લખાણ પર જાઓ

છલકાતું આવે બેડલું

વિકિસ્રોતમાંથી
છલકાતું આવે બેડલું
લોકગીત



છલકાતું આવે બેડલું

છલકાતું આવે બેડલું !
મલકાતી આવે નાર રે
મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું !

મારા ગામના સુતારી રે
વીરા તમને વીનવું,
મારી માંડવડી ઘડી લાવો રે
મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું !

મારા ગામના લુહારી રે
વીરા તમને વીનવું,
મારી માંડવડી મઢી લાવો રે
મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું !

મારા ગામના રંગારી રે
વીરા તમને વીનવું,
મારી માંડવડી રંગી લાવો રે

મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું !

મારા ગામના કુંભારી રે
વીરા તમને વીનવું,
મારે ગરબે કોડિયાં મેલાવો રે
મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું !

મારા ગામના પિંજારી રે
વીરા તમને વીનવું,
મારા ગરબે દિવેટ મેલાવો રે
મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું !

મારા ગામના ઘાંચીડા રે
વીરા તમને વીનવું,
મારે ગરબે દિવેલ પુરાવો રે
મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું !

મારા ગામના મોતીઆરા રે
વીરા તમને વીનવું,

મારો ગરબો ભલેરો શણગાર રે
મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું !

મારા ગામની દીકરિયું રે
બેની તમને વીનવું,
મારો ગરબો ભલેરો ગવરાવો રે
મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું !

મારા ગામની વહુવારુ રે
ભાભી તમને વીનવું,
મારો ગરબો ભલેરો ઝીલાવો રે
મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું !

વિશેષ માહિતી

[ફેરફાર કરો]

૧૯૭૭ના ગુજરાતી ચિત્રપટ "મનનો મણિગર" માં લોકગીત વપરાયું હતું.