જાગો રે જશોદાના જાયા

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
જાગો ને જશોદાના જાયા
નરસિંહ મહેતા


જાગોરે જશોદાના જીવન, વહાણેલાં રે વાયાં‚
તમારે ઓશીકે, મારાં ચીર તો ચંપાયા… જાગોરે. ટેક
પાસું રે મરડો તો વહાલા ! ચીર લીઉરે તાણી‚
સરખી સમણી સૈયરો સાથે, જાવું છે પાણી. જાગો.
પંખીડા બોલે રે વહાલા ! રજની રહી થોડી‚
સેજલડીથી ઉઠો વહાલા ! આળસડાં મોડી. જાગો.
સાદડી [૧] પાડું તો વહાલા લોકડીઆં જાગે‚
અંગુઠો મરડું તો પગના ઘૂધરા ગાજે. જાગો.
સાસુડી જાગેરે વેરણ‚ નણદી જાગે‚
ઓ પેલી રે પાડોસણ ઘેર, વલોણું વાજે. જાગો.
જેને જેવો ભાવ હોયે તેને, તેવુંરે થાએ‚
નરસૈયાચા સ્વામી વિના રખે, વાહાણલું વાએ. જાગો.


અન્ય સંસ્કરણ

જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા‚

તમારે ઓશીકડે મારાં ચીર તો ચંપાયા…
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

પાસું રે મરડો તો વા’લા ! ચીર લઉં હું તાણી રે‚
સરખી રે સૈયરું સાથે જાવું છે પાણી રે…
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

પંખીડા બોલે રે વા’લા ! રજની રહી થોડી રે‚
સેજલડીથી ઊઠો વા’લા ! આળસડાં મરોડી રે…
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

તું ને સાદ રે પાડું તો વા’લા ! સૂતાં લોકું જાગે રે‚
અંગુઠો મરડું તો મારા દલડામાં દાઝે…
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

સાસુડી હઠીલી વેરણ‚ નણદી મારી જાગે રે‚
પેલી રે પાડોશણ ઘેરે વલોણું ગાજે…
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

જેને જેવો ભાવ હોયે‚ તેને તેવું થાવે રે‚
નરસૈયાના સ્વામી વિના વ્હાણલું ના વાયે…
જાગો ને જશોદાના જાયા ! વ્હાણલાં રે વાયા…

  1. * ધીમો સાદ