જીવણ જીવને જ્યાં રાખીએ

વિકિસ્રોતમાંથી
જીવણ જીવને જ્યાં રાખીએ
દાસી જીવણ




જીવણ જીવને જ્યાં રાખીએ


જીવણ જીવને જ્યાં રાખીએ‚ વાગે અનહદ તૂરા રે‚
ઝળહળ જ્યોતું ઝળહળે‚ વરસે નિરમળ નૂરા રે… જીવણ જીને૦

પાંચ તત્વ ને ત્રણ ગુણ છે‚ પચીસ પ્રકૃતિ વિચારી રે‚
મંથન કરી લ્યો મૂળનાં‚ તત્વ લેજો એમાંથી તારી રે… જીવણ જીવને૦

ગંગા જમના ને સરસ્વતી રે‚ તરવેણી ને ઘાટે રે‚
સુખમન સુરતા રાખીએ‚ વળગી રહીએ ઈ વાટે રે… જીવણ જીવને૦

અણી અગર પર એક છે‚ હેરો રમતાં રામા રે‚
નિશ દિન નીરખો નેનમાં‚ સત પુરૂષ ઊભા સામા રે… જીવણ જીવને૦

અધર ઝણકારા હુઈ રિયા‚ કર વિન વાજાં વાગે રે‚
સુરતા ધરીને તમે સાંભળો‚ ધૂન ગગનુંમાં ગાજે રે… જીવણ જીવને૦

એવી નુરત સૂરતની રે સાધના‚ પ્રેમીજન કોક પાવે રે‚
અંધારું ટળે એનાં અંતરનું‚ નૂર એની નજરુંમાં આવે રે… જીવણ જીવને૦

આ રે સંદેશો સતલોકનો રે‚ ભીમદાસે ભેજ્યો રે‚
પત્ર લખ્યો છે રે પ્રેમથી‚ જીવણ ! તમે લગનેથી લેજો રે… જીવણ જીવને૦