઓએ યુનિવસિર્ટીઓના ઉપકુલપતિનાં પદ શોભાવ્યાં છે.
હિંદીઓ યુરોપિયનો સાથે સમાન શરતોએ આઈ. સી. એસ.ની સનદી સેવા માટે હરીફાઈ કરે છે.
મુંબઈ કૉર્પોરેશનના હાલના પ્રમુખ કૉર્પોરેશનના સભ્યો મારફતે ચૂંટાયેલા એક હિંદી છે. સુધરેલી જાતિઓ સાથેની સમાનતા માટેની હિંદીઓની લાયકાતની સૌથી તાજી સાબિતી ૧૮૯૫ના ઓગસ્ટની ૨૩મી તારીખના લંડન टाईम्सમાંથી મળી આવે છે.
એ વાત સૌ કોઈ જાણે છે કે धि टाईम्सમાં 'હિંદી બાબતે' વિષે લખનાર બીજા કોઈ નહીં પણ સર વિલિયમ વિલ્સન હંટર છે જેઓ સૌથી આગળ પડતા હિંદના ઇતિહાસકાર છે. તેઓ કહે છે:
- જે સાહસનાં કાર્યો અને એથી પણ વિશેષ જ્વલંત સહનશીલતાના દાખલાઓ વડે આ આટલું મોટું સન્માન હાંસલ કરવામાં આવ્યું હતું તેનું વર્ણન અહોબુદ્ધિની તીવ્ર લાગણી અનુભવ્યા સિવાય વાંચવાનું મુશ્કેલ છે. એક સિપાઈ કે જેને 'ઓર્ડર ઓફ મેરિટ' કહેતાં વીરતાનો ચાંદ મળ્યો હતો તેણે ઓછામાં ઓછા ૩૧ ઘા ઝીલ્યા હતા. धि इन्डियन डेईली न्यूझ કહે છે તેમ “કદાચ આ સંખ્યા સૌથી મોટી હોય.” બીજા એક સિપાઈને રોસની ટુકડી જે સાંકડા માર્ગ પર કપાઈ મરી હતી તે જગ્યા ઉપર ગોળી વાગી હતી. તેણે શાંતિથી પોતાના શરીરમાં પેઠેલી ગોળીને હાથ વડે ફંફોસીને શોધી કાઢી અને વેદનાનો ડર રાખ્યા વિના બંને હાથ વડે દબાવીને તેને ઉપર સુધી સરકાવી કાઢી. છેવટે જયારે તે એની આંગળીઓની પકડમાં આવી એટલે તેણે એ બહાર કાઢી નાખી. ત્યાર પછી લોહી નીકળતી હાલતમાં તેણે ફરીથી તેની રાઈફલ ખભે મૂકી અને એકવીસ માઈલની કૂચ કરી.
- પણ જેમણે માનપાન મેળવ્યું છે એવા દેશી સિપાઈઓની બહાદુરી, જો આવી સાથીદાર પ્રજા મેળવવા બદલ આપણામાં એક જાતનું ગૌરવ જાગ્રત કરે છે તો એટલાં જ સાહસ અને દૃઢતાના દાખલાઓમાં જાણે ભીખ તરીકે નહીં હોય તેમ અપાયેલાં નજીવાં ઇનામો બહુ જુદા જ પ્રકારની ભાવનાઓ જાગ્રત કરે છે. ચોથી બંગાળ ઈન્ફન્ટ્રી (પાયદળ ટુકડી)ના બે પાણી વહેનારા ભિસ્તીઓને તેમણે 'કોરઘ ની લડાઈ દરમિયાન બતાવેલી બહાદુરી અને નિષ્ઠા માટે' યુદ્ધ ખરીતાઓમાં અદ્વિતીય સ્થાન અપાયું હતું. ખરેખર, આ ભયંકર ઘાટમાં તેમણે તેમના સાથીઓ પ્રત્યે જે મહાન સ્વાર્પણની ભાવના પ્રગટ કરી હતી તેનાથી વધારે ચડિયાતું ભાગ્યે જ કશું હોઈ શકે, એ જ ટુકડીના એક બીજા માણસના નામનો નિર્દેશ પણ કરવામાં આવ્યો હતો તે એ સંબંધમાં હતો કે સ્વર્ગીય કૅપ્ટન બેઈર્ડને ચિત્રાલ કિલ્લામાં લાવનારી ટુકડી સાથે જ્યારે તે હતો ત્યારે તેણે 'જવલંત બહાદુરી અને નિષ્ઠા બતાવ્યાં હતાં ' . . . સાચી વાત એ છે કે અનેક રીતે હિંદીઓ લાયક સાથીપ્રજા તરીકે ગણાવાનો હક કમાઈ રહ્યા છે. રણભૂમિ હમેશાં જાતિ જાતિઓ વચ્ચે ગૌરવભરી સમાનતા લાવનારું સૌથી ઝડપી સાધન બન્યું છે. પણ હિંદીઓ તો નાગરિક જીવનના વધારે ધીમા અને વધારે મુશ્કેલ તરીકાઓ વડે પણ આપણા સન્માનને પાત્ર થવાની લાયકાત સાબિત કરી રહ્યા છે. त्रण वर्ष पहेलां पूरा नहीं तो थोडे अंशेना मताधिकार धोरण उपर हिंदी विधान परिषदने विस्तृत करवानो प्रयोग करवामां आव्यो हतो. एना करतां आधीन राज्योनी बंधारणपूर्वकनी सरकारमां वधारे मोटो प्रयोग कदी करवामां आव्यो नहोतो. (નાગરી મેં કર્યું છે) એ પ્રયોગનું પરિણામ જેટલું બંગાળમાં શંકા ભરેલું લાગે છે એટલું હિંદના બીજા કોઈ ભાગમાં નથી લાગતું. બંગાળના લેફ્ટેનન્ટ ગવર્નરના ક્ષેત્રની વસ્તી સંખ્યામાં મદ્રાસ અને મુંબઈ પ્રાંતોની ભેગી વસ્તીના જેટલી છે અને વહીવટી દૃષ્ટિએ એ પ્રાંતને સમાલવાનો પ્રમાણમાં વધારે મુશ્કેલ છે.
- સર ચાર્લ્સ ઈલિયટે, લૉર્ડ સેલિસબરીના કાનૂન વડે વિસ્તારવામાં આવેલી તેમની ધારાસભા તરફથી આ અનિવાર્યપણે ગૂંચવાડાભર્યા કાનૂનને (ધિ બૅંગાલ સેનીટરી ડ્રેનેજ ઍકટ) આખરી સ્વરૂપ આપવામાં માત્ર દળબંધીવાળા વિરોધના અભાવની જ નહીં પરંતુ તેમને મળેલી કીમતી વ્યવહારુ મદદની ઉદારપણે સાક્ષી પૂરી છે. મોટા ભાગની ચર્ચાઓ ઘણી મદદરૂપ નીવડી, અને બંગાળને લેવાદેવા છે ત્યાં સુધી–જે પ્રાંતમાં ચૂંટણી પદ્ધતિ સૌથી ભારે મુસીબતભરી લાગતી હતી–आ प्रयोग एक आकरी कसोटी बाद सफळ पुरवार थयो छे. (ફરીથી નાગરી મેં કર્યું છે)
બીજો વાંધો એ છે કે દક્ષિણ આફ્રિકામાંના હિંદીઓ સૌથી નીચલા વર્ગના હિંદીઓમાંથી આવ્યા છે. આ કથન ભાગ્યે જ સાચું છે. અલબત્ત એ વાત વેપારી કોમ બાબતમાં સાચી નહીં પડે તેમ જ એ બધા જ ગિરમીટિયા હિંદીઓ જેમાંના કેટલાક હિંદમાંની સૌથી ઊંચી જ્ઞાતિના છે તેમને વિષે પણ સાચી નહીં પડે, બેશક એ બધા ઘણા ગરીબ લોકો છે. એમાંના કેટલાક હિંદમાં રખડુ કે ભામટા હતા. ઘણાખરા લોકો સૌથી નીચલા વર્ગના પણ છે. પરંતુ કોઈને પણ માઠું લગાડવાના હેતુ સિવાય મને કહેવા દો કે જે નાતાલમાંની હિંદી કોમ સૌથી ઉપલા વર્ગમાંથી આવી નહીં હોય તો અહીંની યુરોપિયન કોમ પણ એ વર્ગમાંથી આવી નથી. પણ મારું કહેવું એ છે કે આ હકીકતને અણધટનું મહત્ત્વ આપવામાં આવ્યું છે જો, અહીંનો હિંદી નમૂનારૂપ હિંદી નહીં હોય તો તેને તેવો બનવામાં મદદ કરવાની ફરજ સરકારની છે. અને જો વાચક નમૂનારૂપ હિંદી કેવો છે એ જાણવા ઇચ્છતો હોય તો હું તેને વિનંતી કરીશ કે તે મારો “ખુલ્લો પત્ર” વાંચે. એમાં અનેક અધિકાર ધરાવતી વ્યક્તિઓનાં કથનો એ વસ્તુ બતાવવાને એકઠાં કરવામાં આવ્યાં છે કે તે એક નમૂનારૂપ યુરોપિયનના જેટલો જ સંસ્કારી છે. અને જે રીતે યુરોપમાં એક સૌથી નીચલા વર્ગના યુરોપિયન માટે સૌથી ઊંચી પાયરીએ પહોંચવાનું સંભવિત છે તે જ રીતે હિંદમાં સૌથી નીચલા વર્ગના હિંદી માટે પણ છે. એકસરખી ઉપેક્ષાવૃત્તિને લઈને, અથવા પ્રત્યાઘાતી કાનૂનોને લઈને સંસ્થાનમાં હિંદી હજી પણ વધારે નીચો ઊતરવાનો અને એ રીતે તે પહેલાં નહોતો તેવો ખરેખરો ભયરૂપ બની જવાનો સંભવ છે. ધુતકારી કઢાયેલો, તિરસ્કારાયેલો, શાપિત થયેલો તે આવી જ સ્થિતિમાં મુકાયેલા બીજાઓએ જે કાંઈ કર્યું છે અને બીજાઓ જેવા થયા છે માત્ર તેવું જ કરશે અને તેવો જ થશે. એના તરફ પ્રેમ અને સદ્વર્તન બતાવાતાં તે બીજા કોઈ પણ રાષ્ટ્રની કોઈ પણ વ્યક્તિની માફક ઊંચે ચડવાને શક્તિમાન છે. જ્યાં સુધી એને સરખા સંજોગો નીચે હિંદમાં તે ભોગવતો હોય કે ભોગવનાર હોય તેવા હકો પણ આપવામાં નહીં આવે ત્યાં સુધી તેના પ્રત્યે સારો વર્તાવ રખાય છે એમ નહીં કહી શકાય.
હિંદીઓ મતાધિકાર શું ચીજ છે તે સમજતા નથી એમ કહેવું એ હિંદુસ્તાનના સારા ઈતિહાસની જાણી જોઈને અવગણના કરવા બરાબર છે. પ્રાચીનમાં પ્રાચીન કાળથી હિંદીઓ પ્રતિનિધિત્વના તત્ત્વને સૌથી સાચા અર્થમાં સમજ્યા છે અને તેની તેમણે કદર કરી છે. આ જ સિદ્ધાંત એટલે પંચાયતનો સિદ્ધાંત એક હિંદીને તેનાં બધાં કાર્યોમાં દોરવણી આપે છે. તે પોતાની જાતને પંચાયત સંસ્થાનો એક સભ્ય તરીકે ગણે છે. એ સંસ્થા જેનો આજને તબક્કે તે એક સભ્ય છે તે ખરેખર તો એક સમગ્ર પ્રજાકીય સંસ્થા છે. આમ કરવાની એ શક્તિએ – લોકશાહી રાજ્યના સિદ્ધાંતને પૂરી રીતે સમજવાની શક્તિએ - એને જગત પરનો સૌથી નિરુપદ્રવી અને સૌથી નમ્ર માણસ બનાવ્યો છે. સદીઓની પરદેશી હકૂમત અને જોહુકમી એને સમાજની એક ખતરનાક વ્યક્તિ બનાવી દેવામાં નિષ્ફળ નીવડી છે. જે કોઈ જગ્યાએ એ જાય છે અને ગમે એવી પરિસ્થિતિમાં એ મુકાયો હોય છે, ત્યાં તે પોતાના ઉપર અધિકાર ધરાવતા લોકોની પ્રતિનિધિરૂપ બહુમતીના નિર્ણયને વશ વર્તે છે. કારણ કે તે જાણે છે કે એના ઉપર કોઈ પણ ત્યાં સુધી સત્તા નહીં ચલાવી શકે જ્યાં સુધી એ સત્તા ચલાવનારને જે તે સમાજની બહુમતી સંખ્યાના લોકો એ સ્થાન પર નભાવી નહીં લેતા હોય. આ સિદ્ધાંત હિંદીઓના હૃદયમાં એવો તો કોતરાઈ ગયેલો છે કે હિંદનાં દેશી રાજ્યોના અત્યંત જુલમી રાજાઓને પણ પ્રતીતિ થયેલી હોય છે કે તેમણે પ્રજાને માટે કારભાર કરવાનો છે, એ વાત સાચી છે કે એ બધા કાંઈ આ સિદ્ધાંત મુજબ વર્તતા નથી. એનાં કારણોની ચર્ચા અહીં કરવાનું જરૂરી નથી. અને સૌથી તાજુબ પમાડનારી હકીકત તો એ છે કે જયાં ઉપર ઉપરથી રાજાશાહી સરકાર કામ કરતી હોય છે ત્યાં પણ પંચાયત એ સર્વસત્તાધીશ મંડળ છે. એના સભ્યોનાં કાર્યોનું નિયમન બહુમતીની ઈચ્છા મુજબ થાય છે. મેં રજૂ કરેલા દાવાના સમર્થન માટે પ્રમાણો જોઈતાં હોય તો હું વાચકોને નામદાર વિધાનસભાને કરેલી મતાધિકાર-અરજી[૧] વાંચી લેવા વિનંતી કરીશ.
