લખાણ પર જાઓ

ગામડાંની વહારે/૭. જગતનો તાત

વિકિસ્રોતમાંથી
← ૬. ગામડાંના રસ્તા ગામડાંની વહારે
૭. જગતનો તાત
મોહનદાસ કરમચંદ ગાંધી
૮.મંછા ભૂત →



૭.
જગતનો તાત

‘રે ખેડૂત તું ખરે જગતનો તાત ગણાયો’

આ પ્રમાણે નિશાળમાં પ્રાથમિક કેળવણી લેતાં શીખીએ છીએ. તેનો શો અર્થ છે અને જગતના તાત પ્રત્યે આપણી ભક્તિ કેટલી ઓછી છે એનું થોડુંક સ્મરણ શ્રી ચંદુલાલના લેખથી આપણને થાય છે.

શ્રી ચંદુલાલે ખેડૂતોની સ્થિતિ વિષે બહુ ટૂંકામાં પણ અસરકારક લખ્યું છે. એમણે કાઠિયાવાડના ખેડૂતને ઉદ્દેશીને લખ્યું છે. પણ જે વાત કાઠિયાવાડના ખેડૂતને લાગુ પડે છે એ જુદે જુદે રૂપે સમગ્ર હિંદુસ્તાનના ખેડૂતોને લાગુ પડે છે. જ્યાં સુધી ખેડૂતોની હાલત શિક્ષિત વર્ગે વિચારી નથી, જાણીનથી, અનુભવી નથી ત્યાં સુધી એ હાલતમાં સુધારો થવો અશક્ય છે. ખેડૂતોની હાલત વિષે આપણા અગ્રેસરોએ થોડી માહિતી મેળવી છે, થોડું લખ્યું છે, ધારાસભામાં પણ ચર્ચા કરી છે, એમ છતાં એ હાલતનો અનુભવ નહિ હોવાથી તેમાં ખરો સુધારો થઈ શક્યો નથી.

સરકારી અમલદારોએ ખેડૂતોની હાલત બેશક જાણી છે, પણ આમલદારોની સ્થિતિ ખરેખરી દયાજનક છે. એમણે અમલદારોની દૃષ્ટિએ એટલે મહેસૂલ ઉઘરાવવાની દૃષ્ટિએ ખેડૂતોને જોયા છે. વધારેમાં વધારે વિઘોટી નાંખી શકે, ઉઘરાવી શકે એ અમલદાર ચડે, તેને ખિતાબ મળે, અને તે હોશિયાર ગણાય. જે દૃષ્ટિએ જે ચીજને આપણે તપાસીએ તે જ દૃષ્ટિએ તેને આપણે જોઈ શકીએ છીએ. એટલે જ્યાં સુધી કોઈએ ખેડૂતની નજરે ખેડૂતની હાલત તપાસી નથી ત્યાં સુધી તે હાલતનો આબેહૂબ ચિતાર આપણને મળવાનો નથી.

તોપણ કેટલેક દરજ્જે આપણે એ હાલત જાણી શકીએ છીએ . હિંદુસ્તાન કંગાલ છે. હિંદુસ્તાનમાં લાખો માણસોને એક જ ટંક ખાવાનું મળે છે. એ બધાનો અર્થ એટલો જ કે હિંદુસ્તાનના ખેડૂતો કંગાલ છે. અને તેઓમામ્ના ઘણાને એક જ ટંક ખાવાનું મળે છે. ખેડૂતો કોણ? હજારો વીઘાંના માલિક એ પણ ખેડૂત; જેની પાસે એક વીઘું જમીન છે એ પણ ખેડૂત; અને જેની પાસે એક વીઘું જમીન નથી પણ જે બીજાને તાબે રહી ખેતી કરી ભાગમાં કાંઈક દાણો મેળવે છે એ પણ ખેડૂત: અને છેવટે મેં ચમ્પારણમાં એવા પણ હજારો ખેડૂતોને જોયા છે કે જેઓ સાહેબલોકની તેમજ આપણા લોકોની કેવળ ગુલામગીરી જ કરે છે અને જેમાંથી જન્મભર છૂટી શકતા નથી. આ જુદા જુદા પ્રકારના ખેડૂતોની ખરેખરી સંખ્યા આપણને કદી મળવાની નથી, વસ્તીપત્રક બનાવવાની પણ રીત હાય છે. ખેડૂતોની સ્થિતિ તપાસવાને અર્થે વસ્તીપત્રક બનાવવામાં આવે તો એ આપણને આશ્ચર્ય પમાડે અને શરમાવે તેવી ખબરો આપે. ખેડૂતોની દશા સુધારવાને બદલે દિવસે દિવસે બગડતી જાય છે એવી મારો અનુભવ છે. જે ખેડા જિલ્લો આબાદ ગણાય છે ત્યાં પણ જેઓ સારાં ઘર બાંધી શક્યા છે તેઓ તેમાં સમારકામ કરવાને શક્તિમાન રહ્યા નથી. તેઓના ચહેરા ઉપર આપણે આશા રાખી શકીએ એવું તેજ નથી તેઓનાં શરીર જોઈએ તેવાં મજબૂત નથી. તેમનાં છોકરાં રેંજીપેંજી જોવામાં આવે છે. ગામડાઓમાં મરકીએ પ્રવેશ કર્યો છે. બીજા ચેપી રોગોથી પણ લોકો પીડાય છે. મોટા પાટીદારો કરજના બોજા નીચે કચરાયેલા છે. મદ્રાસનાં ગામડાંઓમાં જતાં તો કમકમાટ જ આવે. જોકે જેવો ગાઢો અનુભવ મને ખેડા અને ચમ્પારણનો છે તેવો મદ્રાસનો નથી, તોપણ ત્યાંનાં જે ગામડાં મેં જોયાં છે તેની સ્થિતિ ઉપરથી મદ્રાસના ખેડૂતોની કંગાલિયતનો મને સારો ખ્યાલ આવી શકે છે.

