લખાણ પર જાઓ

ગાંધીજીનો અક્ષર દેહ - ૧/હિંદી મતાધિકાર (धि नाताल मर्क्युरीને પત્ર)-૧

વિકિસ્રોતમાંથી
← નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસનો પહેલો હેવાલ ગાંધીજીનો અક્ષરદેહ
હિંદી મતાધિકાર (धि नाताल मर्क्युरीને પત્ર)-૧
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
હિંદી મતાધિકાર(धि नाताल मर्क्युरीને પત્ર)-૨ →


૫૮. હિંદી મતાધિકાર
ડરબન,

સપ્ટેમ્બર ૨, ૧૮૯૫

તંત્રીશ્રી, धि नाताल मर्क्युरी

સાહેબ,

દક્ષિણ આફ્રિકાના હિંદીઓ વિષેના તાજેતરના તારો બાબતમાં આપે જે તંત્રી નોંધ લખી છે તે વિષે થોડા વિચારો રજૂ કરવાની હું છૂટ લેવા ઈચ્છું છું. આપે એ વાત પહેલી જ વાર નથી કરી કે દક્ષિણ આફ્રિકાના લોકો હિંદીઓને સમાન રાજદ્રારી હકો આપવાને એટલા ખાતર વાંધો લે છે કે તેઓ હિંદમાં આ હકો ભોગવતા નથી. આપે એ પણ કહ્યું છે કે તેઓ હિંદમાં જે હકો ભોગવતા હોય તે હકો તેમને આપવા સામે આપ વાંધો નહીં લો. બીજે ઠેકાણે મેં કહ્યું છે તેમ, હું અહીં ફરીથી કહું છું કે હિંદમાં હિંદીઓ, કાંઈ નહીં તો સિદ્ધાંતમાં, યુરોપિયનો જોડે સમાન રાજદ્રારી હકો જરૂર ભોગવે છે. ૧૮૩૩નો અધિકારપત્ર અને ૧૮૫૮નો ઢંઢેરો, હિંદીઓને સમ્રાજ્ઞીની બીજી પ્રજાઓ ભોગવે છે તે બધા જ હકો અને ખાસ હકોની ખાતરી આપે છે. અને આ સંસ્થાનમાંના તેમ જ દક્ષિણ આફ્રિકાના બીજા ભાગોમાંના હિંદીઓ જો આવી જ જાતના સંજોગોમાં તેઓ ભારતમાં ભોગવી શકે તેટલા જ હકો અહીં ભોગવી શકે તો તેથી તેમને પૂરો સંતોષ થશે.

હિંદુસ્તાનમાં, જ્યારે પણ યુરોપિયનોને મત આપવા દેવામાં આવે છે ત્યારે હિંદીઓને તેમાંથી બાકાત રાખવામાં આવતા નથી. જો યુરોયિપનોને મ્યુનિસિપલ ચૂંટણીમાં મત આપવાનો અધિકાર હોય છે તો હિંદીઓને પણ હોય છે. જો યુરોપિયનો લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્યોને ચૂંટી શકે અથવા જાતે ચૂંટાઈ શકે તો હિંદીઓ પણ તેમ કરી શકે છે. જો યુરોપિયનો રાત્રે નવ વાગ્યા બાદ છૂટથી બહાર હરીફરી શકે તો હિંદીઓ પણ તેમ કરી શકે. હિંદીઓ યુરોપિયનોના જેટલી છૂટથી હથિયાર ધારણ કરી શકતા નથી. દક્ષિણ આફ્રિકામાંના હિંદીઓને પણ હથિયાર ધારણ કરવાની એવી ઉત્કંઠા નથી. હિંદમાં માથાવેરાનું અસ્તિત્વ નથી. તો આપ અત્યારના વસાહતી કાનૂન સામે વિરોધ દર્શાવવા જેટલી ભલમનસાઈ બતાવશો અને ગિરમીટ નીચેના અસહાય હિંદીઓની કૃતજ્ઞતા મેળવશો? રાજદ્વારી સમાનતાનો આ તેને તે જ માન્ય સિદ્ધાંત છે જેને આધારે શ્રી દાદાભાઈ નવરોજી બ્રિટિશ લોકસભાના સભ્ય બની શકયા છે.