“હિંદીઓને મતાધિકાર એટલા ખાતર મળવો નહીં જોઈએ કે સ્થાનિક દેશી લોકો જેઓ હિંદીઓના જેટલા જ બ્રિટિશ પ્રજાજનો છે તેમને મતાધિકાર અપાયો નથી.”
આ વાંધો મને છાપાંઓમાંથી જેવો મળ્યો છે તેવો જ મેં રજૂ કર્યો છે. આજે નાતાલમાં હિંદીઓ મતાધિકાર ભોગવી જ રહ્યા છે એ હકીકત સાથે આ વાંધાનો મેળ બેસતો નથી. હવે તો એનો મતાધિકાર છીનવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
સરખામણીમાં ઊતર્યા સિવાય હું જે કાંઈ નક્કર હકીકતો છે તે જ રજૂ કરીશ. દેશી લોકોનો મતાધિકાર, કેટલાંક વર્ષોથી અમલમાં છે એવા એક ખાસ કાનૂન વડે નિયંત્રિત થયેલો છે. એ કાનૂન હિંદીઓને લાગુ નથી પડતો. અમારો એવો આગ્રહ પણ નથી કે એ હિંદીઓને પણ લાગુ પાડવામાં આવે. હિંદમાંનો હિંદીઓનો મતાધિકાર (પછી તે ગમે તે સ્વરૂપનો હોય) કોઈ ખાસ કાનૂન વડે નિયંત્રિત થયેલો નથી. એ સૌ કોઈને એકસરખી રીતે લાગુ પડે છે. ૧૮૫૮ના રાણીના ઢંઢેરારૂપે હિંદીને એની સ્વતંત્રતાનો અધિકારપત્ર મળેલો છે.
મતાધિકારનો હક પડાવી લેવાની તરફેણમાં સૌથી છેલ્લી જે દલીલ આગળ ધરવામાં આવી છે તે એવી છે કે હિંદીઓને અપાયેલો મતાધિકાર સંસ્થાનની દેશી વસ્તીને નુકસાન કરશે. આ કઈ રીતે થશે એ બિલકુલ જણાવવામાં આવ્યું નથી. પણ હું માનું છું કે હિંદી મતાધિકાર સામે વાંધો ઉઠાવનારાઓ હિંદીઓ સામે એક જાથૂકનો વાંધો એવાં કહેવાતાં કારણને
- ↑ જુઓ પા. ૬૯-૭૩
છે. હવે મારું કહેવું એવું છે કે હિંદીઓને અપાતો મતાધિકાર આ પરિસ્થિતિમાં આમ કે તેમ કશો ફરક પાડી શકે એમ નથી. જો હિંદીઓ દારૂ પૂરો પાડતા જ હોય તો તેઓ મતાધિકાર મળવાને કારણે તે વધારે પ્રમાણમાં પૂરો પાડવાના નથી. હિંદી મતાધિકાર, સંસ્થાનની દેશી લોકો અંગેની નીતિ ઉપર અસર પાડી શકે એટલો પૂરતો મજબૂત કદી બની નહીં શકે. આ નીતિ ઉપર તો ડાઉનિંગ સ્ટ્રીટમાંની બ્રિટિશ હકૂમત માત્ર ચોકસાઈપૂર્વક દેખરેખ જ નથી રાખી રહી પરંતુ ઘણે મોટે અંશે તેનું નિયંત્રણ પણ કરી રહી છે. હકીકતમાં, આ બાબતમાં તો ડાઉનિંગ સ્ટ્રીટની સરકાર આગળ યુરોપિયન સાંસ્થાનિકોનું પણ કશું ચાલતું નથી. પણ આપણે વચમાં ઘડીભર હકીકતો તપાસીએ. આ પહેલાં યાદી ઉપર મુકાઈ ગયેલા હિંદી મતદારોની પરિસ્થિતિ બતાવતું પૃથક્કરણાત્મક કોષ્ટક જેનો નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ઉપરથી દેખાય છે કે તેમની સૌથી મોટી સંખ્યા વેપારીઓની છે. એ વાત જાણીતી છે કે આ વેપારીઓ માત્ર જાતે દારૂથી દૂર રહેનારા છે એટલું જ નહીં પણ તેઓ દેશમાંથી દારૂની સદંતર બંધી થાય તો સારું એવું ઇચ્છનારા છે. અને જે મતદારોની યાદી એવી ને એવી ચાલુ રહે તો એ મતની દેશીઓની નીતિ ઉપર જો કાંઈ પણ અસર પડવાની જ હોય તો તે સારી જ હશે, પરંતુ ૧૮૮૫-૧૮૮૭ના હિંદી પ્રવાસી કમિશનના હેવાલમાંનો નીચેનો ઉતારો બતાવે છે કે આ બાબતમાં હિંદીઓ યુરોપિયનો કરતાં વધારે ખરાબ નથી, આ ઉતારો આપવામાં તુલના કરવાનો મારો જરા પણ ઇરાદો નથી. તુલના તો મેં બને એટલી ટાળવાનો પ્રયાસ કર્યો છે. તે જ રીતે આમ કરીને હું મારા દેશબંધુઓનો બચાવ પણ કરવા માગતો નથી, કોઈ પણ હિંદી પીધેલો કે દેશી લોકોને દારૂ પૂરો પાડતો મળી આવે તો તેથી મને જેટલું દુ:ખ થાય એટલે બીજા કોઈને નહીં થઈ શકે. વાંચનારને હું એટલી ખાતરી આપવા માગું છું કે મારી એકમાત્ર ઈચ્છા એ બતાવવાની છે કે આ ખાસ કારણને લઈને ઉપસ્થિત થતો હિંદી મતાધિકાર સામેનો વાંધો તદ્દન ઉપરછલ્લો છે અને તપાસમાં સાચો ઠરતો નથી.
કમિશનના આ સભ્યોને બીજી બાબતો સાથે હિંદીઓ સામેના દારૂ પીવાના અને તેમાંથી ઊભા થતા ગુનાઓ બાબતના આરોપો વિષે ખાસ કામ સોંપાયું હતું. તેઓ પોતાના હેવાલના પા. ૪૨ અને ૪૩ ઉપર કહે છે:
- અમે આ વિષયમાં ઘણા સાક્ષીઓ તપાસ્યા છે. એમની જુબાની અને મળી આવતા ગુનાઓ બાબતના આંકડાઓ ઉપરથી અમને એ વાતની ખાતરી નથી થઈ કે મદ્યપાન અને તેમાંથી નીપજતા ગુનાઓનો ફેલાવો, જેની સામે કોઈ એવા પ્રતિબંધક કાનૂનો ઘડવાની દરખાસ્ત નથી થઈ એ લોકોના બીજા વર્ગમાં થયો છે એના કરતાં હિંદી પ્રવાસીઓમાં વધારે મોટા પ્રમાણમાં થયો છે.
- અમને કોઈ શક નથી કે એ આરોપમાં ઘણું સત્ય રહેલું છે કે દેશી લોકોને,હિંદીઓ મારફતે જલદ દારૂ ઝટ મળી જાય છે. પરંતુ એ લોકો આ બાબતમાં ચોરીછૂપીથી દારૂનો ધંધો કરતા ગોરાઓ કરતાં વધારે ગુનેગાર છે એ વાતમાં અમને શંકા છે.
- સાવચેતીપૂર્વક તપાસતાં એવું માલૂમ પડયું છે કે જે વસાહતીઓ સામે દેશીઓમાં દારૂ વેચવા કે ખપાવી દેવાની ખૂબ જોરથી ફરિયાદ કરનારા તે જ લોકો છે કે જેઓ
- પોતે જ દેશીઓને દારૂ વેચે છે, ચોરીછૂપીથી દારૂ વેચનારા હિંદીઓની હરીફાઈને કારણે એમના વેપારમાં દખલ ઊભી થઈ છે અને તેમના નફામાં ઘટ પડી છે.
ઉપરના લખાણ પછી આગળ જે કાંઈ આવે છે તે વાંચવું બોધદાયક થઈ પડે એવું છે. એ બતાવે છે કે કમિશનના સભ્યોના અભિપ્રાય મુજબ હિંદુસ્તાનમાં હિંદીઓ દારૂ પીવાની ટેવથી મુક્ત હોય છે અને તેઓ અહીં આવીને એ શીખે છે. નાતાલમાં આવીને એ લોકો દારૂની લતમાં કેવી રીતે અને શા કારણે પડે છે એ પ્રશ્નનનો જવાબ આપવાનું હું વાચકો ઉપર જ છોડું છું.
હેવાલના પા. ૮૩ ઉપર કમિશનના સભ્યો નીચે પ્રમાણે જણાવે છે:
- જોકે અમને એ વાતની ખાતરી થઈ છે કે નાતાલમાં હિંદીઓ અને ખાસ કરીને સ્વતંત્ર હિંદીઓ પોતાના દેશમાં હોય તેના કરતાં ઘણા મોટા પ્રમાણમાં માદક પીણાં પીવાને વશ થાય છે, તોપણ અમને એ વાતની નોંધ લેવાની ફરજ પડે છે કે સંસ્થાનમાં વસતી બીજી જાતિઓમાં છે એના કરતાં તેમનામાં પીધેલા અને તોફાની લોકોનું પ્રમાણ વધારે મોટું છે એની કોઈ સંતોષકારક સાબિતી આપણી પાસે નથી.
કમિશન આગળની પોતાની જુબાનીમાં સુપરિન્ટેન્ડેન્ટ ઍલેકઝાંડર (પા. ૧૪૬) કહે છે:
- આજને તબક્કે હિંદીઓને એક જરૂરી અનિષ્ટ તરીકે ગણવા જોઈએ; મજૂરો તરીકે જોઈએ તો તેમના વિના આપણને ચાલે એમ નથી; દુકાનદારો તરીકે આપણે તેમના વિના ચલાવી લઈ શકીએ; એકંદરે તેઓ દેશી લોકોના જેવા જ છે. તેમનામાં ઘણો સુધારો થયો છે પણ દેશી લોકો ખૂબ જ બગડી ગયા છે, ચોરીના લગભગ બધા ગુના
હાલમાં દેશીઓને હાથે થાય છે. મને અનુભવ છે ત્યાં સુધી દેશી લોકો કેફી પીણાં હિંદીઓ પાસેથી તેમ જ બીજા સૌ કોઈ જે એમને પહેાંચાડે તેમની પાસેથી મેળવે છે. આ બાબતમાં મને કેટલાક ગોરાઓ હિંદીઓના જેટલા જ બૂરા જણાયા છે. તેઓ કામને અભાવે બેકાર બનેલા, ભામટા લોકો છે. છ પેની મેળવવાને માટે એ લોકો દેશી માણસને દારૂની એક બાટલી પૂરી પાડે છે.
- નાતાલના આજના સંજોગોમાં હું નથી માનતો કે હિંદી વસ્તીની જગ્યાએ ગોરી વસ્તી મૂકવાનું શકય છે. હું નથી માનતો કે એ વાત આપણે પાર પાડી શકીએ. મારી પાસે સ્ટાફના જે માણસો છે તેમની મારફતે હું ૩૦૦૦ હિંદીઓ પાસે કામ લઈ શકું પણ એમની જગ્યાએ એ જ પ્રકારના ૩૦૦૦ ગોરા કામદારો હોય તો તેમની પાસે હું કામ નહીં લઈ શકું. . . . .
પા. ૧૪૯ ઉપર તે કહે છે :
- હું જોઉં છું કે સામાન્ય રીતે લોકો કુલીઓ ઉપર, દરેક ખોટું કામ કરવાની, મરઘાંબતકાં ચોરવાની વગેરે શંકા કરે છે, પણ હકીકત એવી નથી. જોકે મરઘાંબતકાં ચોરવાના છેલ્લા નવ બનાવોમાંના બધા બનાવે અંગેનો આરોપ મારી કૉર્પોરેશનના જાજરૂ સાફ કરનારા કુલીઓ ઉપર મુકાયો હતો, પરંતુ હું જોઉં છં કે આ મરઘાંબતકાં ચોરવા માટે સજા બે દેશી લોકો અને ત્રણ ગોરાઓને કરવામાં એાવી છે.
એ ઉપરાંત હું વાચકોનું ધ્યાન હમણાં જ પ્રગટ થયેલા દેશીઓ વિષેના સરકારી રિપોર્ટ (નેટિવ બ્લયૂ બુક) તરફ ખેંચીશ. અને તેઓ તેમાં જોઈ શકશે કે લગભગ બધા જ ન્યાયાધીશો એવો અભિપ્રાય ધરાવે છે કે યુરોપિયનોના સંસર્ગને લઈને દેશી લોકોના નૈતિક ચારિત્ર્યમાં અધ:પતન લાવનારો ફેરફાર થયો છે.
આ રદિયો નહીં આપી શકાય એવી હકીકતોની સામે દેશી લોકોની પડતીના દોષનો ટોપલો પૂરેપૂરો હિંદીઓને માથે ઓઢાડવાનું શું અન્યાયી નથી? ૧૮૯૩ની સાલમાં શહેરની મ્યુનિસિપલ હદમાં દારૂ પૂરો પાડવા માટે ૨૮ કેસમાં યુરોપિયનોને સજા થઈ હતી, જ્યારે હિંદી- ઓને ત્રણમાં જ થઈ હતી.
૬
"આ દેશ ગોરાઓનો દેશ થશે અને રહેશે અને નહીં કે કાળા માણસે નો; અને હિંદી મતાધિકાર તો યુરોપિયનોના મનને પૂરેપૂરો ગળી જશે અને હિંદીઓને રાજદ્વારી દૃષ્ટિએ નાતાલમાં સર્વોચ્ચ સ્થાન આપશે."
