ઘરમાં નો'તી ખાંડ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ઘરમાં નો’તી ખાંડ ત્યારે શીદ તેડી’તી જાન ?
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તી ખારેક ત્યારે શીદ તેડ્યા’તા પારેખ ?
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તી ગાગર ત્યારે શીદ તેડ્યા’તા નાગર ?
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તી જાજમ ત્યારે શીદને તેડ્યું’તું મા'જન ?
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તી સોપારી ત્યારે શીદ તેડ્યા’તા વેપારી ?
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તા લોટા ત્યારે શીદ તેડ્યા’તા મોટા ?
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તા લાડવા ત્યારે શીદ તેડ્યા’તા જમવા ?
મારા નવલા વેવાઈ

ઘરમાં નો’તા દીવા ત્યારે શીદ માંડ્યા’તા વીવા ?
મારા નવલા વેવાઈ

ઘરમાં નો'તું મીઠું ત્યારે શીદ બોલ્યા'તા જુઠું ?
મારા નવલા વેવાઈ