જો આપને હિંદીઓને સમાન હકો આપવા સામે એવો વાંધો હોય કે "બ્રિટિશ શક્તિ અને પૈસા" વડે, આ સંસ્થાન ઊભું થયું છે તો પછી આપે જર્મનો તથા ફ્રેંચો સામે પણ સ્પષ્ટ રીતે એવો જ વાંધો ઉઠાવવો જોઈએ. એ જ સિદ્ધાંત મુજબ તો, જેમણે પોતાનું લોહી રેડયું છે એવા વસવાટ કરવામાં પહેલ કરનારાઓના વંશજો તો ઇંગ્લંડથી આવનારા અને તેમને હડસેલી કાઢનારાઓ સામે પણ વાંધો ઉઠાવી શકે, શું આ પ્રશ્વ અંગેનો આ સંકુચિત અને સ્વાર્થી વિચાર નથી? કેટલીક વાર હું આપના અગ્રલેખોમાં બહુ ઉમદા અને માનવદયાપ્રેરિત ભાવનાથી ભરેલા વિચારો વ્યક્ત થયેલા વાંચું છું. ગરીબ બિચારા હિંદીના કમનસીબે, જ્યારે આપ હિંદીના પ્રશ્નન વિષે લખો છો ત્યારે આ ભાવનાઓ બાજુ પર મૂકી દેવામાં આવે છે. અને છતાં, આપને એ વાત પસંદ આવે કે ન આવે, તોપણ તે આપના સાથી પ્રજાજન તો છે જ. ઇંગ્લંડ હિંદ ઉપરનો પોતાનો કાબૂ છોડવા નથી માગતું, અને સાથે સાથે તે એના ઉપર દંડાશાહીનું શાસન પણ કરવા નથી માગતું, એમના રાજદ્રારી આગેવાનો કહે છે કે તેઓ અંગ્રેજી રાજયને હિંદીઓ માટે એટલું તો પ્રિય બનાવવા માગે છે કે તેઓ બીજા કોઈ રાજની ઇચ્છા જ નહીં કરે. આપે વ્યક્ત કર્યા છે એવા વિચારોથી શું એ ઈચ્છાઓ પાર પાડવામાં હરકત નહીં ઊભી થાય?