હું આ કથનને પહેલા ભાગની ચર્ચા કરવા નથી માગતો. હું કબૂલ કરું છું કે હું એને પૂરેપૂરું સમજતો પણ નથી. પરંતુ, એ કથનના પાછલા ભાગ પાછળ રહેલી ગેરસમજ દૂર કરવાનો હું પ્રયાસ કરીશ. હું હિંમતપૂર્વક કહું છું કે હિંદી મત યુરોપિયન મતને કદી હજમ કરી જઈ નહીં શકે, અને હિંદીઓ રાજદ્વારી પ્રભુત્વનો દાવો કરવા પ્રયાસ કરે છે એ વિચાર ભૂતકાળના બધા અનુભવ વિરુદ્ધનો છે. આ પ્રશ્નના સંબંધમાં મને ઘણા યુરોપિયનો જોડે ચર્ચા કરવાનું માન મળ્યું હતું અને લગભગ બધાએ જ જે દલીલો કરી હતી તે એવાં અનુમાનને આધારે હતી કે સંસ્થાનમાં 'એક માણસને એક મત'નો નિયમ છે. મત માટે મિલકતની લાયકાત પણ મોજૂદ છે એ વાત તેમને માટે એક નવી જ ખબર હતી. એટલે મતદારોની લાયકાત વિષે ચર્ચા કરતી મતાધિકાર કાનૂનની કલમ અહીં નીચે ઉતારવા માટે મને માફ કરવામાં આવે :
- અત્યાર પછી અપવાદ કરવામાં આવ્યો હોય તે સિવાયના ૨૧ વર્ષની ઉંમર ઉપરનો દરેક માણસ જેની પાસે ૫૦ પાઉંડ સુધીની કિંમતની સ્થાવર મિલકત હોય અથવા જે મતદાનના જિલ્લામાં આવેલી એવી કોઈ મિલકત વાર્ષિક ૧૦ પાઉંડના ભાડાથી રાખતો હોય, અને જે આ પછી દર્શાવાયેલી રીતે યોગ્ય રીતે નોંધાયેલો હોય તે એવા જિલ્લાના સભ્યની ચૂંટણી પ્રસંગે મતદાન કરવાને હકદાર ગણાશે. જયારે ઉપર જણાવ્યું છે તેવી કોઈ મિલકત એક કરતાં વધારે વ્યક્તિઓ માલિક તરીકે અથવા ભાડૂત તરીકે ધરાવતી હોય તો એવો દરેક ધારણ કરનાર જે તે યોગ્ય રીતે નોંધાયેલો હોય તો એવી મિલકત
સંબંધમાં વોટ આપવાનો અધિકારી થશે. આમાં શરત એવી કે એ મિલકતની કિંમત અથવા સંજોગ મુજબ ભાડું એટલાં હશે કે જે તેમની વચ્ચે સરખી રીતે વિભાજિત કરવામાં આવતાં, સાથે ઉપયોગ કરનારા દરેકને મત આપવાનો અધિકારી બનાવશે.
આ ઉપરથી એ વાત સ્પષ્ટ છે કે દરેક હિંદી મતાધિકાર મેળવી શકતો નથી. અને યુરોપિયનોની સરખામણીમાં સંસ્થાનમાં એવા કેટલા હિંદીઓ છે જેમની પાસે ૫૦ પાઉન્ડ જેટલી કિંમતની સ્થાવર મિલકત છે અથવા જે વાર્ષિક ૧૦ પાઉન્ડના ભાડાથી એવી મિલકત ભાડે રાખે છે? લાંબા સમયથી આ કાનૂન અમલમાં આવેલો છે, અને નીચેનો કોઠો યુરોપિયન અને હિંદીઓના મતાધિકારની સંખ્યાનો કાંઈક ખ્યાલ આપશે. એ કોઠો में गेझेटमां પ્રગટ થયેલી સૌથી
છેલ્લી યાદીઓ પરથી તૈયાર કર્યો છે: મતદારો
ક્રમ સંખ્યા | ચૂંટણી વિભાગો | યૂરોપિયનો | હિંદીઓ |
---|---|---|---|
૧ | પિટરમૅરિત્સબર્ગ | ૧૫૨૧ | ૮૨ |
૨ | ઉમગેની | ૩૦૬ | નથી |
૩ | લાયન્સ રીવર | ૫૧૧ | નથી |
૪ | ઈક્ષોપો | ૫૭૩ | ૩ |
૫ | ડરબન | ૨૧૦૦ | ૧૪૩ |
૬ | કાઉન્ટી ઑફ ડરબન | ૭૭૯ | ૨૦ |
૭ | વિક્ટોરિયા | ૫૬૬ | ૧ |
૮ | ઉમવોટી | ૪૩૮ | ૧ |
૯ | વીનેન | ૫૨૮ | નથી |
૧૦ | ક્લીપ રીવર | ૫૯૧ | ૧ |
૧૧ | ન્યૂકૅસલ | ૯૧૭ | નથી |
૧૨ | ઍલેકઝાંડ્રા | ૨૦૧ | " |
૧૩ | આલ્ફ્રેડ | ૨૭૮ | " |
૯,૩૦૯ | ૨૫૧ | ||
કુલ સરવાળો ૯,૫૬૦ |
આમ, ૯,૫૬૦ નેાંધાયેલા મતદારોમાંથી માત્ર ૨૫૧ હિંદીઓ છે. અને માત્ર બે વિભાગોમાં ઉલ્લેખ કરવા જેટલા હિંદી મતદારો છે. હિંદી મતદારો અને યુરોપિયન મતદારોનું પ્રમાણ આશરે ગણતાં ૧ : ૩૮ છે, એટલે હાલમાં યુરોપિયનોના મત હિંદીઓના મત કરતાં ૩૮ ગણા શક્તિશાળી છે. १८९५नी सालना हिंदी वसाहतीओना संरक्षकना हेवाल મુજબ ૪૬,૩૪૩ જેટલી કુલ હિંદી વસ્તીમાંથી માત્ર ૩૦,૩૦૩ લોકો સ્વતંત્ર હિંદીઓ છે. એમાં વેપાર કરતા હિંદીઓની આશરે ૫,૦૦૦ની વસ્તી ઉમેરતાં ગિરમીટમુક્ત અને સ્વતંત્ર હિંદીઓની વસ્તી આખા અાંકડામાં ૩૫,૦૦૦ જેટલી થાય. એટલે હાલમાં મતદાનની બાબતમાં યુરોપિયન વસ્તી જોડે હરીફાઈ કરે એવી હિંદી વસ્તી યુરોપિયનોની વસ્તી જેટલી મોટી નથી. પણ હું માનું છું કે જો હું એમ કહું કે આ ૩૫,૦૦૦ લોકોમાંના અડધાથી વધારે લોકોની આર્થિક સ્થિતિ ગિરમીટિયા હિંદીઓની આર્થિક સ્થિતિ કરતાં માત્ર એક ડગલું જ આગળ છે તો તેમાં મારી ભૂલ થયેલી નહીં ગણાશે. ડરબનની આજુબાજુના અને એનાથી ૫૦ માઈલની અંદરના જિલ્લાઓમાં હું મુસાફરી કરતો રહ્યો છ અને હું વિના જોખમે ભારપૂર્વક એટલું કહેવાની હિંમત કરું છ કે મોટા ભાગના હિંદીઓ જેઓ મુક્ત છે તેઓ જેમ તેમ પોતાનું પેટિયું કાઢે છે અને એ વાત નક્કી છે કે તેમની પાસે ૫૦ પાઉન્ડ જેટલી કિંમતની સ્થાવર મિલકત નથી. સંસ્થાનમાં પુખ્ત વયના હિંદીઓની સંખ્યા માત્ર ૧૨,૩૬૦ જેટલી છે. આ રીતે, મારું કહેવું એ છે કે નજીકના ભવિષ્યમાં હિંદી મત યુરોપિયન મતને ગળી જશે એ ભય તદ્દન પાયા વિનાનો છે. હિંદીઓની મતદાર યાદીનું નીચેનું પૃથક્કરણ એ પણ બતાવે છે કે મોટાભાગના હિંદી મતદારો એવા હિંદીઓ છે જેઓ ઘણા લાંબા સમયથી સંસ્થાનમાં સ્થિર થઈને રહેલા છે, જેમની ઓળખાણ હું મેળવી શકયો છું એવા ૨૦પમાંના માત્ર ૩૫ એક વખતે ગિરમીટ નીચેના હિંદીઓ હતા અને તેઓ બધા ૧૫થી વધારે વર્ષ થયાં સંસ્થાનમાં મોજૂદ છે.
હિંદી મતદારોના વસવાટનો ગાળો અને જે હિંદી મતદારો એક વાર ગિરમીટ નીચે હતા તેમની સંખ્યા બતાવતો કોઠો :
૪ વર્ષના વસવાટ | ૧૩ |
૫ થી ૯ " " | ૫૦ |
૧૦ થી ૧૩ " " | ૩૫ |
૧૪ થી ૧૫ " " | ૫૯ |
જેઓ એક વાર ગિરમીટ નીચે હતા, પણ જેઓ ૧૫ વર્ષથી
વધારે અને ઘણા દાખલાઓમાં ૨૦ વર્ષથી વધારે સમય થયાં સંસ્થાનમાં રહ્યા છે એવા | |
મુક્ત હિંદીઓ | ૩૫ |
સંસ્થાનમાં જન્મેલા | ૯ |
દુભાષિયાઓ | ૪ |
વર્ગીકૃત નહીં થયેલા | ૪૬ |
૨૫૧ |
અલબત્ત આ કોઠાને કોઈ પણ રીતે પૂરેપૂરો સાચો નહીં કહી શકાય, આમ છતાં મારો એવો ખ્યાલ છે કે અત્યારના હેતુ માટે એ પૂરતો સાચો છે. આ રીતે આ આંકડાઓ ઉપરથી જે કાંઈ કહી શકાય તે એ છે કે ગિરમીટ નીચે આવતા હિંદીઓ, મતદારની યાદી ઉપર ચડવા માટેની મિલકતની પૂરતી લાયકાત મેળવવાને શક્તિમાન થવા, ૧૫ વર્ષ કે તેથી વધારે સમય લે છે. અને ગિરમીટમુક્ત થયેલી હિંદીઓની વસ્તીને જો છોડી દેવામાં આવે તો એકલી વેપારી વસ્તી મતદારયાદીને કદી ઊભરાવી કાઢી શકે એવું કોઈ પણ વ્યક્તિ કહી નહીં શકે. એ ઉપરાંત, આ ગિરમીટમુક્ત થયેલા ૩૫માંના મોટા ભાગના હિંદીઓ વેપારીઓને દરજજે પહોંચી ગયા છે. જેઓ મૂળમાં પોતાને ખરચે અહીં આવ્યા છે તેમનામાંના મોટા ભાગના લોકોને મતદારોની યાદી પર ચડી શકવામાં લાંબો સમય લાગ્યો છે જેમની ઓળખાણ હું મેળવી શકયો નથી એવા ૪૬ જણમાંના ઘણા તેમનાં નામો ઉપરથી વેપારી વર્ગના હોય એવું જણાય છે. સંસ્થાનમાં જ જન્મ થયેલો હોય એવા ઘણા હિંદીઓ સંસ્થાનમાં મોજૂદ છે. તેઓ શિક્ષણ પણ પામેલા છે અને છતાં મતદારોની યાદી ઉપર તેમાંના માત્ર ૯ જ લોકો છે. એ ઉપરથી દેખાય છે કે તેઓ એટલા બધા ગરીબ છે કે તેમને જરૂર પૂરતી લાયકાત મળી શકી નથી. એટલે, એકંદરે જોતાં એવું દેખાશે કે હાલની યાદીને ધોરણ તરીકે સ્વીકારીએ તો એ ભય કાલ્પનિક જ છે કે હિંદીઓનો મત ધમકીરૂપ બને એટલા પ્રમાણમાં વધી જશે. ૨૦૫ માંથી ૪૦ ઉપરાંત લોકો કાં તો અવસાન પામ્યા છે અગર સંસ્થાન છોડી ચાલી ગયા છે. નીચેના કોઠામાં હિંદી મતદારોની યાદીનું ધંધા મુજબનું પૃથક્કરણ કર્યું છે :
વેપારી વર્ગ
દુકાનદારો | ૯૨ | ફળ વેચનારા | ૪ |
વેપારીઓ | ૩૨ | નાના વેપારીઓ | ૧૧ |
સોનીઓ | ૪ | કલઈ કરનારા | ૧ |
ઝવેરીઓ | ૩ | તંબાકુના વેપારીઓ | ૨ |
કંદોઈઓ | ૧ | વીશી ચલાવનારા | ૧ |
૧૫૧ |
કારકુનો અને મદદનીશો
કારકુનો | ૨૧ | દુભાષિયાઓ | ૪ |
હિસાબનીશો | ૬ | દુકાનના ગુમાસ્તા | ૫ |
નામુ લખનારા | ૧ | હજામો | ૨ |
વેચનારા | ૬ | દારૂની દુકાનનો નોકર | ૨ |
શિક્ષક | ૧ | મેનેજરો | ૨ |
ફોટોગ્રાફર | ૧ | ||
૫૦ |
માળીઓ અને બીજાઓ
શાકભાજીના વેપારી | ૧ | ગાડાંવાળા | ૪ |
ખેડૂતો | ૪ | પોલીસ સિપાઈ | ૫ |
ઘરગથ્થુ નોકરો | ૫ | મજૂરો | ૨ |
માછી | ૧ | વેટર (હોટલબૉય) | ૨ |
માળીઓ | ૨૬ | રસોઈયા | ૨ |
દીવાબત્તી કરનારા | ૩ | ||
૫૦ | |||
૨૫૦ |
હું ધારું છું કે મતદારોની યાદીને લાયકાત વિનાના અથવા સૌથી નીચલા વર્ગના હિંદીઓ વડે ઊભરાવી દેવાના ભયને દૂર કરવામાં, પૂર્વગ્રહ વિનાના લોકોને આ પૃથક્કરણથી પણ મદદ મળવી જોઈએ. કારણ કે આમાં સૌથી મોટી સંખ્યા વેપારી વર્ગની અથવા કહેવાતા “આરબ ” વર્ગની છે, કાંઈ નહીં તો એ લોકો મત આપવાને તદ્દન લાયકાત વિનાના નથી એટલું સ્વીકારવામાં આવ્યું છે.