હિંદુસ્તાનને સારુ આ મોટામાં મોટો સવાલ છે. એ સવાલનો ફડચો કેમ થઈ શકે ? ખેડૂતોની હાલત કેમ સુધરી શકે ? એનો વિચાર આપણે ક્ષણે ક્ષણે કરવો આવશ્યક છે. હિંદુસ્તાન તેના શહેરોમાં નથી. હિંદુસ્તાન ગામડાંમાં વસે છે. મુંબઈ, કલકત્તા, મદ્રાસ આદિ નાનાંમોટાં શહેરની વસ્તીનો સરવાળો કરવા જઈશું તો એક કરોડથી ઓછો આવશે. હિંદુસ્તાનનાં સારાં શહેરો ગણવાને બેસીશું તો તે સો ની અંદર હશે. પણ સોથી માંડીને હજાર માણસની વસ્તીવાળાં ગામડાંનો પાર નથી. એટલે આપણે શહેરોને આબાદ કરી શકીએ, શહેરો સુધારી શકીએ તો પણ એ પ્રયત્નની અસર આપણાં ગામડાંઓની ઉપર ઘણી ઓછી થવાની છે. ખાબોચિયાંને સુધારતાં છતાં જેમ પાસેની નદી ઉપર જો તેમાં મેલ રહ્યો હોય તો કશીયે અસર નથી થતી, તેમ શહેરોનું છે. પણ જેમ નદી સુધરવાથી ખાબોચિયાં પોતાની મેળે સુધરી જાય છે તેમ જો આપણે ગામડિયાના જીવનમાં સુધારો, વિકાસ કરી શકીએ તો બીજું બધું એની મેળે સુધરી શકે છે.

'નવજીવન' નું દૃષ્ટિબિન્દુ નિરંતર ખેડૂતોની સ્થિતિ જ રહેશે. એ સ્થિતિ કેમ સુધારી શકાય, એ સુધારવામાં નાનામોટા બધા કેમ ભાગ લઈ શકે, અને જો આપણામાં થોડું જ લશ્કર એવું પેદા થાય કે જે સત્યને જ વળગી પોતાનું કર્તવ્ય કર્યાં કરે તો થોડા સમયમાં આપણે કેમ આગળ વધી શકીએ એ હવે પછી વિચારીશું.


ગયા અંકમા ખેડૂતોની સ્થિતિ વિષે આપણે થોડું વિચારી ગયા. એ સ્થિતિ કેમ સુધરી શકે તે આપણે વિચારવાનું રહ્યું છે.

મિ. લાયોનલ કર્ટિસ, જે લખનૌની મહાસભા વખતે જાહેરમાં આવ્યા હતા, તેમણે એક જગ્યાએ હિન્દુસ્તાનનાં ગામડાંનો આબેહૂબ ચિતાર આપ્યો છે. તેઓ સાહેબ કહે છે કે હિન્દુસ્તાનમાં ગામડાં ઉકરડા જેવા લાગતા ટેકરા ઉપર આવેલાં હોય છે. તેનાં ઝૂંપડાં ખંડેર જેવાં લાગે છે. લોકોમાં તાકાત હોતી નથી. મંદિરો જ્યાંત્યાં હોય છે. ગામડાંમાં સ્વચ્છતા હોતી નથી. રસ્તામાં પુષ્કળ ધૂળ હોય છે. સાધારણ દેખાવ એવો હોય છે કે કેમ જાણે ગ્રામવ્યવસ્થાને સારુ કોઈ જવાબદારા હોય જ નહિ.

