ચાલ રમીએ સહિ

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
ચાલ રમીએ સહિ
નરસિંહ મહેતા


૫દ ૩૪ મું.

ચાલ ચાલ સૈયર સહિ ! મહેલ મથવું મહી,
વસંત આવ્યો વનવેલ ફૂલી;
મહોરિયા અંબ કદમ, કોકીલ લવે વસંત,
કુસુમ કુસુમ રહ્યો ભમર છલી. ચાલ

સાર ને હાર આભૂષણ, ગજગામિની, કહવારની કહું છું, ચાલ ઊઠી;
રસીક મુખ ચુમીએ, વળગીએ, ઝુંબીએ, આજ તો લાજની દોવાઈ છૂટી. ચાલ.
ચૂવા ચંદન ચર્ચાં, વળી અરગજા, કેસર ગાગર લોને ભરી;
કોણ પુણ્યે કરી, પામી સુંદર વર, આ અવસર નહિ આવે ફરી. ચાલ.

હેતે હરી વશ કરી, નાવલો ઉર ધરી, કરગ્રહી કૃષ્ણજી પાછા કેમ ફરશે;
નરસૈંયાચા સ્વામી રંગમાં, અંગે ઉદમસ્ત હવો, કોઇ પણ દિવસને ખંગ વળશે. ચાલ.

અન્ય સંસ્કરણ[ફેરફાર કરો]

ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી,
વસંત આવ્યો વનવેલ ફૂલી;
મ્હોરિયા અંબ, કોકિલ લવે કદંબ,
કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી.

પહેર શણગાર ને હાર, ગજગામિની,
ક્યારની કહું છું જે ચાલ ઊઠી;
રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ,
આજ તો લાજની દુહાઈ છૂટી.

હેતે હરિ વશ કરી લ્હાવો લે ઉર ધરી,
કર ગ્રહી કૃષ્ણજી પ્રીતે પળશે;
નરસૈંયો રંગમાં અંગ ઉન્મત થયો,
ખોયેલા દિવસનો ખંગ વળશે.