જેમને બીજાં મથાળાં નીચે વર્ગીકૃત કરવામાં આવ્યા છે તેઓ કાં તો વેપારી વર્ગના અથવા હિંદીઓના એવા વર્ગના છે જેમને ઠીક ઠીક સારું એવું અંગ્રેજી શિક્ષણ મળેલું છે.
જેઓ ત્રીજા વર્ગના છે તેમને વધારે ઊંચા વર્ગના મજૂરો કહી શકાય. તેઓ સરેરાશ ગિરમીટિયા હિંદીઓ કરતાં ઘણા ઊંચા છે. એ લોકો, જેમણે ૨૦ વર્ષથી વધારે સમયથી પોતાના કુટુંબ સાથે સંસ્થાનમાં વસવાટ કર્યો છે અને જેઓ કાં તો મિલકત ધરાવે છે અથવા સારુંસરખું ભાડું ભરે છે તેઓ છે. હું એ પણ કહી દઉં કે જો મારી માહિતી સાચી હોય તો મોટા ભાગના આ મતદારો તેમની પોતાની માતૃભાષા વાંચી અને લખી શકે છે. આ રીતે જો હાલની હિંદી મતદારોની યાદી ભવિષ્યને માટે એક માર્ગદશિકાની ગરજ સારવાની હોય અને એમ માની લઈએ કે મતાધિકારની લાયકાત હાલ છે એ જ રહેવાની હોય તો એ યાદી યુરોપિયન દ્રષ્ટિબિંદુથી ઘણી સંતોષકારક છે. તેનું પ્રથમ કારણ એ છે કે સંખ્યાની દૃષ્ટિએ હિંદીઓની મતદાન સંખ્યા ધણી જ કંગાળ છે અને બીજું કારણ મોટાભાગના (૩/૪ થી વધારે) હિંદી મતદારો વેપારી વર્ગના છે. એ વાતનો પણ ખ્યાલ રખાવો જોઈએ કે સંસ્થાનમાં વેપાર કરતા હિંદીઓની સંખ્યા લાંબા સમય સુધી લગભગ તેની તે રહેશે. કારણ કે એક બાજુથી દર મહિને ઘણા લોકો આવે છે, જ્યારે એટલી જ સંખ્યા હિંદ જવા માટે નીકળે છે લગભગ અપવાદ વિના આવનારા લોકો જનારાઓની જગ્યા લે છે.
અત્યાર સુધી મેં બંને કોમોના સ્વાભાવિક માનસિક વલણની વાતને મારી દલીલોમાં જરા પણ સ્થાન આપ્યું નથી પણ માત્ર આંકડાઓની જ ચર્ચા કરી છે. આમ છતાં આ સ્વાભાવિક માનસિક વલણને બંનેની રાજદ્વારી પ્રવૃત્તિ સાથે ઓછી લેવાદેવા નહીં હશે. એ હકીકત વિષે મતભેદને સ્થાન નહીં હોઈ શકે કે નિયમ તરીકે હિંદીઓ રાજકારણમાં સક્રિય રીતે માથું નથી મારતા. તેમણે કોઈ પણ જગ્યાએ કદી રાજદ્વારી સત્તા ઝૂંટવી લેવાનો પ્રયાસ નથી કર્યો. તેમનો ધર્મ (પછી તે ધર્મ મુસ્લિમ હોય કે હિંદુ હોય, માત્ર નામનો ફરક કરવાથી યુગોની શીખ ભૂંસી કાઢી શકાતી નથી.) તેમને દુન્યવી પ્રવૃત્તિઓ તરફ ઉદાસીન રહેવાનું શીખવે છે. સ્વાભાવિક રીતે જ જ્યાં સુધી તેઓ માનભરી રોજી કમાઈ શકે છે ત્યાં સુધી તેમને સંતોષ રહે છે. હું એ વાત કહેવાની છૂટ લઉં છું કે, જો તેમની વેપારરોજગારની પ્રવૃત્તિઓને છુંદી નાખવાનો પ્રયાસ કરવામાં નહીં આવ્યો હોત, તેમને સમાજમાં અસ્પૃશ્યોને દરજજે ઉતારી પાડવાના પ્રયાસો નહીં કરવામાં આવ્યા હોત અને એ પ્રયાસોને વારંવાર બેવડાવાયા નહીં હોત, હકીકતમાં તેમને કાયમને માટે "લાકડાં ચોરનારા અને પાણી ભરનારા"ની હાલતમાં રાખી મૂકવાનો, એટલે ગિરમીટની હાલતમાં અથવા એને ખૂબ જ મળતી આવતી હાલતમાં રાખી મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હોત તો મતાધિકાર બાબતનું આંદોલન ઊભું જ થયું ન હોત. હું તો એનાથી પણ આગળ જઈશ. મને એ વાત કહેવામાં સંકોચ થતો નથી કે હજી હાલ પણ રાજદ્વારી અાંદોલન શબ્દોના સાચા અર્થમાં કોઈ પણ જાતનું એવું આંદોલન અસ્તિત્વમાં નથી. પણ ભારે કમનસીબીની વાત એ છે કે અખબારો હિંદીઓને આ પ્રકારના આંદોલનના ઉત્પાદક તરીકે બતાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હિંદીઓને તેમના હક મુજબના ધંધા રોજગાર ચલાવવાની છૂટ આપો, તેમને અપમાનિત કરવાના પ્રયાસ બંધ કરો, તેમની જોડે સામાન્ય રીતનો દયામાયાનો વર્તાવ રાખો, તો પછી મતાધિકારનો કોઈ પ્રશ્ન રહેશે નહીં, કારણ કે પછી તેઓ પોતાનાં નામો મતદારોની યાદી ઉપર દાખલ કરાવવાની તસ્દી સરખી પણ લેશે નહીં.
પરંતુ એવું કહેવામાં આવ્યું છે, અને તે પણ જવાબદાર વ્યક્તિઓ તરફથી કે થોડા જ હિંદીઓને રાજદ્રારી સત્તા જોઈએ છે અને તે થોડા મુસલમાન ચળવળખોરો છે અને ભૂત- કાળના અનુભવને આધારે હિંદઓએ એ વસ્તુ શીખવી જોઈએ કે તેમને માટે મુસલમાન રાજ્ય સર્વનાશ લાવનારું નીવડશે. આમાંનું પહેલું કથન પાયા વિનાનું છે અને છેલ્લું કથન ભારેમાં ભારે કમનસીબી ભરેલું અને દુ:ખદાયક છે. જો રાજદ્રારી સત્તા હાંસલ કરવાનો અર્થ વિધાનસભામાં ગાં.—૧૪ પ્રવેશ મેળવવો એવો થવાનો હોય તો રાજદ્વારી સત્તા હાંસલ કરવાનું સંપૂર્ણ રીતે અશકય છે. આવાં કથન પાછળ એવી ધારણા રહેલી છે કે સંસ્થાનમાં અંગ્રેજી ભાષાનું ઊંચું જ્ઞાન ધરાવતા ઘણા તવંગર હિંદીઓ મોજૂદ છે. આમ જોઈએ તો સંસ્થાનમાં પૈસાપાત્ર હિંદીઓની વાત અલગ રાખીએ તો બહુ ઓછા તવંગર હિંદીઓ છે અને એક ધારાસભ્યની ફરજો અદા કરવાને શક્તિમાન હોય એવો તો કદાચ એકે નહીં હોય. અને તેનું કારણ રાજકારણ સમજવાને કોઈ પણ શક્તિમાન નથી એ નથી પણ એક ધારાસભ્ય પાસે આશા રાખી શકાય એવું અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવનાર કોઈ નથી એ છે. બીજું કથન એ સંસ્થાનમાંના હિંદુઓને મુસલમાનો સાથે લડાવી મારવાનો પ્રયાસ છે. સંસ્થાનમાંનો કોઈ પણ જવાબદાર માણસ આવી આપત્તિની આકાંક્ષા જ કેવી રીતે રાખી શકે એ વાત ઘણી જ આશ્ચર્યકારક છે. હિંદુસ્તાનમાં આવા પ્રયાસોનાં પરિણામો બહુ જ ખતરનાક આવ્યાં છે અને તેનાથી બ્રિટિશ અમલનું કાયમીપણું સુધ્ધાં ભયમાં મુકાયું છે. આ સંસ્થાનમાં, જયાં બંને વગે ખૂબ જ ભાઈચારાથી સાથે રહેલા છે ત્યાં આવા પ્રયાસો કરવા એ ખૂબ જ નુકસાનકારક છે.
બધાં હિંદીઓને મતાધિકારમાંથી બાદ રાખવા એ ભારે અન્યાયભરેલું થશે એ વાત હવે સ્વીકારવામાં આવે છે એ એક તંદુરસ્ત ચિહ્ન છે. કેટલાક લોકોનો એવો ખ્યાલ છે કે કહેવાતા આરબોને મતાધિકાર અપાવો જોઈએ, કેટલાક માને છે કે એમનામાંથી પસંદગી કરવી જોઈએ અને બીજા કેટલાક માને છે કે ગિરમીટિયા હિંદીઓને કદી પણ મતાધિકાર મળવો નહીં જોઈએ. છેલ્લું સૂચન સ્ટેગરનું છે, અને તે ખૂબ જ વિનોદભર્યું છે. જો એ સૂચન પ્રમાણે વર્તવામાં આવે તો માત્ર તે જ લોકોને નાતાલમાં મતનો અધિકાર મળી શકશે, જેઓ પોતે હિંદુસ્તાનમાં મતના અધિકારી હતા એવું સાબિત કરી શકે, માત્ર ગરીબ હિંદીઓ માટે જ આવો નિયમ શા માટે? જો એ વ્યવસ્થા સૌ કોઈને લાગુ પડતી હોત તો તેઓ એનો વાંધો લેત એવું હું નથી માનતો. અને આવા સંજોગેામાં સંસ્થાનમાં મતદારોની યાદી ઉપર નામો ચડાવવામાં જો યુરોપિયનો પણ મુસીબત અનુભવે તો તેથી મને આશ્ચર્ય નહીં થશે, કારણ કે સંસ્થાનમાં એવા કેટલા યુરોપિયનો છે જેમનાં નામો જે રાજયોમાંથી તેઓ આવ્યા છે ત્યાંની મતદારની યાદી પર ચડેલાં હોય? પરંતુ જો આ વિધાન યુરોપિયનોની બાબતમાં કરવામાં આવ્યું હોત તો એની સામે સખતમાં સખત રોષ પ્રગટ કરવામાં આવ્યો હોત. હિંદીઓની બાબતમાં એને ગંભીરપણે સ્વીકારી લેવામાં આવ્યું છે.
એવું પણ કહેવામાં આવ્યું છે કે હિંદીઓ 'એક હિંદીને એક મત' માટે આંદોલન ચલાવે છે. મારું કહેવું એ છે કે આ કથન બિલકુલ નાપાયાદાર છે, અને તેનો હેતુ હિંદી કોમ સામે નાહકનો પૂર્વગ્રહ ઊભો કરવાનો છે. હું માનું છું કે હાલનું મિલકત અંગેનું લાયકાતનું ધોરણ કાયમને માટે નહીં તો કાંઈ નહીં તો હાલને માટે યુરોપિયન મતોનું ઊંચું સંખ્યાબળ જાળવી રાખવાને પૂરતું છે, પરંતુ, જો યુરોપિયન સાંસ્થાનિકોનો ખ્યાલ જુદો હોય તો હું માનું છું કે કોઈ પણ હિંદી બુદ્ધિપુર:સરની અને સાચી કેળવણીની લાયકાત સામે અને હાલ છે એના કરતાં વધારે મોટી મિલકતની યોગ્યતા સામે વાંધો લેશે નહીં. હિંદીઓ જે વાતનો વાંધો લે છે અને લેશે તે છે રંગભેદ કે જાતિભેદના ધોરણે ઊભી કરાયેલી ગેરલાયકાત. સમ્રાજ્ઞીની હિંદી પ્રજાને ખૂબ જ ગંભીરતાથી વારંવાર બાંયધરી આપવામાં આવી છે કે જાતિને કે ધર્મને કારણે તેમના ઉપર કોઈ પણ જાતની ગેરલાયકાતો કે નિયંત્રણો મૂકવામાં આવશે નહીં. અને આ બાંયધરી કોઈ લાગણીનાં કે ભાવનાનાં કારણોસર નહીં પણ લાયકાતની સાબિતીને કારણે અપાઈ હતી અને તેનું પુનરુચ્ચારણ કરવામાં આવ્યું હતું. આશ્વાસનનો પ્રથમ સૂર એ પછી કાઢવામાં આવ્યો હતો જયારે નિ:શંક રીતે એ વાતની ખાતરી કરી લેવામાં આવી હતી કે કોઈ પણ ભય વિના હિંદીઓ જોડે સમાનતાના ધોરણે વર્તાવ રાખી શકાય એમ છે, તેઓ રાજ્યને ખૂબ જ વફાદાર તથા કાનૂનનું પાલન કરનારા છે અને બીજી કોઈ નહીં પણ માત્ર આ જ શરતોને આધારે હિંદુસ્તાન ઉપરનો બ્રિટિશ રાજ્યનો કાબૂ કાયમને માટે જાળવી રાખી શકાય એમ છે. એટલું હું જણાવું કે ઉપરની બાંયધરીમાં ગંભીર ક્ષતિઓ આવી છે એ કાંઈ એના અસ્તિત્વની નક્કર હકીકતના નકારરૂપે હોઈ નહીં શકે. હું ધારું છું કે આ ક્ષતિઓ એ નિયમરૂપ બાંયધરીને સાબિત કરવા માટેના અપવાદો જ રહેશે, તે કાંઈ એને બાજૂએ મૂકી નહીં દે. કારણ કે જો મારી પાસે પૂરતો સમય અને પૂરતી જગ્યા હોત અને જે વાચકોની ધીરજની કસોટી કરવાનો ડર મને નહીં હોત તો હું એવા સંખ્યાબંધ દાખલાઓ ટાંકી શકું જેમાં ૧૮૫૮ના ઢંઢેરાનું સખતાઈથી પાલન કરવામાં આવ્યું હોય અને હાલની ઘડીએ પણ હિંદુસ્તાનમાં અને બીજી જગ્યાએ એનું પાલન થઈ રહ્યું છે, અને નક્કી આ પ્રસંગ કાંઈ એમાંથી ચળવા માટેનો નથી. એટલે મને કહેવા દો કે હિંદીઓ જાતિવિષયક ગેરલાયકાતો સામે વિરોધ કરવાને અને તેમનો વિરોધ માન્ય થશે એવી અપેક્ષા રાખવાને પૂરેપૂરા વાજબી ઠરે છે. આટલું કહ્યા બાદ, હું મારા સાથી બંધુઓ તરફથી ખાતરી આપું છું કે તેઓ મતાધિકાર બાબતના એવા કોઈ કાનૂન સામે વાંધો ઉઠાવવાનો વિચાર નહીં કરશે, જે મતદારોની યાદી પરથી વાંધાભરેલા માણસોને દૂર રાખવા માટે અથવા, ભવિષ્યમાં હિંદીઓની મતસંખ્યા સૌથી મોટી નહીં થઈ જાય તેની સામે જોગવાઈ કરવા માટે યોજવામાં આવ્યો હોય. મારો વિશ્વાસ છે કે જે અજ્ઞાન હિંદીઓ પાસેથી તેઓ મતની કિંમત કદાચ સમજે એવી અપેક્ષા પણ નહીં રાખી શકાય. તેમને મતદારોની યાદી ઉપર ચડાવવામાં આવે એ જોવાની હિંદીઓની ઈચ્છા નથી. એમનું કહેવું એવું છે કે બધા એવા નથી, અને વત્તેઓછે અંશે એવા લોકો બધી જ જાતિઓમાં મળી આવે છે. દરેક સાચી રીતે વિચાર કરનારા હિંદીનો ઉદ્દેશ બની શકે ત્યાં સુધી યુરોપિયન સાંસ્થાનિકોની ઇચ્છાઓને અનુકૂળ થવાનો છે. તેઓ યુરોપિયન અને બ્રિટિશ સાંસ્થાનિકોની સામે થઈને આખો રોટલો લેવાને બદલે તેમાંથી ટુકડો જતો કરવાનું પસંદ કરશે. આ વિનંતીનો હેતુ કાનૂન ઘડનારાઓ અને યુરોપિયન સાંસ્થાનિકોને એવી પ્રાર્થના કરવાનો છે કે તેઓ જરૂર હોય તો એવો જ કાનૂન ઘડે અથવા એવા જ કાનૂનનું સમર્થન કરે કે જે એની અસર નીચે આવનારાઓને પણ મંજૂર હોય. સ્થિતિને વધારે સ્પષ્ટ કરવાને આ પ્રશ્ન વિષે સૌથી આગળપડતા સાંસ્થાનિકોએ શો વિચાર કર્યો છે તે હું એક સરકારી હેવાલમાંથી ઉતારા આપીને બતાવવાની છૂટ લઈશ.