આ વર્ણનમાં બહુ અતિશયોક્તિ નથી; અને કેટલેક દરજ્જે તેમાં ઉમેરો પણ કરી શકાય એવું છે. સુવ્યવસ્થિત ગામની રચનામાં કાંઈક નિયમ હોવો જોઈએ. ગામની શેરીઓ જેમતેમ હોવાને બદલે કાંઈક આકારમાં હોવી જોઈએ; અને હિંદુસ્તાન કે જ્યાં કરોડો માણસો ઉઘાડે પગે ચાલનારા છે ત્યાં રસ્તા એટલાં બધાં સ્વચ્છ હોવા જોઈએ કે તેની ઉપર ચાલતાં કે સૂતાં પણ કોઈ જાતનો અણગમો પેદા ન થઈ શકે. શેરીઓ પાકી અને પાણીના નિકાલને સારુ નીકવાળી હોવી જોઈએ. મંદિરો ને મસ્જિદો સ્વચ્છ અને જ્યારે જુઓ ત્યારે નવાં લાગતાં હોવા જોઈએ, અને તેમાં જતાં જનારને શાંતિનો અને પવિત્રતાનો આભાસા આવવો જોઈએ. ગામમાં અને આસપાસ ઉપયોગી ઝાડો અને ફળઝાડો હોવાં જોઈએ. તેને લગતી ધર્મશાળા, નિશાળ અને દરદીઓની માવજત થઈ શકે એવી નાનકડી ઇસ્પિતાલ હોવી જોઈએ. લોકોની નિત્યની હાજતોને સારુ એવી વ્યવસ્થા હોવી જોઈએ કે હવાપાણી, રસ્તા વગેરે ન બગડે. દરેક ગામનાં લોકોમાં પોતાનાં અન્ન વસ્ત્ર ગામમાં જ પેદા કરવાની અથવા બનાવવાની શક્તિ હોવી જોઈએ, અને ચોર લૂંટારા વ્યાઘ્રાદિના ભયની સામે બચાવ કરવાની શક્તિ હોવી જોઈએ. આમાંનું ઘણુંખરું એકવેળા હિંદુસ્તાનનાં ગામડાંમાં હતું. જે ન હતું તેની તે વખતે જરૂરિયાત ના હોય એવો સંભવ છે. હોય અથવા ન હોય, છતાં મેં ઉપર વર્ણવી છે એવી ગામની વ્યવસ્થા હોવી જોઈએ એ વિષે કોઈ શંકા નહિ કરી શકે. આવાં ગામડાં જ સ્વાશ્રયી કહેવાય; અને જો બધાં ગામડાં એવાં હોય તો હિંદુસ્તાનને બીજી થોડી જ ઉપાધિઓ પીડી શકે.

આવી દશા આણવી એ અશક્ય તો નથી જ, પણ આપણે ધારતા હઈશું એવું મુશ્કેલ પણ નથી. હિંદુસ્તાનમાં સાડાસાત લાખ ગામડાં છે એમ કહેવાય છે. એટલે એક ગામડાને વસ્તી સરેરાશ ૪૦૦ થવા જાય. ઘણાં ગામડાંમાં ૧૦૦૦થી ઓછી જ વસ્તી છે. મારી દૃઢ માન્યતા છે કે આવી નાનકડી વસ્તીવાળાં ગામડાંમાં સારી વ્યવસ્થા કરવી એ ઘણું સહેલું છે. તેને સારુ મોટાં ભાષણોની કે ધારાસભાની કે કાયદાઓની જરૂર પડતી નથી. માત્ર એક જ આવશ્યકતા રહે. અને તે હાથના વેઢા ઉપર ગણી શકાય તેટલાં શુદ્ધભાવે કાર્ય કરનારાં સ્ત્રી પુરુષોની. તેઓ પોતાના આચરણથી, સેવાભાવથી પ્રત્યેક ગામડામાં જોઈતા ફેરફારો કરાવી શકે છે. તેઓને રાતદહાડો એ જ કામમાં રોકાવું પડે એવું પણ કાંઈ નથી. તેઓ પોતાની આજીવિકાનું કામ કરતાં છતાં સેવાવૃત્તિ ધરાવવાથી પોતાના ગામડામાં મહત્ત્વના ફેરફાર કરાવી શકે છે.