હું ભાગ્યે જ એવા કોઈ હિંદીઓને ઓળખું છું જેઓ ૧,૦૦૦ પાઉંડ કમાતા હોવા છતાં માત્ર ૫૦ પાઉંડ કમાતા હોય એવી રીતે રહેતા હોય. હકીકત એવી છે કે, સંસ્થાનમાં કદાચ જે એકલો ૧,૦૦૦ પાઉંડ કમાતો હોય એવો એકે હિંદી નથી. એવા થોડા લોકો છે ખરા કે જેમનો વેપાર એવું માનવાને કારણ આપે કે તેઓ “ધનના ઢગલા કરી દેતા” હશે. એમનામાંના કેટલાકનો વેપાર જરૂર ઘણો મોટો છે; પણ નફો એટલો મોટો નથી. કારણ કે એમાં ઘણા લોકો ભાગીદાર હોય છે. હિંદીઓને વેપાર ગમે છે, અને જ્યાં સુધી તે સારી રીતે જીવવા જેટલી કમાણી કરી શકે છે ત્યાં સુધી તે બીજાઓને પોતાના નફામાંથી મોટા હિસ્સા આપવામાં હરકત જોતો નથી. તે પોતાના નફાનો મોટો ભાગ જાતે લઈ લેવાનો આગ્રહ નથી રાખતો. યુરોપિયનની માફક હિંદીને પણ પોતાના પૈસા ખરચવા ગમે છે, પણ તે આંધળિયાં કરીને નહીં, મુંબઈમાં અઢળક ધન કમાનાર દરેક વેપારીએ પોતાને માટે ભવ્ય મહેલો જેવાં મકાનો બાંધ્યાં છે. મોમ્બાસામાંનું એકમાત્ર ભવ્ય મકાન એક હિંદીએ બાંધ્યું છે. ઝાંઝીબારમાં હિંદી વેપારીઓ ઘણું ધન કમાયા છે, પરિણામે તેમણે મહેલો ઊભા કર્યા છે અને કેટલાક દાખલામાં આનંદપ્રમોદ માટેનાં મનોરંજનઘરો પણ તેમણે બાંધ્યાં છે. ડરબનમાં કે દક્ષિણ આફ્રિકામાં કોઈ હિંદીએ એ પ્રમાણે કર્યું નથી એનું કારણ એ છે કે તે એ પ્રમાણે કરવા માટે પૂરતું કમાયો નથી. સાહેબ, આપ જો આ પ્રશ્નનનો થોડો વધારે ઝીણવટપૂર્વક અભ્યાસ કરશો (એ કહેવા બદલ આપ મને માફ ! કરશો) તો આપને જણાશે કે આ સંસ્થાનમાં હિંદીઓ તેમની શક્તિ પ્રમાણે માત્ર એટલું જ ખરચે છે જેટલું તેઓ મુસીબતમાં મુકાયા સિવાય ખરચી શકે. એમ કહેવું કે સારી કમાણી કરનારાઓ પોતાની દુકાનના ભોંયતળિયા પર સૂઈ રહે છે, એ વાત, મને કહેવા દો કે, ખોટી છે. છે. જો આપ આપની ભ્રમણા ભાંગવા માગતા હો અને થોડા કલાક માટે જો આપ આપની તંત્રીની ખુરશી છોડશો તો હું આપને થોડી હિંદી દુકાનો ઉપર લઈ જઈશ. કદાચ પછી આપ તેમને વિષે હમણાંના કરતાં ઘણી ઓછી કઠોરતાથી વિચારતા થશો.

હું નમ્રપણે એવું માનું છું કે, કાંઈ નહીં તો બ્રિટિશ સંસ્થાનો માટે હિંદી પ્રશ્નના સ્થાનિક તેમ જ શાહી મહત્ત્વ ધરાવે છે અને હું આગ્રહપૂર્વક કહેવા માગું છું કે એ પ્રશ્ન વિષે ગુસ્સો કરવો અથવા પહેલેથી બાંધેલા ખ્યાલોને મૂર્ત સ્વરૂપ આપવા માટે નક્કર હકીકતો પ્રત્યે આંખો બંધ કરી દેવી એ કાંઈ એનો સંતોષકારક ઉકેલ કાઢવાનો ખરેખરો રસ્તો નથી. સંસ્થાનમાંની જવાબદાર વ્યક્તિઓ માટે એ વાત ફરજરૂપ છે કે તેઓ આ બે કોમ વચ્ચેનું અંતર વધારે તો નહીં જ પણ શકય હોય તો ઓછું કરે. એક વાર હિંદીઓને સંસ્થાનમાં આવવાનું આમંત્રણ આપ્યા બાદ જવાબદાર સાંસ્થાનિકો તેમનું બૂરું શી રીતે ઇચ્છી શકે ? તેઓ હિંદી મજૂરોને દાખલ કર્યા પછી તેનાં સ્વાભાવિક પરિણામોમાંથી છટકી શી રીતે જઈ શકે?

હું છું, વગેરે

 

મેા. ક. ગાંધી

[ મૂળ અંગ્રેજી ]

धि नाताल मर्क्युरी, પ-૯-૧૮૯૫