પાછલી વિધાનસભાના એક સભ્ય, મિ. સૉન્ડર્સ ફક્ત આટલે સુધી જઈ શકતા હતા:
- આ સહીઓ આખી હોવી જોઈએ, તે મતદારના પોતાના હસ્તાક્ષરમાં અને યુરોપિયન લિપિમાં હોવી જોઈએ, માત્ર આવી વ્યાખ્યા, એશિયાટિક માનસ અંગ્રેજ માનસને ગળી જશે એવા એક છેડેના જોખમને ખાળવામાં ઘણી મદદગાર થશે. (अफेर्स ऑफ नाताल,સી.: ૩૭૯૬-૧૮૮૩)
એ જ પુસ્તકના પા. ૭ ઉપર વસાહતીઓના માજી સંરક્ષક (પ્રોટેક્ટર ઓફ ઇમિગ્રન્ટ્સ) કૅપ્ટન ગ્રેવ્ઝ કહે છે :
- હું એવો અભિપ્રાય ધરાવું છં કે જે હિંદીઓએ પોતાનો તથા પોતાનો કુટુંબનો ભાડું ભર્યા સિવાય હિંદુસ્તાન પાછા ફરવાનો દાવો જતો કર્યો છે તેઓ જ મતાધિકારના વ્યાજબી રીતે હકદાર છે. એ વાતનો અહીં ખ્યાલ રહેવો જોઈએ કે કૅપ્ટન ગ્રેવ્ઝે આ શબ્દો એના ખાતાએ માન્ય
રાખેલા હિંદીઓ એટલે ગિરમીટિયા હિંદીઓ વિષે કહ્યા છે.
ભૂતપૂર્વ ઍટર્ની જનરલ અને હાલના મુખ્ય ન્યાયાધીશ કહે છે :
- એ વસ્તુ દેખાઈ આવશે કે મેં જે કાનૂનનો ખરડો તૈયાર કર્યો છે તેમાં પ્રવર સમિતિની ભલામણો ઉપરથી લેવામાં આવેલી કલમો સમાવવામાં આવી છે. એ કલમોમાં મિ. સૉન્ડર્સના પત્રમાં જણાવાયેલી યોજનાઓમાંની એક યોજના અમલમાં મૂકવાની જોગવાઈ કરવામાં આવી છે, જયારે પરદેશીઓને ખાસ રીતે અયોગ્ય ઠરાવવા માટેની દરખાસ્ત સ્વીકારવાનું સલાહભર્યું મનાયું નથી.
એ જ પુસ્તકના પા. ૧૪ ઉપર તેઓ ફરીથી કહે છે :
- સંસ્થાનના સામાન્ય કાનૂન નીચે બધી રીતે નહીં આવતી હરેક રાષ્ટ્રની કે જાતિની બધી વ્યક્તિઓને મતાધિકારના હકમાંથી વંચિત રાખવાની દરખાસ્તની વાત કરીએ તો આ જોગવાઈ સ્પષ્ટ રીતે જ આ સંસ્થાનની હિંદી અને ક્રિઓલ વસ્તી હાલમાં જે મતનો અધિકાર ભોગવી રહી છે તેના ઉપર હુમલો કરે છે. આ પહેલાં મેં ક્રમાંક ૧૨ના મારા હેવાલમાં કહ્યું જ છે તેમ હું આ પ્રકારના કાનૂનનું વાજબીપણું કે ઉપયોગિતા માન્ય કરી શકતો નથી.
આ સરકારી હેવાલ મતાધિકારના સવાલ ઉપર ઘણું રસપ્રદ વાચન પૂરું પાડે છે અને તે સ્પષ્ટ રીતે બતાવે છે કે તે વખતે ખાસ ગેરલાયકાતનો વિચાર સાંસ્થાનિકોને અપ્રિય હતો.
મતાધિકાર સંબંધમાં ભરવામાં આવેલી અનેક સભાઓના હેવાલો ઉપરથી દેખાય છે કે વક્તાઓએ એકસરખી એવી દલીલો કરી છે કે જે દેશ યુરોપિયનોનું લોહી રેડીને જિતાયો છે અને જે આજે જેવો છે તેવો યુરોપિયનોને હાથે સર્જાયો છે તેનો કબજો હિંદીઓને કરવા દેવામાં આવશે નહીં. એ હેવાલો પરથી એ પણ દેખાય છે કે આ સંસ્થાનમાં હિંદીઓ પ્રત્યે વિના આમંત્રણે ઘૂસી આવનાર તરફ રાખવામાં આવે એવો વર્તાવ રખાય છે. આમાંની પહેલી વાત વિષે હું એટલું જ કહી શકું કે હિંદીઓએ આ દેશ માટે પોતાનું લોહી રેડ્યું નથી એટલા ખાતર જો તેમને કોઈ પણ ખાસ હકો અપાવાના ન હોય તો પછી યુરોપમાંનાં બીજાં રાજયોમાંથી આવેલા યુરોપિયનોને પણ તેવા હકો મળવા નહીં જોઈએ. એવી પણ દલીલ કરી શકાય કે ઇંગ્લંડથી આવનારા પ્રવાસીઓએ પણ પ્રથમ આવેલા ગોરા રહેવાસીઓના ખાસ રક્ષવામાં આવેલા હકો ઉપર તરાપ મારવી નહીં જોઈએ, અને એ વાત નક્કી છે કે જો લોહી રેડવાની શરતને લાયકાતનું ધોરણ માનવામાં આવે અને જો બ્રિટિશ સાંસ્થાનિકો બીજાં બ્રિટિશ સંસ્થાનોને બ્રિટિશ સામ્રાજયના અંગ તરીકે માનતા હોય તો હિંદીઓએ બ્રિટિશ રાજ્ય માટે અનેક પ્રસંગોએ તેમનું લોહી રેડયું છે. ચિત્રાલની લડાઈ એ એનો સૌથી તાજો દાખલો છે.
સંસ્થાનનું ઘડતર યુરોપિયનોને હાથે થયું છે અને હિંદીઓ ઘૂસી આવનારા છે એ સંબંધમાં હું એવું કહેવા માગં છું કે બધી જ હકીકતો આનાથી તદ્દન ઊલટી જ વાત સાબિત કરે છે.
મારા પોતા તરફથી કોઈ પણ ટીકા-ટિપ્પણ કર્યા સિવાય હવે હું ઉપર દર્શાવાયેલા હિંદી વસાહતી કમિશનના હેવાલમાંથી ઉતારાઓ ટાંકીશ. જે હેવાલ જોવા આપવા માટે હું પ્રવાસીઓના સંરક્ષકનો આભારી છું. પા. ૯૮ ઉપર કમિશનના સભ્યોમાંના એક મિ. સૉન્ડર્સ કહે છે :
- હિંદી પ્રવાસીઓના આવવાથી સમૃદ્ધિ વધી ચીજોના ભાવો ઊંચા ચડયા. લોકો હવે પોતાનો માલ નામની કિંમતે પેદા કરવા કે વેચવામાં સંતોષ માનતા નથી. તેઓ વધારે કમાણી કરી શકે છે, લડાઈ તેમ જ ઊન, ખાંડ વગેરેના ઊંચા ભાવો સમૃદ્ધિને ટકાવી રાખે છે અને તેને લઈને હિંદીઓ જેનો વેપાર કરતા હતા એવી સ્થાનિક પેદાશની ચીજોની કિંમત પણ ઊંચી રહેવા લાગી.
પા. ૯૯ ઉપર તેઓ કહે છે :
- હું આ પ્રશ્નનનો વ્યાપક જાહેર હિતના પ્રશ્ન તરીકે ફરીથી વિચાર કરું છું. એક વસ્તુ નક્કી છે કે ગોરા લોકો નાતાલમાં કે દક્ષિણ આફ્રિકાના બીજા કોઈ પણ ભાગમાં માત્ર લાકડાં ચીરનારા કે પાણી ખેંચનારા બનવા માટે વસવાટ કરશે નહીં, એના કરતાં તો તેઓ વિસ્તારવાળા અંદરના ભાગોમાં અથવા સમુદ્ર રસ્તે આપણને છોડીને ચાલ્યા જશે. એક બાજુથી આ વાત સાચી છે ત્યારે બીજી બાજુથી આપણા તેમ જ બીજાં સંસ્થાનોના સરકારી કાગળો સાબિત કરે છે કે હિંદી મજૂરોને દાખલ કરવાથી જમીનની અને એના ખાલી પડેલા વિસ્તારની છૂપી પડેલી શક્તિ ખીલી નીકળે છે અને વધે છે અને સાથે સાથે એનાથી ગોરા પ્રવાસીઓને નફાકારક કામ આપવાનાં અનેક અણધાર્યા ક્ષેત્રો પણ ખૂલે છે.
- આ વાતને આપણા પોતાના અનુભવો કરતાં બીજું કાંઈ પણ વધારે સ્પષ્ટપણે સાબિત નથી કરતું, જો આપણે ૧૮૫૯ની સાલ તરફ નજર કરીએ તો આપણને એ દેખાશે કે હિંદી મજૂરો મળવાના ખાતરીપૂર્વકના વચનને પરિણામે સરકારી આવકમાં તાત્કાલિક વૃદ્ધિ થઈ જે થોડાં જ વર્ષોમાં ચારગણી વધવા પામી. યંત્રકામ કરનારા મિસ્ત્રીઓ, જેમને કામ નહોતું મળતું અને રોજની ૫ શિલિંગ કે તેથીયે ઓછી કમાણી હતી તેમની રોજી બમણી કરતાં પણ વધી ગઈ, અને આ પ્રગતિને લઈને શહેરથી સમુદ્રપર્યંતના દરેક જણને ઉત્તેજન મળ્યું, પણ થોડાં વર્ષો બાદ સંકટનો ઘંટ વાગ્યો (આ ઘંટનો અવાજ પાયાદાર હતો) કે બધે એકસાથે આ[૧] બંધ કરવામાં આવશે, (જે હું ખોટો હોઉં તો રેકર્ડ મોજૂદ છે) એટલે મહેસૂલ અને રોજી એકદમ નીચે આવી ગયાં; પ્રવાસીઓનું આવવું રોકાઈ ગયું, ભરોસો ઊઠી ગયો, અને બધે મુખ્ય વાત કાપકૂપ અને પગાર ઘટાડાની વિચારાવા લાગી. વળી બીજો એક ફેરફાર આવ્યો.. થોડાં વર્ષ બાદ ૧૮૭૩માં (૧૮૬૮માં હીરાઓની શોધ થયા બાદ લાંબા સમય પછી) હિંદીઓને ફરીથી લાવવાનાં તાજાં વચને ધારી અસર કરી, એટલે મહેસૂલની આવક, રોજની મજૂરીના દરો અને પગારો ઊંચા ચડી ગયા અને ઝટ કાપકૂપ ભૂતકાળની ચીજ ગણાવા લાગી. (આજે એવું હોય તો કેવું સારું !)
આના જેવા દસ્તાવેજી કાગળોની હકીકતથી બધી વાત એની મેળે સ્પષ્ટ થાય છે અને તે છોકરવાદીભરી જાતિવિષયક લાગણીવેડાને અને હીન ઈર્ષ્યાખોરીને ચૂપ કરી દે છે.