આવા સેવકોને ભારે કેળવણીની જરાયે આવશ્યકતા નથી. બિલકુલ અક્ષરજ્ઞાન ન હોય તોપણ ગ્રામસુધારાનું કામ થઈ શકે છે. આમાં સરકાર કે રજવાડા વકમાં આવી શકતા નથી, અને તેઓની મદદની ઓછી જરૂર રહે છે. પ્રત્યેક ગામમાં આ પ્રમાણે સ્વયંસેવકો નીકળી પડે તો જરાયે આડંબર વિના, મોટી ચળવળો વિના સમસ્ત હિંદુસ્તાનનું કારી થઇ શકે, અને ઘણા થોડા પ્રયત્નથી અણધાર્યું પરિણામ લાવી શકાય. આમાં દ્રવ્યની પણ જરૂર ન હોય એમ તો વાંચનાર સહેજે સમજી શકશે. જરૂર માત્ર સદાચારની એટલે ધર્મવૃત્તિની રહેલી છે. ખેડૂતોની ઉન્નતિનો આ સહેલામાં સહેલો રસ્તો છે એમ હું અનુભવપૂર્વક જાણું છું. આવા પ્રયાસમાં કોઈ પણ ગામને બીજાં ગામોની રાહ જોવાની જરૂર રહેતી નથી અને કોઈ પણ વ્યક્તિને બીજાની રાહ જોવાની જરૂર રહેતી નથી. જે ગામમાં જે એક પણ પુરુષ અથવા સ્ત્રીને લોકસેવા કરવાનો શુદ્ધ વિચાર થાય તે એ જ ક્ષણે કરી શકે છે, અને તેમાં તેની આખા હિંદુસ્તાનની પૂરેપૂરી સેવાનો સમાવેશ થાય છે. મારી ઉમેદ છે કે ગામડાંઓમાં વસનાર જેઓના હાથમાં આ આવે તે મેં સૂચવેલો અખતરો શરૂ કરશે અને થોડા જ સમયમાં પોતાના અખતરાનું પરિણામ દેશને બતાવી શકશે. એ અખતરો કેમ શરૂ કરી શકાય એ વિષે કેટલાક અનુભવો હું હવે પછીના અંકમાં વાંચનારની આગળ રજૂ કરીશ. પણ જે આ વસ્તુના મહાતત્ત્વને સમજી ગયેલ છે તેવા સેવક એક અઠવાડિયાની પણ રાહ જોયા વિના શરૂ કરી દેશે એવી હું ઉમેદ રાખું છું.

