ચાબખા/પદ-૮, દુનિયાં દીવાની કહેવાશેરે

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
← પદ-૭, ભક્તિ શિશતણું સાટુંરે ચાબખા
ભોજા ભગત


દુનિયાં દીવાની કહેવાશેરે, ભુંડી ભિતોમાં ભટકાશે. - ટેક.
પાપ જ્યારે એનું પ્રગટ થશે ત્યારે, ભૂવા જતિ ઘેર જાશે;
ધુણી ધુણી એની ડોક જ દુઃખસે, ને લેનારો લેઈ ખાશેરે. દૂનિયાં.
સ્વર્ગમાં નથી સૂપડું ને, નથી ખાંડણિયો ને ઘંટી;
દુધ ચોખાના જમનારા તમે, કેમ કરી જમશો બંટીરે. દૂનિયાં.
ઢોંગ કરીને ધુતવાને આવે ત્યારે, હાથ બતાવા સૌ જાશે;
ક્યારે આના કર્મનું પાનુંરે ફરશે, અને ક્યારે પુત્ર જ થાશેરે. દૂનિયાં.
કીમિયાગર કોઇ આવી મળે ત્યારે, ધનને વાસ્તે ધાશે;
ભોજો ભગત કહે ભ્રમણામાં ભમતાં, ગાંઠની મૂડિ ગમાશેરે. દૂનિયાં.