બિનગોરા મજૂરોના આવવાથી ગોરા વસવાટ કરનારાઓના કલ્યાણ પર થતી અસરના એક વધારાના એ જ પ્રકારના સમર્થનમાં માન્ચેસ્ટરના ડયૂકના એક ભાષણ
- ↑ હિંદી મજૂરોની ભરતી
તરફ મને તમારું ધ્યાન ખેંચવા દો. ડયૂક પોતે સાંસ્થાનિકોનાં હિતો સાથે ઘણા જ ઓતપ્રોત થયેલા છે. તેઓ તાજેતરમાં જ કિવન્સલૅન્ડથી પાછા ફર્યા હતા. તેમણે તેમના શ્રોતાઓને કહ્યું કે બિનગોરા મજૂરો દાખલ કરવા સામેનું ત્યાંનું આંદોલન ખુદ ગોરા વસવાટ કરનારાઓને માટે ખૂબ જ ખતરનાક નીવડયું હતું. તેઓ એવી આશા રાખતા હતા કે બિનગોરા મજૂરોને આવતા અટકાવીને તેઓ હરીફાઈને નાબૂદ કરી દેશે. તેઓ ભૂલથી એવું માનતા હતા કે આ હરીફાઈ તેમને કામ વિનાના બનાવી રહી છે.
પા. ૧૦૦ ઉપર એ જ સજજન આગળ કહે છે :
જેટલે અંશે સ્વતંત્ર હિંદી વેપારીઓ, એમની હરીફાઈ અને તેને પરિણામે જેનાથી જનતાને ફાયદો થાય છે (અને છતાં વિચિત્ર વાત તો એ છે કે એની એ ફરિયાદ કરે છે) એવા વપરાશની ચીજોના ભાવોમાં થયેલા ઘટાડાને સંબંધ છે તેટલે અંશે એ વાત સ્પષ્ટપણે બતાવવામાં આવી છે કે આ હિંદી દુકાનોને ગોરા વેપારીઓની મોટી પેઢીઓએ ખાસ કરીને પોષી છે અને આજે પણ તે પોષી રહી છે. આ રીતે એ લોકો આ હિંદી વેપારીઓને પોતાનો માલ ખપાવવા માટેના લગભગ નોકર જેવા બનાવી દે છે.
તમે ઈચ્છતા હો તો તમે હિંદીઓને આવતા રોકી દો, આજે જે ખાલી ઘરો પૂરતાં નહીં હોય તો આરબો અને હિંદીઓને કાઢીને વધારે ખાલી કરો; આ લોકો એમાં રહે છે અને અડધીથી પણ ઓછી વસ્તીવાળા દેશની ઉત્પાદનની અને વાપરવાની શક્તિમાં ઉમેરો કરે છે. પણ આપણે તપાસની આ એક બાબતનાં પરિણામોને, બીજી બાબતોના ઉદાહરણ તરીકે ગણીને વિગતે તપાસીએ. આપણે એ તપાસીએ કે ખાલી પડેલાં ઘરો કેવી રીતે મિલકત અને સરકારી લોનોના ભાવોને ઘટાડી દે છે, આની પાછળ કેવી રીતે બાંધકામના ધંધામાં અને એવા બીજા ધંધાઓમાં તથા તેના પર આધાર રાખતી પુરવઠા માટેની દુકાનોમાં મંદી આવે છે. એ જુઓ કે કેવી રીતે આનું પરિણામ ગોરા યાંત્રિકો માટેની ઘટતી જતી માગમાં આવે છે અને આટલા બધા લોકોની ખર્ચ કરવાની શક્તિમાં મંદી આવવાથી પછી કેવી રીતે સરકારી આવકમાં તૂટ પડવાની સંભાવના ઊભી થાય છે અને તેમાંથી નોકરોની સંખ્યામાં કાપકૂપની અથવા કર વધારાની અથવા બંનેની જરૂર ઊભી થાય છે. આ પરિણામનો અને વિગતે ગણતરી નહીં કરી શકાય એવાં બીજાં અસંખ્ય પરિણામોનો મુકાબલો કરો અને જો આંધળા જાતિવિષયક લાગણીવેડા અગર ઈર્ષાનો જ વિજય થવાનો હોય તો તેમ થવા દો.
મિ. હેન્રી બિસે કમિશન આગળ નીચેની મતલબની જુબાની આપી (પા. ૧૫૬ ) :
- મારા અભિપ્રાય પ્રમાણે સ્વતંત્ર હિંદી વસ્તી કોમ કે સમાજનો સૌથી ઉપયોગી વર્ગ છે. આ હિંદીઓનો એક મોટો સમૂહ સામાન્ય રીતે ધારી લેવામાં આવે છે તેના કરતાં ખૂબ જ મોટો સમૂહ સંસ્થાનમાં નોકરી કરે છે. ખાસ કરીને તેઓ ગામડાંઓમાં અને શહેરોમાં ઘરોના નોકરો તરીકે રોકાયેલા છે. તેઓ મોટા પાયા ઉપર માલ ઉત્પન્ન કરનારા છે, અને થોડી તસ્દી લઈને મેં જે માહિતી એકઠી કરી છે તેના ઉપરથી હું એવાં અનુમાન ઉપર આવ્યો છું કે સ્વતંત્ર હિંદીઓએ છેલ્લાં બે ત્રણ વર્ષ થયાં દર વર્ષ લગભગ ૧,૦૦,૦૦૦ મણ મકાઈ પેદા કરી છે, એ ઉપરાંત મોટા જથ્થામાં તંબાકુ અને બીજી ચીજો પેદા કરી છે. સ્વતંત્ર હિંદીઓની વસ્તી હસ્તીમાં આવી તે પહેલાં પિટરમૅરિત્સબર્ગ અને ડરબન શહેરોમાં ફળ, શાકભાજી અને મચ્છી, બજારમાં આવતી
નહોતી. હાલમાં આ બધી ચીજો જોઈએ એટલી મળે છે.
યુરોપથી આવનારા વસાહતીઓમાં જેમણે શાકભાજી ઉગાડનારા કે મચ્છીમારો બનવાની થોડી પણ વૃત્તિ બતાવી હોય એવા કોઈ માણસો આપણને કદી મળ્યા નથી. અને મારો એવો અભિપ્રાય છે કે સ્વતંત્ર હિંદી વસ્તી નહીં હોત તો પિટરમૅરિત્સબર્ગ અને ડરબનનાં બજારો દસ વર્ષ પહેલાં હતાં તેવાં જ આજે પણ પુરવઠાની તંગીવાળાં રહેત.
. . . જો કુલીઓના પ્રવેશને કાયમને માટે બંધ કરવામાં આવ્યો હોત તો યુરોપિયન મિસ્ત્રીઓને અપાનારી રોજીના દર ઉપર કદાચ આમ કે તેમ અસર નહીં થાત, પણ એ બંધ કર્યા બાદ બહુ થોડા સમયમાં તેમને માટે આજે છે એટલું કામ રહેતે નહીં. હિંદી મજૂરો સિવાય ગ્રામપ્રદેશની ખેતી કદી ચલાવાઈ નથી અને કદી ચલાવી શકાશે નહીં.
ભૂતપૂર્વ એટર્ની જનરલ અને હાલના વડા ન્યાયાધીશે કમિશન આગળ પોતાની જુબાની નીચે મુજબ આપી (પા. ૩૨૭):
મારા અભિપ્રાય મુજબ જેમને દાખલ કરવામાં આવ્યા છે એવા સંખ્યાબંધ હિંદીઓએ સમુદ્ર કિનારાના પ્રદેશમાં મોટે અંશે ગોરા વસાહતીઓની નિષ્ફળતાની ખોટ પૂરી દીધી છે. તેમણે બીજી રીતે વણખેડાયેલી રહે એવી જમીનને ખેતીના ઉપયોગમાં આણી છે. અને તેમાં સંસ્થાનવાસીઓને ખરેખરો ફાયદો થાય એવા પાકો પકવ્યા છે. જે અનેક લોકોએ હિંદ પાછા ફરવાના ભાડાનો લાભ નથી ઉઠાવ્યો તેઓ વિશ્વાસપાત્ર અને ઉપયોગી ઘરકામ કરનારા નોકરો સાબિત થયા છે.
ગિરમીટમુક્ત અને સ્વતંત્ર બંને વર્ગના હિંદીઓ એકંદરે સંસ્થાનને ઘણા ઉપયોગી નીવડયા છે, એ વાત હજી પણ વધારે જોરદાર પુરાવાઓ વડે સાબિત થઈ શકે એમ છે. કમિશનના સભ્યો એમના હેવાલમાં પા. ૮૨ ઉપર કહે છે :
૧૯. તેઓ મચ્છી પકડવામાં અને તેની દેખભાળ રાખવામાં વખાણવાજોગ ઉદ્યમ બતાવે છે. ડરબન ઉપસાગરમાં સૅલિસબરી ટાપુ ઉપરના હિંદી માછીમારોની વસાહત માત્ર હિંદીઓને જ નહીં પણ સંસ્થાનના ગોરા રહેવાસીઓને પણ ચોખ્ખો ફાયદો કરનારી નીવડી છે.
૨૦. . . . ઊંડાણના ભાગમાં તેમ જ કિનારા ઉપરના જિલ્લાઓના સંખ્યાબંધ વિભાગોમાં તેમણે પડતર અને બિનઉપજાઉ જમીનને, જેમાં શાકભાજી, તમાકુ, મકાઈ અને ફળઝાડ ઉગાડવામાં આવ્યાં છે એવા બગીચાઓમાં ફેરવી નાંખી છે. જે લોકો ડરબન અને પિટરમૅરિત્સબર્ગની નજીકમાં વસ્યા છે તેઓ પોતાને માટે સ્થાનિક બજારોને શાકભાજી પૂરી પાડવાનું કામ લગભગ સંપૂર્ણપણે મેળવવામાં સફળ થયા છે. એવું બન્યું જ હોવું જોઈએ કે આ સ્વતંત્ર હિંદીઓની હરીફાઈએ જે ગોરા સાંસ્થાનિકો પાસે એક વાર આ વેપારનો ઈજારો હતો તેમને નુકસાન પહોંચાડયું હોય. . . . સ્વતંત્ર હિંદીઓ પ્રત્યે ન્યાયની દૃષ્ટિએ જોતાં આપણે કહેવું જોઈએ કે હરીફાઈનું સ્વરૂપ કાયદેસરનું છે અને એકંદરે સમાજના બધા વર્ગોએ ચોકસપણે એનું સ્વાગત કર્યું છે. મળસકેના ઊઠીને હિંદી ફેરિયાઓ, સ્ત્રી, પુરુષ, પ્રૌઢો અને બાળકો સૌ પોતાના માથા ઉપર ભારે ટોપલાઓ રાખીને એક ઘરથી બીજે ઘર ઉઘમપૂર્વક જાય છે અને એ રીતે હવે શહેરીઓને દરરોજ પોતાના આંગણામાં સસ્તા ભાવે ગુણકારી શાકભાજી અને ફળો વેચાતાં મળી શકે છે. આ માલ તેઓ થોડાં વર્ષ પહેલાં ઘણા ઊંચા ભાવે જાહેર બજારોમાં પણ ખાતરીપૂર્વક મેળવી શકતા નહોતા.
વેપારીઓના સંબંધમાં કમિશનના સભ્યોના હેવાલમાં પા. ૭૪ પર કહેવાયું છે:
અમને એ બાબતમાં પાકી ખાતરી થઈ ગઈ છે કે સંસ્થાનની સારી હિંદી વસ્તી સામે યુરોપિયન સાંસ્થાનિકોના મનમાં જે રોષ જોવામાં આવે છે તે આ આરબ વેપારીઓની યુરોપિયન વેપારીઓ સાથે હરીફાઈ કરવાની ચોખ્ખી શક્તિમાંથી પેદા થયેલો છે, અને ખાસ કરીને એવા વેપારીઓ સાથેની હરીફાઈ કે જેમણે પોતાનું ધ્યાન બીજી ચીજો અને ખાસ કરીને ચાવલ કે જે મોટે ભાગે હિંદી વસાહતી વસ્તી ખાય છે તે પૂરી પાડવામાં રોકેલું હતું. . . .
અમારો ખ્યાલ એવો છે કે આ આરબ વેપારીઓ, વસાહતી કાનૂનો મુજબ લાવવામાં આવેલા હિંદીઓની હાજરીને કારણે નાતાલમાં આકર્ષાઈને આવ્યા છે. હાલમાં સંસ્થાનમાં જે ૩૦,૦૦૦ વસાહતીઓ મોજૂદ છે તેમનો મુખ્ય ખોરાક ચાવલ છે. અને આ ચતુર વેપારીઓએ એ વસ્તુ પૂરી પાડવામાં પોતાની કુનેહ અને શક્તિને એવી તો સફળતાપૂર્વક કામે લગાડી કે બધા વાપરનારાઓ માટે આગલાં વર્ષોમાં એની કિંમત એક ગૂણની ૨૧ શિલિંગ હતી ત્યાંથી ઊતરીને ૧૮૮૪માં ૧૪ શિલિંગ ઉપર આવી. . . .
એવું કહેવાય છે કે કાફર લોકો આરબો પાસેથી છ કે સાત વર્ષ પહેલાં જે ભાવો હતા તેના કરતાં ૨પથી ૩૦ ટકા ઓછા ભાવે માલ ખરીદી શકે છે.
કેટલાક લોકો એશિયાઈ અથવા "આરબ" વેપારીઓ સામે જે પ્રતિબંધ મૂકનારો કાનૂન કરાવવા ઇચ્છે છે તેની લંબાણથી ચર્ચા કરવાનું અમારા કમિશનના ક્ષેત્રમાં નથી. एटले अमे लांबा निरीक्षणना आधारे अमारा ए दृढ अभिप्रायनी नोंध करवामां संतोष मानीए छीए के आ वेपारीओनी हाजरी आखा संस्थानने माटे हितकारी नीवडी छे अने तेमनी विरुध्ध कानुन बनाववानुं अन्यायी नहीं होय तोपण डहापणभर्यु नहीं नीवडशे (નાગરી મેં કર્યુ છે)
૮. . . . લગભગ એ બધા લોકો મુસલમાનો છે. તેઓ કાં તો માદક પીણાથી પૂરેપૂરા દૂર રહેનારા હોય છે અથવા તેનો બહુ મર્યાદામાં ઉપયોગ કરે છે. તેઓ સ્વભાવે કરકસર કરનારા છે અને કાનૂનોને તાબે થનારા છે.