હું કહી ગયો છું કે ગ્રામવ્યવસ્થા સુધારવા બાબત હું મારા કેટલાક અનુભવો આપીશ. દાક્તર હરિપ્રસાદે સ્વ. બહેન નિવેદિતાએ કલકત્તાની એક પોળ કેમ સુધારી તેનો દાખલો આપી આપણને બતાવી આપ્યું છે કે એક એક પુરૂષ અથવા સ્ત્રી પણ, જો ધારે તો કેટલું કરી શકે, ગામડાંઓમાં એવું કામ કરવું એ શહેરોની પોળો સુધારવા કરતાંયે સહેલું છે. ચમ્પારણમાં જ્યારે સ્વાશ્રયી નિશાળો ખોલવાનો નિશ્ચય થયો ત્યારે મેં સ્વયંસેવકોની માગણી કરી હતી. ત્યાં આવેલા સ્વયંસેવકોમાં મરહૂમ દાક્તર દેવ અને બેલગામના શ્રી. સોમણ વકીલ હતા. આ સ્વયંસેવકોને માત્ર ત્રણ કામ કરવાનાં હતાં.છોકરા અને છોકરીઓ આવે તેમને ભણાવવાં, આસપાસનાં ગામના રસ્તા, ઘર વગેરે સાફ રાખતાં ગામડિયાઓને શીખવવું અને સૂચવવું, અને દરદીઓ આવે તેને દવા આપવી. શ્રી. સોમણને ભીતિહરવા કરીને એક ગામડું છે ત્યાં મૂકવામાં આવ્યા હતા. દાક્તર દેવ નિશાળવાળાં ગામોમાં દવાની તજવીજ રાખતા. દરમિયાન એમનો વસવાટ ભીતિહરવાની નિશાળમાં વધારે થયો. ત્યાંના લોકોની ઉપર સુધારા વગેરેની અસર કરવી એ મુશ્કેલ હતું. તેમણે ક્યા ક્યા સુધારા કરવા જોઇએ તે દાક્તર દેવે બતાવ્યું હતું. પણ ગામડિયાઓ દાક્તર દેવનાં વચનને ગાંઠે જ શાના? વાત રસ્તાઓ સાફ કરવાની અને કૂવાની આસપાસ ઢોળાવ કરી બધો કીચડ કાઢી નાખવાની હતી. છેવટે દક્તર દેવ અને શ્રી. સોમણે કોદાળી હાથમાં લીધી અને કૂવાની આસપાસ ઢોળાવ કરવાનું અને રસ્તાઓ ચોખ્ખા કરવાનું શરૂ કર્યું. નાનકડું ગામ તેમાં વાત વીજળીની જેમ પ્રસરી. ગામડિયાઓ દાક્તર દેવનાં વચનનો અર્થ સમજ્યા. દાક્તર દેવના કાર્યમાં જે બળ હતું તે તેમની સૂચનાઓમાં ન હતું. ગામડિયાઓ પોતે પણ સાફ કરવા નીકળી પડ્યા, અને ત્યારથી ભીતિહરવાના કૂવા અને રસ્તા સુંદર દેખાવા લાગ્યા. કચરાના ઢગલાઓ અલોપ થઈ ગયા. દરમિયાન ઘાસની નિશાળ બાંધવામાં આવી હતી તે કોઇ તોફાનીઓએ બાળી મૂકી. હવે શું કરવું એ ભારે સવાલ થઈ પડ્યો. ફરી પાછી ઘાસની નિશાળ બાંધવી અને બળવાનું જોખમ ખેડવું ? શ્રી. સોમણ અને દાક્તર દેવે ઇંટની નિશાળ બાંધવાનો નિશ્ચય કર્યો. હવે તો બન્નેને ભાષણ કરવાની કળા આવડી ગઈ હતી. જોઇતા સામાનની ભિક્ષા માગી. જરૂર જણાઈ ત્યાં પૈસા પણ આપ્યા અને બંનેએ મજૂરી કરવાનું શરૂ કર્યું. પાકી નિશાળનો પાયો તેઓએ હાથે નાંખ્યો એટલે ગામડિયાઓ પણ આવી પડ્યા, કારીગરો પણ યથાશક્તિ મદદ કરવા લાગ્યા, અને ભીતિહરવાની નિશાળ આજ પણ એકબે માણસ ધારે તો શું કરી શકે તેની સાક્ષી રૂપે મોજૂદ છે. આ પ્રમાણેનું કાર્ય એકા ગામડામાં નહિ પણ જે જે ઠેકાણે નિશાળો સ્થાપવામાં આવી તે તે ઠેકાણે ઓછાવત્તા પ્રમાણમાં થયું હતું. અને શિક્ષકોના કાર્યની આકર્ષણશક્તિના પ્રમાણમાં ગામડિયાઓ કામ કરતા થઈ ગયા હતા. આ સેવા કરવામાં ભારે હોશિયારીની જરૂર ન હતી, દિલસોજી અને ખંતની જરૂર હતી. તેની સાથે હોશિયારી, કારીગરી વગેરે બીજેથી મળી રહેતાં હતાં.

ખેડા જિલ્લામાં પાકની આંકણી કાઢવાની હતી. તેમાં બધા ખેડૂતો મડદા ન કરે તો એ કામ થઈ શકે તેવું ન હતું. એક એક ગામડાદીઠ એક એક સ્વયંસેવકે જે ખબરો મેળવવાની હતી તે મેળવી લીધી, એટલું જ નહિ પણ ખેડૂતોના મન હરી લીધાં. આવા અનેક દાખલાઓ જુદી જુદી જગાના હું આપી શકું છું. હવે આપણે ગામડાંને સુવ્યવસ્થિત કરવા ઇચ્છનારે કેમ શરૂ કરવું એ જોઈ શકીએ છીએ. એ પોતે રહેતો હશે તે શેરીને જ પસંદ કરશે. તેમાં વસનારાં બધાંને ઓળખી લેશે. એમના દુઃખમાં જરાયે દેખાવા કર્યા વિના ભાગ લેશે. શેરીની સ્વચ્છતા જાળવવામાં તેઓની મદદ માગશે. પાડોશી હસી કાઢશે, અપમાન પણ કરશે, એ બધું આ સેવક સહન કરશે, અને તેમ છતાં આગળની માફક તેઓના દુઃખમાં ભાગ લેશે અને પોતે એકલો શેરી સ્વચ્છ રાખશે. પોતાની સ્ત્રી, મા બહેન વગેરે ધીમે ધીમે પોતાના આ કામમાં રોકાશે. પાડોશીઓ મદદ કરે અથવા ન કરે તોપણ શેરી તો હંમેશાં સ્વચ્છ જ રહેશે, અને અનુભવે માલૂમ પડશે કે એમ કરતાં વધુ વખત નહિ દેવો પડે. આખરે પાડોશીઓ પોતે કામ કરતા થઈ જશે અને એક શેરીની સુવાસ આખા ગામડામાં ઊડશે.

