જગાવ્યો મેં અહાલેક

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

જગતના ચોકની વચ્ચે જગાવ્યો મેં અહાલેક
પ્રભો તુજ દ્વારમાં ઊભી જગાવ્યો મેં અહાલેક

નથી લીધી પ્રભો દીક્ષા નથી ઓઢી મેં કફની
નમી તુજ પાય છું તેવો જગાવ્યો મેં અહાલેક

કમંડલ મારું ખાલી ભર્યું તુજ અક્ષયપાત્ર
દીઠી ભંડારમાં ભિક્ષા જગાવ્યો મેં અહાલેક

ઘટા ઘેરી પડી નભની ન મુજ નયનો ભેદે
શ્રવણ તે ભેદશે તારાં જગાવ્યો મેં અહાલેક

વિરાજે છે તું દિલદરિયાવ અયિ અદ્‌ભુત યજમાન
અણું શું તો અમીકણ દે જગાવ્યો મેં અહાલેક

ઘડાવી પાવડી જગનાથ પ્રવૃત્તિ કેરી
ચડી તે પર જીવન ધપતાં જગાવ્યો મેં અહાલેક

નહિ કાંઈ મળે તોયે મળ્યું દર્શનનું દાન
મળી સળગી મીટેમીટ ને જગાવ્યો મેં અહાલેક

ઊંડી ઝોળી રહી અધૂરી જરી તલ ભીંજાયું
જડ્યું જીવનું જીવન મારું જગાવ્યો મેં અહાલેક

જગતના ચોકની વચ્ચે જગાવ્યો મેં અહાલેક
પ્રભો તુજ દ્વારમાં ઊભી જગાવ્યો મેં અહાલેક