લખાણ પર જાઓ

ગિરી તળેટી ને કુંડ દામોદર

વિકિસ્રોતમાંથી
ગિરિ તળેટી ને કુંડ દામોદર
કાવ્ય
નરસિંહ મહેતા



ગિરિ તળેટી ને કુંડ દામોદર, ત્યાં મેહતોજી નહાવા જાયઃ
ઢેઢ વરણમા દૃઢ હરિભક્તિ, તે પ્રેમ ધરિને લાગ્યા પાય. ગિરિ.
કરજોડીને પ્રાર્થના કીધી, વિનતિતણા બહુ વદ્યા રે વચંનઃ
મહાંત પુરુષ અમારી અરજ એટલી, અમારે આંગણે કરો રે કીર્તન. ગિરિ.
પ્રેમ પદારથ અમો રે પામિયે, વામિયે જન્મ મરણ જંજાળ;
કરજોડતા કરુણા ઉપજી, મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ. ગિરિ.
પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, સમ દૃષ્ટિને સર્વ સમાન;
ગૌમૂત્ર તુલસી વૃક્ષ લીપજો, એવું વૈષ્ણવને આપ્યું વાક્યદાન. ગિરિ.
મેહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો ઓચ્છવ;
ભોર થયા લગિ ભજન કીધું, સંતોષા પામ્યા સૌ વૈષ્ણવ. ગિરિ.
ઘેર પધાર્યા હરિ જશ ગાતા, વાતા તાળ ને શંખ-મૃદંગ
હસી હસી નગરો તાળિયો લે છે, આ શારે બ્રાહ્મણના *[] ઢંગ. ગિરિ.
મૌન ગ્રહીને મેહેતાજી ચાલ્યા, અધવધરાને શું ઉત્તર દેઉં;
જાગ્યા લોક નર નારી પૂછે, મેહેતાજી તમે એવા શું ?. ગિરિ.
નાત ન જાણો ને જાત ન જાણો, ના જાણો કઈ વિવેકવિચાર;
કરજોડી કહે નરસૈંયો, વૈષ્ણવતણો મને છે આધાર. ગિરિ.

  1. * એક પ્રતમાં “નાગરના” છે.