લખાણ પર જાઓ

ગીતાધ્વનિ/અધ્યાય ૮

વિકિસ્રોતમાંથી
← અધ્યાય સાતમો ગીતાધ્વનિ
અધ્યાય ૮મો : યોગીનો દેહ ત્યાગ
કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા
અધ્યાય નવમો →



અધ્યાય ૮મો
યોગીનો દેહ ત્યાગ

અર્જુન બોલ્યા—
શું તે બ્રહ્મ? શું અધ્યાત્મ? શું કર્મ, પુરુષોત્તમ?
અધિભૂત કહે શાને? શું, વળી, અધિદૈવ છે? ૧

અધિયજ્ઞ અહીં દેહે કોણ ને કેમ છે રહ્યો?
તમને અંતવેળાએ યતિએ કેમ જાણવા? ૨

શ્રીભગવાન બોલ્યા--
અક્ષર[] તે પરબ્રહ્મ, અધ્યાત્મ તો સ્વભાવ જે;
ભૂતો સૌ ઊપજાવે તે વિસર્ગ કર્મ જાણવું. ૩

ક્ષર ને જીવના ભાવો અધિભૂતાધિદૈવ તે;
અધિયજ્ઞ[] હું પોતે જ દેહીના દેહમાં અહીં. ૪
મ’ને જ સ્મરતો અંતે છોડી જાય શરીર જે,
મારો જ ભાવ તે પામે, તેમાં સંશય ના કશો. ૫

જે જેયે સ્મરતો ભાવ છોડી જાય શરીરને,
તેને તેને જ તે પામે સદા તે ભાવથી ભર્યો. ૬

માટે અખંડ તું મારી સ્મૃતિને રાખતો લડ;
મનબુદ્ધિ મ’ને અર્પ્યે મ’ને નિ:શંક પામશે. ૭


અભ્યાસ યોગમાં યુક્ત મન બીજે ભમે નહીં,
અખંડચિંતને પામે પરંપુરુષ દિવ્ય તે. ૮

પુરાણ, સર્વજ્ઞ, જગન્નિયંતા,
સૂક્ષ્માતિસૂક્ષ્મ સહુના વિધાતા;
આદિત્યવર્ણ, તમથીય પાર,
અચિંત્યરૂપ સ્મરતો સદા જે. []

પ્રયાણકાળે સ્થિર ચિત્ત રાખી,
લૈ ભક્તિ સાથે બળ યોગનુંયે;
ભવાં વચે પ્રાણ સુરીત આણી,
યોગી પરંપુરુષ દિવ્ય પામે. ૧૦

જેને કહે ‘અક્ષર’ વેદવેત્તા,
જેમાં વિરાગી યતિઓ પ્રવેશે;
જે કાજ રાખે વ્રત બ્રહ્મચર્ય,
કહું તને તે પદ સારરૂપે. ૧૧

રોકીને ઇંદ્રિય દ્વારો, રૂંધીને હ્રદયે મન,
સ્થાપીને તાળવે પ્રાણ, રાખીને યોગ-ધારણા; ૧૨

ૐ,ૐ,ૐ, એકાક્ષરી બ્રહ્મ ઉચ્ચારી સ્મરતો મ’ને,
જે જાય દેહને છોડી, તે પામે છે પરંગતિ. ૧૩


સતત એક ચિત્તે જે સદા સંભારતો મ’ને,
તે નિત્ય-યુક્ત યોગીને સે’જે હું પ્રાપ્ત થાઉં છું. ૧૪

મ’ને પોં’ચી મહાત્માઓ, પામેલા શ્રેષ્ઠ સિધ્હિને,
વિનાશી, દુ:ખનું ધામ, પુનર્જન્મ ધરે નહીં. ૧૫

બ્રહ્માના લોક પર્યંત આવાગમન સર્વને;
પરંતુ મુજને પામી પુનર્જન્મ રહે નહીં. ૧૬

હજાર યુગનો દા’ડો, હજાર યુગની નિશા;
બ્રહ્માના દિનરાત્રીના વિદ્વાનો એમ જાણતા. ૧૭

અવ્યક્તથી બધી વ્યક્તિ નીકળે દિન ઊગતાં;
રાત્રી થતાં ફરી પામે તે જ અવ્યક્તમાં લય. ૧૮

તે જ આ ભૂતનો સંઘ ઊઠી ઊઠી મટી જતો,
પરાધીનપણે રાત્રે; નીકળે દિન ઊગતાં. ૧૯

તે અવ્યક્ત થકી ઊંચો બીજો અવ્યક્ત ભાવ છે;
તે શાશ્વત નહીં નાશે, ભૂતો સૌ નાશ પામતાં. ૨૦

કહ્યો અક્ષર, અવ્યક્ત, કહી તેને પરંગતિ;
જે પામ્યે ન ફરે ફેરા,-- તે મારું ધામ છે પરં. ૨૧

પરં પુરુષ તે પ્રાપ્ત થાય અનન્ય ભક્તિથી—
જેના વિષે રહે ભૂતો, જેનો વિસ્તાર આ બધો. ૨૨

જે કાળે છોડતાં દેહ યોગી પાછા ફરે નહીં;
જે કાળે ફરે પાછા, તે કાળ કહું છું હવે. ૨૩


અગ્નિજ્યોતે[], દિને, શુક્લે, છ માસે ઉત્તરાયણે,
તેમાં જે બ્રહ્મવેત્તાઓ જાય તે બ્રહ્મ પામતા. ૨૪

ધુમાડે, રાત્રીએ, કૃષ્ણે, છ માસે દક્ષિણાયને,
તેમાં યોગી ફરે પાછો પામીને ચંદ્રજ્યોતિને.[] ૨૫

શુક્લ-કૃષ્ણ ગણી આ બે ગતિ વિશ્વે સનાતન;
એકથી થાય ના ફેરા, બીજીથી ફરતો વળી. ૨૬

આવા બે માર્ગ જાણે તે યોગી મોહે પડે નહીં;
તે માટે તું સદાકાળ યોગયુક્ત બની રહે. ૨૭

વેદો તણાં, યજ્ઞ-તપો તણાંયે,
દાનો તણાં પુણ્ય ફળો કહ્યાં જે;
તે સર્વ આ જ્ઞાન વડે વટાવી,
યોગી લહે આદિ મહાન ધામ. [] ૨૮


  1. [ક્ષર (વિનાશી) ભાવ તે અધિભૂત, અને જીવભાવ તે અધિદૈવ.]
  2. [“અધિ”નો સાધારણ અર્થ “સંબંધી”, “લગતું”.]
  3. [સૂક્ષ્મથી પણ અતિસૂક્ષ્મ, આદિત્ય—(સૂર્ય) જેવા વર્ણ(રંગ)વાળા.]
  4. [જ્યોતિ—જ્વાળા છતે.]
  5. [જ્યોતિ—તેજોમય લોક.]
  6. [અન્વય—“ તે સર્વ આ ” (=આ સર્વ બ્રહ્મ છે, એ) જ્ઞાન વડે વટાવી અથવા –તે સર્વ(વેદ, યજ્ઞ, તપ ઇ૦ આ(બે માર્ગોના) જ્ઞાન વડે વટાવી.]