કમિશન આગળ જે ૭૨ યુરોપિયન સાક્ષીઓએ જુબાની આપી તેમાંથી જેઓ સંસ્થાન ઉપર અસર કરનારા હિંદીઓની સંસ્થાનમાંની હાજરી બાબતમાં બોલ્યા તેમાંના લગભગ દરેક જણે એવું કહ્યું છે કે સંસ્થાનના કલ્યાણ માટે એમની હાજરી અનિવાર્ય છે. મેં કાંઈક લંબાણથી ઉતારા આપ્યા છે. તેમાંથી મારો ખ્યાલ એવી દલીલ કરવાનો નથી કે હિંદીઓને મતાધિકાર આપવો જ જોઈએ (એ તો એમની પાસે છે જ), પણ મારે તો એ આક્ષેપનો રદિયો આપવો છે કે હિંદી ઘૂસણિયો છે અને તેને સંસ્થાનની સમૃદ્ધિ સાથે કશો સંબંધ નથી.. "હાથ કંકણને વળી આરસીની શી જરૂર." આ વિષેની ઉત્તમ સાબિતી એ છે કે હિંદીઓ વિરુદ્ધ ભલે ગમે તેવી વાતો થતી હોય, તોપણ તેમની હજી માગણી થયા કરે છે, સંરક્ષકનું ખાતું હિંદી મજૂરો માટેની માગણીને પહોંચી વળવાને શક્તિમાન નથી. ૧૮૯૫ની સાલના વાર્ષિક હેવાલના પા. ૫ ઉપર સંરક્ષક કહે છે:
- ગયા વર્ષને છેડે આખા વર્ષની ઠરેલી સંખ્યા પૂરી કરવામાં ૧,૩૩૦ માણસોની ઘટ
બાકી રહી હતી. આ સંખ્યા ઉપરાંત ૧૮૯૫માં ૨,૭૬૦ માણસોને બોલાવવા માગણી થઈ, એ મળીને સરવાળો ૪,૦૯૦નો થયો. એ સંખ્યામાંથી હેવાલના વર્ષમાં ૨,૦૩૨ લોકો આવ્યા. (મદ્રાસથી ૧,૦૪૯ અને કલકત્તાથી ૯૮૩) એટલે ગયા વર્ષની ઠરેલી સંખ્યા પૂરી કરવા માટે આ વર્ષમાં આવવાના ૨,૦૫૮ જેટલા લોકો બાકીમાં રહ્યા (એમાંથી જેમની માગણી રદ થઈ છે એટલા ૧૨ ઓછા).
જો હિંદીઓ ખરેખર જ સંસ્થાનને માટે નુકસાનકારક હોય તો સૌથી સારી અને સૌથી ન્યાયી રીત વધુ વસાહતીઓ લાવવાનું બંધ કરવું એ જ છે. એટલે વખત જતાં હાલની હિંદી વસ્તી સંસ્થાનને વધુ તકલીફ આપશે નહીં. જેને ગુલામી જ કહી શકાય એવી હાલતમાં તેમને લાવવા એ ભાગ્યે જ ન્યાયસંગત છે.
જો આ અપીલથી હિંદી મતાધિકાર સામે ઊભા કરવામાં આવેલા જુદા જુદા વાંધાઓનો થોડો પણ સંતોષકારક જવાબ મળ્યો હોય; જો વાચકને અમારી ભારપૂર્વક કહેલી એ વાત મંજૂર હોય કે હિંદીઓને પક્ષે મતાધિકારનું આંદોલન એ વિરોધી અાંદોલનમાંથી ફલિત થતા સ્વમાનભંગ સામે ઉઠાવવામાં આવેલો વાંધો માત્ર છે અને એ રાજદ્વારી સત્તા કે પ્રભાવ મેળવવાનો પ્રયાસ નથી, તો હું નમ્રપણે માનું છ કે હું વાચકોને હિંદીઓના મતાધિકારનો અડીજડીને વિરોધ કરવાનો નિશ્ચય કરતાં પહેલાં થોભી જવાને અને વિચારવાને કહું તો તે યોગ્ય જ થશે. જોકે "બ્રિટિશ પ્રજા"ના વિચારને અખબારોએ એક ગાંડપણ અને ધૂન ગણી કાઢીને ફગાવી દીધો છે, છતાં એનો આશરો લીધા વિના મારો છૂટકો નથી. એના સિવાય કોઈ પણ જાતનું મતાધિકારનું આંદોલન થઈ શકયું ન હોત. એના વિના કદાચ રાજ્ય આશ્રયે થયેલું વસાહતીની ભરતીનું કામ પણ બન્યું ન હોત. જો હિંદીઓ બ્રિટિશ પ્રજા નહીં હોત તો તેમનું નાતાલમાં આવવાનું ઘણુંખરું અશકય બન્યું હોત. એટલે હું દક્ષિણ આફ્રિકામાં રહેતા દરેક અંગ્રેજને અરજ ગુજારું છું કે તે "બ્રિટિશ પ્રજા"ના વિચારને પોતાના મનમાંથી નજીવો ગણીને કાઢી નહીં નાખે. ૧૮૫૮ની સાલનો ઢંઢેરો એ સમ્રાજ્ઞીનું ઘણુંખરું તેમની પ્રજાએ માન્ય કરેલું પગલું હતું. કારણ કે એ કાંઈ મનસ્વીપણે ભરાયું નહોતું. પણ તે વખતના એમના સલાહકારોની સલાહ મુજબ એ ભરાયું હતું અને તેમનામાં મતદારોએ પોતાના મત આપીને સંપૂર્ણ વિશ્વાસ મૂકેલો હતો. હિંદુસ્તાન ઇંગ્લંડના કબજા હેઠળ છે અને ઇંગ્લંડ કાંઈ હિંદુસ્તાન ઉપરનો તેનો કબજો છોડવા ઇચ્છતું નથી. એક અંગ્રેજના એક હિંદી પ્રત્યેના એકેએક કૃત્યની, અંગ્રેજો અને હિંદીઓ વચ્ચેના આખરી સંબંધો ઘડવામાં, કાંઈ ને કાંઈ અસર પડયા વિના રહેવાની નથી, એ ઉપરાંત એ વાત તો સાચી જ છે કે હિંદીઓ બ્રિટિશ પ્રજા છે એટલા જ કારણસર તેઓ આજે દક્ષિણ આફ્રિકામાં છે. કોઈને પસંદ પડે કે ન પડે તોપણ તેમને નભાવી લેવાના છે. તો પછી એ વધારે સારું નથી કે એવું કાંઈ પણ કામ નહીં થવું જોઈએ કે જેથી બંને જાતિઓ વચ્ચેની લાગણીઓમાં નાહક કડવાશ પેસી નહીં જાય?, ઉતાવળાં અનુમાનો બાંધવાથી અથવા તો આધાર વિનાની માન્યતાઓના પાયા ઉપર અનુમાનો બાંધવાથી એ વાત બિલકુલ અસંભવિત નથી કે અજાણપણે હિંદીઓને અન્યાય થઈ જાય.
મારું કહેવું એ છે કે બધા વિચારશીલ માણસોના મનમાં પ્રશ્ન એ નહીં હોવો જોઈએ કે હિંદીઓને સંસ્થાનમાંથી હાંકી કેવી રીતે કાઢવામાં આવે (કારણ કે એ અશકય છે) પણ તે એ હોવો જોઈએ કે આ બંને કોમો વચ્ચે સંતોષકારક સંબંધો કેવી રીતે સ્થાપી શકાય. સૌથી સ્વાર્થી દૃષ્ટિબિંદુથી પણ, મને કહેવા દો કે હિંદીઓ પ્રત્યે દુશ્મનાવટ અને દ્વેષનું વલણ રાખવામાંથી કાંઈ પણ સારું પરિણામ આવી નહીં શકે સિવાય કે પોતાના પડોશી પ્રત્યે પોતાના મનમાં મૈત્રીવિરોધી લાગણી જન્માવવામાં કાંઈ આનંદ આવતો હોય. આવી નીતિ બ્રિટિશ બંધારણને અને બ્રિટિશ પ્રજાની ન્યાય અને ઉચિત વ્યવહારની સમજને પ્રતિકૂળ છે. અને સૌથી વિશેષ એ હિંદી મતાધિકાર સામે વાંધો લેનારાઓ જેનો દાવો કરે છે એવા ખ્રિસ્તી ધર્મની ભાવનાની દ્રોહી છે.
હું અખબારોને, દક્ષિણ આફ્રિકાભરના જાહેર જનતાના સેવકોને અને ધર્મગુરુઓને ખાસ ભારપૂર્વક વિનંતી કરું છું : લોકમત તમારા હાથમાં છે. તમે જ એને ઘડો છો અને માર્ગદર્શન આપો છો. અત્યાર સુધી અખત્યાર કરવામાં આવેલી નીતિ જ ચાલુ રાખવી બરાબર અને યોગ્ય છે કે કેમ એ તમારે વિચારવાનું છે. અંગ્રેજ તરીકે તથા લોકમતના અગ્રણીઓ તરીકે તમારી ફરજ બંને કોમોમાં ફૂટ પડાવવાની નહીં પરંતુ તેમને સાથે લાવી એક કરવાની છે.
હિંદીઓમાં અનેક દોષો રહેલા છે, અને બેશક, તેઓ બંને પ્રજાઓ વચ્ચે આજે લાગણીઓની જે અસંતોષકારક દશા પ્રવર્તે છે તેને માટે કેટલેક અંશે જવાબદાર છે.
વારંવાર મેં અખબારોમાં વાંચ્યું છે અને સાંભળ્યું પણ છે કે હિંદીઓને કોઈ પણ બાબતમાં કશી ફરિયાદ કરવાની નથી. હું કહું છું કે ન તો તમે કે ન તો અહીંના હિંદીઓ નિષ્પક્ષ અભિપ્રાય બાંધવાને શક્તિમાન છે. એટલે હું તમારું ધ્યાન સંપૂર્ણપણે બહારના જાહેર મત તરફ, ઇંગ્લંડ અને હિંદનાં અખબારો તરફ દોરું છું. આ જાહેર મત, હિંદીઓ પાસે ફરિયાદનાં વજૂદવાળાં કારણો છે. એવા નિર્ણય ઉપર આવવામાં લગભગ એકમત છે. અને આ બાબતમાં હું અનેક વાર થયેલાં એ કથનનો અસ્વીકાર કરું છું કે આ બહારનો અભિપ્રાય દક્ષિણ આફ્રિકામાંથી હિંદીઓએ મોકલેલા અતિશયોક્તિભર્યા હેવાલો ઉપર નિર્ભર છે. ઇંગ્લંડ અને હિંદમાં મોકલાતા હેવાલો વિષે કાંઈક જાણવાનો દાવો હું કરું છું. એને આધારે મને એટલું કહેતાં સંકોચ નથી થતો કે મોકલવામાં આવેલા હેવાલોમાં લગભગ હમેશાં ભૂલ અલ્પોક્તિ કરવાની થઈ છે. એવું એકે વિધાન કરવામાં નથી આવ્યું જેનું સમર્થન દોષરહિત પુરાવાઓ વડે નહીં થઈ શકે. પણ સૌથી નોંધપાત્ર બીના તો એ છે કે જે હકીકતોને સ્વીકારી લેવામાં આવી છે તેની બાબતમાં કોઈ મતભેદને સ્થાન નથી. આ સ્વીકારી લેવામાં આવેલી હકીકતો ઉપર આધાર રાખતો બહારનો અભિપ્રાય એ છે કે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ પ્રત્યે સલૂકાઈનો વર્તાવ રાખવામાં આવતો નથી. હું ઉદ્દામ મત ધરાવતા અખબાર, धि स्टारમાંથી લીધેલો માત્ર એક ઉતારો રજૂ કરીશ. જગતના સૌથી સૌમ્ય અખબાર धि टाइम्सનો અભિપ્રાય દક્ષિણ આફ્રિકામાં દરેક જણને જાણીતો છે.
૧૮૯૫ની સાલના ઓકટોબરની ૨૧મી તારીખનું धी स्टार, મિ. ચેમ્બરલેન પાસે પહોંચેલા પ્રતિનિધિમંડળ વિષે નોંધ લખતાં કહે છે :
- બ્રિટિશ હિંદી પ્રજાજનો ઉપર જે ધૃણાજનક સિતમો ગુજરી રહ્યા છે તેને ખુલ્લા પાડવાને આ વિગતો પૂરતી છે, નવું હિંદી વસાહતી કાનૂન સુધાર વિધેયક જેનો ઉદ્દેશ હિંદીઓને લગભગ ગુલામીની દશાએ મૂકી દેવાનો છે એ બીજું ઉદાહરણ છે. એ વિધેયક એક ભયંકર અન્યાય, બ્રિટિશ પ્રજાજનોની માનહાનિ, એના ઘડવૈયાઓને માટેનું એક લાંછન અને ખુદ અમારા ઉપરનું એક કલંક છે. દરેક અંગ્રેજ એ વસ્તુ જોવાને સજગ છે કે તે દક્ષિણ આફ્રિકાના વેપારીઓના વાણિજ્યલોભને એવા લોકો ઉપર તીવ્ર અન્યાય લાદવા ન દે કે જેઓ ઢંઢેરા વડે અને કાયદાઓ વડે કાનૂનની નજરમાં આપણી
સાથે સમાન દરજજે મુકાયેલા છે.
