ગા ક્ષણિકનાં ગાન

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ગા ક્ષણિકનાં ગાન,
રે મન ! ગા ક્ષણિકનાં ગાન

(૧)
આજ આ સંધ્યાની ઝલકે
અકારણ આનંદ પુલકે,
સ્ફુરે નવલાં ગાન
રે મન ! ગા ક્ષણિકનાં ગાન

(૨)
જે પલક નિરખી, પલક મલકી
ક્યાંય ચાલ્યાં જાય,
જે પીઠ ફેરી મીટડી પણ
માંડવા નવ ચાય;
એ સૌ ક્ષણિકનાં ગાન
ગા મન ! ગા ક્ષણિકનાં ગાન

(૩)
દૈ હાથતાળી, વાત ટાળી,
રાત સાથે ના સુએ;
નવ વાત પૂછે, નેણ લૂછે,
પાછું વાળી ના જુએ;
એવાં સકળનાં ગાન
ગા મન ! ગા ક્ષણિકનાં ગાન

(૪)
ના થજે હેરાન, રે મન
ના થજે હેરાન !
આ સનાતન, એ ચિરંતન,
કરીશ ના એ કાંઈ ચિંતન
આજને દિનમાન

વીતી ગયેલી વાતડીના
સ્મરણ-ગજરા ગૂંથજે ના,
ના થજે હેરાન,
ગા મન ! ગા ક્ષણિકનાં ગાન

(૫)
આવનારાં ભલે આવે,
જે થનારું હોય થાવે;
ખેર ! સઘળાં ચલ્યા જાવે
ક્ષણ તણા મેમાન;
ગા મન ! ગા ક્ષણિકનું ગાન

(૬)
હો ભલે અવસાન, રે મન !
હો ભલે અવસાન.
જેને જીવન થોડુંક તેનાં
દે થવા્ અવસાન.
ફુલહાર ટૂટ્યો ફૂલ ખરિયાં,
ભ્રષ્ટ થૈને ધૂળ ઢળિયાં,
વીણતા હેવાન,
એનું ભલેરું અવસાન.
ગા મન ! ગા ક્ષણિકનું ગાન

(૭)
સમજું નહિ તેને સમજવા ના ચહું,
મળતું ન તેની ખોજ શા માટે લહુ,
જે મળ્યું તેથી પ્યાસ છિપવી,
ગયું તેની ખોટ છુપવી
થવા દે અવસાન
બાકી સર્વનું અવસાન;
રે મન ! ગા ક્ષણિકનું ગાન

(૮)
રોતું રહે નાદાન
મન રોતું રહે નાદાન !
તુજ હાથ બાંધી ગાંઠ તેને
છેદે પણ તુજ હાથથી;
સન્મુખ ઊભું છે જે સહજ
તે લે લગાવી બાથથી,
દુર્લભ બધાંને દૂર ઠેલી
આજ દે સન્માન
રે મન ! ક્ષણિકને સન્માન

(૯)
આ સંધિકાનાં કિરણ પલભર
ચડે ઝરણાં-ઘોડલે,
આ બુન્દ ઝાકળ તણું પલભર
ઝૂલે ફૂલ-અંબોડલે.

ત્યમ તું ય પલભર
ગાન દિલભર
ગાઈ થા નિર્વાણ;
ગા મન ! ક્ષણિક સૌનાં ગાન