ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ/અલખબુલાખી

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કૃષ્ણારામ ગુજરાતી ભાષાના કવિયોનો ઇતિહાસ
અલખબુલાખી
દલપતરામ
ડુંગરબારોટ →


એ કવિ અમદાવાદનો સાઠોદરો નાગર હતો. તે વેદાંતી હતો. સંવત ૧૯૦૫માં હયાત હતો. તેને ગુલાબ ભારતી નામના ગોસાંઈનો ઉપદેશ લાગ્યો હતો. તે શેહેર બહાર એક જગા બાંધીને રહ્યો હતો. ગાંજો પીતો હતો. તેની કવિતાની ચોપડી એક થોડાંક વર્ષ ઊપર તેના એક સેવકે છપાવેલી છે. પદ, ગરબી, ધોળ વગેરે તેણે રચેલાં છે. તે કવિ ત્રીજા વર્ગમાં ગણવા લાયક છે. તેના શિષ્યો પણ અમદાવાદમાં ૨૦૦ આશરે છે. તેઓ અલખબુલાખીને મોટા પુરૂષનો અવતાર માને છે. સારંગપર તળિયાની પોળમાં રામભટજી નામે છે. તે તેના મુખ્ય સેવક હાલ ગણાય છે. તેને ઘેર અલખબુલાખીની ચાંખડીઓ પૂજાય છે. બીજા સેવક લોકો ધર્મને દહાડે ત્યાં ભેળા થઈને અલખબુલાખીનાં રચેલાં કીરતન ગાય છે. અલખબુલાખીની મરણતિથિનું પદ કાવ્યદોહનના બીજા ભાગમાં છે, તે તેણે પોતે જ બનાવેલું છે, એમ તેમના શિષ્યો કહે છે.

ગાયકવાડ મહારાજના સરવૈયરખાતાના ઉપરી, ખુશાલરાય સારાભાઈ, કે જેણે અંગ્રેજી સારો અભ્યાસ કરેલો છે. તે ભાઈ અલખબુલાખીને પોતાનો ગુરૂ માને છે. અલખબુલાખી મૂર્તિને કે અવતારને માનતો નહોતો. એની કવિતા તેના શિષ્યોને તો ઘણી પ્યારી લાગે છે. અને તેની તારીફ કરે છે, પણ બીજા કવિયોની કવિતા સાથે સરખાવી જોતાં, તે કવિતા સાધારણ જેવી લાગે છે.