જો આવા સેવકને વધારે હોંશ હોય અને પોતે ઠીક ઠીક ભણેલ હોય તો પોતાની શેરીમાં છોકરાંઓને અને મોટાંઓ પણ જે નિરક્ષર હોય તેમને અક્ષરજ્ઞાન આપશે. જો પોતાની શેરીમાં કોઈ માંદા હોય અને તેઓ વૈદ્યની દવા કરવા અસમર્થ હોય તો તેને સારું વૈદ્ય શોધી કાઢશે. સારવાર કરનાર કોઈ નહિ હોય તો પોતે સારવાર કરશે. આટલું કરતાં તેને પ્રત્યેક પાડોશીની આર્થિક અને નૈતિક સ્થિતિનું સરસ જ્ઞાન મળશે. તેટલું જ્ઞાન મળવાથી તેમાં જે સુધારા કરવા ઘટે એ સુધારા કરવાની યોજના આવો સેવક રચશે. અને આવા પ્રકારના સુધારા કરતાં કરતાં તેને પોતાના પાડોશીની અને તેની મારફતે આખા ગામની રાજ્યપ્રકરણી સ્થિતિનો પણ ખ્યાલ આવશે. અને જો એ ખ્યાલની સાથે તેનામાં લોકોની પાસેથી એકસંપે કામ લેવાની શક્તિ આવે તો લોકોની રાજ્યપ્રકરણી સ્થિતિ પણ સુધારવાને આવો માણસા સમર્થ થશે. આફ્રિકા, ચંપારણ, ખેડા વગેરે પ્રદેશોમાં હું જોઈ શક્યો કે જેને આપણે અભણ માનીએ છીએ તેવા માણસો પોતાની ખંતને અને લોકલાગણીને લીધે આબાદ સેવા કરી શક્યા છે અને જનસમાજ ઉપર અસર પણ પાડી શક્યા છે. જે જે ગામડામાં મેં એક પણ ચેતનવાળા પુરુષ કે સ્ત્રીને જોયાં છે તે ગામડાંમાં તેઓને મેં ઘણું સરસા કામ કરતાં પણ જોયેલાં છે.

હવે આપણે સ્વચ્છતા વિષેના અને નૈતિક, શારીરિક અને આર્થિક આરોગ્ય વિષેના કેટલાક નિયમો તપાસીશું. મારી ઉમેદા છે કે જેઓએ તે પસંદ પડે તેઓ એ નિયમો પ્રમાણે પોતપોતાના ગામડામાં કાર્ય કરતા થઈ જશે. અને જો એમ થશે તો આપણે થોડા જ સમયમાં કેટલાંક ગામડાંની સ્થિતિ ઉપર ભારે અસર ઉપજાવી શકીશું.


ખેડૂતોની દશાનો વિચાર કર્યો. ગામડાંઓમાં સ્વચ્છતાના નિયમો નથી જળવાતા એ પણ આપણે જોયું. 'પહેલું સુખ તે જાતે નર્યા' એ કહેવતમાં ઘણું સત્ય છે. ભારે ઊંચી દશાએ પહોંચેલ સ્ત્રી-પુરુષ ભલે રોગે પીડાતાં હોય, છતાં તે પોતાની દશા સાચવી શકે. પણ આપણે જેઓને હજુ ટોચે ચડાવાનું છે તે તો રોગગ્રસ્ત હોઇએ તો ચડતાં હાંફીએ જ.