જો હું તમને માત્ર એટલી ખાતરી કરાવી શકું કે દક્ષિણ આફ્રિકામાં હિંદીઓ પ્રત્યે 'ભારેમાં ભારે દયાભાવ' બતાવાયો નથી, અને હાલમાં ત્યાં જે દશા પ્રવર્તે છે તેને માટે યુરોપિયનો પણ ઠપકાપાત્ર બને છે તો આખા હિંદી પ્રશ્નની શાંત વિચારણા માટેનો રસ્તો ખુલ્લો થઈ જશે. અને કદાચ સંબંધ ધરાવતા બંને પક્ષોને સમાધાન થાય એ રીતે, બ્રિટિશ સરકાર તરફની કોઈ પણ જાતની દરમિયાનગીરી સિવાય એ પ્રશ્નનો ઉકેલ આવી જશે. આ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન ઉપર ધર્માચાર્યોએ મૂંગા શા માટે રહેવું જોઈએ? આ પ્રશ્ન મહત્ત્વપૂર્ણ એટલા ખાતર છે કે દક્ષિણ આફ્રિકાના ભવિષ્ય ઉપર એની અસર પડે છે. તેઓ તદ્દન શુદ્ધ એવા રાજકારણમાં જરૂર ભાગ લે છે. હિંદીઓને મતાધિકારથી વંચિત કરવાનો આગ્રહ રાખવાને ગોઠવાયેલી સભાઓમાં તેઓ જરૂર હાજરી આપે છે. પણ આ કાંઈ માત્ર રાજદ્વારી પ્રશ્ન નથી. શું તેઓ એક આખી પ્રજાને વગર સમજની દ્વેષબુદ્ધિને કારણે અધોગતિ પામતી અને અપમાનિત થતી જોઈ રહેશે અને શાંત બેસી રહેશે ?
હું ફરીથી એક વાર કહું છું કે હિંદીઓને કોઈ રાજદ્વારી સત્તા જોઈતી નથી. તેઓ મતાધિકાર છીનવાઈ જવામાંથી નીપજતાં અને તેના ઉપર નિર્ભર એવાં અપમાનો અને બીજાં ઘણાં પરિણામો અને પગલાંઓથી ડરે છે અને તેમનો વિરોધ કરે છે.
છેવટે, જેઓ આ વાંચશે અને એમાં ચર્ચેલા વિષય બાબતમાં પોતાનો અભિપ્રાય પ્રગટ કરશે તે લોકોનો હું અત્યંત આભારી થઈશ. ઘણા યુરોપિયનોએ હિંદીઓ માટે ખાનગીમાં પોતાની સહાનુભૂતિ દર્શાવી છે અને તેમણે હિંદી મતાધિકાર સંબંધમાં સંસ્થાનમાં ભરાયેલી અનેક સભાઓમાં પસાર થયેલા આકરા ઠરાવો તરફ તથા તેમાં કરવામાં આવેલાં ભાષણોના કડવાશભર્યા સૂર તરફ દૃઢતાપૂર્વક નાપસંદગી દર્શાવી છે. જો આ સજજનો આગળ આવીને પોતાની માન્યતા પ્રગટ કરવાની હિંમત બતાવશે તો તેમને ચોગુણો બદલો મળશે. તેઓ સંસ્થાનમાંના ૪૦,૦૦૦ હિંદીઓની, સાચું પૂછો તો આખા હિંદુસ્તાનની કૃતજ્ઞતા હાંસલ કરશે; અને હિંદી લોકો સંસ્થાન માટે શાપરૂપ છે એ ખોટા ખ્યાલને યુરોપિયનોના મનમાંથી દૂર કરીને તેઓ સંસ્થાનની સાચી સેવા કરશે; તેઓ એક પ્રાચીન જાતિના અમુક ભાગને, એમની જાણમાં દક્ષિણ આફ્રિકાભરમાં અસ્તિત્વમાં છે એવા બિનજરૂરી જુલમમાંથી છોડાવીને અથવા છોડાવવામાં મદદ કરીને માનવજાતની સેવા કરશે. અને અંતમાં છતાં મહત્ત્વમાં ઓછું નહીં એવું તેઓ ઉમદામાં ઉમદા અંગ્રેજો સાથે મળીને ઇગ્લંડ અને હિંદને જોડનારી પ્રેમ અને શાંતિની સાંકળના અંકોડાના ઘડવૈયા બનશે. નમ્રપણે હું એટલું જણાવીશ કે આવી સિદ્ધિ હાંસલ કરવામાં પહેલ કરનારાઓને જે થોડોઘણો ઉપહાસ વેઠવો પડશે તે એળે ગયેલો નહીં ગણાશે. બે કોમોને અલગ કરવાનું ઘણું સહેલું છે, તેમને પ્રેમની રેશમી દોરી વડે બાંધીને એક કરવાનું તેટલું જ મુશ્કેલ છે. પણ તો પછી જે પ્રત્યેક વસ્તુ મેળવવા લાયક હોય છે તે ભારે મુસીબત અને ચિંતા વેઠવા જેટલી કીંમતી પણ હોય છે.
આ બાબત અંગે નાતાલ હિંદી કૉંગ્રેસના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તેને વિષે ઘણી ગેરસમજ કરવામાં આવી છે. એક જુદી પુસ્તિકામાં[૧] એના ઉદ્દેશો અને કાર્યપદ્ધતિની સંપૂર્ણ ચર્ચા કરવામાં આવશે.
- ↑ ૧. અા મળતી નથી.
અને એ સભામાં એક વિચિત્ર ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ માનનીય સજજન તરફ વધારેમાં વધારે માન સાથે એમના એ કથન સામે હું વાંધો ઉઠાવું છું કે હિંદીઓ હંમેશાં ગુલામીની દશામાં રહેતા આવ્યા છે અને તે કારણસર તેઓ સ્વરાજ ભોગવવાને નાલાયક છે. જોકે એમણે પોનાના કથનના સમર્થનમાં ઇતિહાસની મદદ લીધી છે, છતાં હું હિંમતથી એટલું કહું કે એ કથનનું ઇતિહાસ સમર્થન કરતો નથી. પ્રથમ તો હિંદનો ઇતિહાસ મહાન સિકંદરના આક્રમણની તારીખથી શરૂ નથી થતો, પણ હું એટલું કહેવાની છૂટ લઉં છું કે તે સમયનું હિંદ આજના યુરોપની સરખામણીમાં ઘણું ચડિયાતું માલૂમ પડશે. એ મારા વિધાનના સમર્થનમાં હું એમને હંટરે લખેલા इन्डियन एम्पायर પુસ્તકના પા. ૧૬૯-૭૦ ઉપર આપેલું ગ્રીકોએ કરેલું હિંદનું વર્ણન વાંચવાની સલાહ આપું છું. એનો થોડો ભાગ મારા "ખુલ્લા પત્ર"માં ઉતારવામાં આવ્યો છે. તો પછી એ તારીખ પહેલાંના સમયના હિંદનું શું માનવું? ઈતિહાસ કહે છે કે આર્યોનું ઘર હિંદ નહોતું પણ તેઓ મધ્ય એશિયામાંથી આવ્યા હતા, અને એની એક શાખા હિંદમાં આવી અને તેણે પોતાનું સ્થાન ત્યાં જમાવ્યું અને બીજી શાખાઓ યુરોપ ગઈ. ઇતિહાસ કહે છે કે એ સમયની સરકાર, એ શબ્દના સાચામાં સાચા અર્થમાં કહીએ તો સભ્ય સરકાર હતી. આખું આર્ય સાહિત્ય એ સમયે સર્જાયું હતું. સિકંદરના સમયનું હિંદ પડતીને રસ્તે વળેલું હિંદ હતું. જ્યારે બીજાં રાષ્ટ્રો હજી તો રચાયાં પણ નહોતાં ત્યારે હિંદ પ્રગતિની ટોચે પહોંચ્યું હતું. અને આ યુગના હિંદીઓ એ જાતિના વંશજો છે. એટલે એમ કહેવું કે હિંદીઓ, પહેલેથી જ ગુલામી દશામાં રહ્યા છે એ ભાગ્યે જ સાચું છે. બેશક, હિંદ અજેય સાબિત નથી થયું. જો મતાધિકાર છીનવી લેવાનું આ જ કારણ હોય તો મારે એ સિવાય કશું કહેવાનું નથી કે કમનસીબે આ બાબતમાં દરેક રાષ્ટ્ર ખામીભર્યું જ નીવડવાનું. એ વાત સાચી છે કે ઇંગ્લંડ હિંદ ઉપર એનો "રાજદંડ ચલાવે છે". હિંદીઓ એ બીનાથી શરમાતા નથી. બ્રિટિશ તાજ નીચે રહેવામાં એઓ ગૌરવ અનુભવે છે કારણ કે તેઓ માને છે કે ઇંગ્લંડ હિંદનું ઉદ્ધારક પુરવાર થવાનું છે. સૌથી તાજુબીભરી વાત તો એ દેખાય છે કે બાઈબલમાંના માનીતા રાષ્ટ્રની માફક હિંદની જનતા સદીઓના જુલમ અને ગુલામી છતાં હજી પણ અદમ્ય રહી છે. અને ઘણા બ્રિટિશ લેખકો એવું માને પણ છે કે હિંદ પોતાની સંમતિથી ઇંગ્લંડના તાબામાં રહેલું છે.
પ્રોફેસર સીલી કહે છે :
- હિંદનાં રાજયો એવાં લશ્કર વડે જિતાયાં છે જેનો સરેરાશ પાંચમો હિસ્સો જ અંગ્રેજોનો બનેલો હતો. જેનાથી એની સત્તા નિર્ણયાત્મક રીતે સ્થપાઈ હતી એવી કંપનીની શરૂ શરૂની લડાઈઓમાં એટલે આરકોટના ઘેરા વખતે, પ્લાસીમાં, બકસારમાં કંપનીને પક્ષે હમેશાં યુરોપિયનો કરતાં દેશી સિપાઈઓની સંખ્યા મોટી જોવામાં આવી છે. અને એમાંથી આગળ આપણે એ વાતની નોંધ લઈએ કે દેશી સિપાઈઓ સારું નહીં લડયાની કે અંગ્રેજોએ યુદ્ધનો આખો બોજો પોતાના ઉપર ઓઢી લેવાની વાતો આપણે સાંભળી નથી; . . . . પણ, જો એક વાર એ વાત સ્વીકારી લેવામાં આવે કે સિપાઈઓની સંખ્યા અંગ્રેજો કરતાં હમેશાં મોટી રહી હતી અને સૈનિકો તરીકે તેઓ કુશળતામાં અંગ્રેજોની બરોબરીમાં રહ્યા હતા તો પછી એ આખો જ સિદ્ધાંત જમીનદોસ્ત થઈ જાય છે કે જે આપણી સફળતાને આપણામાં રહેલી શૂરવીરતાની અગાધ એવી કુદરતી સરસાઈને કારણે હોવાનું ગણાવે છે.–ડિગબીનું इन्डिया फॉर इन्डियन्स एन्ड फॉर इंग्लंड.
- હેવાલ મુજબ આ માનનીય સજજને[૧] એ પણ કહ્યું છે:
- નાતાલમાં અમને (સાંસ્થાનિકોને) ચોકસ સંજોગોમાં જવાબદાર રાજતંત્ર સોંપવામાં આવ્યું હતું. અમારાં વિધેયકને મંજૂરી આપવાની આપે ના પાડી તેને લઈને આ સંજોગો બિલકુલ બદલાઈ ગયા છે. આપે એક એવી ખતરનાક પરિસ્થિતિ પેદા કરી દીધી છે કે આપે અમને જે અધિકાર સોંપ્યો હતો તે આપને પરત કરી દેવાની અમારી સ્પષ્ટ ફરજ થઈ પડી છે.
આ બધું સત્ય બીનાથી કેટલું વિરુદ્ધ છે ! એમાં એવું માની લેવાયું છે કે હવે બ્રિટિશ સરકાર હિંદી મતાધિકારને સંસ્થાનને માથે મારવાનો પ્રયાસ કરે છે, જયારે સાચી બીના એ છે કે જવાબદાર સરકાર એને સત્તા સોંપતી વખતે જે પરિસ્થિતિ હતી તેમાં મહત્ત્વનો ફેરફાર કરવાનો પ્રયાસ કરી રહી છે. તો પછી ડાઉનિંગ સ્ટ્રીટમાં બેઠેલી સરકાર જો એવું કહે તો તેને યોગ્ય નહીં ઠરાવી શકાય કે "અમુક નિશ્ચિત સંજોગોમાં અમે તમને જવાબદાર રાજતંત્ર સોંપ્યું. ગયા વર્ષનાં તમારાં વિધેયકથી પેદા થયેલી પરિસ્થિતિને કારણે એ સંજોગો હવે તદ્દન ફરી ગયા છે. તમે આખા બ્રિટિશ બંધારણ અને ન્યાયના બ્રિટિશ ખ્યાલને એવા તો ભયજનક થાય એવા સંજોગો ઊભા કર્યા છે કે અમારી એ ચોખ્ખી ફરજ થઈ પડે છે કે તમને જેના પર બ્રિટિશ બંધારણ આધાર રાખે છે એવા પાયાના સિદ્ધાંતો સાથે રમત કરવા નહીં દેવી."
મારું કહેવું એ છે કે જે સમયે જવાબદાર રાજતંત્ર સ્વીકારવામાં આવ્યું તે સમયે મિ. મેડનનો વાંધો યોગ્ય માની શકાયો હોત. યુરોપિયન સાંસ્થાનિકોએ હિંદીઓનો મતાધિકાર છીનવી લેવાની વાતનો આગ્રહ રાખ્યો હોત તો તેમને કદી જવાબદાર રાજતંત્ર અપાયું હોત કે કેમ એ વળી બીજો જ પ્રશ્ન છે.
ટી. એલ. કલિંગવર્થ, મુદ્રક, ૪૦ ફિલ્ડસ્ટ્રીટ ડરબન, ૧૮૯૫ એમણે છાપેલી પુસ્તિકા ઉપરથી.
- ↑ ૧. આ નિર્દેશ મિ. મેડન વિષે છે. જુઓ પા. ૨૨૦.