અંગ્રેજીમાં એક કહેવત છે કે 'ઠંડે પગે કોઈ સ્વર્ગે ન જઈ શકે.' ઇંગ્લંડ જેવા ઠંડા મુલકમાં લોકોના પગ ઠંડા રહે તો અકળામણ થાય. ઈશ્વરને સંભારવાનુંયે ત્યારે ન સૂઝે. કહેવત છે કે 'સ્વચ્છતા એ દૈવી સ્થિતિના જેવી છે.' મેલા રહેવાનું કે મેલા વાતાવરણમાં રહેવાનું આપણને કંઈ કારણ નથી. મેલામાં પવિત્રતા ન હોય. મેલ એ અજ્ઞાનની, આળસની નિશાની છે. એમાંથી ખેડૂતો કેમ નીકળે? આપણે સ્વચ્છતાના નિયમો તપાસીએ. ૧. આપણાં ઘણાં દરદોની ઉત્પત્તિ આપણા પાયખાનામાં અથવા આપણી જંગલ જવાની આદતમાં રહેલી છે. દરેક ઘરમાં પાયખાનાની આવશ્યક્તા છે. માત્ર સાજાં ને મોટાં માણસો જ 'જંગલ' જઈ શકે. બીજાંઓને સારુ જો પાયખાનું ન હોય તો તેઓ ફળિયાને, શેરીને કે ઘરને પાયખાનું બનાવી જમીન બગાડે છે ને હવાને ઝેરી કરે છે. તેથી આપણે બે નિયમ ઘડી શકીએ છીએ. જો જંગલ જવું હોય તો ગામથી એક માઈલ દૂર જવું. ત્યાં વસ્તી ન હોવી જોઈએ, માણસોનો પગરવ ન હોવો જોઈએ, જંગલ બેસતી વેળાએ ખાડો ખોદવો જોઈએ, ને ક્રિયા પૂરી કર્યા પછી મેલા ઉપર ધૂળ નાખવી જોઈએ. જેટલી ધૂળ ખોદી કાઢી હોય તેટલી પાછી ઢાંકી દેવાથી મેલું બરોબર દટાઈ જશે. આટલી ઓછામાં ઓછી તસ્દી લઈને આપને સ્વચ્છતાના મોટા નિયમનું પાલન કરી શકીએ છીએ. સમજુ ખેડૂતો પોતાના ખેતરમાં જ શૌચ કરે ને વગર પૈસે ખાતર ભરે. આ એક નિયમ.

આમ જંગલ જતાં છતાં દરેક ઘરને અંગે પાયખાનું જોઈએ જ. તેને સારુ ડબ્બા વાપરવા જોઇએ. ત્યાં પણ દરેક જણે શૌચ કરી રહ્યા પછી પુષ્કળ માટી નાંખવી જોઈએ કે જેથી ત્યાં દુર્ગંધ ન આવે, માખી ન બણબણે, કીડા ઉત્પન્ન ન થાય. એ ડબ્બો હમેશાં બરાબર સાફ થવો જ જોઈએ. ડટ્ટણ જાજરૂ નકામાં છે. પૃથ્વીનું એક ફૂટ લગીનું પડ જંતુઓથી ખદબદતું છે. તેટલા પડમાં જે મેલું આપણે દાટીએ તેનું ખાતર તુરત થઈ જાય છે. બહુ ઊંડે રહેલી માટીમાં એટલા જીવો નથી કે જેઓ મેલાનું ખાતર બનાવી શકે. તેથી ઊંડે દાટેલો મેલ મલિન બાફો પેદા કરી હવાને બગાડે છે. ડબ્બા લોખંડના કે રોગાન ચડાવેલા માટીના હોય તો ચાલે. એમાં પણ પૈસાનું ખર્ચ નથી, માત્ર ઉદ્યમની જરૂર છે. પેશાબ પણ જ્યાં ત્યાં ન જ થવો જોઈએ. શેરીઓમાં પેશાબ કરવામાં પાપ સમજવું જોઈએ; તેથી પેશાબ કરવાનાં કૂંડા હોવાં જોઈએ ને તેમાં પણ માટી પુષ્કળ હોય તો જરાયે દુર્ગંધ ન આવે, છાંટા ન ઊડે, ને એ માટીનું પણ ખાતર બને. આ બીજો નિયમ. દરેક ખેડૂત જો આ નિયમોનું પાલન કરે તો તેના આરોગ્યમાં વૃદ્ધિ થાય, એટલું જ નહિ પણ તે આર્થિક લાભ મેળવે; કેમકે વગર મહેનતે તેને સુવર્ણમય ખાતર મળે.

૨. શેરીઓ વચ્ચે થૂંકાય નહિ, નાક સાફ થાય નહિ. કેટલાકનું થૂંક એટલું ઝેરી હોય છે કે તેમાંથી જંતુઓ ઊડે છે ને ક્ષય થાય છે. રસ્તા પર થૂંકવું એ કેટલીક જગ્યાએ ગુનો ગણાય છે. પાન જરદો ખાઈને જેઓ થૂંકે છે તેઓ તો બીજાની લાગણીઓનો વિચાર જ નથી કરતા. થૂંક, લીંટ વગેરે ઉપર પણ ધૂળ નાખવી જોઈએ.

૩. પાણી વિષે ખેડૂતો અતિશય બેદરકારી રાખે છે. કૂવાતળાવ જેમાંથી પીવા રાંધવાનું પાણી લેવામાં આવે તે સ્વચ્છ જ હોવાં જોઈએ. તેમા પાંદડાં ન હોવા જોઈએ. તેમાં નવાય નહિ, તેમાં ઢોર નવરાવાય નહિ, તેમાં લૂગડાં ન ધોવાય. આમાં પણ થોડી પ્રથમની મહેનતનું જ કામ છે. કૂવો સાફ રાખવો એ તો સહેજ વાત છે. તળાવ સાફ રાખવું તેથી જરા કઠિન છે. પણ લોકો કેળવણી પામે તો સહુ સહેલું છે. બગડેલું, મેલું થયેલું પાણી પીતાં સૂગ ચડે તો આપણે પાણીની સ્વચ્છતાના નિયમો સહેજે જાળવી શકીએ. પાણી હમેંશાં જાડા અને સ્વચ્છ કપડામાં ગાળવું જોઇએ.

એક ડોશી એક મેજ સાફ કરતી હતી. સાબુથી ધુએ ને મસોતાથી લૂછે, એટલે મેજ કેમ સાફ થાય જ નહિ. ડોશી સાબુ બદલે, મસોતાં બદલે, પણ મેજ તેવો ને તેવો. કોઈએ કહ્યું, "ડોશીમા, મસોતું બદલી સાફ કપડું લો તો હમણાં મેજ સાફ થાય." ડોશી સમજ્યાં. તેવી રીતે આપણે મેલા કપડાથી ગાળીએ કે લૂછીએ તેના કરતાં ન જ ગાળીએ તો પણ ચાલે.

શેરીઓમાં કચરો ન જ નંખાય એ નિયમ સમજાવવાઅનું હોય જ નહિ. કચરાનું પણ શાસ્ત્ર છે. કાચ લોઢું વગેરે ઊંડા ડટાય. છોડિયાં ને દાતણની ચીરો ધોઈ સૂકવાય ને બળતણમાં વપરાય. ચીંથરાં વેચાય. એઠું, શાકના છોલાં વગેરે દટાય ને તેનું ખાતર બને. આમ બનેલા ખાતરના મેં ઢગલા જોયેલા છે. ચીંથરાના કાગળો બને છે. ગામડામાં કચરો ઉપાડી જનાર કોઈ હોવાની જરૂર ન હોવી જોઈએ, કેમ કે કચરો ઘણો ઓછો હોય છે ને તે મુખ્યત્વે ખાતર કરવા જેવો હોય છે.

ગામની કે ઘરોની આસપાસ પાણી ભરાઈ રહે એવાં ખાડાખાબોચિયાં ન જ હોવાં જોઈએ. જ્યાં પાણી ભરાઈ રહેતું ન હોય ત્યાં મચ્છરોની ઉત્પત્તિ ન થાય, જ્યાં મચ્છર ન હોય ત્યાં મલેરિયા ઓછો થાય. દિલ્લીની આસપાસ પાણી ભરાઈ રહેતું તે પૂરાઈ ગયા પછી ત્યાં મચ્છરો પ્રમાણમાં ઘટ્યા અને મલેરિયા પણ ઘટ્યો.

ઉપરના સ્વચ્છતાના નિયમોથી આ લેખ શું ચીતર્યો એમ કોઈ નહિ કહે એવી હું ઉમેદ રાખું છું. આનિયમોના પાલન પર એકવીસ કરોડ ખેડૂતોના આરોગ્યનો આધાર છે.

જે સ્વયંસેવક પોતાના ગામડામાં આવા નિયમોની કેળવણી ખેડૂતોને આપશે તે પોતાના ગામડાના રહેવાસીઓનો આવરદા વધારશે, રોગો અટકાવવાનો મહાઉપાય યોજશે. સૌથી મુશ્કેલ આ કામ છે, કેમ કે તેના રસ લેનારા થોડા છે. છતાં તે કોઈ દહાડો પણ કર્યે છૂટકો છે. આ ધર્મના પાલનમાં ભૂલને અવકાશ નથી. જેટલો પળાય તેટલું ફળ દેશે. જેને શરૂ કરવું હોય તે કરીને એક વર્ષમાં પોતાના ગામડાની તંદુરસ્તી બદલાવી શકશે.